દક્ષિણ આફ્રિકામાં આવેલું મારોપેંગ ‘ક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડ’ એટલે કે ‘માનવોત્પતિનું પારણું’ ગણાય છે. કેમ કે ત્યાંથી સૌથી પ્રાચીન, ૪૧ લાખ વર્ષ પહેલાના માનવિય અવશેષો મળી આવ્યા છે. અમાસના દિવસે પીપળે પાણી રેડીને પૂર્વજોને યાદ કરતાં હોઈએ એવુ આ સ્થળ છે. ફરક એટલો કે પૂર્વજો આખી દુનિયાના છે..
દૂર સુધી નાની-નાની ટેકરીઓ ફેલાયેલી છે. અતી વિશાળ મેદાન અને એમાં ગોઠવાયેલી ડૂંગરમાળ.. અહીં કોઈ વસતી નથી, કોઈ રહેતું પણ નથી, એટલે ચો-તરફનો ખાલીપો જ નજરે પડે. ઉપર વિશાળ ગગન, વાદળો વચ્ચેથી ચળાઈને આવતા સૂર્યના કિરણો. ટેકરી-મેદાન-ઘાસનું મિશ્રણ ધરાવતી ભૃપુષ્ઠ વચ્ચેથી પસાર થતો રોડ એક બાંધકામ આગળ જઈને અટકે. એ સ્થળનું નામ ‘મારોપેંગ : ક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડ’ એટલે કે પૃથ્વી પર સૌથી પ્રથમ મનુષ્યો જ્યાં રહેતા હતા, જ્યાંથી આખા જગતમાં ફેલાયા એવું સ્થળ એટલે કે સૌ પૃથ્વીવાસીઓનું પારણું. દક્ષિણ આફ્રિકાના પાટનગર જોહાનિસબર્ગથી પચાસેક કિલોમીટર દૂર એકાંતમાં એ સ્થળ આવેલું છે.
અત્યાર સુધીના સંશોધન ઈતિહાસ દરમિયાન પૃથ્વી પરના વિવિધ સ્થળોએથી મળેલા અવશેષો પરથી વર્ષો પહેલાં જ એ વાત સાબિત થઈ ચૂકી છે કે આપણે સૌ મૂળ આફ્રિકન છીએ. મનુષ્યોનું પ્રાગટય ધામ કોઈ સ્થળને ગણવુ હોય તો એ આફ્રિકા ખંડ જ છે. પુરાણોમાં લખ્યુ એ પ્રમાણે રાતોરાત નહીં, પરંતુ ચાર્લ્સ ડાર્વિને વર્ણવેલા ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે વાનરોમાંથી અર્ધ મનુષ્ય, અર્ધમાંથી આદીમાનવ અને તેમાંથી માનવની સફર થઈ છે. આ સફરમાં આફ્રિકા સૌનું હોમ ગ્રાઉન્ડ બની રહ્યું છે. આફ્રિકા ખંડ તો ૩ કરોડ ચોરસ કિલોમીટર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. એમાં સાત અબજ ધરાવાસીઓના પૂર્વજોની ‘ખાંભી’ ક્યાં હશે? જવાબ છે મારોપેંગમાં!
દક્ષિણ આફ્રિકાના ઉત્તર-પૂર્વ છેડે આવેલા ગન્ટેગ પ્રાંતનું એ સ્થળ શા માટે ક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડ ગણાય છે?
સપ્ટેમ્બર ૨૦૧૫ની વાત છે. દક્ષિણ આફ્રિકાની ‘વિટવોટર સ્ટેન્ડ યુનિવર્સિટી’ અને ‘નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી’એ જોહાનિસબર્ગ ખાતેસંયુક્ત રીતે જાહેર કર્યું કે અમને પૃથ્વીના ઈતિહાસમાં અગાઉ કદીન મળી હોય એવી ચીજ હાથ લાગી છે! સપ્ટેમ્બરની એ દસમી તારીખ હતી, પણ ઐતિહાસિક હતી.
મારોપેંગમાં ‘સ્ટેર્કફોઈન્ટેન’ નામની ગુફાઓ આવેલી છે. ચુનાના પથ્થરોની બનેલી ગુફાઓ હંમેશા પ્રવેશદ્વારે સાંકડી અને અંદરથી કદાવર હોય. અહીં પણ એવુ જ હતુ. ટેકરી જોઈને ખબર ન પડે કે નીચે આખું ગુફા-જગત છે. એ બહુ મોટા ગુફા વિસ્તારમાં વળી અનેક ખાંચા-ખૂંચી હતા. એક ખાંચા પર ૨૦૧૩માં સંશોધકોનું ધ્યાન પડયું. તેનું પ્રવેશદ્વાર માંડ દસેક ઈંચ ઊંચુ હતુ. પુરાતત્ત્વિય અવશેષો શોધવા હોય તો જરાય તોડફોડ કર્યા વગર અંદર જવુ પડે. માટે વિજ્ઞાનીઓએ દુનિયાભરમાંથી સંશોધકોને કહેવડાવ્યુ કે પુરાત્ત્વમાં રસ હોય, ગુફામાં કશુંક નવું શોધવુ હોય, ધિરજપૂર્વક મહેનત કરવી હોય અને ખાસ તો જેમનું શરીર દસેક ઈંચના પોલાણમાંથી પસાર થઈ શકે એવડું હોય એવા વિજ્ઞાનીઓની જરૃર છે. સોશિયલ મીડિયાની મદદથી ખંતીલા સંશોધકો પણ મળ્યાં.
સંશોધકો અંદરપહોંચ્યા. અહીંથી તેમને એકાદ-બે હાડકાં મળે એવી અપેક્ષા હતી. પરંતુ અંદરથી ૧૫ હાડકાં મળ્યા. એમાંય એક હાડ-અવશેષ તો એવો મળ્યો જેના કારણે પુરાતન માનવિય અવશેષોનો ઈતિહાસ સદંતર બદલાયો. એ જાણ કરવા જ દસમી સપ્ટેમ્બરે વિજ્ઞાનીઓ એકઠા થયા હતા.
બધા હાડકાં મોટા ભાગે એક શરીરના જ હતા અને એમાં વળી એક પગનું હાડકું તો આખુ હતું. સંશોધકોએ તેનું નાનુ કદ જોઈને તેને ‘લિટલ ફૂટ’ નામ આપી દીધું (વૈજ્ઞાનિક નામ હોમો નાલેડી છે). વર્તમાન મનુષ્યો કરતાં તેના પગ નાના હતા. શરીર પણ પાંચેક ફીટનુ અને વજન અંદાજે ૪૫ કિલોગ્રામ હશે. લિટલ ફૂટના અવશેષો ૪૧ લાખ, ૭૦ હજાર વર્ષ પ્રાચીન હતા. મનુષ્ય-ઉત્ક્રાંતિના ઈતિહાસમાં પૃથ્વી પર લિટલ ફૂટથી વધારે જૂનું કશું જ મળ્યું નથી. શરૃઆતમાં એવો અંદાજ હતો કે મનુષ્યો દસેક લાખ વર્ષ જૂના છે.. પછી નવાં હાંડ-અવશેષો મળ્યાં એટલે ખબર પડી કે ના ૨૦ લાખ વર્ષ તો થયા છે. ૨૦૧૫માં ફરી ખબર પડી કે ના હજૂ થોડાક લાખ વર્ષ પાછળ જવું પડશે.. આજે એ આંકડો ૪૧ લાખ વર્ષ કરતાં ય પહેલાના યુગ સુધી પહોંચે છે. આ હાડકાને ભલે કહેવાય લિટલ ફૂટ પણ ઉત્કાંતિની દિશામાં એ વિરાટ પગલું હતુ. સ્ટેર્કફોઈન્ટેન ગુફામાંથી અગાઉ પણ આવા અવશેષો મળ્યાં હતા.
૧૯૪૭માં મારોપેંગમાં વિસ્તારમાં ચૂનાના પથ્થરો માટે ખોદકામ ચાલતુ હતુ. ખોદકામ કરનારા કામદારો એક પછી એક ધડાકાઓ કરીને જમીનમાં ઉથલ-પાથલ કરતાં હતા. એ ઉથલ-પાથલમાં જ કેટલાક હાડકાઓ સપાટી પર આવ્યા. સાથે સાથે જમીન નીચે ઊંડી ગુફા હોવાનું પણ જણાઈ આવ્યુ. કામદારોને ગુફા કે હાડકામાં કશો રસ ન હતો. માટે તેમણે તો ધડાકાઓ કરતા કરતા માટી ઉલેચવાનું શરૃ રાખ્યુ. પણ એ વાત કોઈએ પેલિએન્ટોલોજીના (જીવાષ્મોના અભ્યાસનું શાસ્ત્ર એટલે પેલિએન્ટોલોજી)ના નિષ્ણાત પ્રોફેસર રોબર્ટ બૂ્રમને કરી. એ પહેલા ૧૯૩૬માં અહીંથી કેટલાક હાડકાં મળ્યા હતા. એટલે જગ્યાનું મહત્ત્વ જાણતા બૂ્રમ તેમના સાથીદાર જોન રોબિન્સન સાથે ત્યાં પહોંચી ગયા.
બન્ને સંશોધકોને અહીંથી હાડકાં મળવા શરૃ થયા. લાખો વર્ષના થર લાગી ગયા પછી હાડકાં અને ખડકો એક-મેક સાથે મળી ગયા હતા. મોટા ભાગના અવશેષો આ રીતે જ મળતા હોય છે. આ હાડકાંઓને ધિરજપૂર્વક અલગ પાડવાની શરૃઆત થઈ. તેમાંથી એક ખોપરી મળી આવી.
ખોપરીની કાળગણના કરતા સામે આવ્યો એ આંકડાએ વિજ્ઞાનીઓને ચોંકાવી દીધા. ખોપરી ૨૩ લાખ વર્ષ જૂની હતી. એ કાળમાં રહેતા સજીવો ‘ઓસ્ટ્રાલોપિથક્સ આફ્રિકાનુસ’ એવા વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. આ નામનો અર્થ એવો થાય છે કે ‘વાનરોમાંથી મનુષ્યો બની રહેલા સજીવો’. એ વાનરો ન હતા, એમ મનુષ્યો પણ ન હતા. બન્ને વચ્ચેના જીવો હતા. ખોપરીને સંશોધકોએ ‘મિસિસ પ્લેસ’ નામ આપ્યું અને આજે પ્લેસદેવી પૃથ્વી પરના પ્રથમ મહિલા-ફર્સ્ટ લેડી ગણાય છે. બીજુ મહત્ત્વ એ વાતનું કે અત્યાર સુધીમાં મળી આવેલી અનેક પુરાતન ખોપરીઓમાં સૌથી પરિપૂર્ણ કહી શકાય એવી આ ખોપરી છે. તેના આધારે એ વખતનો ચહેરો કેવો હશે, તેનો એક્ઝેટ તો નહીં, પરંતુ એક્ઝેટની નજીકનો અંદાજ લગાડી શકાયો છે. એ પછી ફરી ૨૦૧૫માં ગુફામાંથી મહત્ત્વના અસ્થિ મળ્યા હતા. હજૂય એ ગુફામાં ઘણી એવી તીરાડો છે, જ્યાં સંશોધકો પહોંચી શકે એમ નથી. શક્ય છે એ તીરાડોની વચ્ચે વધારે રસપ્રદ ઈતિહાસ ભીંસાયેલો પડયો હોય!
હાડકાં ગુફામાંથી મળે એટલો એનો મતલબ એવો નથી થતો કે ગુફામાં એ જીવો રહેતા હતા. પરંતુ આ વિસ્તારમાં વિચરતા હતા અને એમાંથી ક્યારેક તેમના પગ કુંડાળામાં એટલા કે જમીનમાં રહેલા ખાડામાં પડયા. એ સજીવો નીચે ઊંડી ગુફામાં ખાબક્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. લાખો વર્ષો પછી ત્યાંથી અવશેષો મળ્યા.
