તારક મહેતાના આ પુસ્તકમાં મહેમાનોને કારણે સર્જાયેલી મથામણ-માથાકૂટ ધરાવતા 13 નિબંધોનો સંગ્રહ છે. તારક મહેતા તેમના વર્ણનો માટે જાણીતા છે. કોઈના ચહેરાનું કે પછી કોઈના કપડાંનું એ વર્ણન કરે એવું બીજે ક્યાંય વાંચવા નથી મળતું. એમાંથી કેટલીક લાઈનો…
પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર
આવૃત્તિ – ઓગસ્ટ 2002
કિંમત – 105 રૃપિયા
- વાળને જાણે ટ્રીટમેન્ટ ન પસંદ પડી હોય અને માથા પર મોરચો કાઢ્યો હોય તે રીતે ફાવે તેમ ઊછળકૂદ કરતા હતા.
- આ મારો શિરીષ-પણ ઘરમાં બધા એને શેરીઓ કહે છે. જન્મ્યો ત્યારે એનું વજન એક શેર હતું.
- ઇતિહાસની ડીગ્રી ધરાવતા શિરીષનો જેઠાલાલે ટૂંકમાં ઇતિહાસ કહી દીધો.
- રિબાયા વગર સહેલાઈથી આપઘાત કરવાના એમાં કિમીયા છે. અમેરિકામાં એની લાખ્ખો કોપીઓ ખપી ગઈ છે ને હો-હા થઈ ગઈ છે.
- જે માણસ અસ્ત્રાથી પોતાની ધોરી નસો કાપી નાખ્યા પછી પણ આત્મહત્યા કરવામાં નિષ્ફળ જાય છે એ દરેક કામમાં નિષ્ફળ જવા સર્જાયો છે.
- ફૂટપાથ પર પડી રહેનારા માણસો આરામથી જીવતા હોય છે અને કરોડપતિની પુત્રવધૂ બહુમાળી બિલ્ડિંગની અગાશીમાંથી કૂદી પડે છે.
- એક વાત યાદ રાખ કોઈ માણસ પાસે ચોક્કસ જવાબ ન હોય ત્યારે એ લાંબી ફિલોસોફી ઝૂડે.
- મને સખત તતડાવ્યો, વૈદ પાસે જવાતું હશે? એનાં કરતાં ચાલતાં ચાલતાં સ્મશાને પહોંચી જવું હતું ને?
- મારા અમદાવાદના મિત્રની અણધારી એન્ટ્રીથી મારું મગજ થોડી ક્ષણો માટે આખા રૃપિયામાંથી પરચૂરણ થઈ ગયું.
- તાજા સીવડાવેલા હિંગળોકિયા રંગના સફારી સૂટમાં નટવર ઠક્કર નિર્માતા દેખાવાને બદલે કેટરિંગના કોન્ટ્રેક્ટર જેવો વધારે દેખાતો હતો.
- ચાણક્યે વધારે પડતી ભાષણબાજી કરવા માંડી હતી તે પછી મેં એ સીરિયલ જોવાનું બંધ કરેલું. હું નથી માનતો કે અસલ મહાન મુત્સદ્દી ચાણક્ય આટલો બધો બોર હોય.
- ફિલમવાળાની એક ખાસિયત છે. સામાન્ય સ્પોટ હોય કે છઠ્ઠા આસિસ્ટન્ટ તરીકે ઓળખાતો ચપરાસી હોય, આખી ફિલ્મનો ભાર જાણે એના માથે હોય એ રીતે વર્તતો હોય.
- ગૂમડાની જગાએ બે હાથ ગોઠવી જેઠાલાલે પીડા નૃત્ય કર્યું.
- ચાલીમાં બેટરીના લીસોટા યુદ્ધકાળના અંધારપટનું વાતાવરણ ઊભું કરી રહ્યાં હતા.
- એ સૂચન પર હું સહજ વિચાર કરૂં તે પહેલાં શ્રીમતીજીએ આપબળે સ્પષ્ટ નિર્ણય લઈ લીધો.
- દેવું કરીને કારોબાર ચલાવતા ભારત સરકારને શરમ નથી આવતી, પણ મને તો દેવું કરતા શરમ આવે છે. સરકાર કરતા હું વધારે સ્વમાની છું.
- ‘ઇટ્સ ઓરરાઈટ પપ્પા. હું માઈન્ડ નથી કરતી. તમે વરી નહીં કરો.’ ઘોઘરા અવાજે પમીલા બોલી.
- કેમ જાણે હું એને લાત મારીને કાઢી મુકવાનો હોઉં એવો ભય એના ચોકટના એક્કા આકારના ચહેરા પર દેખાતો હતો.
- ફાંટાબાજ કુદરતની મોર્ડન આર્ટ કલાકૃતિ રૃપે પ્રદર્શનમાં રજૂ કરવા જેવા નમૂનાઓમાં મારા બે માથાળા બોસની ગણતરી થાય છે.
- ‘ઉં તો એરાન થઈ ગયો, કાકા.’ ગળામાં કંઈ ભરાયું હોય તેમ કરાંજીને એ બોલ્યો.
- ખિસ્સાકાતરૃઓની નિરીક્ષણશક્તિ ગજબ હોય છે. બહારગામથી આવનારા, શહેરથી અજાણ્યા લોકોને એ તરત પારખી લે છે.
- ખિસ્સાકર્તનકલા માટે મને માન છે પરંતુ એ કલાકારોથી હું દૂર રહેવાનું પસંદ કરું છું.
- તમે નહીં માનો, ઘણી વાર તો ગાલની ચામડી ઉતરે છે અને દાઢીના બાલ અંધારી આલમનાં પાત્રોની જેમ અડિખમ રહે છે.
- આપણને કોઈક ગાયક કે કવિ મળવા આવે તો આપણે કહીએ ‘કંઈક સંભળાવો.’ પણ નૃત્યકારને ન કહેવાય ‘જરા નાચોને.’
- જેમને મહેમાનો પોસાતા હોય છે તેમને મહેમાનો ગમતા નથી હોતા અને જેમને મહેમાનો ગમતા હોય છે તેમને એ પોસાતા નથી હોતા.
- અમારા અમદાવાદની પોળમાં તમે આવી રીતે નીકળો તો કૂતરાં કરડે અને ભાજપવાળા તમને કાંકરા મારે.
- પણ જે લગ્નમાં અમે જવાના નહોતા તેના મહેમાનો અમારે ત્યાં ઉતારો ગોઠવાઈ જાય તો અમારે અને ખાસ કરીને મારે શું કરવું?
- ફોનના પૈસા તો એ નકામા બગાડતો હતો. વગર ટેલિફોને આખા મુંબઈના સગાંવહાલાને સંભળાય એવા ઘાંટા એ પાડતો હતો.
- એની દાઢ દુઃખતી હતી કે પછી સસરાની સ્પીચથી બોર થઈને મોં મચકોડતી હતી તે કહેવું મુશ્કેલ હતું.
- આપણે ભલે ગમે તેટલો દંભ કરીએ પણ આપણા કરતાં બીજા કોઈને વધારે દુઃખી જોઈએ ત્યારે સાંત્વના તો મળે જ.
- પ્લેગ તો અમિતાભની ફિલ્મની જેમ હિટ ગયો એટલે હોહા થઈ ગઈ. બાકી એનાથી દસગણા માણસો દૂષિત પાણી અને ભેળસેળિયા દવાઓથી મરતાં હોય છે.
- કોઈ ઊગતો વાર્તાકાર જ્યારે એવા વાળ ઉગાડે ત્યારે એમ જ માનવું પડે કે એની પાસે કાં વાળ કપાવાના પૈસા નથી કાં એને ખબર જ નથી કે વાળ કપાવવા જેવડા થયા છે.
- આ બહુ છેતરામણું શહેર છે.. ટીવી ઉપર આવતી જાહેરખબરો જેવું!
- હું નાટકોમાં કામ કરતો હતો ત્યારે એક સંસ્થાના ત્રણ ભાગીદાર નિર્માતાઓમાંથી એક ધંધાદારી ખિસ્સાકાતરુ હતો. પછી એ ધંધામાંથી નિવૃત્ત થઈને એણે પોતાની બચત નાટ્ય નિર્માણમાં રોકી હતી.
- રાજેન્દ્રકુમારે પોતાના દીકરાને સ્ટાર બનાવવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત એણે પોતાના માટે કરી હોત તો એ સારો એક્ટર બની શક્યો હોત.
- ગુજરાતીઓ પેટને છાતી સમજીને ગર્વથી આગળ કાઢીને ચાલે છે.
- કોંગ્રેસી નેતા ઘરડો થાય ત્યારે તેની ડોકી વડા પ્રધાનની ખુરશી તરફ વળે છે.
- પકડાઈ જઈશું તો તારા પપ્પા શું કરશે? બહુ બહુ તો બે લાફા મારશે. મારા બાપુજી તો રોજ મને આઠદસ લાફા મારે છે. બાપાઓ તો એવું જ કરે. પોતે મજા કરે ને આપણને લાફા મારે.
- બાબાને એના સસરાએ તડીપાર કર્યો છે એવી ઓળખાણ તો અપાય નહીં.
- શિયાળામાં સાંજ પડતી નથી. બપોર પછી સીધી રાત પડે છે.
- મોંઘવારી વધી ગયા પછી મહેમાનોની સંખ્યા ઘટી ગઈ છે.
- મારા એક કવિ મિત્રે જાજરૃ ઉપર પાટિયું માર્યું છે – ચિંતનભવન.
- આ શહેરમાં ટ્રાફિક ભીડને ટાઈમે લિફ્ટ મળે ત્યારે ચૂંટણીની ટિકિટ મળ્યા જેટલો આનંદ થાય.
- પછી કોલેજમાં એને ઊંઘવાની અગવડ પડવા લાગી એટલે એણે અભ્યાસ છોડી દીધેલો.
- એક કવિ છે. બે પેગ પીધા પછી સુરેશ દલાલને ગાળો દેવા માંડે છે.
jordar one liners chhe. sauthi vadhare funny last walu lagyu.
वाह क्या बात है