સમુદ્ર કાંઠાના પ્રવાસનની શરૃઆત કોણે કરી?

દરિયાકાંઠાનો રજા માટે ઉપયોગ કરીને બીચ હોલિડે કહી શકાય એવી મજાની શરૃઆત ૧૮મી સદીના મધ્યભાગમાં ઈંગ્લેન્ડમાં થઈ હતી.

ભારતમાં લોકપ્રિય એવો ગોવાનો કાંઠો..

‘હવે અમે સૂર્યના તડકાની મજા લઈએ છીએ. બ્રિંગટોનના આ દરિયાકાંઠો અમને બહુ ગમે છે. હું તો રોજ સવારે ઉઠીને દરિયામાં ધૂબાકા મારી લઉ છું. એ પછી માછીમારી કરવાની પણ મજા પડે છે. સવાર જ શા માટે, સાંજ પડયે પણ હું અહીં ઘોડો લઈને આવી પહોંચું છુ. એક તરફ રસ્તો છે, તો બીજી દરફ દૂર દરિયામાં ફર-ફર કરતાં જહાજો ગણવાની મને મજા પડે છે. નાની નાની હૂડકીઓ માછીમારી કરી રહી છે..’

વિલિયમ ક્લાર્ક નામના અંગ્રેજ પાદરીએ પોતાના મિત્રને પત્રમાં આ વર્ણન લખ્યું હતું. એ તારીખ હતી ૧૭૫૦ની ૨૨મી જુલાઈ. એટલે કે આ તો છેક ૨૬૬ વર્ષ પહેલાની વાત છે. પરંતુ આ વર્ણનનું ઐતિહાસિક મહત્ત્વ છે. કેમ કે એ પત્રને જ દુનિયામાં સત્તાવાર રીતે દરિયાઈ હોલિડેનો પ્રારંભીક દસ્તાવેજ ગણવામાં આવે છે. આજે તો દરિયાકાંઠે ફરવા જવાની કોઈ નવાઈ નથી. જોકે ભારત-ગુજરાતમાં હજુ એટલું બીચનું મબત્ત્વ નથી, જેટલું પશ્ચિમી દેશોમાં છે. છતાંય આપણે ફરવા જવાના સ્થળોમાં ચોરવાડ, સોમનાથ, માંડવી, દીવના દરિયાકાંઠાનો સમાવેશ તો કરીએ જ છીએ.

બ્રિંગટોન બીચનું જોન કોન્સ્ટેબલે દોરેલું ચિત્ર

આ એવા પ્રદેશની વાત છે, જ્યાં સૂર્યનો તડકો આશિવાર્દરૃપ છે. તડકો નીકળે એ લોકો માટે ઉત્સવનો પ્રસંગ છે, કેમ કે વાતાવરણ અત્યંત ઠંડું છે અને પૃથ્વીનો એ ઉત્તર ભાગ છે. એટલે તડકો નીકળે ત્યારે લોકો સૂર્યકિરણોની મજા માણવા નીકળી પડે છે.

સમુદ્રના આરે ખેડાતા પ્રવાસ પર ઘણા પુસ્તકો લખાયા છે. એ બધા પુસ્તકોમાં દરિયાઈ મનોરંજનની શરૃઆત તરીકે આ પ્રસંગ ટાંકવામાં આવ્યો છે. દરિયો અનાદી કાળથી છે, દરિયાકાંઠો આદીકાળથી છે અને પાણી પણ કરોડો વર્ષથી પૃથ્વી પર બહુમતી ધરાવે છે. એટલે સત્તાવાર રીતે કોઈ દરિયાકાંઠાની શોધ કરે એવું શક્ય નથી. પણ વાત દરિયા કાંઠે વેકેશેન માણવાની હોય ત્યારે વિલિયમ ક્લાર્કને યાદ કરવા જ પડે. એટલે બ્રિટિશરોએ, બ્રિંગટોનના દરિયાકાંઠેથી બિચ હોલીડેનો પ્રારંભ કર્યો એમ કહેવામાં કશું ખોટું નથી.

બ્રિટનના દક્ષિણ છેડે આવેલું બ્રિંગટોન ગામ આજેય માછીમારોના ગામ તરીકે જ ઓળખાય છે, પણ હવે એ પ્રવાસીઓનું ફેવરિટ થઈ પડયું છે. અહીં વિવિધ પ્રવાસન સુવિધાઓ પણ વિકસી ગઈ છે. રેસ્ટોરાં છે, દરિયાકાંઠ સાથે લંબાતો રસ્તો છે, પ્રવાસીઓ માટે ગાર્ડન, બેઠક વ્યવસ્થા, ફિશિંગ બોટ્સ વગેરે બધું છે. શોપિંગ માટે દરિયાકાંઠે જ વિક્ટોરિયન યુગનું બાંધકામ તૈયાર થયું છે, જેમાં દુકાનોની હારમાળા છે. પણ શરૃઆત થઈ ત્યારે કોઈ બ્રિંગટોનના રેતાળ કાંઠાને મજા કરવાના સ્થાન તરીકે જોતા ન હતા.

વિલિયમ ક્લાર્ક જેવા લોકોએ નિયમિત રીતે કાંઠે ફરવાની શરૃઆત કરી એટલે તેના મિત્રો અને પછી મિત્રોનાય મિત્રો-ઓળખીતા-પાળખીતા બ્રિંગટોનના કાંઠે આવવા લાગ્યા. લોકો આવ્યા એટલે તીના પાછળ માર્કેટ પણ આવ્યું. નાની-મોટી દુકાનો શરૃ થઈ. ભીડ વધી તો પછી રેસ્ટોરાંઓ પણ બની. બ્રિંગટોનના કેટલાક ભેજાબાજોએ સમજીને જ દરિયાકાંઠાને પોતાના વેપારનું સાધન બનાવી દીધું.

બ્રિંગટોનના ડોક્ટર રિચાર્ડ રસેલે એક નોંધ તૈયાર કરી જેમાં દરિયાઈ પાણીના ફાયદાઓ વર્ણવ્યા હતા. તેમાં એ પાણી પીવા સુધીની સલાહો હતી. એ સલાહોને કારણે બ્રિટનનો ઘનાઢ્ય વર્ગ દરિયાકાંઠે ઉમટી પડયો. બ્રિટિશરો જે કંઈ કરે એ અડધી-પોણી દુનિયા કરે કેમ કે બ્રિટનનું ઠેર ઠેર શાસન હતું. જ્યાં જ્યાં દરિયો હતો ત્યાં બિં્રગટોનો ચેપ લાગ્યો. બ્રિટન તો આખેઆખો ટાપુ દેશ છે એટલે ફરતે રહેતા લોકો નજીકનો દરિયાકાંઠો હોય ત્યાં જવા માંડયા.

કેરળનો સમુદ્રતટ

દરિયાકાંઠાનુ અને રિચાર્ડ રસેલની સલાહનું મહત્ત્વ એટલુ બધુ વધ્યુ કે બ્રિટિશ કુંવર જ્યોર્જ ચોથો પોતાના ગોઈટરની સારવાર કરવા બ્રિંગટોનના કાંઠે આવી પહોંચ્યો હતો. પાછળથી તો વિજ્ઞાનીઓએ પણ સ્વીકાર્યુ કે દરિયાનું પાણી અમુક પ્રકારની સારવાર આપનારું તો છે જ. બ્રિટનના ઉત્તમોત્તમ કન્ટ્રી સાઈડ (ગ્રામ્ય વિસ્તાર) ચિત્રકાર જોન કોન્સ્ટેબલ તો બ્રિંગટોન આવ્યા અને સીસ્કેપ (લેન્ડસ્કેપ હોય એમ)નું ચિત્ર તૈયાર કર્યું. ન્યુઝિલેન્ડના ડનીડિન ખાતે આવેલી આર્ટ ગેલેરીમાં એ ચિત્ર આજેય સચવાયેલું છે.