જ્યાંથી આ નવાં હાડકા મળી આવ્યા એ સ્થળ વળી પ્રવેશદ્વારથી થોડુ અંદર જ છે. ત્યાં ઉપરથી સીધો સૂર્યપ્રકાશ આવી શકે એમ નથી. પરંતુ બાકોરામાંથી રાતે ઉગતા તારાઓ દેખાય છે. માટે સંશોધકોએ એ સ્થળને ‘રાઈઝિંગ સ્ટાર કેવ’ નામ આપી દીધું છે. અહીંથી જે લોકોના અવશેષો મળ્યા હતા એ સમગ્ર પૃથ્વીના રાઈઝિંગ સ્ટાર જ હતા ને!
સાડા ચારસો ચોરસ કિલોમીટરથી વધારે જમીન પર ફેલાયેલો આ વિસ્તાર આજે સરકારે આરક્ષિત કરી રાખ્યો છે. અહીં મુખ્ય બે સ્થળો છે, જે દુનિયાભરનાપ્રવાસીઓને ખેંચી લાવે છે. મારોપેંગ મ્યુઝિયમ અને તેનાથી થોડે દૂર ગુફા. એ સિવાય અહીં ઘણી ગુફાઓ છે અને૧૩ સ્થળોએ ઉત્ખન્ન ચાલે છે. સમગ્ર સ્થળ હવે તો ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ છે. કુલ મળીને ૧૫૫૦ અવશેષો અત્યાર સુધીમાં મળ્યા છે.
પ્રવાસીઓને નિયમિત રીતે ઊંડી ગુફામાં લઈ જવાય છે. અમને પણ માથે ટોપા પહેરાવી, કેટલીક સૂચનઓ પણ આપી. ગુફા પ્રવેશ પહેલીવારનો હતો એટલે અમારા ઉત્સાહનો કોઈ પાર ન હતો. વાકા વળીને થોડા પગથિયા ઉતર્યાં ત્યાં નવું જગત શરૃ થયું. સામે જુલ્સ વર્નની જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ જેવી કદાવર ગુફા હતી. એ ગુફાનો કેન્દ્રિય ભાગ હતો, પણ આસપાસમાં ઘણી ખાંચા-ખૂંચી હતી, જ્યાં અમારે શરીરને વિવિધ રીતે વાળી-ફેરવીને પસાર થવું પડ્યું.
ગુફામાં ક્યાંક પાણી ભરેલું છે, ચમકતી દિવાલો છે, કરોડો વર્ષથી જામ થયેલા પથ્થરના થરો છે, ઉપર નાના-મોટાં બાકોરા છે, ફસડાઈ પડેલી જમીન છે.. આ ગુફામાં પ્રવાસીઓ સરળતાથી ચાલી શકે એટલા પૂરતી સીડીઓ બનાવાઈ છે, ક્યાંક જરૃર પડી ત્યાં રસ્તાઓ સપાટ કરાયા છે. બાકી તો એવા ઘણા સ્થળો આવે છે, જ્યાં પૂર્વજોની માફક ચાર પગે ચાલીને આગળ વધવુ પડે. લાઈમ સ્ટોનના કદાવર પડદાં બનાવ્યા હોય એવાય કેટલાય પથ્થરો લટકે છે.
ગુફામાં રોજ સવારે પ્રવાસીઓ દાખલ થાય એ પહેલા ઓક્સિઝનનો કેટલોક જથ્થો ઉમેરવામાં આવે છે. જેથી શ્વાસોશ્વાસમાં તકલીફ ન થાય. ગુફાના પ્રવેશદ્વાર પાસે જ સૂર્ય ઘડિયાળ ગોઠવાઈ છે, જેમાં કોઈ પણ વર્ષના કોઈ પણ દિવસનો સમય જોઈ શકાય છે. તો વળી ગુફા પુરી થાય ત્યાં રોબર્ટ બૂ્રમનું પુતળું પણ રાખવામાં આવ્યુ છે.
મારોપેંગ ખાતેના સંગ્રહાલયમાં અહીંથી મળેલા હાડકાંઓ, એ વખતનું જીવન, કાળક્રમે વિકાસ, ઉત્ક્રાંતિની કામગીરી વગરેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. સાથે સાથે અહીં પ્રવાસીઓને સાડા ચાર અબજ વર્ષ પહેલા પૃથ્વીના પ્રાગટયથી આજ સુધીની સ્થિતિનો અનુભવ કરાવાય છે. અંધકારભરી એક ટનલ, ટનલમાં પાણી વહે છે. પ્રવાસીઓને ગોળાકાર હોડીમાં બેસાડી ટનલમાં વહેતા મુકી દેવાય છે. હોડી આગળ વધે એમ ટાઢ-તાપ-તડકો-વરસાદ-નદી-ધોધ-જ્વાળામુખી.. વગેરે પૃથ્વી પરની ભૌગોલિક વિવિધતાઓનો પરિચય કરાવાય છે. કેમ કે પૃથ્વીએ સાડા ચાર અબજ વર્ષના આયુષ્યમાં આ બધી તડકી-છાંયડી જોઈ છે. પાણીનું મહત્ત્વ સૌ કોઈને ખબર છે, એટલે આખી સફર પાણીમાં ચાલે છે. ડાર્વિને જે જગતને સમજાવવા જીંદગી ખર્ચી નાખી એ વાત પ્રવાસીઓ અહીં બે-ત્રણ કલાકની સફરમાં જુએ છે. અહીં સાથે અચૂકપણે રહેતા ગાઈડ પ્રવાસીઓને બધુ સમજાવે અને અંતે એક વાક્ય પણ કહે કે આ સ્થળ આખરે તો આપણા સૌનું ઘર છે!
અહીં લખેલુ જગવિખ્યાત ભૌતિક શાસ્ત્રી કાર્લ સેગાનનું વાક્ય સૌએ યાદ રાખવા જેવુ છે – વી આર વન સ્પિશીઝ. એટલે આપણે સૌ એક છીએ. એટલે કે આજે ફલાણી જ્ઞાતિ, ઢીંકણી જાતી, સમુદાય, દેશ-પરદેશ, ખંડ, વગેરે પ્રાંતોમાં પ્રજા વહેંચાયેલી છે. પણ લાખો વર્ષો પહેલાં જ્યારે ચાલતા શીખતા હતા ત્યારે સૌ એક હતા અને એ બધા જ આફ્રિકાના એ મેદાની પ્રદેશમાં રહેતા હતા. આ પ્રજાતિ અહીં જ રહેતી હશે, ક્યાંયથી અહીં આવી હશે? શું ખાતી હશે? પાણી ક્યાંથી મેળવતી હશે? વગેરે અનેક સવાલોના જવાબો મેળવવા સંશોધકો મથી રહ્યાં છે. તો વળી અહીં મળ્યા એ કાળના અને એ પ્રકારના અવશેષો ક્યાંયથી મળ્યા નથી. માટે એ સજીવોએ ઉત્ક્રાંતિના ઈતિહાસની નવી દિશા ખોલી આપી છે. દૂર સુધી ફેલાયેલુ મારોપેંગનું ખુલ્લું આકાશ મધરાતે અસંખ્ય તારાઓ વચ્ચેથી ક્યાંક મનુષ્ય તો અહીં નહીં આવ્યો હોય ને એવો વિચાર કરવા પણ મજબૂર કરી દે. આસપાસ દૂર સુધી કોઈ જ વસવાટ ન હોવાથી મારોપેંગની હોટેલ દૂરથી વગડામાં દિવો બળતી હોય એવી લાગે.
આ સ્થળે આવ્યા પછી આપણને અને સૌ કોઈને સવાલ થાય કે આપણે ક્યાંથી આવ્યા, ક્યાં છીએ.. ક્યાં જઈ રહ્યાં છીએ. આ પૂર્વજોના નામો બારોટના ચોપડે ચડેલા નહીં હોય કે નહીં તેનો ઉલ્લેખ પેઢીનામામા હોય. પણ એ છતાંય આપણા પૂર્વજો જ હતા. અને માટે જ મારોપેંગ એ નવખંડ ધરતી પર રહેતા સૌ મનુષ્યો માટે પૂર્વજોનો ‘પીપળો’ છે.