જુલ્સ વર્નની બે વાર્તા જર્ની ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન અને અરાઉન્ડ ધ મૂનનો આ સંયુક્ત અનુવાદ છે. ૧૮૬૫માં બે અમેરિકન અને એક ફ્રાન્સિસી કઈ રીતે ચંદ્ર પર પહોંચ્યા હતા, તેનું રસદાર વર્ણન છે.
ચંદ્રલોકમાં
મૂળ લેખક – જુલ્સ વર્ન
અનુવાદક (રૃપાંતરકાર) – મૂળશંકર મો. ભટ્ટ
પ્રકાશક –શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી, ભાવનગર (૦૨૭૮-૨૨૦૫૨૨૦)
કિંમત – ૧૦૦ (એપ્રિલ ૨૦૧૧ની આવૃત્તિ)
પાનાં – ૧૫૨
નાસાએ ૧૯૬૮માં એપોલો પ્રોગ્રામ હેઠળ પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા કરી, ૧૯૬૯માં પ્રથમ વાર મનુષ્યએ ચંદ્ર પર પગ મુક્યાં. તેના સોએક વર્ષ પહેલા જુલ્સ વર્ને વિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ પોતાની વાર્તામાં ચંદ્રયાત્રા યોજી હતી. એટલે જુલ્સ વર્નને ભવિષ્ય દેખાતું હતું. વાર્તામાં એમણે જે સિદ્ધાંતો વર્ણવ્યા હતા, એવા જ સિદ્ધાંતો પ્રમાણે સદી પછી ચંદ્ર પ્રવાસ શક્ય બન્યો. બેશક વિજ્ઞાન અને વાર્તામાં ફેરફાર તો ઘણો રહેવાનો, પરંતુ પાયો એક સમાન હતો.
આ વાર્તા ૧૮૬૫માં લખાઈ છે, જ્યારે અમેરિકામાં ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ગૃહયુદ્ધ ખતમ થયું હતું. એ પછી તોપમંડળ નવરું પડ્યું, કેમ કે તોપનો કોઈ વપરાશ ન હતો. એટલે નક્કી કર્યું કે તોપ ફોડીને ગોળો ચંદ્ર પર મોકલીએ. એ પછી શું થયું એ પુસ્તકમાં વાંચવા જેવું છે. વર્નની દરેક કથામાં વિજ્ઞાન-સાહસ સાથે હાસ્યરસ પણ ભરપૂર હોય છે, અહીં પણ છે. આ રહ્યાં કેટલાક અંશો..
- હવે અમેરિકીઓનું એવું છે કે એક જણને મનમાં જો કોઈ તુક્કો ઊઠ્યો તો તરત જ તે તુક્કામાં એક ભાગીદાર ભેળવે જ. એમાં જો ત્રણ થયા, તો પછી એક પ્રમુખ અને બીજા બે મંત્રી. ચાર જણ થયા તો ચોથો કારકુન થાય, અને કંપની શરૃ તો થઈ જાય. પાંચ જણ થયા, એટલે કંપનીની મોટી સભા થઈ ગણાય. બાલ્ટિમોર શહેરમાં આમ જ થયું.
- આ આપણી જિંદગીના છેલ્લા વર્ષો આપણે આપણી તોપવિદ્યાને આગળ વધારવામાં નહિ વાપરી શકીએ? કંઈક નવું તોફાન નહીં જાગે? શું ફરીવાર તોપમાંથી ગોળાની ગર્જના અને વીજળીના ચમકારા વાતાવરણને નહિ ભરી શકે? શું દેશ દેશ વચ્ચે ક્યાંય એવી ચકમક નહિ જ ઝરે? આપણો દેશ કદી કોઈ બીજા દેશ સામે લડાઈ જાહેર નહિ જ કરે? શું ફ્રાંસ આપણા દેશનું એકાદ વહાણ નહિ ડુબાડે? અરે કંઈ નહં તો ઈંગ્લેન્ડમાં કાંઈક ગુનાસર એકાદ અમેરિકીને ફાંસી ચડાવવાની સજા નહિ થાય? બસ! અને લડાઈ જાહેર કરવા માટે આ ઓછાં કારણો છે?
- બિલ્સીએ લડાઇમાં બચેલા ચાર દાંત વચ્ચેની જીભને હલાવી.
- જો પૂરતો વેગ આપવામાં આવે, પૂરતી શક્તિશાળી તોપ બનાવવામાં આવે, તો એક ગોળો આપણે ઠેઠ ચંદ્ર સુધી ખુશીથી મોકલી શકીએ.
- દૂરબીનવાળાની દુકાને તરત જ દરોડો પડ્યો, ને જોતજોતામાં એકએક દૂરબીન વેચાઈ ગયું. જાણે કે અત્યારે જ ચંદ્ર પણ અમેરિકાનું એક સંસ્થાન હોય, એમ તેના તરફ માતૃભૂમિની જેવી મીઠી નજરથી બધા જોવા લાગ્યા.
- ચંદ્રનો પરિચય કરવા માટે માણસે ઓછી મહેનત નથી ઉઠાવી. લોકોએ તેને પૂજ્યો છે. કવિઓએ તેના વખાણ કરવામાં કલ્પનાનાં કોઠારનાં બારણાં મોકળા મૂકી દીધાં છે.
- સભા એટલી અગત્યની હતી, કે તેમાં વચ્ચે પેટ દખલગીરી ન કરે, તે માટે ટેબલ ઉપર ફરસાણની થાળીઓ ગોઠવાયેલી હતી.
- બસ હું એટલું જ કહીશ કે જો ચંદ્ર ઉપર આ ગોળાનો સત્કાર જો યોગ્ય રીતે નહીં થાય તો ભૂલ ચંદ્રની જ ગણાશે.
- હવે આપણે કાવ્યના પ્રદેશમાં ઠીક ઠીક ફરી લીધું. હવે પાછા હકીકતો ઉપર આવીએ. ‘અમે તૈયાર છીએ.’ અરધી અરધી થાળી ભજિયાં પેટમાં પધરાવ્યા પછી પાણી પીતાં સભ્યો બોલ્યાં.
- આજે ટેબલ ઉપર ભજિયાં રાખી શકાય એમ ન હતા કારણ કે તે જગ્યાએ અમેરિકાનો છેલ્લામાં છેલ્લો અને બરાબર માપીને બનાવેલો નકશો પડ્યો હતો.
- વિદ્વાનો બે પ્રકારના છે. એક ભણેલા અને બીજા ગણેલા. ચંદ્રમાં ઉપર હવા નથી, એ ભણેલા વિદ્વાનોનો મત હશે. એમ તો અમારા ફ્રાંસમાં એક વિદ્વાન માને છે કે ગણિતશાસ્ત્રની ગણતરીએ પક્ષી ઊડી જ ન શકે અને માછલી પાણીમાં રહી ન શકે.
- સીધું સામાન બહુ સાથે લીધો ન હતો, કારણ કે માઈકલ આર્ડન અને મેસ્ટન વચ્ચે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે વરસમાં એકવાર ચંદ્ર પૃથ્વીથી વધારેમાં વધારે પાસે આવે ત્યારે આ જ તોપમાંથી સીધો સામાનનો એક ગોળો ચંદ્ર ઉપર મોકલી આપવો.
- એક વાતથી ત્રણે જણ નિશ્ચિંત હતા. તેમને કોઈ કુટુંબીજનની રજા લેવાપણું હતું નહીં. એટલે એ કરૃણરસનું નાટક અહીં ભજવાય તેમ નહોતું.
- મેસ્ટને એની જિંદગીમાં મહામહેનતે ભેગું કરેલું એક આંસુનું ટીપું અત્યારને પ્રસંગે પોતાના મિત્ર બારબિકેનના ખભા પર ખેરવ્યું.
- હવે આપણે પૃથ્વીલોકનાં માનવી ન કહેવાઈએ, હવે આપણે ચંદ્રલોકના વતની તરીકે મનાવીએ તો વાંધો નથી. આપણે ત્રણ એ ચંદ્રલોકની માનવસૃષ્ટિ ગણાશું.
- એ ઉપરાંત એક ખૂણામાં ખાનગીમાં જઈને એક પેટી વારંવાર ઉઘાડીને તેમાં આ દાણા તે નાખી આવતો હતો અને જાણે કાંઈક છુપાવવા માંગતો હોય તેમ પોતાનો ઘાંટો કાઢી ગાતો હતો.
- આ ગોળો જો પૃથ્વી પર પડવાનો હોય તો હું ઈચ્છું છું કે સીધા કેમ્બ્રિજની વેધશાળા ઉપર પડે ને તેની અંદરના બધા પંડિતોને પોતાની સાથે ઉપાડી જાય.
- માઈકલ ખૂબ કંટાળ્યો. તેણે નક્કી કર્યું કે હવે ફરી જો કોઈવાર ચંદ્ર ઉપર નીકળવાનું થાય તો અમાસ ઉપર જ નીકળવું.
- હવે ૨૨ કલાક સુધી આપણે કંઈ ખાસ કરવાનું રહેતું નથી, તો પછી હું એક દરખાસ્ત મૂકું.
શી?
આપણે બધા સૂઈ જઈએ. - તો પછી ચંદ્ર ઉપરથી આપણા મિત્રો ૯ ફૂટ મોટા અક્ષરોથી બે-ત્રણ માઈલ લાંબા વાક્યો લખે તો આપણે ખુશીથી વાંચી શકીએ.
- તે જ વખતે તોપ મંડળના બીજા સભ્ટો ઠેઠ બાલ્ટિમોરથી માર માર કરતાં રસ્તામાં પાંચ ઘોડાનો ઘાણ વાળીને આવી પહોંચ્યા હતા.