પેરિસના પ્રોફેસર એલિયન કોર્બિને નોંધ્યુ છે કે ૧૭૫૦ આસપાસનો એ વખત એવો હતો જ્યારે દરિયાકાંઠે કોઈ આકર્ષણ ન હતું. એટલે લોકો દરિયાના ઉછળતા મોજાં જોવાં જવાનો વિચાર પણ કરતાં ન હતા. દરિયાનો ઉપયોગ પરદેશમાં જહાજો મોકલવા પુરતો જ થતો હતો. જહાજો રવાના થાય, આવે, માલ ચડે-ઉતરે.. બસ દરિયાકાંઠાનું કામ એ સાથે પુરું. દરિયાકાંઠે દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા કામદારો સિવાય કોઈ રહેતું પણ ન હતું. લોકોને કાંઠાનો ડર પણ લાગતો હતો. કેમ કે કાંઠેથી દરિયો શરૃ થતો હતો સાથે સાથે અજાણી દુનિયા પણ શરૃ થતી હતી. કાંઠો પૂરો થાય પછી કહેવા માટે તો દરિયો શરૃ થાય પણ ખરેખર દરિયામાં શું છે એ એ જમાનામાં બધા લોકો જાણતા ન હતા. ધરતીનો છેડો દરિયો પુરો થાય ત્યાં આવેલો છે એવી માન્યતાઓ પણ હતી. દરિયામાં સાગરખેડૂઓ અને નવા પ્રદેશો શોધવા નજારા સાહસિકો સફર કરતાં હતા. દરિયામાં ચાંચીયાઓનું રાજ હતું, એટલે સલામતી વગર ગમે તે વ્યક્તિ માટે દરિયાઈ સફર સહેલી પણ ન હતી. અનેક જહાજો લૂંટાઈ ગયા છે એવા સમાચારો લોકો સુધી પહોંચતા હતા. એટલુ ઓછુ હોય એમ બ્રિટિશ લેખક ડેનિયલ ડેફોએ પોતાની નવલકથા રોબિન્સન ક્રૂઝોમાં હીરો ૨૭ વર્ષ સુધી દરિયામાં ફસાયેલો રહે એવુ વર્ણન હતું. એ સંજોગોમાં દરિયા પાસે કામ વગર શા માટે જવું?

ઈંગ્લેન્ડ સહિત યુરોપમાં એ સમયે ઔદ્યોગિક ક્રાંતિ શરૃ થઈ. ઉદ્યોગો સાથે પ્રદૂષણો અને બીમારીઓ પણ વધી. દરિયાના પાણીમાં ન્હાવાથી આરોગ્ય સારું રહે એવુ તો અગાઉથી લોકો માની ચૂક્યા હતા. એ દરમિયાન જ લોકો દરિયાના પાણીમાં મજા ખાતર નહાતા થયા અને ખબર પડવા માંડી કે આ તો કરવા જેવુ કામ છે.

બીચ પર લોકોની ભીડ વધી એટલે વિવિધ કળા સર્જકો પણ બીચના પાણીમાં છબછબિયા કરવા આવી પહોંચ્યા. કોઈએ પોતાની વાર્તામાં દરિયાકાંઠાના રોમેન્ટિક વર્ણનો લખ્યા તો મોટી સંખ્યામાં સીસ્કેપ પણ તૈયાર થયા. સોએક વર્ષ પસાર થયા અને ૧૮૪૦-૫૦નો સમય આવ્યા ત્યાં સુધીમાં યુરોપિયનોએ બીચનું મહત્ત્વ સ્વીકારી લીધું. શહેરની ભીડભાડભરી, પ્રદૂષણથી ત્રસ્ત, રૃટિન, એક સરખી જીંદગીથી કંટાળ્યા પછી ક્યાં જવું? તેના જવાબમાં મોટા ભાગના યુરોપિયનો દરિયાકાંઠે આંગળી ચિંધતા હતા. એ રીતે બીચ હોલિડેની સ્થાપના થઈ ગઈ.

અમેરિકાનો જગવિખ્યાત માયામી કાંઠો..

પશ્ચિમી દેશોમાં હવે બીચ એ લોકોના જીવનનો મહત્ત્વનો ભાગ બની ચૂક્યો છે. વીકએન્ડ હોય કે અન્ય કોઈ રજા હોય, કોઈ વિકલ્પ ન હોય તો લોકો પાસે દરિયાકાંઠો તો હોય જ. દરિયાકાંઠે જઈ, પાથરણું પાથરી, લાંબો વાસો કરી પગ માથે પગ ચડાવી દરિયા પરથી આવતા પવનની મજા લેનારા પ્રવાસીઓનો કોઈ પાર નથી. સ્થિતિ એ સર્જાઈ છે કે દરિયાકાંઠા પર અતીક્રમણ વધ્યુ છે. શહેરો, મકાનો, રસ્તા દરિયાકાંઠે બાંધવાનું ચલણ વધ્યુછે. એ માટે કૃત્રિમ રીતે દરિયાકાંઠામા ફેરફાર થાય છે અને સરવાળે બીચનું કુદરતી સોંદર્ય નાશ પામે છે. તો સામે પક્ષે માલદિવ્સ સહિતના ઘણા દેશો એવા છે, જેઓ પોતાનો દરિયાકાંઠો સાવ સાફ-સુથરો રહે એ માટે સક્રિય છે. કાચ જેવા સ્વચ્છ પાણીને જોઈને પછી લોકોને તેમાં કુદકા મારવાનું મન ન થાય તોજ નવાઈ.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *