વિનોદ ભટ્ટના અનેક ગુણવત્તાયુક્ત પુસ્તકોમાંથી ‘વિનોદની નજરે‘ જરા વધારે વિશિષ્ટ છે. કેમ કે વિનોદ ભટ્ટે ચાર દાયકા પહેલા એ યુગના ધૂરંધર સાહિત્યકારો-લેખકોનું (માત્ર વખાણ-વાહવાહી કરવાને બદલે) અદ્ભૂત પાત્રાલેખન કર્યું હતું. ‘કુમાર‘ સામયિકમાં છપાયેલી એ સિરિઝ બાદમાં વિનોદની નજરે નામે પુસ્તક સ્વરૃપે પ્રગટ થઈ. તેમાંથી જ કેટલાક અંશ…
નોંધ – (જેના વિશે લખાણ હશે, તેનું નામ કૌંસમાં લખ્યુ છે
- અશોકભાઈ મશ્કરા સંશોધક પણ છે. કેટલાંક વર્ષો અગાઉ તેમણે એવી વાત જાહેર કરેલી કે શેક્સપિયર પાકિસ્તાનનો વતની હતો. તેનું મૂળ નામ બોલતાં બરાબર ફાવે નહીં એટલે શેખપીરને બદલે લોકો તેને શેક્સપિયર કહીને બોલાવતાં. (અશોક હર્ષ)
- આ અશોક પેલા સમ્રાટ અશોક જેવા છે. બોસ શબ્દ સામે તેમને ભારે સૂગ છે ને એટલે જ બોસના હુકમોની, શિસ્તની તેમને ખીજ છે. જ્યાં જ્યાં નોકરી કરી ત્યાંના નિયમો તેમણે હંમેશા તોડ્યા છે. (અશોક હર્ષ)
- આદિલનો આ આનંદ છે. તે કોઈ મુશાયરામાં ગયો હોય ને તેને ન ગમતો કવિ મંચ પર કૃતિ બોલવા ઊભો થાય કે તરત જ આદિલ વાહ! બહોત ખૂબ! દુબારા!! એવી વચ્ચે રાડો પાડ્યા કરશે. એમાં એનો આશય તો મૂળે એ જ હોય કે એ કવિની રચના પોતાના ઘોંઘાટમાં ડૂબી જઈ પ્રેક્ષકો સુધી પહોંચે નહિ! (આદિલ મન્સૂરી)
- પેટલીકર કોઈને રાજી કરવા કશું કરતા નથી, ને નારાજ થશે એ બીકે ક્યાંય અટકતા નથી. બીજા કેટલાક લેખકોની જેમ ઉમાશંકરની ‘ગુડ બુક’માંથી નીકળી જવાની બીક પણ તે રાખતા નથી. (ઈશ્વર પેટલીકર)
- પ્રોફેસરનો પગાર લગભગ રૃપિયા પંદરસો ને ઉપકુલપતિનો લગભગ પાંચસો હતો. કામ તે પ્રોફેસરનું કરવા છતાં પગાર તો તે ઉપકુલપતિના હોદ્દાનો એટલે કે રૃપિયા પાંચસો જ લેતા. (ઉમાશંકર જોશી)
- એવો ક્યો લેખક છે, જે વાર્તાઓ કરતાં વધુ પ્રસ્તાવનાઓ લખી છે? એવો પ્રશ્ન કોઈ સાહિત્યના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો તેનો જવાબ ગુલાબદાસ બ્રોકર જ હોવાનો.
- બક્ષીએ પોતાની જીભથી યથાશક્તિ શત્રુઓ પેદા કર્યા છે. તે આપકમાઈમાં માને છે (ગુજરાતી સાહિત્યમાં બક્ષી તો એક જ છે ને!).
- તેમનામાં રહેલી હાસ્યવૃત્તિ ક્યારેક કરુણ પળોમાં પણ ડોકાયા વગર ન રહેતી. તેમની માતાનું અવસાન થયું. અંતિમવિધિની તૈયારી ચાલતી હતી. ત્યાં આવીને એક મિત્રએ પૂછ્યું : ‘બા ગયા?’, ‘તો શું આ રિહર્સલ કરી રહ્યો છું?, સી.સી.થી બોલ્યા વગર ન રહેવાયું (ચંદ્રવદન ચી.મહેતા).
- ભાઈ મારું માનો તો હમણાં કશું જ લખશો નહીં. પહેલા વાંચો, ખૂબ વાંચો, આંખ-કાન ખુલ્લાં રાખીને બધું જુઓ-સાંભળો, પછી જ કલમ ઉપાડો. આપણને કોઈ કાચા ભાત પીરસે તો આપણે તે ખાઈએ છીએ? તેમ આપણાં અધકચરા વિચારોવાળા લખાણો પ્રજા સમક્ષ મુકવા ન જોઈએ. માણસે ચાળીસ વર્ષ પૂરાં કર્યાં પછી જ લખવાનું શરૃ કરવું જોઈએ (ચાંપશીભાઈ ઉદ્દેશી).
- ખાવાના મડિયા એટલા જ શોખીન. અમદાવાદમાં કઈ ચીજ સારી ક્યાં મળે છે એ બાબતની મડિયાને પૂરી જાણકારી. લક્ષ્મી ટોકીઝની ગલીમાં, નવતાડ સામે સાતમાંની કઈ દુકાનમાં વધુ સારાં સમોસાં મળે છે એનીય મડિયાને ખબર (ચુનીલાલ મડિયા).
- ઈંગ્લેન્ડના આઠમા એડવર્ડે જેમ વોલિસ માટે ગાદીત્યાગ કરેલો તેમ જયંતિએ નાટક માટે ઘરનો ત્યાગ કરેલો (જયંતી પટેલ).
- આમ તો એ પંડિત પેઢીના લેખક છે, છતાં પોતાના જ્ઞાનથી કોઈનેય આંજી દેવાનો મિથ્યા પ્રયાસ એ ક્યારેય નથી કરતા (જ્યોતિન્દ્ર દવે).
- ન કરે નારાયણ, ને કા સવારે ફિલ્મ-ઉદ્યોગ પડી ભાંગે તો તેની અવેજીમાં નાટ્યક્ષેત્રે નામ કાઢી શકાય એ આશયથી તે પોળમાં, દાદાનાં ધોતિયાના પડદા બનાવીને નાટકો કરતાં. એ નાટ્યસંસ્થાનું નામ (કોઈ પૈસા આપતું નહી એટલે) ‘ઉધાર નાટ્ય સમાજ’ રાખેલું (તારક મહેતા).
- આ કવિ નિરંજને પોરબંદરની સાહિત્ય પરિષદમાં ‘કવિતા અને યુગધર્મ’ પરનો નિબંધ વાંચતાં વાંચતાં પ્રેક્ષકોની આંખો ભીંજવી નાખેલી. કવિ ને કવિતાની તાકાતનો પરચો બતાવી દીધેલો (નિરંજન ભગત).
- પોતાના વિશે એ વધુમાં વધુ જાણતા ને તેની રજેરજની માહિતી અમને આપતા (પુષ્કર ચંદરવાકર).
- ગ્રેટ શો-મેન હોવા ઉપરાંત પ્રવીણ જાગ્રત માણસ છે. પોતાનાથી કોઈ મોટું ન થઈ જાય – ખુદનો પડછાયો પણ મોટો ન થઈ જાય તેની એને સદાય ફીકર રહે છે (પ્રવીણ જોશી).
- તેમની દુકાને બંગડીઓ ખરીદવા આવનાર બહેનો આગળ એ કવિ મટી ભાઈ બની જતા (પ્રિયકાન્ત મણિયાર).
- મધુભાઈએ સંશોધન દ્વારા સાબિત કરી બતાવ્યુ કે ‘કરણઘેલો’ કરતાંયે ચાર વર્ષ અગાઉ (1862) સોરાબશા દાદાભાઈ મુનસફ નામના પારસી લેખકે ‘હિન્દુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું’ નામની નવલકથા અંગ્રેજીમાંથી અનુવાદિત કરેલી (મધુસૂદન પારેખ).
- રઘુવીર ચૌધરીના કહ્યા પ્રમાણે યશવંતભાઈ કોઈને ના પાડી શકતા નહી – એટલે કોઈનુંય કામ સરખી રીતે કરી શકતાં નથી (યશવંત શુક્લ).
- રઘુવીર સારા વક્તા છે. એટલું જ નહીં, સારું ગાઈ પણ શકે છે. ઢોલક વગાડી શકે છે. હીંચ લઈ શકે છે – ઘણુંબધું કરી શકે છે. અને એ પણ ખરું કે રઘુવીર અન્યની મજાક કરી શકે છે એટલી આસાનીથી પોતાના પરનું ટીખળ ખમી શકતા નથી (રઘુવીર ચૌધરી).
- સાચું કહું તો તેમણે લેખો લખ્યા છે એ કરતાં ભલામણચીઠ્ઠી વધારે લખી છે (રાધેશ્યામ શર્મા).
- રાવજીના જીવતાં જે પ્રકાશકો એના પુસ્તક માટે એને બાઈબાઈ ચાળણીની રમત રમાડતા હતા એ લોકો રાવજીનાં પુસ્તકો પોતાને જ મળે એ વાસ્તે સિફારસો કરાવે છે (રાવજી પટેલ, તેમના મૃત્યુ પછી લખાયેલો લેખ).
- એમના વિશે એક એવી અફવા ચાલે છે કે તેમની દવા ખાવા કરતાં કવિતા વાંચીને વધારે લોકો ગુજરી ગયા છે (લાભશંકર ઠાકર, જેઓ વૈધરાજ પણ હતા).
- માઈકવાળાએ માઈક્રોફોન તેમના મોઢા નજીક ગોઠવ્યું એટલે વસુબહેને તરજ તેને કહ્યું, ‘ભાઈ! માઈક્રોફોન જરા આઘું રાખો.. અહીં તો બોલવાને બદલે ચુંબન કરતી હોઉં એમ લાગે છે!’ (વસુબહેન).
- તે ઈન્સ્ટન્ટ કવિ હતો. કોઈ રૃપાળી બાળા જોતાં જ તેની કલમમાંથી કવિતા ફૂટતી (વિનોદ જાની).
- લખતા લખતા જો કોઈ ટર્નિંગ પોઈન્ટ આવી જાય તો વેણીભાઈ જૂનું પાન થૂંકી નાખીને નવું પાન મોમાં ઠાંસી દેશે. એમની કવિતા તો પાન પર જ નિર્ભર હોય (વેણીભાઈ પુરોહિત).
- વિવેચકો અક્કલ વગરના કે અજ્ઞાની છે એવું કહેવાનો મારો ભાવાર્થ નથી, પણ એ લોકોમાં ક્યાંક પાયાની કચાશ રહી ગઈ હોય એવું સતત લાગ્યા કરે છે (શિવકુમાર જોષી).
- આદમ જેટલી ઝડપથી સિગારેટ પીએ છે એટલી ઝડપથી ગઝલ પણ રચી નાખે છે. ત્રણ મિનિટની અંદર અંદર એ સિગારેટ તેમ જ ગઝલ બંને પૂરાં કરે છે – સાથે પૂરાં કરે છે (શેખાદમ અબુવાલા).
- એ સમયમાં હાઈકુએ એમના મગજ પર એવી તો પકડ જમાવેલી કે કોઈ સ્નેહીમિત્ર મળવા આવે કે ફોન કરે તોય આઠ-દસ હાઈકુ સંભળાવી દે (સ્નેહરશ્મિ).
*********
પુસ્તકના પાછલા ભાગમાં વિનોદની નજરે વાંચ્યા પછી લેખકોએ શું પ્રતિભાવ આપ્યા તેની પણ વાત કરી છે. કોઈને ગમ્યું, કોઈને ન ગમ્યું, કેમ કે જેમના વિશે લખાયું એ મોટાભાગના હયાત હતા.. તો વળી વિવિધ સ્થળોએ થયેલા પુસ્તકના રિવ્યુ પણ પ્રગટ કરાયા છે. વિનોદ ભટ્ટની આ સિરિઝ ખુબ લોકપ્રિય થયેલી. એટલે ટીકા થવાનો અને ઉઘાડા પડી જવાનો ડર હોવા છતાં ઘણા સાહિત્યકારો ખાનગીમાં વિનોદદાદાને પૂછી લેતાં કે આ સિરિઝમાં અમારો નંબર ક્યારે લાગશે?
*********
પુસ્તક પ્રકાશન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું છે.
(079)22144663, 22149660
મેળવવા માટે લિન્ક્સ http://gujaratibookshelf.com/index_detail.php?bookn=8272&book_name=VINOD%20NI%20NAJARE