ઘડિયાળમાં દેખાય એ સમય નથી.. સમય ઘણો ઊંડો, અઘરો અને અનેક પાસાં ધરાવતો વિષય છે. સમયને કેન્દ્રમાં રાખીને જગવિખ્યાત વિજ્ઞાન કથા લેખક હર્બટ જ્યોર્જ વેલ્સે કથા લખી હતી, ટાઈમ મશીન, તેનો ગુજરાતી અનુવાદ એટલે વિજ્ઞાનબાબુ.
વિજ્ઞાનબાબુ
પ્રકાશક – સંસ્કાર સાહિત્ય મંદિર
પાનાં – ૧૬૩
કિંમત – ૫૦ રૃપિયા
૧૮૯૫માં પ્રગટ થયેલી ‘ધ ટાઈમ મશીન’ નામની ચોપડી તો માત્ર ૮૫ પાનાંની છે, પણ નવખંડ ધરતીમાં ફરી વળી છે. આપણે ભુતકાળ જાણતા હોઈએ પણ ગઈ ગુજરી વિશે કશું કરી શકતા નથી. ભવિષ્ય જાણતા નથી એટલે જે બનવાનું છે તેને અટકાવી શકવાના નથી. એ તો વાત થઈ વાસ્તવિકતાની. વાર્તામાં તો ક્યાં કોઈ રોકવાનું છે?
વિજ્ઞાન કથા લેખનમાં અગ્રણી નામ ધરાવતા એ.જી.વેલ્સે ૧૮૯૫માં, સવાસો વર્ષ પહેલા એવી કથા લખી જેમાં એક વિજ્ઞાની ટાઈમ મશીન બનાવીને ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં સફર કરે છે. એક વખત તો સફર કરતાં એ આઠ લાખ વર્ષ પછીના સમયમાં પહોંચી જાય છે અને ત્યાં જાતજાતના અનુભવો મેળવે છે.
એ કથા ગુજરાતીમાં રમણલાલ સોનીએ વિજ્ઞાનબાબુ તરીકે અનુવાદિત કરી છે. તેના અંશો..
- ઘણાને એમના અસલ નામની ખબર નહિ હોય. શોધખોળ પાછળ રાત ને દિવસ એ મંડ્યા રહેતા, તેથી અમે એમને વિજ્ઞાનબાબુ કહેતા.
- અમારી મંડળીમાં એક ધારાસભ્ય હતા. તેમના કપાળે કરચલીઓ વળી ગઈ, ને તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા.
- દાખલા તરીકે ઇતિહાસલેખક કાલમાં પ્રવાસ કરીને, પલાસીના કે પાણીપતના યુદ્ધનો ચોપડીઓમાં છપાયેલો હેવાલ કેટલો સાચો છે તેની ખાતરી કરી શકે!
- હાથમાં ફાનસ લઈ, તેઓ અમને એક સાંકડી નવેરીમાં થઈને તેમની પ્રયોગશાળામાં લઈ ગયા.
- આ માણસને પૂરો જાણી લીધો છે એવું તમને લાગે જ નહિ. એની સાફ સાફ વાતોમાં યે ક્યાંક કંઈક ગુપ્ત છે, કંઈક હોશિયારી છુપાયેલી છે એવું લાગ્યા વગર રહે જ નહિ.
- આ છેલ્લા ગૃહસ્થ મૂછો લાંબી રાખતા, ને જીભ બિલકુલ ટૂંકી રાખતા.
- છાપાંનાં મથાળાં લખવાને ટેવાયેલો એ સંપાદક છાપાંની ભાષામાં જ વિચારો પણ કરતો હતો.
- ગમે તેટલી ચોકસાઈ રાખવા છતાં પણ એની નોંધ લખતી વખતે મને લાગ્યું કે કલમ અને શાહીનું એને ન્યાય આપવાનું ગજું નથી.
- મેં ખાતરીપૂર્વક માન્યું હતુ કે લગભગ આઠ લાખ બે હજાર વર્ષ પછીના લોકો આપણા કરતાં જ્ઞાનમાં, કલામાં, ને હરેક બાબતમાં ઘણા જ ઘણા આગળ વધી ગયેલા હશે.
- એ ટચૂકડાં માનવીઓ તો એટલામાં જ એવાં થાકી ગયાં કે હું કંઈ પૂછું કે મોં ફેરવી દે. આથી મેં કંઈ પણ પૂછવાનું બંધ કર્યું. ને મન વાળ્યું કે જરૃર પડશે તેમ એ લોકો જ મને થોડું થોડું કરીને ભાષાજ્ઞાન આપશે. અને વાત પણ ખરી હતી, એ લોકો જરા જરામાં થાકી પડતાં!
- પણ મેં તેની ઉપર ચડીને ઈસવી સન આઠ લાખ બે હજાર સાતસો ને એકની સાલની આપણી દુનિયાનું વિહંગાવલોકન કર્યું.
- આનો અર્થ એ કે નાનાં નાનાં ઘરો અને તેની સાથે નાનાકડાં ગૃહોના નાનકડા ગૃહધર્મોનો નાશ થઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં આલેશાન ઇમારતો ખડી હતી. પણ હિન્દુસ્તાનમાં ગામડાં કે શહેરના ખાસ લક્ષણરૃપ મનાતાં નાનાં નાનાં ગૃહો અદૃશ્ય થઈ ગયા હતા.
- અત્યાર સુધી મેં માણસોને ભપકાદાર રીતે સજ્જ થઈ, રોનકદાર નિવાસસ્થાનોમાં રહેતા જોયા હતા. કોઈને ય મેં હજી સુધી કંઈ મહેનત મજૂરીનું કામ કરતો જોયો નહોતો.
- પેલાં ટચૂકડાં માનવીઓએ મારી ખાતર થઈને, મારા યંત્રને કોઈ સલામત જગાએ સાચવીને મૂક્યું હશે એવું ધારીને આશ્વાસન લેવાનો મેં પ્રયત્ન કર્યો, પણ મિથ્યા.
- હવે હું મનને સમજાવવા લાગ્યો કે થનાર હતું એ થઈ ગયું છે. યંત્ર ચોરાઈ ગયું છે, કદાચ તેનો નાશ પણ થઈ ગયો હોય.
- એક વાત મનમાં સ્પષ્ટ થઈ ગઈ અને તે એ કે મારું કાળયંત્ર એ બેઠકની અંદર હતું. તે અંદર કેવી રીતે ગયું તે જુદો પ્રશ્ન હતો.
- મને નિરીક્ષણ કરતા માલમ પડ્યું કે આ લોકોમાં કોઈ માંદો નથી કે કોઈ વૃદ્ધ નથી!
- આ ટચૂકડા માનવીઓમાં તો સર્જનવૃત્તિનો છાંટોયે દેખાતો નહોતો. ક્યાં એ કોઈ દુકાન નહોતી, કારખાનું નહોતું, માલની આવજા નહોતી. એ લોકો એમનો બધો વખત હળવી રમતો રમવામાં, નહાવામાં, ક્રીડા કરવામાં, ફળો ખાવામાં ને ઊંઘવામાં વીતાવતા. એમનું જીવન કેવી રીતે ચાલતું હતું એની મને કંઈ ખબર જ પડી નહિ.
- મેં ભવિષ્યકાળની મુલાકાત લીધી ત્યારે આવી રીતે સૂરજની અંદર કોઈ ગ્રહ કૂદી પડેલો કે કેમ તે હું કહી શકતો નથી.
- એને જોઈ હું થથરી ગયો. માનવ કરોળિયા જેવું એ લાગતું હતું. સર સર સર કરીને એ કૂવામાં ઉતરતું હતું.
- કાંસાના બારણા એકદમ ઊંચાં ચડ્યાં ને ધડાક કરતાં ભીડાઈ ગયા. હું અંધારામાં પૂરાઈ ગયો. મલ્લુકો (પેટાળમાં રહેનારા)એ આ જ ગણતરી કરી હશે. એ જોઈ મને હસવું આવ્યું.
- મારી બાજુમાં જ એક લાલ ખડક ધીરે ધીરે મારી સામે આવતો દેખાયો. પછી મને ખબર પડી કે એ કોઈ રાક્ષસી કાચબા જેવું પ્રાણી હતું.
- છેવટે, આજથી ત્રણ કરોડ વર્ષ પછી, સૂરજનું વિરાટ લાલચોળ પ્રતિબિંબ આકાશના દશમાં ભાગને ઢાંકી દેતું દેખાયું.
- વાર્તા બિલકુલ તંરગી અને માન્યામાં ન આવે એવી હતી, પણ એની રજૂઆત બિલકુલ ગંભીર અને માન્યામાં આવે એવી હતી.
- વિજ્ઞાનબાબુને અદૃશ્ય થયે આજે ત્રણ વરસ થઈ ગયાં છે. અને, હવે તો બધાયે જાણે છે કે તેઓ પાછા ફર્યા નથી.