રાહદારી-પ્રવાસીઓ ભુલા ન પડે એટલા માટે શેર શાહ સુરીએ રસ્તાના કાંઠે દિશા-દર્શક મિનારા ઉભા કરાવ્યા હતા. ચાર-પાંચ સદી પછી પણ એ પૈકીના કેટલાક મિનારા અણનમ ઉભા છે…
મધરાતના સમયે ઘોડેસવાર દિલ્હીથી આગ્રાની વાટ કાપી રહ્યો છે. નભમાં તારા ટમટમી રહ્યાં છે. ચો-તરફ વગડો છે અને તેમાંથી ઘૂવડ જેવા નિશાચરોના અવાજ સંભળાઈ રહ્યાં છે. રસ્તાના કાંઠે તમરાની તમતમાટી ચાલી રહી છે. વચ્ચે વચ્ચે પવન થોડા-ઘણા સૂસવાટા કરી લે છે. એ સિવાય કોઈ અવાજ સંભળાતો નથી. આજથી ચારસો-સાડા ચારસો વર્ષ પહેલાનો એ સમય છે.
ભેંકાર રાત હોવા છતાં પ્રવાસીને ડર નથી. નથી ડર રાતનો કે નથી ડર રસ્તો ભુલા પડવાનો. કારણ કે તેને દિશા ચીંધી બતાવવા માટે દર એક કોસના અંતરે મિનારા ઉભા કરેલા છે. અને એટલે જ એ મિનારા ‘કોસ મિનાર’ તરીકે ઓળખાય છે. ત્યારે એ મિનારા માર્ગદર્શક હતા અને આજે ઈતિહાસદર્શક બનીને ઉભા છે.
***
અત્યારના જીપીએસ યુગમાં રસ્તાના કાંઠે ખોડેલા માઈલ સ્ટોનનું ખાસ મહત્ત્વ રહ્યું નથી. બે શહેર વચ્ચેનું અંતર કેટલું છે એ જાણવા માટે પણ મોબાઈલમાં રહેલો ગૂગલ મેપ કે પછી ડિસ્ટન્સ કેલ્ક્યુલેટર આપણને કામ લાગે છે. પણ અહીં વાત થઈ રહી છે પાંચ સદી પહેલા શહેનશાહી યુગની. જ્યારે અંતરનું માપ કોસ ગણાતુ અને દિલ્હીની ગાદી પર અફઘાનિસ્તાનથી આવેલા શેર શાહ સૂરીનું રાજ ચાલતું હતું (એક કોસ બરાબર અંદાજે સવા ત્રણ કિલોમીટર. અલબત્ત, કોસનું માપ અલગ અલગ વિસ્તારમાં થોડું અલગ અલગ પણ હતું). ઉપર વર્ણવેલો મુસાફરીનો પ્રસંગ તો કાલ્પનિક છે, પણ ત્યારની સ્થિતિ ખાસ અલગ નહીં હોય. કેમ કે રસ્તાના કાંઠે બાંધેલા કોસ મિનાર મુસાફરોની મદદ માટે અણનમ ઉભા હતા. આજે પણ ઉભા છે.
***
શેર શાહ સૂરી અને એ પછી દિલ્હીમાં સત્તા પર આવ્યા પછી એશિયાને વિશ્વ સાથે જોડવા રસ્તાનું કામ-કાજ શરૃ કરાવ્યુ હતું. મૂળ તો મહાન હિન્દુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના યુગમાં બિહારથી શરૃ કરીને અફઘાનિસ્તાન તરફ જતો રસ્તો બંધાયો હતો. ઉત્તર તરફ જતા એ રસ્તાનું નામ ઉત્તરપથ હતું અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ છે.
એ રસ્તાનું મહત્ત્વ બરાબર ઓળખી ગયેલા સૂરીએ પથ-સુધારણા કામગીરી શરૃ કરી. સૂરીએ રસ્તાનું બરાબર રિનોવેશન કરાવ્યું અને કાંઠે સુવિધાઓ વધારી. એ વખતે માર્ગદર્શન માટે રસ્તાના કાંઠે મિનારા પણ બાંધવાની શરૃઆત થઈ જે હવે કોસ મિનાર કહેવાય છે. રસ્તો ધમધમતો થયો એ પછી તો અફઘાનિસ્તાન કે મધ્ય એશિયા તરફથી આવતા આક્રમણખોરોને ભારતમાં સરળતાથી પ્રવેશ પણ મળતો થયો.
