કચ્છના ઘણા સ્થળો પ્રવાસનના નકશા પર ચમકી રહ્યાં છે. જોકે ધોળાવીરાથી દસેક કિલોમીટર દૂર આવેલું વૂડ ફોસિલ (લાકડાના અવશેષો) પાર્ક ખાસ જાણીતો નથી. વળી બધા પ્રવાસીઓને તેમાં રસ પણ ન પડે. અલબત્ત, વૂડ ફોસિલમાં રસ ન હોય, પણ ધોળા રણમાં રસ હોય ત્યાં સુધી ધક્કો ખાવો રહ્યા.
એક તરફ સફેદ રણ છે, વચ્ચે એક ડૂંગર ઉભો છેે, બીજી તરફ બંજર ખડકો છે અને એ બન્નેની વચ્ચે કરોડો વર્ષ જુના પથ્થરસ્વરૃપ પામેલા અવશેષો વિખરાયેલા પડ્યાં છે. જોવાની વાત એ છે કે અહીં કોઈ રોક-ટોક વગર જઈ શકાય છે. એ સ્થળ જોયા પછી એમ જ થાય કે અત્યાર સુધી કેમ અહીં ન આવ્યા.
અહીંથી જવાય રણ તરફ.. ધોળાવીરા સુધી લઈ જતો રસ્તો. રાપરથી આગળ વધતાં વધતાં અમરાપુર ગામ વટાવ્યા પછી અનોખો રણ વિસ્તાર આરંભાય છે. જો કહેવામાં ન આવે તો પહેલી નજરે એવું લાગે કે રસ્તો રણ વચ્ચેથી નહીં પણ દરિયા વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. અહીં શિયાળામાં સવાર-સાંજ ફ્લેમિંગોના ધાડા પણ જોવા મળે છે. આ સમગ્ર વિસ્તાર ખડીર બેટ તરીકે ઓળખાય છે. બેટ સુધી પહોંચતા પહેલા વચ્ચે થોડો છીછરો વિસ્તાર આવે છે, જ્યાં પાણી ભરાયેલું રહે છે.
પથ્થરના આ વિવિધ કલર હકીકતે સયમના સાક્ષી છે. સમય પસાર થતો ગયો એમ ભૂ-સ્તર જામતાં ગયા અને વિવિધ રંગો મળતાં ગયા. આપણને કલર જોવા ગમે તો ભૂસ્તરશાસ્ત્રીઓને તેનો અભ્યાસ કરી કરોડો વર્ષ પહેલાના વાતાવરણનો અભ્યાસ કરવાનો આનંદ મળે.
અહીં તહીં વિખરાયેલા પથ્થરો કરોડો વર્ષથી અહીં છે. દૂરથી સામાન્ય દેખાય પણ નજીકથી અભ્યાસ કરીએ તો રચના, રંગ, આકાર-પ્રકાર વગેરે જરા અલગ તો લાગે જ.
પથ્થરોએ આવા વિવિધ આકાર કુદરતી રીતે જ ધારણ કર્યાં છે.
આ રણની દુનિયા સાવ નવી જ છે. ક્યાંક કઠણ તો ક્યાંક કળણ.. આમ તો સફેદ રણ અજાણ્યુ નથી પણ એ રણોત્સવના ઠેકાણે છે. આ રણ અજાણ્યુ હોય એવુ લાગે છે, રડ્યા ખડ્યા પ્રવાસીઓ સિવાય ત્યાં કોઈ ખાસ જતાં નથી. અહીં આવ્યા પછી સૂર્યમાળાના છેવાડે કોઈ ગ્રહ પર આવી પહોંચ્યા હોય એવુ લાગે.
ભીમ જેવા કોઈ મહાકાય વ્યક્તિએ લાંબો વાંસો કર્યો એમ આડું પડેલું આ લાકડું હવે અવશેષમાં ફેરવાઈ ગયું છે. એટલે એ લાકડાને બદલે પથ્થરમાં ફેરવાઈ ચૂક્યુ છે. અને 18.7 કરોડ વર્ષથી અહીં આ જ હાલતમાં પડ્યું છે. એટલે કે કરોડો વર્ષ દરમિયાન પરિવર્તન પામેલા હવામાનનું એ સાક્ષી છે. આ વૃક્ષનું થડ ઓળખાય એવુ છે, બાકી બીજા ઘણા કાષ્ટના અવશેષ અહીં છે, પણ પથ્થર જેવા દેખાવ-આકારને કારણે બધા ઓળખી શકાતા નથી. આ અવશેષોને સંશોધકો જુરાસિક યુગના (જુરાસિક એજ પ્લાન્ટ ફોસિલ) ગણાવે છે.
આખો પાર્ક ખુલ્લો જ છે, તો પણ કેટલાક મહત્ત્વના અવશેષો આ રીતે કાચબંધ પેટીમાં રાખવામાં આવ્યા છે. પછી તો આ સ્થળે થોડું રંગ-રોગાન કરી તેનું સોંદર્ય વધારાયું છે.
રણોત્સવ વખતે અહીં પ્રવાસીઓ વધુ આવે. એટલે એ પહેલા થોડું સમારકામ થાય, બાકી તો પાર્ક શેનો છે, તેની માહિતીનું બોર્ડ પણ કટાઈને પુરાતત્ત્વિય બની ચૂક્યું છે.
એક નાનકડું મંદિર છે, બીજી બાજુ દેખાય એ બાંધકામ બોર્ડર સિક્યુરિટી ફોર્સની ચોકી છે. અમે પ્રવેશ્યા એટલે ત્યાં હાજર રહેલા જવાને પાણી આપીને અમારું સ્વાગત કર્યું. અહીં જીંદગી થોડી અઘરી છે, એવી વાત કરી જે બોર્ડર પર સ્વાભાવિક રીતે જ હોય. આ જોકે દૂરની ચોકી છે, બોર્ડર તો અહીંથી ખાસ્સે આગળ છે અને ત્યાં સુધી જતાં પહેલા ઘણું કપરું રણ આવે છે. વળી અહીં ખારા પાણીનો સમંદર હોવાથી કોઈ તેની આરપાર નીકળી શકે એ વાતમાં માલ નથી.
https://rakhdeteraja.com/dholavira-a-mysterious-city/