પૂર્વરંગ-હિમરંગ : હિમાલય અને પૂર્વોત્તર ભારતની સફર

મૂળ મરાઠીમાં લખાયેલા પુસ્તક પૂર્વરંગ-હિમરંગને મહારાષ્ટ્ર સરકારનો પુરસ્કાર મળ્યો છે. લેખિકા ડો.પ્રતિભાએ હિમાલયના જાણીતા અને અજાણ્યા તથા પૂર્વોત્તરના તમામ રાજ્યોની સફર આ દળદાર પુસ્તકમાં સમાવી લીધી છે.

પૂર્વરંગ-હિમરંગ- ડો.પ્રતિભા આઠવલે
અનુવાદ – ડો. અલકા પ્રધાન
કિંમત – રૃપિયા 425
પાનાં – 335
પ્રકાશન – નવજીવન ટ્રસ્ટ (079-27540635)

આપણે 108 પર ફોન કરીએ એટલે તુરંત મેડિકલ સુવિધા ઘરે અથવા જ્યાં જરૃર હોય ત્યાં આવી પહોંચે છે. પણ હિમાલય કે પછી ઉત્તર-પૂર્વોત્તરના રાજ્યોની સફર ખેડનારા જાણતા હશે કે ત્યાં આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી બહુ મુશ્કેલ છે. પ્રવાસ-ટ્રેકિંગ શોખીન ડો.પ્રતિભા આવા વિસ્તારોમાં ફર્યાં ત્યારે તેમને ત્યાં મેડિકલ કેમ્પની જરૃરિયાત સમજાઈ. એ પછી તેઓ નિયમિત રીતે આવા પૂર્વોત્તર વિસ્તારોમાં ડેન્ટલ કેમ્પ કરી રહ્યાં છે. આ પુસ્તક જોકે કેમ્પ કે સારવાર વિશેનું નથી. આ પુસ્તક પ્રવાસનું છે. કેમ કે લેખિકા મૂળભૂત રીતે પ્રવાસી છે.. ફરતાં રહે છે, કેમ્પ કરતાં રહે છે. કેમ્પને કારણે તેમને સામાન્ય પ્રવાસીઓને ન મળતી હોય એવી સ્થાનિક જિંદગી જોવા મળી છે, જે આ પુસ્તકમાં અફલાતૂન રીતે રજૂ થઈ છે.

પુસ્તક મૂળ મરાઠીમાં લખાયેલું છે, ગુજરાતીમાં તેનો અનુવાદ થયો છે. મહારાષ્ટ્ર સરકારે આ પુસ્તકને પુરસ્કાર પણ આપ્યો છે. પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘આ પુસ્તક કેળવ પ્રવાસ વર્ણન નથી. હિમાલયના અતરંગમાં ડોકિયું કરતી વખતે સુખ-સુવિધાનાં પગરખાં ઘરે મૂકીને જઈએ તો જ ખરા અર્થમાં હિમરંગમાં રંગાતા આવડશે.’

ડેન્ટલ કેમ્પની જરૃર અંતરિયાળ વિસ્તારમાં વધુ હોય, જ્યાં સુવિધા ઓછી હોય. સુવિધા ઓછી હોય, તો સફર પણ મુશ્કેલ બને જ ને… એ મુશ્કેલી ભાવિ પ્રવાસીઓ માટે માર્ગદર્શન પણ છે. ભૂગોળ છે, ધાર્મિક માન્યતા છે, સામાજિક સ્થિતિ છે અને પોતાના અનુભવો છે.

પુસ્તક મૂળભૂત રીતે બે ભાગમાં છે. પૂર્વરંગ એટલે પૂર્વાંચલના રાજ્યોની સફર, હિમરંગ એટલે હિમાલયના જાણ્યા અને અનેક અજાણ્યા સ્થળોની સફર. સાથે કેટલાક કલર ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે, જે સફરને વધારે અસરકારક રીતે રજૂ કરે છે. એ પુસ્તકમાં શું છે, એ જાણવા તેના કેટલાક અંશો જોઈએ.

  • બ્રહ્મપુત્રની એક ખાસિયત છે કે તે પોતાનો પ્રવાહ સતત બદલે છે તેથી આસપાસના દલદલમાં સતત વધારો થાય છે અને આથી તેની પર પુલ બાંધવો અઘરો છે. એવું પણ બન્યું છે કે એક જગ્યાએ પુલ બાંધ્યા પછી પ્રવાહ બદલવાને લીધે તે પુલની નીચેથી કદી પાણી પણ ન વહ્યું હોય.
  • ખરસંગથી લગભગ એકાદ કલાકના અંતરે (અરૃણાચલ અને મ્યાનમારની સરહદ ઉપર) ‘નામદાફા’ નામે એક અભયારણ્ય આવેલું છે. આસામાની રંગના પાણીથી બે કાંઠે વહેતી દિબાંગ નદીના કિનારા પરથી આ પહાડનો રસ્તો વહેતો જાય છે. દૂર અંતરે બરફથી ઢંકાયેલા પર્વતો દેખાય છે. જંગલમાં ફૂલોનો અખૂટ ખજાનો છે, તમારી ગાડીની આસપાસ તમને હજારોની સંખ્યામાં અલગ અલગ રંગના પતંગિયા ઘેરી લે છે.
  • શ્રીકૃષ્ણના જોડે રુક્મિણી જ્યારે સાસરે જવા નીકળી ત્યારે બ્રહ્મપુત્રને પાર કરતી વખતે હોડીમાં બેસી ત્યારે એમને માથે વસ્ત્ર ઓઢાડીને બ્રહ્મપુત્રને વંદન કર્યું હતું. આજે પણ આ પ્રથા ચાલુ છે. મિશ્મિ સ્ત્રીઓ માથે વસ્ત્ર ઓઢીને નદીને વંદન કરીને હોડીમાં બેસે છે.
  • આસામના ડુંગરાળ ઓંગલોંગનો કરબી સમાજ પોતાને સુગ્રીવના વંશજો સમજે છે, તો મેઘાલયના ખાસી લોકો પોતાને એકલવ્યના વંશજો સમજે છે અને તેથી તેઓ ધનુષ્યબાણ ચલાવતી વખતે અંગુઠાનો ઉપયોગ કરતા નથી.
  • અરૃણાચલમાં જન્મથી અંધ અથવા અપંગ કે પાગલ બાળકો ખૂબ જ ઓછાં, તેથી અંધશાળા, મંદબુદ્ધિ બાળકો માટે શાળા, અપંગ શાળા જેવા કોઈ પ્રકાર જ નહીં. અહીંના બાળકો અનાથ થતા નથી. કારણ સમજો કોઈ બાળકનાં મા-બાપ સ્વર્ગવાસી થાય તો તે બાળકના કોઈ કાકા-મામા આવીને તેની સંભાળ લે છે. તે કારણે અનાથાલય નથી, અહીં વૃદ્ધો છે પણ વૃદ્ધાશ્રમો નથી.
  • ઘરના દરેકની એક ટોપલી. અમે બહેનો બહાર જતી વખતે જેમ ભૂલ્યાવગર પર્સ સાથે લઈ જઈએ તેવી રીતે આ લોકો બહાર જતી વખતે બાંબુની ટોપલી લઈ જાય.
  • ડુંગરની ખીણમાં 25 ફૂટ ઊંચી એવી નૈસર્ગિક રીતે શિવલિંગનો આકાર ધારણ કરેલી આ પથ્થરની શિલા. મંદિર અથવા તેનો ઘુમ્મટ જેવા બાહ્ય આવરણ વગરનું ઓપન ટુ સ્કાય વાળું આ શિવલિંગ થોડાંક વરસો પહેલાં જંગલના આદિવાસીઓ અહીં લાકડાં કાપવા આવ્યા ત્યારે નજરે પડ્યું. (એ વિશ્વનું સૌથી ઊંચુ નૈસર્ગિક શિવલિંગ છે).
  • બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ પતાવી તવાંગ જોવા તૈયાર થયા. અમારી ગાડી તવાંગના મેઈન રોડ પર આવી અને અહો આશ્ચર્યમ્ તે રસ્તાનું નામ હતું છત્રપતિ શિવાજી માર્ગ. પાટિયા પર નામ વાંચી મારા જેવા મહારાષ્ટ્રિયન વ્યક્તિની છાતી અભિમાનથી ફૂલી ગઈ.
  • 62 સાલના ઓક્ટોબરની આસપાસ આ જ ડુંગરની બીજી બાજુથી ચીની જવાનો સાદા વેશમાં આવ્યા અને તવાંગના લોકોના ઘરમાં સહજતાથી હળીમળીને રહ્યાં. એટલું જ નહીં પણ ખેતરમાં કાપણીના કામમાં તેમણે મદદ પણ કરી. કોઈને રતીભાર ખ્યાલ પણ આવ્યો નહીં. આવી રીતે વિશ્વાસ સંપાદન કરી હિંદી-ચીની ભાઈ ભાઈ કરતા આપણણી પીઠમાં ખંજર ભોંક્યું.
  • સ્ત્રીઓ અંગ પર બ્લાઉઝ પહેરતી નથી. કમર ફરતે ફક્ત લુંગી વીંટાળે. એમાં તેઓને જરા પણ સંકોચ થતો નથી, કારણ કે તેનો આ રિવાજ પેઢી દર પેઢી ચાલતો આવે છે. તેથી તેમને કંઈ જ અજુગતું લાગતું નથી. સ્ત્રી-પુરુષ એકદમ મોકળાશથી હરેફરે, વાતો કરે, મને લાગે છે કે નિસર્ગની નજીક રહેવાથી બધી જ વાતો નૈસર્ગિક લાગે છે. તેથી તેઓમાં શહેરી વાસનાનો અનકાશ નથી.
