Ayodhya/આયોધ્યામાં જોવા જેવા સ્થળ : ભાગ ૨

મંદિર નિર્માણ પામ્યા પછી નવા કલવર ધારણ કરીને અયોધ્યા/Ayodhya જેવું સ્વરૃપ ધારણ કરે એવું ખરું, પણ આજનું અયોધ્યા જાણે હજુય ત્રેતા યુગમાં હોય એવુ સ્થિર પડ્યું છે. તેના વધુ કેટલાક સ્થળોનો પરિચય..

શાંત અયોધ્યાનું શાંત માર્કેટ

સરયૂના તટ-નયા ઘાટ

અયોધ્યા સરયૂ નદીના કાંઠે વસેલું શહેર છે. સરયૂમાં ડુબકી મારવા પ્રવાસીઓ નયા ઘાટ કહેવાતા કાંઠાની અચૂક મુલાકાત લે છે. છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે આ ઘાટ ઉપર દિવાળીએ દિપ-પ્રજ્વલિત કરવામાં આવે છે, એટલે એ ઘાટ વધારે જાણીતો થયો છે.

સરયુ એટલે કે ઘાઘરા નદી.

દેવ દિવાળીએ અહીં સ્નાન કરવાનું પણ મહાત્મ્ય છે. આસ-પાસમાં લગભગ પચીસેક ઘાટ આવેલા છે અને દરેક સાથે ધાર્મિક કથા જોડાયેલી છે. આ સમગ્ર વિસ્તાર ‘રામ કી પૌડી’ તરીકે ઓળખાય છે. સાંજ પડ્યે આરતી સમયે જળહળી ઉઠતો ઘાટ જોવા ભક્તોની ભીડ ઉમટે છે. સરયૂના જળમાં અહીંથી બોટ સફર પણ કરી શકાય છે.

હનુમાન વંશજો. અહીંના સાધુઓ વાનરોને ભગાડવા નથી દેતા, કેમ કે એ હનુમાનજીનો અવતાર છે.

ગુપ્તાર ઘાટ

અયોધ્યા અને ફૈઝાબાદ બન્ને જોડિયા નગર છે, ક્યાં અવધ પુરું થાય, ક્યાંથી ફૈઝાબાદ શરૃ થાય એ તફાવત પાડી શકાય એમ નથી. આગળ વધતી સરયુ નદી ફૈઝાબાદના છેડેથી પસાર થાય છે. અહીં શહેરી વિસ્તારથી જરા દૂર ગુપ્તાર ઘાટ આવેલો છે. અયોધ્યાની રાજગાદીનો ત્યાગ કર્યા પછી રામે સરયૂના જળમાં સમાધિ લીધી હતી. એ સમાધિ સ્થળ એટલે આજનો ગુપ્તાર ઘાટ.

આવા અનેક પુરાતન મંદિર, બાંધકામ અયોધ્યાની ગલીમાં જોવા મળે છે.

તુલસી-વાલ્મિકિ સ્મારક

રામાયણ સર્જીને ત્રેતાયુગના પાત્રોને યુગોયુગો સુધી જીવંત રાખવાનું કામ કરનારા બે મહાત્મા તુલસી અને વાલ્મિકીએ કર્યું છે. એ બન્નેને સમર્પિત ભવન પણ અહીં આવેલા છે. તુલસી ભવન એક પ્રકારનું મ્યુઝિયમ છે, જ્યાં તુલસીદાસ અને રામાયણ સાથે સંકળાયેલી ચીજો સાચવી રખાઈ છે. આ ભવનમાં રોજ સાંજે 6થી 9 દરમિયાન રામલીલા રજૂ કરવામાં આવે છે. એ રીતે થોડે દૂર વાલ્મિકિજીને સમર્પિત મંદિર પણ આવેલું છે.

નંદીગ્રામ

રામ વનમાં રહ્યા, ભરતને ગાદી સોંપી પણ ભરતે એ રાજસી ઠાઠ સ્વિકાર્યો નહીં. તેના બદલે અવધપુરીની ભાગોળે વનમાં મઢી બનાવી. અહીં જ રામની પાદુકા રાખીને રાજ ચલાવ્યું હતુ. એ સ્થળ નંદીગ્રામ (ભરતકુંડ) તરીકે ઓળખાયું. રામ વનવાસ પછી પરત આવ્યા ત્યારે અહીં જ તેમનું ભરત સાથે મિલન થયું હતુ. નંદીગ્રામ ફૈઝાબાદથી 15 કિલોમીટર દૂર છે. અહીં શ્રાદ્ધ વિધિ પણ થાય છે. અહીં 2018થી સીતા-રામના નામે કિર્તન શરૃ થયા છે, જે 14 વર્ષ એટલે કે 2032 સુધી અવિરત ચાલશે. નંદીગ્રામનું બીજું એક આકર્ષણ અહીંનું શિવ મંદિર છે. મંદિરમાં બિરાજમાન નંદીનું મુખ શિવજી તરફ હોવાને બદલે દ્વાર તરફ છે.

રેલવે સ્ટેશન બહાર જ સામે ગુજરાતી સમાજ છે, રહેવા માટે બેસ્ટ જગ્યા.

રામકથા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ

અયોધ્યામાં સરયૂના કાંઠે નયા ઘાટ પાસે આ મ્યુઝિયમ આવેલું છે. એ જાણીતી વાત છે કે પૂર્વ એશિયાના ઘણા દેશોની સંસ્કૃતિ સાથે રામાયણ વણાયેલી છે.

આ મ્યુઝિયમમાં એ વિવિધ શૈલીની રામાયણોના ચિત્રો, શિલ્પો, રામલીલાના પોષાક વગેરે રજૂ કરવામાં આવી છે. જેમ કે થાઈલેન્ડ શૈલી, મધુબની શૈલી, કમ્બોડિયન શૈલી, કાંગડા શૈલી વગેરે.. મ્યુઝિયમના બીજા ભાગમાં રામ જન્મભૂમિના ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો છે. એ અવશેષો જોઈને જ ખબર પડી આવે કે એ કોઈ હિન્દુ બાંધકામનો ભાગ છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *