અબુધાબી/Abu Dhabiમાં આરબી પરંપરા છે તો પશ્ચિમની આધુનિકતા પણ છે. એટલે જ તો વર્ષે વીસેક લાખ પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લે છે. પહેલા ભાગમાં ત્યાંના કેટલાક સ્થળો જાણ્યા પછી વધુ કેટલાક ડેસ્ટિનેશન ઓળખીએ..
ગલ્ફના ઘણા સ્થળોની માફક અબુ ધાબીનો વિકાસ પણ છેલ્લા બસ્સો-અઢીસો વર્ષમાં જ થયો છે. 18મી સદીની શરૃઆતમાં તો અહીં માત્ર માછીમારી કરતી નાની-નાની વસાહતો હતી, એ સ્થળ હવે હજારેક ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું મહાનગર બની ચૂક્યું છે.
6. પર્લ માર્કેટ
અહીંની ભૂમિમાંથી કાળુ સોનુ (બ્લેક ગોલ્ડ) કહેવાતુ પેટ્રોલિયમ મળી આવ્યું છે, પાણીમાં પર્લ-મોતીનો ખજાનો છૂપાયેલો છે. પર્લ મેળવવાનું કામ આજે પણ ચાલે જ છે. હજુ ઓક્ટોબર 2019માં જ અહીંના કાંઠેથી આઠ હજાર વર્ષ જૂનું મોતી મળી આવ્યું હતું. એ અત્યાર સુધીમાં મળેલું દુનિયાનું સૌથી પ્રાચીન મોતી છે. અબુ ધાબીની સમૃદ્ધિમાં પર્લનો મોટો ફાળો છે, માટે તેના વેપારનું કોમોડિટી પ્રકારનું એક્સચેન્જ પણ અહીં સ્થપાયેલું છે.
સમુદ્રમાંથી પર્લ કઈ રીતે મળે એ જોવા માટે પર્લ જર્નીમાં જઈ શકાય છે. રજવાડી બોટમાં બેસીને પ્રવાસીઓ સમુદ્રમાં જઈને પર્લ મેળવવાની પ્રક્રિયા સમજી શકે છે. પ્રતિ વ્યક્તિ 500 દિહરામ જેવી તેની ટિકિટ છે. આ રહી તેની સાઈટ https://adpearljourney.com/ ત્યાં બજારમાં 200થી લઈને 50,000 દિહરામ સુધીના પર્લ વેચાતા પણ મળે છે.
7. એમિરેટ્સ પેલેસનો રજવાડી ઠાઠ
યુનાઈટેડ આરબ એમિરેટ્સ તેની રાજાશાહી (એમિરેટ્સ-અમિરાત)ને કારણે ઓળખાય છે. આરબ જગતમાં એમના મહેલ-મહેલાતો-કિલ્લા ખાસ બચી શક્યા નથી. માટે તેની કમી આધુનિક બાંધકામો દ્વારા પૂરી કરવામાં આવી છે. એવુ જ એક અરેબિયન નાઈટ્સની દુનિયામાં પહોંચી ગયાનો અહેસાસ કરાવતું બાંધકામ એમિરેટ્સ પેલેસ છે. દેખાવે મહેલ પણ સ્વભાવે એ હોટેલ છે! દુબઈ પાસે જો બુર્જ ખલીફા નામનું ઊંચુ આકર્ષણ છે, તો અબુધાપી પાસે આ બેઠા ઘાટનો આ મહેલ છે.
મહેલ કમ હોટેલમાં 392 ઓરડા છે, પરંતુ તેની મુલાકાત માટે હોલેટમાં ઉતરવું ફરજિયાત નથી. અહીં વિવિધ પ્રકારની પાર્ટી-મેળાવડા-સંગીત સમારોહ યોજાતા રહે છે, જેમાં પણ શામેલ થઈ શકાય છે. બાંધકામને આકર્ષક બનાવવા છતની ઉપર 114 ગુંબજ તૈયાર કરાયા છે, તો અંદરની છતમાં 1002 ક્રિસ્ટલ ઝુમ્મર લટકે છે. એમાં વળી સેન્ટ્રલ હોલમાં લટકતું સૌથી મોટું ઝુમ્મર તો અઢી ટન વજનનું છે. હોટેલના કાંઠે ખાનગી કહી શકાય એવો સવા કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, તો વળી ટોચ પર હેલિકોપ્ટર માટે બે હેલિપેડ પણ છે.
8. બાજદારીની બહાદુરી
અબુ ધાબની સંસ્કૃતિમાં વણાયેલી રમત ‘બાજદારી (ફાલ્કનરી)’ છે. રણમાં વ્યાપકપણે જોવા મળતાં આ પક્ષીઓને તાલીમ આપીને તેમની પાસે ધાર્યો શિકાર કરાવવો, સ્પર્ધા યોજવી.. વગેરે રમત ફાલ્કનરી તરીકે ઓળખાય છે. સદીઓથી મનુષ્યોને સાથ આપતા એ પાંખાળા સાથીદારો માટે 1999માં જગતની પ્રથમ (અને હવે સૌથી મોટી) હોસ્પીટલ અબુ ધાબીમાં ખોલવામાં આવી. આમ તો હોસ્પીટલની સફર કરવી એ પ્રવાસના લિસ્ટમાં શામેલ હોઈ ન શકે, પરંતુ અહી આ હોસ્પીટલ ચૂકવા જેવી નથી. કેમ કે નામ હોસ્પીટલ છે, બાકી તો બાજદારીનું જિવંત પ્રદર્શન છે. અબુ ધાબીમાં નિયમિત રીતે બાજની સ્પર્ધા અને વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે. ચાર હજાર વર્ષથી ચાલી આવતી પરંપરાનું સાંસ્કૃતિ મહત્ત્વ સ્વીકારીને 2016માં ‘યુનેસ્કો’એ પણ આ રમતને માન્યતા આપી છે.
બાજ માટે બનેલી આ હોસ્પીટલમાં 200 એરકન્ડીશનર ઓરડા (કે વોર્ડ) છે, જ્યાં આ દરદીઓની સારવાર થાય છે. બાજદારી વખતે પક્ષી ઘાયલ થાય ત્યારે તેમને સારવાર માટે અહીં લવાય છે. સ્થાપનાથી આજ સુધીમાં 1,10,000 દરદીઓ અહીંથી સારવાર લઈને હેમખેમ હવામાં પાછા ફર્યાં છે. પ્રવાસીઓને એ રમત, તેનો ઈતિહાસ, બાજની તાલીમ, વિજેતા બાજનો પરિચય વગેરે અહીં કરાવવામાં આવે છે. વધુમાં પ્રવાસીઓ જરા હિંમત દાખવે તો અણીદાર નહોર ધરાવતા બાજને ખભે બેસાડી ફોટો પણ પડાવી શકે છે.
પ્રવાસીઓ અહીં સવારના દસથી બે વાગ્યા સુધી મુલાકાત લઈ શકાય છે. એ માટે તેની વેબસાઈટ પર https://www.falconhospital.com/ બૂકિંગ કરાવવું અનિવાર્ય છે. ટિકિટનો દર વ્યક્તિદીઠ 180 દિહરામ જેવો છે.
9. મસદર, આવતીકાલનું નગર
રોજ રોજ આખા જગતમાં અઢળક બાંધકામ થતું જાય છે, નગર-શહેર વિસ્તરતા જાય છે તો પણ આવતીકાલની દુનિયામાં ટકી શકે એ માટે કેવું ટાઉન પ્લાનિંગ કરવું તેનો સંપૂર્ણ સંતોષકારક જવાબ મેળવવાનો બાકી છે. આ જવાબ મેળવવાનો પ્રયાસ અબુ ધાબીએ મસદર શહેરના નિર્માણ દ્વારા કર્યો છે. શહેરનો વિસ્તાર માત્ર 6 ચોરસ કિલોમીટર છે, એટલે સમજી શકાય કે એ હજુ મોડેલ કહી શકાય એવા સ્ટેજમાં છે. આપણા મહાનગરોની સરખામણીમાં તો આ શહેર માઈક્રો કહી શકાય એવું છે, પણ તેની વિશેષતા જ તેનું માઈક્રોપ્લાનિંગ છે.
આ શહેર વિકસી રહ્યું છે, હજુ સુધી પૂરેપૂરું બની નથી ગયું. પરંતુ જેટલું બન્યું એટલું નમુનેદાર છે. અહીં રહેતા હજારેક વિજ્ઞાની-ટેકનિશિયનો ભવિષ્યનું પ્લાનિંગ ઘડતા રહે છે. શહેર વિકસતું જશે એમ પર્યાવરણ પ્રેમીઓની વસતી પણ ત્યાં વધતી જશે.
શહેરનું કાર્બન ઉત્પાદન ઝીરો છે. શહેરની જરૃરી ઊર્જા સોલાર પાવરથી મળે છે, શહેરમાં પોતાની કાર લઈને પ્રવેશ કરી શકાતો નથી બલકે ત્યાં પ્રવેશદ્વારે જ પર્સનલ ‘રેપિડ ટ્રાન્સપોર્ટ પોડ’ કહેવાતી નાની નાની ઈલેક્ટ્રિક કારમાં સવાર થવાનું રહે છે. આ કાર આખા શહેરની સફર કરાવી ફરી દરવાજે ઉતારી દે છે. આ પોડ્સ નિર્ધારિત (મેટ્રો રેલ જેવા) નિર્ધારિત રૃટ પર જ ચાલે છે, માટે તેમાં કોઈ ડ્રાઈવરની જરૃર રહેતી નથી.
અંદર પ્રવેશવાની કે પોડમાં સવારી કરવાની કોઈ ટિકિટ નથી. ગલ્ફ દેશો તેના ફોસિલ ફ્યુલ (પેટ્રોલિયમ)ના ઉત્પાદન માટે જગતભરમાં જાણીતા છે. પ્રદૂષણનું મોટું કારણ પણ ફોસિલ ફ્યુલ છે. એટલે જ પેટ્રોલિયમના પિયર જેવા વિસ્તારમાં આ નગર ઉભું કરીને અબુ ધાબી જગતને સંદેશો આપ્યો છે કે જ્યાં ખનીજતેલના કૂવા છે, ત્યાં પણ ખનીજતેલ વગર ચાલતું શહેર ઉભું કરી શકાય છે, જરૃર છે બસ એ દિશામાં દૃષ્ટિ દોડાવાની.
10. ડેઝર્ટ સફારી
એક પછી એક ગોઠવાયેલા ઢૂવા ધરાવતું જગતનું સૌથી મોટું રણ અહીંથી શરૃ થાય છે. એ રણમાં ડેઝર્ટ સફારી પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છેરણમાં જવા માટે ઉંટ સવારીનો વિકલ્પ મળે છે. રણમાં ચાલતી ગાડીઓ પણ ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે બૂકિંગમાં જ આ બધી સગવડનો સમાવેશ થતો હોય છે. રણમાં ફરવાનો સમય અલગ હોય છે, માટે સવારે 3 વાગે પ્રવાસીઓને હોટેલથી લઈ જાય, દસેક વાગ્યે પરત મુકી જાય.
આ ઉપરાંત શોપિંગ મોલ્સ, અલ હોસ્ન ફોર્ટ, હેરિટેજ વિલેજ સહિતના પુરાતન બાંધકામો, યસ આઈલેન્ડ પર બનેલું વોર્નર બ્રધર્સ થિમ પાર્ક, સ્થાનિક મહિલાઓની હાથબનાવટની ચીજો વેચતું વૂમન્સ હેન્ડિક્રાફ્ટ સેન્ટર વગેરે અનેક આકર્ષણો છે, જેનાથી ત્રણ-ચાર દિવસ સહેજે પસાર કરી શકાય.
જતાં પહેલા જાણી લો
- ઓકટોબરથી માર્ચ સુધી તાપમાન માફક એવું હોય છે. એપ્રિલથી શરૃ થતો ઉનાળો જરા આકરો પડી શકે છે.
- યુએઈનો વિઝા મેળવવો ખાસ મુશ્કેલ નથી એ માટે https://www.dubaivisa.net/ની ની મુલાકાત લેવી. જ્યાં બુકિંગ હોય એવી કેટલી હોટેલ્સ પણ વિઝાની કાર્યવાહી કરી આપે છે. તો વળી ‘એતિહાત એરલાઈન્સ’ના પ્રવાસીઓને વિઝા મેળવવામાં એરલાઈન્સ પણ મદદ કરે છે.
- અહીંનું સત્તાવાર ચલણ દિહરામ છે. એક દિહરામ બરાબર લગભગ વિસેક રૃપિયા. અરેબિક મુખ્ય ભાષા છે, પરંતુ અંગ્રેજીનું સર્વત્ર ચલણ છે. કેટલાક વિસ્તારોમાં હિન્દી-ગુજરાતી ભાષા પણ ચાલે છે.
- અહીં દાયકાઓથી ભારતીયો રહે છે, માટે ખાણી-પીણીની ભારતીય સામગ્રી કે અન્ય મદદ મેળવવામાં ખાસ મુશ્કેલી પડતી નથી.
- ગલ્ફના કેટલાક દેશોમાં નમાજ વખતે પ્રવાસીઓ પણ ખાવા-પીવાનું બંધ કરવું, પ્રવૃત્તિ અટકાવી સ્થિર થવું વગેરે ચૂસ્ત નિયમો છે, અબુ ધાબીમાં પ્રવાસીઓને આવા કોઈ નિયમ નથી.
- સોનુ ખરીદવાનું મન થાય તો કોઈ દુકાનમાં ગયા વગર જાહેરમાં મુકાયેલા ગોલ્ડ એટીએમમાંથી મેળવી શકાય છે. નિર્ધારિત દિહરામની નોટો (અથવા ક્રેડિટ-ડેબિટ કાર્ડ) દાખલ કર્યા પછી 1,5,10 ગ્રામનો ચક્કો અને કેટલાક કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા સોનાનું માતબર ઉત્પાદન કરતા દેશોના સિમ્બોલ ધરાવતા સિક્કા મશીનમાંથી બહાર નીકળે છે.
- જુમૈરાહ એતિહાદ ટાવર નામની હોટેલના 74મા માળે રેસ્ટોરાં અને ઓબ્ઝર્વેશન ડેક બનાવાયું છે. પ્રવાસીઓ ટિકિટ લઈને ત્યાંથી અબુ ધાબીનું વિહંગાવલોકન કરી શકે છે.
Images courtesy
https://adpearljourney.com/
https://visitabudhabi.ae/
https://www.louvreabudhabi.ae/
https://www.szgmc.gov.ae/
https://www.ferrariworldabudhabi.com/
https://www.falconhospital.com/
https://masdar.ae/
https://www.mandarinoriental.com/