સરેરાશ મનુષ્યને અગોચર વિશ્વમાં થોડો ઘણો રસ તો પડે જ. કનૈયાલાલ રામાનુજનું આ પુસ્તક પોતાના જંગલ પ્રવાસો દરમિયાનની કહી-સુની રજૂ કરે છે.
અઘોર જંગલના અઘોરી સાધુઓ
પ્રકાશક – પ્રવિણ પુસ્તક ભંડાર, રાજકોટ
કિંમત -૩૩.૨૫ રૃપિયા
પાનાં – ૨૯૫
જંગલમાં રહેતા અઘોરી સાધુઓ જાત-જાતની ચમત્કારીક શક્તિ ધરાવતા હોય છે, કાળી ચૌદશ જેવી રાતોએ વિવિધ તાંત્રીક વિધિ કરતા હોય, બલિ ચડાવતા હોય.. વગેરે વાતો સાંભળી હોય. તેને જોઈ હોય એવા મનુષ્ય મળવા મુશ્કેલ છે.
આ પુસ્તકમાં પણ ભારતના વિવિધ જંગલમાં ટ્રેકિંગ દરમિયાન લેખકને મળેલા સાધુઓ અને અન્ય વ્યક્તિઓએ કરેલી વાતો છે, પ્રત્યક્ષ અનુભવો ઓછા છે. એટલે સમગ્ર પુસ્તકને અગોચર વિશ્વ સમજીને વાંચવું રહ્યું. એક આપણે સમજી શકીએ એવું વિશ્વ છે, બીજું આપણે ન સમજી શકીએ એવું. આ પુસ્તકમાં એવી વાતો વધુ છે, જે સાચી લાગે કે ન લાગે.. પણ મજા આવે. મજા માટે જ વાંચવાનું છે, માનવા માટે નહીં. કેવી વાતો છે, તેના કેટાલાક નમૂના…
- રાત પડે એટલે જંગલ જાગે.. તેની વિકરાળતાનો ખ્યાલ રાતે જ આવે.
- અમે આદર આપી તેમને બેસાડ્યા. તેમણે બગલમાં વીટો કરી રાખેલ વાઘચર્મ પાથરી સ્મિત સાથે આસન જમાવ્યુ.
- અનિષ્ઠકારી વિદ્યાઓમાં મૂઠ એક એવી વિદ્યા છે કે જેનું નામ સાંભળતા ભલભલાના રૃવાડાં બેઠા થઈ જાય.
- થોડા દિવસો પછી આનંદસ્વામી તરફથી મને ખબર મળ્યા. પેલા મહાત્મા સાથે રહીને બનારસમાં મહામના મદનમોહન માલવિયાજીનો કાયાકલ્પ કરાવવામાં પડ્યા છે. તેમણે એવું પણ લખ્યું હતુ કે તેમનો વિચાર તો મહાત્મા ગાંધીને કાયાકલ્પ કરાવવાનો હતો. પણ તેઓને કાયાકલ્પમાં રસ નહોતો.
- મધ્યપ્રદેશના ગીચ જંગલોમાં આ લાકડી મળે છે. જે ઝાડની ડાળીએ થાય છે તેની કુંપળે નખ બેસાડીએ તો લાલ લોહી જેવી ટસરો ફૂટે છે.
- અમારા યોગીઓના મત મુજબ પૂરા વિશ્વમાં એકમુખી રૃદ્રાક્ષના ફક્ત ચોસઠ દાણા જ છે, એમાંથી ૩૬ દાણા તો એકલા નેપાળ મહારાજાના ભંડારમાં છે.
- ભયંકર કાળી ડીબાંગ રાત… ખુલ્લા આકાશમાં ડાકણના બરડા જેવા તારા લબકારા કરતા હતા. જંગલી પ્રાણીઓના એકધારા આવતાં અવાજો ડરામણા હતા. તરમાનાં ગૂંજન પણ કાનને ગમતાં નહીં. ક્યારેક ઘુવડ કે ચીબરી અમારા માથા પરથી ચરર.. રાહ… કરતી કર્કશ અવાજે કાળજુ ધ્રુજાવતી ઉડી જતી હતી.
- કબ્રસ્તાનમાં પગ મૂકતાં જ મારા શરીરે લખલખું આવી ગયું. પણ પેલા યોગીરાજ અઘોર મહાત્મા તો કોઈ બગીચામાં ફરવા નીકળે તેમ સડસડાટ ચાલ્યા જતા હતા.
- અમે વાયકા સાંભળેલી કે ચાંચઈના ડુંગરની ઝાડી સંધ્યા ટાણે સજીવન બની જાય છે. એ જંગલમાં ગેબી નગારાનો નાદ કોઈ અઘોર સાધુ બજાવે છે. પણ તે અવાજ ક્યાંથી આવે છે તે કોઈ જાણી શક્યું નથી.
- અમારામાંથી લગભગ બધાને ખુલ્લા સાવજ નજરોનજર જોઇ ત્રણેય ઋતુનો અનુભવ થવા લાગ્યો.
- પણ અકડુ મહારાજને આ ગમ્યું નહીં. તેમણે જુવાનિયા તરફ મોં મચકોડતા કહ્યું, અરે તુમ સબ નેસવાસી મુઝે ક્યા સમજતે હો? મેં કોઈ રેંજીપેંજી સાધુ નહીં હૂં. એક સિદ્ધ હું, જાવ ભાગો યહાં સે.
- એક દિવસ એક આદિવાસી જેવી સ્ત્રી જોઈ પણ તે સ્ત્રી પરણીત હતી છતાં સાધના માટે જોઈતા સર્વ લક્ષણોવાળી હતી તેથી તેની નજરમાં તે નવયૌવના સ્ત્રી વસી ગઈ. ગમે તે ઉપાયે તે સ્ત્રીને તેને સાધન તરીકે ઉપયોગમાં લેવા મનસૂબો કર્યો.
- આ બધું ધતીંગ છે… જાદુ, મંત્ર, તંત્ર, મૂઠ, દોરા, ધાગા, મારણ, પીર, પૂજા, ભૂત, પ્રેત, મેલીવિદ્યા આ બધું જ ધતીંગ છે.