  • ગૌહત્તી ખરેખર તો ગુવાહાટી છે. ગુવા એટલે સોપારી અને હાટ એટલે બજાર.
  • મિઝોરમને બે આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી ત્યાં જવા માટે ઈનર લાઈન પરમિટ જરૃરી છે.
  • મિઝોરમમાં ફરતી વખતે આપણા જેવા નોન-મિઝો સાથે એક તો મિઝો માણસ હોવો જરૃરી છે.
  • મિઝોરમમાંની એક ખાસ વાત એટલે અહીં કોઈ પણ મિઝોને ઘર બાંધવા માટે ગ્રામપંચાયત તરફથી વિનામૂલ્ય જમીન મળે છે. તેથી ફક્ત ઘર બાંધવા માટે જ તેને પૈસા ખર્ચ કરવા પડે છે.
  •  દિમાપુર એ પહેલાનું હિડિંબપુર તરીકે ઓળખાતું, ત્યાર બાદ ડિંબપુર થયું અને આખરે દિમાપુર થયું.
  •  (પિથોરગઢ જિલ્લાનું) ધારચૂલા ગામ અડધું ભારતમાં છે, તો અડધું નેપાળમાં. વચમાં વહે છે કાલીગંગા. આ નદી પરના પુલના લીધે બંને દેશ જોડાઈ ગયા છે.
  • અમારા કેમેરામાંથી રોલ કાઢી લીધા અને ખાલી કેમેરા લઈ જવાનું કહ્યું, કારણ કે સરહદ પાર કરતી વખતે આપણી બાજુના ફોટો વગેરે ચીનાઓના હાથે ન પડે, આવું બધું સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનું હતું. (કૈલાસ માનસરોવર યાત્રા)
  • તિબેટમાંનો કૈલાસ-માનસનો પ્રદેશ ટ્રાન્સ હિમાલયન રેન્જ પર આવેલો છે. તેથી દક્ષિણનો વરસાદ રોકાઈ ગયો છે. આ કારણથી તિબેટ ઠંડુગાર તો છે જ પણ કોરું પણ છે, તેથી તેને હિમાલયનું રણ પણ કહેવામાં આવે છે.
  • 50 કિમીની આ પરિક્રમા કરતાં 3 દિવસ થાય છે, અર્થાત આ આઉટર પરિક્રમા જ હોય છે. કૈલાસની અંદરની બાજુના ભાગમાં ઇનર પરિક્રમા કરવાની પરવાનગી નથી, કારણ કે આ પરિક્રમા અઘરી તો છે જ પણ સિવાય ગાઈડ વગેરે કોઈ પણ સાથે આવતા નથી. કહેવાય છે કે 1200 વર્ષો પહેલા આદિ શંકરાચાર્યે આ ઈનર પરિક્રમા કરી હતી.
  • નંદાદેવી ચઢવા માટે ખૂબ જ અઘરું તો છે જ, સિવાય ધોખાદાયક પણ છે. નંદાદેવી એ એક પર્વત નથી પણ પર્વતશૃંખલા છે. નંદાદેવી ઈસ્ટ, નંદાદેવી મેઈન, નંદાખાટ, નંદાકોટ, નંદાગુટીની પર્વતમાળાઓથી નંદાદેવી સેન્ચુરી વીંટળાયેલી છે.
  • વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવાં ફૂલોની 300 દુર્લભ જાતિ અહીં જોવા મળે છે. આ ફૂલોની ઘાટી નૈસર્ગિક છે. અહીંના બ્રહ્મકમળ અથવા પોપી ફ્લાવર્સની સુગંધ એટલી માદક હોય છે કે કેટલાંકનાં માથાં દુખવા લાગે છે. કેટલાકને ઊંઘ ચડી હોય તેવું લાગે છે. તેથી ફૂલોની પાછળ પાગલ થઈ ફરવામાં ઘણા લોકો ખરેખર રસ્તો ચૂકી જાય છે, તેથી જો આપણને થોડી પણ તકલીફ થાય છે તેવું લાગે તો પાછા ફરવાની સલાહ પહેલેથી જ  આપવામાં આવે છે.
  • (ગંગોત્રી) ગૌમુખ સુધી જવાનો રસ્તો તો નથી જ. તેથી મોટા મોટા ખડકો પર કૂદતાં કૂદતાં જવા સિવાય ગૌમુખનું અજબ દર્શન અને ભાગીરથીના રૌદ્ર સ્વરૃપનું સાંનિધ્ય અનુભવી શકાતું નથી.
  • યમનોત્રીમાં યમુના નદીના રૃપમાં જોવા મળે છે, કારણ કે યમુનાનું ખરું ઉદગમસ્થાન કાલિંદ પર્વતમાંથી છે અને તેથી યમુનાનું બીજું નામ કાલિંદી પણ છે. આ કાલિંદ પર્વત, યમુનોત્રીથી ઉપર ઉત્તરમાં લગભગ 20-25 કિમીના અંતરે આવેલો છે.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “પૂર્વરંગ-હિમરંગ : હિમાલય અને પૂર્વોત્તર ભારતની સફર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *