ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે.
કરમદા એ કેરી, કેળા, સફરજન જેવું પ્રચલિત ફળ નથી એટલે બધા એને ઓળખતા ન હોય એવું પણ બને. પણ કરમદીનાં જાડ જંગલી અવસ્થામાં ઉગી નીકળતા હોય છે અને અમારા જેવા જૂનાગઢના વતનીઓ માટે તો ગીર અને ગિરનાર એમ બે સ્થળેથી મબલખ કરમદા મળી રહે.
વિસ્તારના પ્રમાણમાં માત્ર ચાર ટકા વૃક્ષો ધરાવતા અમદાવાદમાં પણ કરમદા મળી રહે છે, બે રીતે. એક તો ક્યાંક ક્યાંક માર્કેટમાં વેચાતા હોય છે. બીજું, ઘણી જગ્યાએ કરમદી ઉગેલી હોય છે, તેના અતિ મજબૂત કાટાંથી બચીને કરમદા વીણી શકાય.
કરમદા મળ્યાં પછી તેનું અથાણુ મીનાએ આ રીતે બનાવ્યું હતું.
- કરમદા લઈ સાફ કરવા, બરાબર ધોવા કેમ કે કરમદીમાં રહેલી ચીકાશ આ બોર જેવડાં નાનાં-નાનાં ફળો પર પણ ચોંટેલી હશે.
- થોડું તેલ ચૂલા પર મુકી રાઈ તતડે એટલે સુધી ગરમ થવા દેવું.
- તેમાં પહેલા રાઈ, પછી હિંગ અને હળદર નાખી છેલ્લે કરમદા નાખી દેવાના.
- થોડુ મીઠું નાખી થોડી વાર તેલમાં તતડવા દેવાના.
- એ પછી થોડો ગોળ નાખવો અને પ્રવાહી થવા દેવો.
- ગોળ સંપૂર્ણ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી અચાર મસાલો નાખી દેવો.
- વાનગી તૈયાર.
ચોમાસાના સમયે અમે જેટલી વખત ગિરનાર આરોહણ કર્યું એટલી વખત પગથિયાંની આસપાસ કરમદીનાં વૃક્ષો જોવા મળ્યાં છે અને એમાંથી કરમદા ખાવાનો લાભ મળ્યો હોય છે. ઊંચાઈ-ટેકરીવાળા વિસ્તારમાં સરળતાથી ઉગી નીકળે છે.
દરેક ફળની માફક કરમદાના પણ અનેક આયુર્વેદિક લાભો છે. પરંતુ એ લાભ આપણને કદાચ કોઈ કમરાદાના ફળ પેક કરીને એમેઝોન કે શોપિંગ મોલમાં વેચે તો સમજાય એવા યુગમાં આપણે જીવી રહ્યા છીએ.
અલબત્ત, ગ્રામ્ય વિસ્તારમાં કરમદાનું મહત્વ સમજનારો મોટો વર્ગ છે. રતાશ પડતાં પીળાં એ અર્ધ પાકેલાં કરમદા છે. કાચા હોય ત્યારે લીલા કલરનાં હોય અને સીધા જ ખાઈ શકાય. ખાટા લાગે એની અલગ મજા છે. સાવ પાકેલાં કરમદા કાળા હોય છે. એને પણ ખાઈ જ શકાય.
વિવિધ રાજ્યોમાં કરમદાંના વિવિધ નામો છે, ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારમાં તેના અલગ અલગ નામ છે. અંગ્રેજીમાં karanda/karonda/carandas એવા નામે ઓળખાય છે.
કરમદીના વૃક્ષો આસપામાં ઉગી નીકળે અને વૃક્ષોનું ઝૂંડ એટલે કે ઢૂવો બનાવે છે. ગીરમાં આવા ઢૂવાનો પાર નથી. આવા ઢૂવા જંગલી જીવોને રહેવા માટે કુદરતી આવાસ પૂરો પાડે છે. પણ એક સજીવને આ ઢૂવા બહુ માફક આવે છે, એ સજીવનું નામ સિંહરાણા… એટલે ગીરમાંથી પસાર થતી વખતે કરમદીનો ઢૂવો છે એવી જાણકારી મળે તો પણ નજીક જતાં પહેલા સાવધાન રહેવું.