સુસ્તી ઉડાતતી ચા બગીચાથી આપણા કપ સુધી પહોંચે એ દરમિયાન લાંબી પ્રક્રિયા-સર્જનક્રિયામાંથી પસાર થાય છે. લીલાં પાંદડાંને કપમાં પહોંચતા સુધી રતાશ બક્ષતી એ કાર્યવાહી શું છે?
બગીચામાં નયનરમ્ય અને લીલાછમ દેખાતા છોડવા કઈ રીતે આપણા રસોડામાં ઊકળતા પાણીમાં મળે એવી પત્તીનું સ્વરૃપ લે છે, એ પ્રક્રિયા જાણવા જેવી છે. એ જાણીતી વાત છે કે ચાના છોડવા ગમે ત્યાં નથી ઊગી શકતા. પહાડી ભૂપૃષ્ઠ અને વધુ પડતો વરસાદ તેની જરૃરિયાત છે. એટલે આસામ, ઉત્તર બંગાળ, દક્ષિણ ભારત, હિમાલયના અન્ય કેટલાક પ્રાંતમાં ચા મોટે પાયે થાય છે. જોકે જગતમાં ઉત્પાદનની દૃષ્ટિએ ચીન પછી ભારત બીજા ક્રમે છે. ચાલો જાણીએ ચાની સર્જનક્રિયા..
૧. ચાના ઉત્પાદનની શરૃઆત પાંદડાં ચૂંટવાથી થાય છે. પણ એ તો દરેક સિઝન વખતે થતી કાર્યવાહી છે. એ પહેલાંય થતું કામ બગીચો કે ખેતર તૈયાર કરવાનું છે. જરાક ઢોળાવવાળી જમીન પસંદ કરવી, એમાં છોડવા રોપવા અને છોડવાની હારમાળા પૂરી થાય ત્યાં પાણી વહી નીકળે એ માટે ઊંડી નીક તૈયાર કરવી. છોડ ઊગી ગયા પછી શરૃ થતી પ્રક્રિયા એ એ ચા ઉત્પાદનની ખરી પ્રક્રિયા છે. બગીચામા ત્રણ-ચાર ફીટની ઊંચાઈએ પહોંચેલા ચાના મજબૂત છોડવાઓ પર ઊગેલા પાંદડામાં કલરનું ભારે વૈવિધ્ય હોય અને એમાંથી એકદમ કુણા, સાવ નવાં લાગતા પાંદડા ચૂંટવાનાં છે.
ચાના બગીચામાં કામ કરતા કામદારો અનુભવી હોય એટલે છોડવાઓ વચ્ચે ચાલતા જાય અને પસંદગીનાં પાંદડાં વીણી વીણીને પાછળ બાંધેલા પાત્રમાં એકઠાં કરતા જાય. બેશક ચાનાં પાંદડાં હાર્વેસ્ટ કરવાના મશીનો શોધાયા છે અને ક્યાંક ક્યાંક તેનો વપરાશ પણ થાય છે. પણ પાંદડાં તોડવા માટે અનુભવી હાથોથી ઉત્તમ કોઈ વિકલ્પ નથી. માટે મોટા ભાગના ખેતરો એ મશિનથી દૂર રહે છે. ગમે તે વ્યક્તિ પાંદડાં વીણી શકતી નથી. એમાં અનુભવી જ ચાલે.
૨. પાંદડાં વિણાઈ ગયા પછીનો તબક્કો છે, તેને કારખાના સુધી પહોંચાડવાનો. ટી પ્લાન્ટ સુધી કામદારો વીણેલાં પાંદડાં પહોંચાડી તેનો ઢગલો કરી દે છે. અહીં વિશાળ શેડ નીચે લાંબા પટ્ટામાં પાથરણાં પાથર્યાં હોય એમ પાંદડાને છૂટ્ટાં પાથરી દેવામા આવે છે. ચા સર્જનની કૃત્રિમ પ્રક્રિયાની ત્યાંથી શરૃઆત થાય છે.
૩. આ રીતે પથરાયેલાં પાંદડાંઓમાંથી ભેજ દૂર કરવો એ મુખ્ય ઉદ્દેશ છે. અલબત્ત, માત્ર સૂકવી દેવાથી ભેજ દૂર નથી થતો, કેમ કે થોડો-ઘણો ભેજ તો હવામાં પણ હોય છે. એટલે પાંદડાંને રોટર કહેવાતા મશીનમા નાખવામા આવે છે. એ મશીનનું કામ ભેજ શોષી લેવાનું છે.
૪. ભેજહર રોટર મશીનમાં પાંદડાઓ થોડો સમય પસાર કરે એ પછી કતરણ કરવામાં આવે છે. મશીનમાં દાખલ થયેલાં પાંદડાં કપાતા જાય અને આગળ વધતાં જાય. ગૃહિણી ઘરે મિક્સ્ચરમાં ચટણી કરે એવી જ કંઈક આ પ્રક્રિયા થઈ. એ મશીનના ગોળાકાર અણીદાર પાંખિયાં ફરતાં જાય અને અથડાય એ પાંદડાંનો ચૂરો બોલાવતાં જાય. એ વખતે પાંદડાંની અંદર રહેલો ભેજ અને ભીનાશ બહાર નીકળે એટલે વળી તેને સુકવવાં રહ્યાં.
૫. અહીં પાંદડાંમાંથી કપાયેલાં ડાળખાં પણ દૂર થાય. જોકે એ પહેલાં પાંદડાં એટલે કે હવે છૂંદાઈ ગયેલાં, કપાઈ ગયેલા પાંદડાં એકથી વધુ રોલરમાંથી પસાર થાય ત્યાં સુધીમાં તેની પાંદડા તરીકેની ઓળખ નષ્ટ થાય અને વિવિધરંગી લાગતાં પાંદડાંનો કતરણ પછી એકદમ કુદરતી લીલો રંગ પણ ખીલી ઊઠે.
