એક સમયે જંગલી પ્રાણીઓના શિકારની છૂટ હતી. શિકારની છૂટ હતી એટલે શિકારીઓ હતા અને શિકારીઓ હતા એટલે શિકારકથા પણ હતી. સાચી શિકારકથાના બે ભાગમાં લેખકે પોતાના શિકારાનુભાવો વર્ણવ્યા છે.
વજેન્દ્ર હરિપ્રસાદ દેસાઈ દક્ષિણ ગુજરાતના કોઈ ખમતીધર શિકારી હતા. પુસ્તકમાં તેના વિશે વધુ વિગતો મળતી નથી. પણ એમના પિતા હરિપ્રસાદ દેસાઈ શિકારે જતાં, વજેન્દ્ર પોતે જતાં અને પોતાના દીકરાને પણ લઈ જતા. તેમના પત્ની પણ મોટા ભાગના શિકારમાં સાથે જોડાયા છે.
લેખક સામાન્ય રીતે વર્ષમાં એક વખત તો શિકારે જતાં જ. તેમના કહેવા પ્રમાણે મોટા ભાગના શિકાર પ્રજાને રંજાડનારા પ્રાણીઓના જ કર્યા છે. તો પણ ક્યાંક ક્યાંક શોખ ખાતર શિકાર થયાનું પણ નોંધ્યુ છે. બન્ને ભાગમાં મળીને કુલ ૧૫ શિકારાનુભાવો છે.
શિકાર એ આજે લુપ્ત થયેલી કળા છે અને હવે એ કળાની જરૃર પણ નથી. જંગલી પ્રાણીઓનો શિકાર કરવો પડે એવો આ સમય નથી, કેમ કે માણસોએ જંગલમાં થાય એટલી તો પેશકદમી કરી જ લીધી છે. પણ એક જમાનો એવો હતો કે વાઘ-સિંહ-દીપડા-રીંછ જેવા પ્રાણી ખેડૂતોનું નુકસાન કરે, ગ્રામજનોને રંજાડે, રાહદારીઓને છંછેડે.. ત્યારે તેમનો શિકાર કરવાની સરકાર તરફથી મંજૂરી મળતી હતી.
આ લેખક વળી સાહિત્યના શોખીન છે, વાંચનનો શોખ તેમના લખાણણાં ઠેર ઠેર છલકાઈ આવે છે. શિકાર શબ્દ ફારસી છે અને તેનો અર્થ ગમ્મત થાય એવી પણ સ્પષ્ટતા પ્રસ્તાવનામાં કરાઈ છે. પુસ્તકની પ્રસ્તાવના પણ કનૈયાલાલ મુનશીએ લખી આપી છે.
બન્ને ભાગમાંથી જરા પસાર થઈએ…
- બીજી ગોળી ક્યાં વાગી એ નક્કી નહોતું. પરંતુ ૪૦૦ ગ્રેઈનની ૪ હજાર પાઉન્ડ ફૂટના ધક્કાથી લાગેલી ગોળીએ મગરનો આગલો પગ, તેનો તરવાનો આધાર લગભગ તોડી નાખ્યો હતો.
- આ ખેતરમાં જોનારની આંખ ઠારે એવો સરસ કપાસ ઊગેલો અને આંખ ઠારવા વાઘ પણ તે ખેતરમાં જ પડેલો! પ્રથમ તો મેં પાછળ આવતા માણસોને દૂર થોભવા અને શાંતિથી બેસી જવા ઇશારો કર્યો. અમે બન્નેએ થોડે દૂર રહીને તે ખેતર ફરતે આંટો મારી ખાતરી કરી લીધી કે તે નામદાર ખેતરની બહાર નીકળ્યા જ નથી.
- જરખ એ જંગલનો સફાઈ કામદાર છે. પાછલા પગ ટૂંકા અને આગલા પગ લાંબા એવું ચારપાંચ ફૂટ લાંબું ચંટાપટાવાળું આ પ્રાણી કંઈક વાઘને મળતું અને કંઈક ગધેડાને મળતું આવે છે. તેથી તેને જંગલના લોકો ગધેડિયો પણ કહે છે. પણ જરખ એ કુદરતે બનાવેલું જંગલ માટેનું ઉપયોગી પ્રાણી છે.
- ત્રીજા દિવસે સવારે એક પાડા પાસે જતાં હું અચંબામાં ગરકાવ થઈ ગયો. પાડાથી દસપંદર ફૂટ છેડે વાઘની જબરદસ્ત પગલી સ્પષ્ટ દેખાઈ. વાઘ પાડાની આગળ પાછળ ફરેલો, પરંતુ પાડાને તેણે ન માર્યો. તે પાડાને બંધાયેલો જોઈ કંઈક દગો છે એમ સમજી મોંમા આવેલો શિકાર પડતો મુકી અસ્વાભાવિક સંયમ દાખવી જતો રહ્યો હતો. મને આ વાઘની હોંશિયારી માટે ખરેખર માન થયું.
- હવે શું કરવું? વાઘને કેમ સપડાવવો? આખરે મેં નિર્ણય કર્યો. મારે શિકારીનો વેશ છોડી, પાયજામો-ખમીસ પહેરી, માથે સાફા જેવો રૃમાલ વીંટી ગોવાળ સાથે ધણમાં જવું.
- ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના લેખક સ્વ. નંદશંકરના સુપુત્ર સ્વ. મનુભાઈ મહેતા વર્ષો પહેલા ગાયકવાડ રાજ્યમાં દીવાન હતા. ત્યારે મારા સ્વ. પિતાજીએ મિત્રતાને લઈને તેમની પાસે એક મહિના માટે ગાયકવાડ રાજ્યના જંગલમાં શિકાર કરવાની ખાસ પરવાનગી મેળવેલી. હું બાળક હોવા છતાં પિતાજી સાથે શિકારે ગયેલો, ત્યારે મોટી સંખ્યામાં જનાવરો જોયેલા.
- ભયંકર ગણાતા વાઘ, દીપડા, જંગલી ભેંસ, ગેંડા, સાપ, અજગર બધા જ પ્રાણીઓ મનુષ્યથી ગભરાય છે. તેઓ આ બેપગા પ્રાણીનો વિશ્વાસ કરતાં નથી અને દૂર રહેવામાં જ સલામતી માને છે.
- તેમનું કહેવું હતું કે, હાકો કાઢનારા માણસોમાંથી કેટલાક અમુક જાતનો સ્વર કાઢી સાબરને ભાળતાં ગાયન ગાશે. સાબર આ સ્વર પર, આ ગાયન પર એવું મુગ્ધ થશે કે શિકારી સુદ્ધાં છેક નજીક જશે તો પણ એ સ્થિર ઊભું રહેશે.
- સાવચેતી રાખીએ તો જંગલમાં કોઈ બીક નહીં. અમને તો શહેરમાં વધુ બીક લાગે.
- પુનમની રાત હોઈ, ચન્દ્રના અજવાળામાં નદી તેમજ જંગલોનો દેખાવ ઘણો સુંદર બની ગયો. ‘ધ મૂન’ કવિતામાં વર્ણન પ્રમાણે જેમ જેમ ચન્દ્ર ઉપર આવતો ગયો તેમ તેમ દરેક વસ્તુ રૃપેરી બનતી ગઈ. નદીના પાણી પર ચાંદની અતિ મનોહર લાગતી હતી. (ધ મૂન એ જગવિખ્યાત લેખક રોબર્ટ લુઈસ સ્ટિવન્સનની કવિતા છે).
- ગમે તે હો, પરંતુ આ કૂતરાંઓની (એટલે જંગલી કૂતરાં) વ્યૂહરચના, હિંમત, સંપ, ધિરજ વગેરે ગુણો પ્રસંશા માંગી લે છે. પરંતુ શિકારીની એ નૈતિક જવાબદારી છે કે તેણે આવાં જનાવરોનો બને એટલો નાશ કરી બીજાં જનાવરોને તેનાં ત્રાસથી મુક્ત કરવાં.
- એદલકાકાએ મારા પિતાજીને પૂછ્યું, બોલો વાઘના માથામાં ગોળી કઈ જગ્યાએ મારું? તેની ડાબી આંખમાં કે જમણી આંખમાં કે બરાબર બન્નેની વચમાં? (એદલકાકા એવા નિશાનેબાજ હતા, અને પછી તેણે બરાબર વાઘની બે આંખ વચ્ચે ગોળી મારી દેખાડી હતી)
- ખાસ્સા મોટા દીપડાની તે તાજી જ પગલીઓ હતી. તેનાથી ભાગ્યે જ પાંચ-સાત ફૂટ દૂર પચાસસાઠ નાનાંમોટાં સ્ત્રી-પુરુષો સૂતાં હતાં, છતાં તે ગુપચુપ ચાલી ગયો. તે ધારત તો છેવટે એકાદ બાળકને જરૃર ચૂપચાપ ઉઠાવી જાત.
- (એક ઝૂંપડામાં છૂપાયેલા દીપડાનો શિકાર કરવા ગયા ત્યાં પાછળથી દીપડી પણ આવી પહોંચી..) મારા ગેઈમ લાઈસન્સમાં એક જ દીપડો કે દીપડી મારવાની પરવાનગી હતી. હવે શું થાય? દીપડીને હું કઈ રીતે આ કાયદો સમજાવી શકું? હું કંઈ પણ શાણપણ કરવા જાઉં તો મારી તો આવી જ બન્યું હતું.
- દીવાનખાનામાં શિકાર કરેલી જંગલી ભેંસનું શીંગડા સાથેનું ગંજાવર માથું ભીંત પર જોયું. શીંગડાનો ઘેરાવો ૧૬૩ ઈંચ (૧૩ ફૂટ, ૭ ઈંચ) છે. આ શીંગડા અત્યાર સુધીમાં શિકાર થયેલી ભેંસોમાં રેકોર્ડ સમાન છે.
કૃપા કરીને પુસ્તક ક્યાંથી મળી શકે તેની માહિતી આપશો.
એ તો કોઈ પુસ્તક વેચાણકર્તાને ત્યાં અથવા પ્રકાશકને ત્યાં તપાસ કરતી રહેવી પડે. હવે આસાનાથી મળે એવી શક્યતા ઓછી છે.
ધન્યવાદ