મુઘલ સત્તા આવી ત્યારે પણ મિનારાનું બાંધકામ ચાલતુ રહ્યું. અંગ્રેજોએ એ રસ્તાનું નામ બદલીને ‘ધ ગ્રાન્ડ ટ્રન્ક રોડ’ કરી દીધું હતું. એ રસ્તો હવે સળંગ રહ્યો નથી. પરંતુ જીટી રોડ નામના રસ્તા દિલ્હી સહિતના શહેરોમાં છે. જીટી રોડ એશિયાના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. અઢી હજાર કિલોમીટર લાંબા એ રસ્તાની સફર આસાન ન હતી. ખાસ તો જંગલો, નદી, નાળા, ડુંગર, ખીણને કારણે મુસાફરો રસ્તો ભુલી જાય કે ખોટા રસ્તે ચડી જાય એવી પુરી શક્યતા હતી. એટલા માટે શેર શાહે રસ્તાના કાંઠે અંતર અને દિશા બન્ને દર્શાવતા મિનારાનું બાંધકામ શરૃ કરાવ્યું. સરેરાશ ત્રીસેક ફીટ ઊંચા એ મિનારા દર એક કોસના અંતરે હતા.
ક્યાં ક્યાં છે કોસ મિનાર?
દિલ્હીમાં કુલ તો ૩ છે, પણ પુરાના કિલ્લા પાસે ઝૂમાં આવેલો કોસ મિનાર પ્રવાસીઓ માટે સૌથી સરળ છે. અંબાલાના કપડાં માર્કેટમાં પણ એક કોસ મિનાર છે. અજમેર, કરનાલ, પાનિપત, સોનેપત, ઔરંગાબાદ, મથુરા.. એમ ઘણા સ્થળોએ કોસ મિનાર ચાર-પાંચ સદી પછી પણ સચવાયેલા છે. ગ્રાન્ડ ટ્રન્ક રોડ ભારતના ઉત્તર ભાગે, ગંગાના મેદાની વિસ્તારમાંથી પસાર થતો હતો. એટલે આજે સચવાયેલા મિનારા પણ હરિયાણા, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ જેવા રાજ્યોમાં જ છે.
મોગલકાળનો એક રસ્તો આગ્રાથી સુરત સુધી લંબાતો હતો. પરંતુ એ રસ્તે સુરત નજીક કોઈ કોસ મિનાર બંધાયાનો ઉલ્લેખ મળતો નથી. સૂરીનું શાસન ગયું અને મુઘલ સામ્રાજ્યની શરૃઆત થઈ. એ પછી પણ કોસ મિનારનું બાંધકામ ચાલ્યુ હતુ. કુલ મળીને હજારથી વધુ કોસ મિનાર બંધાયા હતા. મુઘલ સામ્રાજ્ય નથી રહ્યું તો, પરંતુ એ વખતના કેટલાક કોસ મિનાર આજેય સચવાઈ રહ્યાં છે.
‘ભારતીય પુરાતત્ત્વ ખાતા’એ તૈયાર કરેલા લિસ્ટ પ્રમાણે ૧૧૦ કોસ મિનારને ‘સંરક્ષિત સ્મારક’ ગણાવીને રક્ષણ અપાયું છે. શક્ય છે કે હજુ થોડા વધુ કોસ મિનાર હોય, પરંતુ એ ધ્યાને ન ચડયા હોય. આમ તો ઊંચાઈને કારણે કોસ મિનાર દૂરથી જ ઓળખવા બહુ સરળ છે. પણ ક્યાંક તૂટી ગયા છે, ક્યાંક બીજી રીતે નુકસાનગ્રસ્ત થયા છે. માટે ઘણી વખત કોસ મિનાર દૂરથી મિનારાને બદલે ઓટલા જેવા પણ લાગી શકે છે.
મુઘલોની સત્તા વખતે દિલ્હી ઉપરાંત આગ્રા જેવા શહેરોનું મહત્ત્વ પણ વધ્યું. એટલે દિલ્હી-આગ્રા, આગ્રા-અજમેર, દિલ્હી-લાહોર, એવા અનેક રસ્તા ધમધમતા થયા હતા અને એ બધા રસ્તે પણ કોસ મિનાર બંધાયા હતા.
એક મિનાર, ત્રણ પ્રકાર
ઈતિહાસકારોએ કોસ મિનારના ૩ પ્રકાર પાડયાં છે. એક પ્રકારના મિનારા સાવ સાદા હતા. આજે રસ્તાના કાંઠે કિલોમીટર લખેલા પથ્થર જોવા મળે તેનું કદાવર સ્વરૃપ હોય એવા. બહુકોણિય પાયા પર ગોળાકાર અને ઉપરથી થોડા પાતળાં થતાં જતા ટાવર ઉભા કરેલા હતા. શિલ્પ-સ્થાપત્યના કોઈ હિરા-મોતી તેમાં ટાંકવામાં આવ્યા ન હતા. તેનું કામ શબ્દશઃ રસ્તો બતાવવાનું અને રસ્તો કેટલો રહ્યો એ ગણવા માટે ઉપયોગી થવાનું હતું. જોકે આવા કોસ મિનાર પર કેટલા કોસ પસાર થયા, કેટલા કોસ બાકી રહ્યાં એવુ કોઈ લખાણ લખેલું રહેતું ન હતું. એ યુગમાં કદાચ એવા લખાણનું મહત્ત્વ ન હતું. માત્ર મિનારો ઉભો હોય તેનાથી પ્રવાસ સરળ થઈ જતો હતો.
બીજા પ્રકારના કોસ મિનાર જરા ઊંચા દરજ્જાના હતા. અલબત્ત, તેની ઊંચાઈ તો સરખી જ રહેતી પણ બાંધકામ જરા કલાત્મક રીતે કરવામાં આવતું. ચો-તરફ થોડું નકશીકામ-શિલ્પકામ-ચીત્રકામ જોવા મળતું હતું. દેખાવે એ જરા વધુ આકર્ષક લાગતા હતા.
ત્રીજા પ્રકારના કોસ મિનાર માત્ર મિનારા ન રહેતા આખું વિશ્રામ-સ્થળ હતા. એ મિનારા સાથે મસ્જીદ, પ્રવાસીઓ વિશ્રામ લઈ શકે એવુ મકાન, પાણી માટે કુવો, જરૃર પડે ત્યાં સૈનિકોનો ચોકી-પહેરો વગેરે પણ રહેતા હતા. એટલે મિનારાને એકલો ઓળખવો મુશ્કેલ થઈ પડતો હતો. એક ગામથી બીજા ગામ સંદેશો પહોંચાડતા ટપાલીઓ પણ આવા સ્થળે બ્રેક લેતાં, સરકારી કાગઝાતની આપ-લે કરતાં હતા. એવા મિનારા પ્રવાસીઓથી ધમધમતા રહેતા હતા.
રસ્તો છે, તો રાજ છે
આજે પ્રવાસ એ કદાચ મનોરંજનનો વિકલ્પ ગણાય છે. પરંતુ જગતના ઈતિહાસમાં પ્રવાસ કાયમ સામ્રાજ્ય વિસ્તારવાનું હથિયાર રહ્યો છે. પ્રવાસ વગર નવાં નવાં પ્રદેશો જીતી ન શકાય કે પોતાના રજવાડાંની ભૂગોળ જાણી પણ ન શકાય. એટલા માટે રસ્તા જરૃરી હતા અને રસ્તા સાથે કોસ મિનાર જેવી સુવિધા પણ જરૃરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ જ પોતાના રાજ્યમાં રસ્તા કાંઠે બન્ને તરફ વૃક્ષો, જળાશયો, દવાખાના, પુલ વગેરે બંધાવ્યા હતા. પ્રવાસીઓને ઓછામાં ઓછી તકલીફ પડે એ મૂળ ઉદ્દેશ હતો. તેમને ખબર હતી કે રસ્તો જ નહીં હોય તો રાજ ક્યાંથી રહેશે?
વટેમાર્ગુ અજાણ્યો હોય અને રસ્તામાં એકેય કોસ મિનાર ન દેખાય તો એ સમજી જાય કે મૂળ રસ્તો છોડીને આડે પાટે ચડી ગયો છે. માટે કોસ મિનાર તેમને રસ્તો બતાવવાનું કામ કરતાં હતા.
સદીઓ સુધી અણનમ રહેતું બાંધકામ
કોસ મિનાર આમ તો ઈંટના અને ક્યાંક ચૂનાના પથ્થરના જ બનેલા છે. પરંતુ એ વખતના મજબૂત બાંધકામને કારણે ૧૧૦ પૈકી ઘણા કોસ મિનાર બહુ સારી હાલતમાં છે. મોટા ભાગના કોસ મિનાર ૩૦ ફીટ સુધીની ઊંચાઈના છે. એટલે ઊંચાઈ અંગેના ધારા-ધોરણો પણ નક્કી જ હતા. કેટલાક કોસ મિનારની ગોળાઈ વધુ હતી અને તેમાં અંદરથી ઉપર જઈ શકાય એવી સીડી પણ હતી.
જેટલા કોસ મિનાર ધ્યાને ચડયા તેમને ફરતે ફેન્સિંગ કરીને સુરક્ષીત કરી દેવાયા છે. દિલ્હી જેવા મહત્ત્વના શહેરોમાં આવેલા કોસ મિનાર તો વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. પણ પ્રવાસીઓ સુધી તેની જાણકારી પહોંચતી નથી અને સરકારે પણ કોસ મિનાર અંગે લોકોને જાણ થાય એવા પ્રયાસ કર્યા નથી. એટલે દિલ્હીના ગ્રાન્ડ ટ્રન્ક રોડ પરથી પસાર થતી વખતે રસ્તા કાંઠે રહેલો રતૂમડાં કલરનો કોસ મિનાર દેખાય તો પણ તેનું મહત્ત્વ લોકોને ખબર હોતુ નથી.
બ્રિટિશરો વખતે ભારતમાં અંતર માપવા માટે માઈલનો ઉપયોગ શરૃ થયો અને આઝાદી પછી હવે તો કિલોમીટર વપરાય છે. કોસનો ઉપયોગ હવે થતો નથી, પણ જૂની પેઢી તેનાથી વાકેફ જરૃર છે. કેમ કે નાબુદી પછી પણ ઘણા વર્ષો સુધી લોકો સમજૂતી માટે કોસનું એકમ વાપરતા હતા. બીજી તરફ વધતા શહેરીકરણ અને સતત થતા બાંધકામો વચ્ચે ટકી રહેલા કોસ મિનારા ક્યાં સુધી અડિખમ રહેશે એ પણ એક સવાલ છે.
હાથીની યાદમાં બનેલો હિરણ મિનાર
ફતેહપુર સીક્રીના રેલવે સ્ટેશન પાસે જ એક આકર્ષક લાલ પથ્થરોનો બનેલો ટાવર ઉભો છે. એ ૭૨ ફીટ ઊંચો ટાવર હિરણ મિનાર તરીકે ઓળખાય છે. આખા ટાવર ફરતે ખીંટીં ખોડેલી હોય એવી ડિઝાઈન છે. હાથીદાંતની પથ્થરની આકૃતિ બનાવીને ટાવરમાં ફરતે જડી લેવાઈ છે. બાદશાહ અકબરના પ્રીય હાથીનું નામ ‘હિરણ’ હતું. તેનું અવસાન થયા પછી તેની યાદમાં આ ટાવર બાંધવામાં આવ્યો હતો. ભારે ખર્ચ કરીને બનાવાયેલો આ ટાવર રસ્તો બતાવવા માટે ન હતો, પણ તેનું વોટર મનેેજમેન્ટ રસપ્રદ હતું. અહીં એકઠું થતું પાણી માછલીના મુખ આકારના પથ્થરમાંથી બહાર નીકળતું હતું. ઉપર સુધી પહોંચી શકાય તો ઉપર ઝરૃખો પણ છે, જ્યાંથી દૂર સુધી નજર પહોંચાડી શકાય છે. આ કલાત્મક મિનારા ઉપરાંત વળી કોસ મિનાર તો ફતેહપુરમાં છે જ.
ચોરને ચોરી ભુલાવતો ચોર મિનાર
દિલ્હીના હઝ-એ-ખાસ વિસ્તારમાં એક ચોર મિનાર આવેલો છે. કોસ મિનાર કરતાં ક્યાંય પહેલા એ મિનારો અલ્લાઉદ્દિન ખિલજીના વખતમાં એટલે કે ૧૩મી સદીમાં બન્યો હતો. વિશાળ ચોરસ પ્લેટફોર્મ પર બનેલો એ મિનારો દૂરથી પાણીના ટાંકા જેવો વધારે લાગે છે. એ મિનારામાં ફરતે અનેક હોલ બનાવેલા છે.
કુલ ૨૨૫ હોલ હતા એમાંથી ૨૦૪ હોલ બાકી રહ્યાં છે. કોઈ ચોરી કરતાં પકડાય તો તેનું માથુ કાપીને હોલમાં ફીટ કરી દેવાતુ હતુ. જેથી બાકીના ચોરને એ જોઈને જ ખબર પડે કે ચોરીનું કામ ચાલુ રાખવાનું છે કે મુકી દેવાનું!