આફ્રિકા ખંડ વિશે જ્યારે પશ્ચિમના દેશો ખાસ જાણતા ન હતા, ત્યારે અંગ્રેજ અધિકારી રાઈડર હેગાર્ડે એક પછી એક કથા લખી એ ખંડની માન્યતા, પ્રજા, રીત-રિવાજ, દંકતથાઓ.. વગેરેને વિશ્વ સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ સિરિઝની જ આ કથા છે…
સોલોમનનો ખજાનો – રાઈડર હેગાર્ડ
અનુવાદ – નવનીત મદ્રાસી
પ્રકાશક – આદર્શ પ્રકાશન, અમદાવાદ
કિંમત – 150 (2013ની બીજી આવૃત્તિની)
પાનાં – 186
ખજાનાની શોધ… આ બે શબ્દોને કેન્દ્રમાં રાખીને વિશ્વની અનેક ભાષામાં કથા-નવલકથાઓ લખાઈ છે, લખાતી રહે છે. કેમ કે ખજાનામાં તો કોને રસ ન પડે? ખજાનાની શોધ વિશેનું રોબર્ટ લુઈ સ્ટીવન્સનનું પુસ્તક ટ્રેઝર આઈલેન્ડ જગવિખ્યાત છે. આ પુસ્તક વાંચ્યા પછી રાઈડર હેગાર્ડને થયું કે આવી કથા આપણે આફ્રિકા ખંડ માટે લખીએ.
આફ્રિકાના નાતાલમાં રાઈડર હેગાર્ડ અંગ્રેજ અધિકારી તરીકે આવ્યા હતાં. આ વિસ્તારમાં ફરતાં ગયા તેમ અહીંની ભોળી પ્રજાથી પ્રભાવિત થતા ગયા. એ વાતો તેમણે લખવા માંડી અને એક પછી એક પુસ્તકો આવવા લાગ્યા. એ જમાનામાં યુરોપિયનોનું આફ્રિકા વિશેનું જ્ઞાન નહિવત્ જેવું હતું. માટે રહસ્ય, રીત, રિવાજ, જાદુ-મંતર, આદિવાસીઓની જીવનશૈલી.. વગેરે વિશેના હેગાર્ડના લખાણો બેસ્ટ સેલર બન્યાં અને વખત જતાં તેમને બ્રિટને સરનો ખિતાબ પણ આપ્યો.
બાઈબલમાં સોલોમન નામના રાજાની કથા આવે છે. એ રાજાની કથા કરતાં તેના ખજાના વિશેની દંતકથાઓ વધારે લોકપ્રિય હતી. એટલે હેગાર્ડે આફ્રિકામાં જ ખજાનો શોધવા જતાં સાહસિકોને લઈને કિંગ સોલોમન્સ માઈન નામે કથા લખી નાખી. ગુજરાતી ભાષામાં આ વાર્તાના એકથી વધારે અનુવાદો થયા છે. યશવંત મહેતાએ સંક્ષિપ્તમાં અનુવાદ કર્યો છે. અહીં વાત કરવાની છે એ અનુવાદ નવનીત મદ્રાસીએ કરેલો છે. રાઈડરના હિરોનું નામ તો એલન ક્વાટરમેન છે, પરંતુ અહીં નામો સ્વદેશી કરી દેવાયા છે.
મૂળ કથા 1885માં લખાઈ હતી, આજે વાતને દોઢેક સદી વહી ગઈ છે. માટે ઘણી વાતો આજે રસપ્રદ ન પણ લાગે. પરંતુ જ્યારે લખાઈ ત્યારે નવી-નવાઈની હતી. તેના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે.
- છેલ્લા ત્રણ સો માઈલ અમારે ભયંકર ટ્સેટ્સે માખીઓનાં ટોળાંનો સામનો કરવો પડ્યો. આ ઝેરી માખીના ડંખ ગધેડા અને માણસ સિવાય અન્ય માટે પ્રાણઘાતક છે.
- અમે પાછા આવીએ ત્યારે આમાંની એક પણ વસ્તુ ઓછી થઈ હશે તો હું તને અને તારા બધા માણસોને મારી મેલીવિદ્યાથી મારી નાખીશ. અને મારા ગયા પછી જો તું આ વસ્તુ ચોરવાનો પ્રયાસ કરીશ તો હું આવીને તારો શિકાર કરીશ, તારા ઢોરને ગાંડા કરી મુકીશ અને તેમનું દૂધ સૂકવી નાખીશ.
- બપોરના ત્રણેક વાગે અમે નક્કી કર્યું કે ત્રાસદાયક ખાડામાં તરસ અને ગરમીથી રિબાઈ રિબાઈને મરવા કરતાં રણમાં ચાલતાં ચાલતાં મૃત્યુને ભેટવું ઉત્તમ છે.
- આ પહાડો પ્રચંડ દરવાજાના થાંભલા જેવા સીધા ઊંચા છે. તેનો આકાર બરાબર સ્ત્રીના વક્ષઃસ્થળ જેવો છે.
- મેં સમગ્ર ગુફા પર નજર કરી. ત્યાં તો ભયની મારી મારાથી ચીસ પડાઈ ગઈ. મારું હૃદય ધડકી ગયું. ગુફાના છેડે કોઈ માથું નીચું કરીને બેઠો હતો.
- તેણે ઉપલું દાંતનું ચોકઠું બહાર કાઢીને પાછું મોંમા મુકી દીધું. તેમની આ ક્રિયા અમારા માટે લાભકારક નીવડી.
આ જોઈને તે માણસ અને તેના સાથીઓ ભયના માર્યા પાછળ હટી ગયા. (કેમ કે જંગલમા રહેતા એ લોકોએ ક્યારેય દાંતનાં ચોકઠાં જોયા ન હતા.) - અરે ખુદ ગાગુલ જે પેઢીઓની પેઢીઓથી જીવતી આવી છે એ પણ જાણતી નથી.
- અત્યારે અમારી સંખ્યા દરિયાની રેતી જેટલી છે. જ્યારે ટ્વાલા તેના લશ્કરની ટુકડીઓને અહીં બોલાવે ત્યારે નજર પહોંચે ત્યાં સુધી પીંછાં જ પીંછાં દેખાય છે.
- તમે સુધરેલા માણસો હિરા અને દોલતના ભૂખ્યા હો છો.
- તે સાથે જ ઝૂંપડીની છાંયામાં બેઠેલી વાંદરી જેવી આકૃતિ ઘસડાતી રાજા પાસે આવીને બે પગ પર ઉભી થઈ. તેણે તેના મમોં પરની રૃંઆટીનો પડદો ખસેડીને અમારી તરફ અજબ નજરે જોયું. તે અતિ ઘરડી સ્ત્રી હતી. તેનો ચહેરો સુકાઈને એક વરસના બાળક જેવો નાનો થઈ ગયો હતો. ચહેરા પર ઘણી કરચલીઓ પડી ગઈ હતી. કરચલીઓ નીચે બોખલું મોં હતું. તેને જોઈને મને લાગ્યું કે જાણે કબરમાંથી ઊઠીને મડદું આવ્યું ન હોય. તેના ચહેરા પર નાક ન હતું. કપાળની નીચે બે સફેદ આંખો ચકળવકળ થતી હતી. તેના માથા પર તદ્દન ટાલ હતી.
- સાંભળો, ચોથી જૂને એક વાગે પૂર્ણ સુર્યગ્રહણ છે. આ જ આપણે નિશાની બતાવવાની છે. તેમને કહી દેજો કે અમે આવતી કાલે સૂર્યને કાળો કરી નાખીશું.
- દિવસે તનતોડ વૈતરું કરવા કરતાં મોતના ખોળે નિંદ લેવી એ સારું છે અને આ તો તારા અહોભાગ્ય કે તું રાજાના છોકરાને હાથે મરીશ.
- એક આંખવાળો, શક્તિશાળી, હજારો સ્ત્રીઓનો ધણી, કુકુઆનાનો માલિક, સોલોમમમા મોટા માર્ગનો રક્ષક, પણે શાંત પર્વત પર બેઠેલી અજ્ઞાત ચૂડેલોનો માનીતો, કાળી ગાયનો વાછડો, હાથી જેવાં જેનાં પગલાંથી ધરતી ધમધમે છે, શયતાનનો અવતાર, મહાકાય, કાળો, શાણો, પેઢીઓની પેઢીઓથી ઊતરી આવેલો રાજા.
- અન્ય નોકરોની જેમ તે પણ અમારા હુમકનું બરાબર પાલન કરતો હતો. તે અત્યારે એક રાજનો રાજા બની ગયો હતો. ખરેખર સમયની બલિહારી નહીં તો બીજું શું!
- હે તુચ્છ માનવી તને ખ્યાલ પણ નહીં આવી શકે કે હું કોણ છું. તને ખબર છે કે મારી વય કેટલી છે? તારા બાપદાદા, ને તેના બાપદાદા અને તેનાય બાપદાદાને મેં જોયા છે. આ મુલકમાં નવો નવો વસવાટ શરૃ થયો ત્યારે હું અહીં હતી. અને તારો આ મુલક વૃદ્ધત્વને આરે પહોંચશે તે વખતે પણ હું અહીં જ હોઈશ.
- તેણે ખડક બતાવ્યો અને અમે દીવો ધર્યો તે સાથે જ ખડક ધીમે ધીમે ઉપરની તરફ સરકવા લાગ્યો અને છેવટે દેખાતો બંધ થઈ ગયો. અમને ત્યાં જવાનો માર્ગ દેખાયો. દરવાજો દસ ફૂટ ઊંચો હતો. જ્યારે તેની પહોળાઈ પાંચ ફૂટથી ઓછી ન હતી. અધ્ધર થયેલો ખડક ઓછામાં ઓછો વીસથી ત્રીસ ટનનો તો હશે જ.
- સોલોમનના ખજાનાનો દરવાજો! મારા આનંદની અવધિ ન હતી.
- ત્યાં તો દીવાનો પ્રકાશ મંદ થઈ ગયો અને દીવો હોલવાઈ જતાં પહેલા ફૌલાટાની લાશ, છત સુધી ઠસોઠસ ભરેલા હાંથીદાત, સુવર્ણની ભરેલી પેટીઓ, હીરાથી ભરેલા પટારા પર અમે ત્રણ જીવતા માણસોએ છેલ્લી નજર કરી લીધી. ખંડમાં ઘોર અંધારું છવાઈ ગયું. તે ધોર અંધારામાં મને યમરાજાના આગમનનો આભાસ થયો.
- અમે માનતા હતા કે યમરાજને હાથતાલી આપીને ગુપ્ત ખજાનાવાળા ખંડમાંથી અમે છટકી ગયા છીએ, પરંતુ ખરી વાત તો એ હતી કે મોત અમારો પીછો કરી રહ્યું છે. અને અહીં જ અંધારી ઘોર સુરંગમાં ભેટી જશે તેની અમને કલ્પના નહોતી.