૬. હવે મોટા રોલરમાંથી એ બધો ભુક્કો દાખલ થાય અને ઝીણા ઝીણા દાણા સ્વરૃપે બહાર નીકળે. પાંદડામાંથી ચાની પત્તી એટલે કે ભૂકી જેવો આકાર બનવાની ત્યાંથી શરૃઆત થાય. રોલરના છેડેથી નીકળતા દાણા થોડે ઊંચેથી ચલતા-ફીરતા પ્લેટફોર્મ પર પટકાય. પ્લેટફોર્મ સાથે આગળ વધે. લીલા કલરના દાણાને ફરીથી લાંબા પ્લેટફોર્મ જેવા મશીન પર ચડાવામાં આવે છે. અહીં દાણાઓએ ૪૦ ફીટ જેટલું અંતર કાપીને સામા છેડે પહોંચવાનું છે. પણ એટલુ અંતર કાપતાં દોઢેક કલાકનો સમય લાગે. કેમ કે અહીંથી સામા છેડે પહોંચતાં દાણા સૂકાઈ સૂકાઈને, ભેજમૂક્ત થઈને કથ્થઈ-કોફી-બ્રાઉન કલર જેવા થવા જોઈએ. એ તબક્કે જ દાણા પણ ગોળાકાર ધારણ કરવા લાગે છે. સૂકવણીની આ પ્રક્રિયામાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ થતો નથી. એટલે જ ચાનો સ્વાદ યથાતથ જળવાઈ રહે.
૭. લીલા કલરને દૂર છોડીને આગળ નીકળતા ચાના ઝીણા દાણાનો પ્રવેશ અગ્નિપરીક્ષા જેવી વિશાળ ભઠ્ઠીમા થાય છે. અગ્નિભઠ્ઠીમાંથી દાણા સામા છેડે પહોંચે ત્યાં સુધીમાં સુકાયા વગર રહેતા નથી. સામે છેડે ધીમીધારે વરસતા વરસાદની માફક આપણે ઘરમા વાપરીએ એવા જ કલરના દાણા ઠલવાતા રહે છે. જોકે એટલેથી ચાની પત્તી નથી બની જતી. લીલા પાંદડામાંથી બ્રાઉન કલરના દાણા બનવાની પ્રક્રિયા અહીં પૂરી થઈ.
૮. અહીંથી આગળ વધતાં દાણા વિશાળ પાત્રમાં ઠલવાય છે. એ પાત્ર સાથે વજનિયું જોડાયેલું હોય એટલે નક્કી કર્યા પ્રમાણેના વજન મુજબ દાણાના ઢગલા થતા જાય. ચાની ભૂકી ખરેખર કેટલી છે, તેનો પ્રાથમિક અંદાજ અહીંથી મળી રહે. હવેની પ્રક્રિયા વિભાગીકરણની છે. ચાળણીમાં લોટ કે ઘઉં ચાળવામાં આવે એમ અહીં એક પછી એક ત્રણ-ચાર ચાળણી ગોઠવાયેલા યંત્રમાં ચાના દાણા ઠલવાય છે. એક પછી એક ચાળણીમાંથી પસાર થતા દાણા નિકાસદ્વારે નીકળે ત્યાં બેગો તૈયાર હોય છે. એ બેગમાં ચા ભરાતી રહે. બેગમાં ચા પ્રવેશે ત્યારે તેમાં જરા પણ ભેજ-ભીનાશ-પાંદડાના ટુકડા રહેતા નથી.
૯. ચાનું શોર્ટિંગ થાય છે. એટલે કે પહેલી નજરે એકસરખા લાગતા દાણામાં હજુ નાના-મોટાનો ભેદ છે. એ ભેદ શોર્ટિંગ વખતે દૂર થાય છે. વિવિધ કદના દાણાને નોખા પાડવામાં આવે છે. જેથી ડિમાન્ડ પ્રમાણે નાના-મોટા દાણાની ચા પહોંચાડી શકાય. અલગ પડી ગઈ એટલે ચા શુદ્ધ છે, એવુ માનવાને કોઈ કારણ નથી. હજુ પણ અશુદ્ધિ રહી ગઈ હોય, કોઈ દાણામાં ગડબડ હોય, દાણા જેવડા જ કદનું પાંદડું અંદર રહી ગયું હોય તો? એવુ ન થાય એટલા માટે વધુ એક મશીનમાંથી પસાર થાય, જેનું કામ સારા-નરસાનો ભેદ પાડવાનું છે.
૧૦. અહીંથી બહાર નીકળતી વખતે ચાની પત્તી કેટલા વાગે તૈયાર થઈ તેનો સમય પણ નોંધવામા આવે છે. બહાર નીકળેલી પત્તી પહેલેથી અલગ પડી ચૂકી છે. તેના પ્રકાર પ્રમાણે પેકિંગ થાય છે. એ પહેલાં જોકે જે-તે કંપનીના ટી-ટેસ્ટર ચાનો ટેસ્ટ કરે છે. ટેસ્ટમાં પાસ થયા પછી ચા માર્કેટમાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ‘સીટીસી (ક્રશ-ટીઅર-કર્લ)’ના નામે પણ ઓળખાય છે.
***
કપમાં વરાળ ફૂંકતી ચા આપણા હાથમાં પહોંચે ત્યાં સુધીમાં આટલી પ્રક્રિયામાંથી પસાર થાય છે. એમ જ રાષ્ટ્રીય પીણું થોડું બનાય છે?