અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ જાણીતો છે. આશ્રમ રોડના એક છેડે સાબરમતી આશ્રમ છે તો બીજા છેડે કોચરબ આશ્રમ છે. એ જોવા જેવા સ્થળની મુલાકાતે જોકે ઓછા પ્રવાસીઓ આવે છે.
1915માં મોહનદાસ ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા. એ વખતે તેમની પાસે ભારતમાં આશ્રમ સ્થાપવા માટે રાજકોટ, હરિદ્વાર, કલકતા એમ વિવિધ સ્થળેથી તેમના ચાહકો આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ ખાદી વણાટનું કેન્દ્ર હોવાથી, આફ્રિકાની લડતમાં સાથ આપનારા કેટલાક અમદાવાદમાં હોવાથી અને અન્ય અનુકૂળતા હોવાથી મોહનદાસે આશ્રમની સ્થાપના માટે અમદાવાદ શહેર પસંદ કર્યું.
અમદાવાદના બેરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈ ગાંધીજીના સાથીદાર હતા. આશ્રમ માટે મકાનની શોધ ચાલતી હતી ત્યારે જીવણલાલે પોતાનું મકાન જ આશ્રમ માટે ઓફર કર્યું, ગાંધીજીએ ત્રિકોણાકાર વિશાળ જગ્યા ધરાવતું મકાન સ્વિકારી લીધું. મે-1915માં અહીં વાસ્તુપૂજન કરી ગાંધીજીએ આશ્રમ જીવનનો આરંભ કર્યો.
ભારતમાં આઝાદીની લડત શરૃ કરવા માટે ગાંધીજીએ સ્થાપેલો એ પ્રથમ આશ્રમ હતો. એ આશ્રમની તસવીરી સફર..
જતાં પહેલા જાણી લો
અમદાવાદના આશ્રમ રોડ પર પાલડી ચાર રસ્તા પર આવેલા આશ્રમની મુલાકાત સમગ્ર વર્ષ દરમિયાન સવારના 8થી સાંજના સાત સુધી લઈ શકાય છે. અહીં સાદગીપૂર્ણ રીતે રાત રોકાવાની પણ વ્યવસ્થા છે. સંપર્ક – 079-26578358