બ્લોગમાં આપણે સાચી શિકારકથાઓની વાત લખી છે. આ એવું જ પુસ્તક છે, પણ નામ શ્રેષ્ઠ શિકારકથાઓ છે. અહીં લેખક પોતે શિકારી નથી, એટલે તેમણે કરેલા નહીં પણ જોયેલા-માણેલા શિકાર વર્ણવ્યા છે.
શ્રેષ્ઠ શિકારકથાઓ
પ્રકાશક – પ્રકાશ સાહિત્ય ભંડાર, અમદાવાદ
કિંમત – રૃ.3.50 (1970ની આવૃત્તિની)
પાનાં – 370 (બન્ને ભાગના)
1970ના અરસામાં એક સાથે બે એક સરખા નામ ધરાવતા પુસ્તકો પ્રગટ થવા જઈ રહ્યાં હશે. કેમ કે આ પુસ્તકનું નામ શ્રેષ્ઠ શિકારકથાઓ છે, પરંતુ એ નામ અંદર લખ્યું છે. શરૃઆતી પાને તો સાચી શિકારકથાઓ જ લખ્યું છે. પછી અંદર ખુલાસો કર્યો છે કે આ પુસ્તક છપાતું હતું ત્યારે જ સાચી શિકારકથાઓ નામે પુસ્તક પ્રગટ થઈ જતાં હવે નામ શ્રેષ્ઠ શિકારકથા રાખ્યું છે.
આ બન્ને પુસ્તકના લેખકો વચ્ચે સ્પર્ધા હોય કે જે હોય એ પણ બન્ને પુસ્તકોમાં ગરડબ થવાની પુરી શક્યતા છે. કેમ કે સાચી શિકારકથાઓના લેખક વજેન્દ્ર હરિપ્રસાદ દેસાઈ છે, તો શ્રેષ્ઠ શિકારકથાઓના લેખક પ્રધ્યુમન કંચનરાય દેસાઈ છે. અટક સરખી છે, પણ વજેન્દ્રના લખાણો મોટે ભાગે દક્ષિણ ગુજરાત કેન્દ્રિત છે, જ્યારે પ્રધ્યુમનરાયના લખાણો મોટે ભાગે ભાવનગર રાજ સાથે સંકળાયેલા છે. પ્રધ્યુમનરાય ભાવનગર મહારાજા કૃષ્ણકુમારના એ.ડી.સી. (લશ્કરી બાબતોમાં અંગત મદદગાર-સલાહકાર) હતા, જ્યારે વજેન્દ્ર પણ કોઈક નાના એવા રજવાડા સાથે સંકળાયેલા હોય એવુ લાગે છે.
આ પુસ્તક પણ નાના-નાના બે અલગ પુસ્તકો સ્વરૃપે છપાયેલું છે. બન્નેમાં 11-11 એમ કુલ 22 શિકારકથા છે અને પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે 80 ટકા કથા એવી છે, જેમાં લેખક હાજર હતા. શિકાર નહોતા કરતા, પણ શિકારીની ટીમમાં હતા. શિકારકથાઓ વધારે અસરકારક લાગે એટલે દરેક કથા સાથે વિરેન્દ્ર પંડ્યાએ દોરેલા રેખાચિત્રો પણ મુકવામાં આવ્યા છે.
પહેલા ભાગમાં ત્રીજું પ્રકરણ ગીરના માનવભક્ષી સિંહ વિશે છે. આ પ્રકરણ દૂર્લભ છે કેમ કે ગીરમાં સિંહો માનવભક્ષી થયા હોય એવા કિસ્સા દૂર્લભ છે. એમાંનો એક કિસ્સો અહીં રજૂ થયો છે.
એ જમાનામાં ઘણા શિકારકથાના પુસ્તકો પ્રગટ થતા અને તેમાંથી મોટા ભાગના પુસ્તકો પરદેશી શિકારના વર્ણન અંગેના હતા. અહીં પ્રસ્તાવનામાં દલીલ કરાઈ છે પરદેશી શિકારની વાતો સામે આ દેશી શિકારકથાઓ રજૂ થઈ છે. પ્રધ્યુમનરાય પ્રકૃતિના સારા એવા અવલોકનકાર હતા અને એટલે જ એમણે શિકારકથાઓ ઉપરાંત કુદરતની કેડીએ નામે પુસ્તક પણ લખ્યું છે. એ પુસ્તકના કેટલાક અંશો..
- આવુ હિંસક પ્રાણી તુરંત સમજી જાય કે આદમી જેટલું તાકાત વગરનું બીજું કોઈ પ્રાણી છે જ નહીં.
- આ સાવજો આપણા લાડીલા નેતા અને વડાપ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ નહેરુ સૌરાષ્ટ્રના સાવજ જોવા ગીરમાં પધાર્યા હતા તે વખતથી એટલા બધા મોટરના અવાજથી ટેવાઈ ગયા હતા કે જરા પણ મોટરનો અવાજ સાંભળતા તેઓ મારણ આવ્યું છે તેમ સમજી તરત જ દેખા દેતા હતા. માત્ર દેખા દઇ ઉભા રહેતા ન હતા, પણ મોટરની તદ્દન નજીક આવી જતા હતા.
- નવા શિકારબાજને આ દુર્ગંધ સામાન્ય રીતે ગમતી નથી. છતાં આવા શિકારમાં મારણનું અવલોકન કરવું અને તે પણ નાક ઉપર કોઈ પણ જાતના આવરણ વગર -એમાં જ શિકારબાજની કિંમત છે અને તેની પાકા શિકારબાજમાં ગણતરી થાય છે.
- સાથે એ પણ સૂચના આપી કે એક લાંબી સીટી સાંભળવામાં આવે તો સમજવું કે સાવજ મર્યો પડ્યો છે અને જો ટૂંકી ટૂંકી સીટીઓ સંભળાય તો સમજવું કે જનાવર ઘાયલ થયો છે, માટે સાવચેતી રાખવી. (શિકારમાં કેવી કેવી સાવધાની રાખવી પડે તેનો નમૂનો)
- વળી સાવજના શિકાર કરતાં તો આવા જબરા દીપડાને મારવો એક આનંદ છે, કારણકે દીપડા કાંઈ સાવજ જેટલા ભોળા હોતા નથી.
- આ દીપડાએ આવા ઘણા ખેલ જોઈ આવડો મોટો દેહ અને ઉમ્મર બઢાવ્યા હતાં, એટલે બકરીને જોઈને તે કાંઈ તેને મારવા આવ્યો નહી.
- આપણે જ્યાં બેઠા છીએ એ મેડો એટલો નીચો છે કે જો દીપડો પોતાના પાછલા પગ ઉપર ઉભો થાય તો એના આગલા પગ બહુ સહેલાઈથી આપણા ખાટલાને અડી રહે. આ વિચારે અમને એટલા બધા સ્તબ્ધ કરી દીધા કે અમે પૂતળાની માફક બેઠા રહ્યા.
- આ બધુ થતું હતું ત્યાં તો મોટર જોવા ગામના છોકરાં અને યુવાન વર્ગ આવી પહોંચ્યો. તેઓ સઘળા મોટરને ઘેરીને ઊભાં રહ્યા. (મોટર એ જમાનામાં નવાઈની હતી)
ભાગ-2
- તેવામાં બે રાતા અંગારા જેવી ચળકતી આંખો તેમના જોવામાં આવી. અને પોતે વિચારે છે કે આ દીપડો… પણ દીપડો એટલું પૂરું કરે તે પહેલા તો તે ઝનૂની દીપડો તેમના ઉપર ત્રાટ્ક્યો.
- પૂરી સફળતા સાથે દીપડો લઇ અમે બરાબર ચાર વાગે ઉતારા ઉપર પહોંચી ગયા. ત્યાંની જનતા દીપડો જોવા ઉતારે પહોંચી ગઈ. શાળાના શિક્ષકે આવીને જણાવ્યુ કે આ દીપડાને જરા શાળામાં મોકલો તો બાળકો તેને જુએ અને અનાયાસે પ્રકૃત્તિવિજ્ઞાન પ્રાપ્ત કરે.
- શાંત વાતાવરણમાં આ નિશાચર પક્ષીનો અવાજ અમારા રૃંવાડાં બેઠા કરી દેતો હતો.
- મગરને સીધી ગોઠવી માપ લેતા હતા તેવામાં એ મરેલી મનાતી મગરે ઉછાળો માર્યો અને પાસે ઉભેલા આદમી પાછા પડ્યા.