સુવર્ણનગરી જેસલમેરનો પ્રવાસ

રણના હૃદયમાં વસેલું જેસલમેર બે-ત્રણ દિવસના પ્રવાસ માટેનું સૌથી ઉત્તમ સ્થળ છે. ૧૧૫૬માં આ શહેરનું નિર્માણ રાવલ જેસલ ભાટીએ પોતાની રાજધાની રૂપે કર્યું હતું તેથી જ આનું નામ જેસલમેર રાખવામાં આવ્યું હતું.

વિશ્વા જે. મોડાસિયા

મેરુ પર્વત પર સ્થિત જેસલમેર કિલ્લાને તિરકૂટ ઘર પણ કહેવામાં આવે છે કારણ કે તે ત્રિકોણાકારનો બનેલો છે. તે ઉપરાંત આ કિલ્લાને સોનાર કિલ્લો પણ કહેવામાં આવે છે કારણ કે જ્યારે સૂર્યના કિરણો પીળા કલરના રેતીના પથ્થર પડે છે ત્યારે આખુ શહેર સોનાનું બનેલું હોય તેવું દેખાય છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે જેસલમેરનો કિલ્લો ખૂબ જ સુંદર પ્રતીત થાય છે. આ કિલ્લાની અંદર આવેલ રાજમહેલ જૈન મંદિર તથા લક્ષ્મીનાથ મંદિર જોવાલાયક સ્થળ છે.
ખાવાના શોખીનોએ જેસલમેરમાં મળતી ત્યાંની પ્રખ્યાત દાલબાટી ચુરમા તથા ગટ્ટાનું શાક અચૂકપણે ચાખવુ જોઈએ. જેસલમેરની એક વિશેષતા એ છે કે તમે ત્યાં જમવાનું ટેરેસ રેસ્ટોરન્ટમાં લઈ શકો છો. ટેરેસ રેસ્ટોરેન્ટ પરથી કિલ્લાનું દ્રશ્ય જોતા જોતા જમવાની ખુબ જ મજા આવે છે.


જેસલમેર કિલ્લાથી ૬ કિલોમીટર દૂર આવેલું બડા બાગ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ બાગમાં રાજા મહારાજાઓના સમયમાં મહારાજાઓને દફન કરી તથા તેમની ઉપર પિરામિડની જેમ બાંધકામ કરવામાં આવતું હતું. આ બાંધકામને છત્રી ના નામે ઓળખવામાં આવે છે. તે સમયની કલાકૃતિ તથા સંસ્કૃતિ આ બાંધકામમાં જોવા મળે છે.


જેસલમેરની બહાર આવેલ ગડીસાગર તળાવ ખૂબ જ સુંદર જગ્યા છે. આ તળાવને કિનારે કિનારે બેઠા બેઠા ઉગતો સૂરજ તથા કિલ્લાને જોવાનો લ્હાવો અનોખો છે. રણની વચ્ચે આવેલ આ તળાવ મહારાજા રાવલ જેસલ ભાટીએ જેસલમેરમાં પાણીની અછતને દૂર કરવા માટે બનાવ્યું હતું. આ તળાવમાં તમે બોટિંગ કરી શકો તે ઉપરાંત તળાવમાં આવે અલગ અલગ જાતિના પંખીઓને જોઈ શકો છો. જો તમને શાંતિ જોઈતી હોય તો આ તળાવ સૌથી ઉત્તમ સ્થળ છે.

જેસલમેર નું સૌથી મુખ્ય આકર્ષણ છે ત્યાંની ડેઝર્ટ સફારી જેસલમેરથી ૪૫ કિલોમીટર દૂર આવેલી સેમ સેન્ડ ડુન્સ સહારાના રણની યાદ અપાવે તેવી જગ્યા છે. દૂર દૂર સુધી પથરાયેલી રેતીના ઢૂવા ઉપર ઉપર ઊંટ ઉપર બેસીને સવારી કરવાની મજા અનોખી છે. તે ઉપરાંત તમે ત્યાં કેમ્પમાં રાત પણ રોકાઈ શકો છો અને ત્યાંના સ્થાનિક લોકોની મહેમાનગતિ પણ માણી શકો છો. અહીંયા દર વર્ષે ફેબ્રુઆરી તથા માર્ચમા  ડેઝર્ટ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે જેને દેશ તથા વિદેશના લોકો જોવા માટે ઉમટી પડે છે. લોક નૃત્ય, કટપુતળીનું નૃત્ય, ઊંટ દોડ આ ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ છે. તે ઉપરાંત ત્યાં ક્વાડ બાઇકિંગ, પેરા સેલિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા પણ માણી શકાય છે.


જેસલમેરની પાસે આવેલી ડેઝર્ટ નેશનલ પાર્ક બાળકો માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. આ પાર્કમાં ઊંટ, રણનું શિયાળ, ચિંકારા, વરૂ, કાળા હરણ, રણની બિલાડી વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. અહીંથી ૧૭ કિલોમીટર દૂર આવેલો અકાલ વુડ ફોસ્લિસ પાર્કમાં પણ વિવિધ પ્રાણી, પંખી અને વૃક્ષોનાં લાખો વર્ષ જૂના અવશેષો  જોવા મળે છે.

જેસલમેરથી 20 કિલોમીટર દૂર આવેલું કુલધરા ગામ ભારતના હોરર સ્થળના લિસ્ટમાં આવતું હોવાથી પર્યટકોને ખૂબ આકર્ષે છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાં રહેતા લોકોએ રાતોરાત રાજાના ત્રાસના કારણે ગામ ખાલી કરી દીધું હતુ. ખંડેર બની ગયેલું ગામ દેખાવ માં જ ભયાનક સ્થળ લાગે છે. આ ગામમાં કોઇને પણ રાત રોકાવવાની મનાઈ છે.


જેસલમેરથી 122 કિલોમીટર દૂર લોગેવાલા બોર્ડર પર આવેલ  તનોટ માતાજીનું મંદિર ચમત્કારી મંદિર માનવામાં આવે છે. 1971ની ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનીઓએ રાતના સમયે 3000 જેટલા બોમ્બ આ મંદિરના પ્રાંગણમાં નાખ્યા હતા પણ માતાજીની કૃપાથી એક પણ બોમ્બ બ્લાસ્ટ થયો ન હતો. અને ભારતીય સૈન્ય એ યુદ્ધમાં વિજય પામ્યું હતું. તેથી જ ભારતના સૈનિકોને તનોટ માતાજીમા ખુબજ શ્રદ્ધા છે તથા આ મંદિરનું ધ્યાન બી.એસ.એફના જવાનો રાખે છે.

આ મંદિરની અંદર નાનકડું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાને ફેંકેલા પણ ન ફૂટેલા બોમ્બ  રાખવામાં આવ્યા છે. તેથી જ આ મંદિર પર્યટકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંથી થોડે દૂર યુદ્ધમાં વપરાયેલી ટેન્ક તથા તોપ મૂકવામાં આવેલી છે જેની સાથે પર્યટકો ફોટા લઈ શકે છે. બીએસએફ ની પરમિશન લઇને ભારત-પાકિસ્તાનની બોર્ડર પણ જોઈ શકો છો.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “સુવર્ણનગરી જેસલમેરનો પ્રવાસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *