એમેરિકી જાસૂસ એડવર્ડ સ્નોડેને ક્યા દેશમાં રાજ્યાશ્રય લેવો એ નક્કી કરે ત્યાં સુધી મોસ્કો એરપોર્ટના ટ્રાન્ઝિટ ઝોનમાં જ રહેવુ પડશે. ભુતકાળમાં કેટલાક કિસ્સાઓ એવા બન્યા છે, કે જેમાં કેટલાક લોકોએ એરપોર્ટ પર જીંદગીનો ઘણો મહત્ત્વનો ગાળો પસાર કરવો પડયો હોય…
ન્યુયોર્કના જહોન એફ. કેનેડી એરપોર્ટ પર વિક્ટર નોવાર્સ્કી નામે પ્રવાસી આવે છે. પોતાના દેશ ક્રાકોઝિયા પરત ફરી રહેલા વિક્ટરને કહેવામાં આવે છે, કે તમારા દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. માટે તમારો પાસપોર્ટ માન્ય નહીં ગણાય. જ્યાં સુધી ક્રાકોઝિયામાં સ્થિતિ કાબુમાં નહીં આવે ત્યાં સુધી તમારે એરપોર્ટ પર જ રહેવું પડે છે. પાસપોર્ટ માન્ય ન હોવાથી હવે વિક્ટર એરપોર્ટ બહાર ન્યુયોર્કમાં પણ નથી જઈ શકતો અને પોતાના દેશમાં પણ નહીં! આગામી નવ મહિના માટે કેનેડી એરપોર્ટને જ વિક્ટરનું ઘર બને છે.
એરપોર્ટ પર જ રહ્યા સિવાય છૂટકો નથી એવો અહેસાસ થયા પછી વિક્ટર એરપોર્ટ પર કામ શોધી કાઢે છે, મિત્રો બનાવે છે, એરપોર્ટના વોશરૃમમાં નહાતા શીખી જાય છે અને ખુરશીઓમાં બેઠાબેઠા સુવાની આદત કેળવી લે છે. અજાણ્યા પ્રવાસીઓને મદદ કરે છે. આખરે એક દિવસ તેને પોતાના દેશમાં જવાની તક મળે છે. ૨૦૦૪માં આવેલી સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘ધ ટર્મિનલ’ની આ વાર્તા છે. આ તો ફિલ્મની વાત થઈ, પણ હકીકતમાં કોઈને દિવસો સુધી એરપોર્ટ પર રહેવું પડે તો? ના.. આ વાત માત્ર ફિલ્મની નથી. ફિલ્મ સત્યઘટના આધારીત છે. કોઈએ એરપોર્ટ પર દિવસો સુધી રહેવું પડયું હોય એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે.
* * *
અમેરિકાની ખફગીથી ભાગતો-ફરતો જાસૂસ એડવર્ડ સ્નોડેન મોસ્કોના ‘શિરિમેથ્યેવો એરપોર્ટ’ પર રાવટી તાણીને બેઠો છે. એરપોર્ટ પર એ કેટલા દિવસ રહેશે એ હજુ નક્કી નથી. અમેરિકાએ તેનો પાસપોર્ટ રદ કર્યો છે અને ક્યા સ્નોડેને રાજ્યાશ્રય લઈ ક્યા દેશમાં જવુ એ નક્કી થયું નથી. માટે હાલ તે એરપોર્ટના ટ્રાન્ઝિટ ઝોનમાં દિવસો પસાર કરી રહ્યો છે. ટ્રાન્ઝિટ ઝોનમાં રહેતો પ્રવાસી ટેકનીકલ રીતે રશિયાની ભૂમિમાં રહે છે એવુ કહી ન શકાય. એટલે રશિયા તેને એરપોર્ટ પર રહેતો અટકાવી શકે એમ નથી.
એક દેશમાંથી બીજા દેશમાં જતો પ્રવાસી ફ્લાઈટ બદલવા વચ્ચે કોઈ ત્રીજા દેશના એરપોર્ટ પર ઉતરે તો એ ટ્રાન્ઝિટ ઝોનમાં ઉતર્યો ગણાય. દરેક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવા ટ્રાન્ઝિટ ઝોન હોય છે. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે વૈૈશ્વિક પ્રવાસ કરતો કોઈ પ્રવાસી એરપોર્ટ પર પુરતા દસ્તાવેજો વગર મળી આવે તો સત્તાવાળાઓ તેને જ્યાંથી આવ્યો હોય ત્યાં પરત કરી શકે છે. રશિયાનું શિરિમેથ્યેવો એરપોર્ટ બજરંગદાસ બાપાનો આશ્રમ હોય એમ રખડતા-ભટકતા પ્રવાસીઓને આશ્રય આપવા માટે જાણીતું છે. એ એરપોર્ટ પર સ્નોડેન ૨૩મી જુને આવ્યો છે અને હજુ પણ ત્યાં જ છે..
એરપોર્ટાશ્રયના બીજા કેટલાક કિસ્સાઓ..
* * *
મહેરાન કરિમિ નાસેરી- ૬૫૪૮ દિવસ
ધ ટર્મિનલ ફિલ્મનો કિસ્સો આગળ વર્ણવ્યો એ ઇરાનના મહેરાનના જીવન પરથી પ્રેરિત છે. ફિલ્મ જોકે કોમેડી છે, પણ મહેરાનનો કિસ્સો ટ્રેજેડીથી ભરપુર છે. મહેરાને ૧૭ વર્ષ જેટલા લાંબો સમય પેરિસના ચાર્લ્સ દ ગોલ એરપોર્ટ પર ગુજાર્યો છે! ૧૯૭૭માં રઝા શાહ પહેલવીની સરકારનો વિરોધ કરવા બદલ મહેરાન સામે સરકારે લાલ આંખ કરી. પરિણામે મહેરાને દેશને જ પડતો મુકી બ્રિટન જતા રહેવાનું નક્કી કર્યું. ૧૯૮૮માં બ્રિટન જતી વખતે પેરિસ એરપોર્ટ પર તેની સુટકેસ ચોરાઈ ગઈ. એ સુટકેસમાં જ તેના અગત્યના કાગળો હતાં.
ફ્રેંચ સરકાર એરપોર્ટ પર રહેવાની તેને ના પાડી શકે એમ ન હતી કેમ કે એરપોર્ટ પર તેણે કાયદેસર રીતે જ પ્રવેશ કર્યો હતો. સમય જતાં મહેરાનની એરપોર્ટ પર હાજરી વિશે ફ્રાંસના એક માનવાધિકારવાદી વકીલને ખબર પડી. ક્રિશ્ચન બોર્ગેટ નામનો એ વકીલ મહેરાનની મદદે આવ્યો. ફ્રાંસની કોર્ટમાં કેસ દાખલ થયો અને કોર્ટે પ્રાથમિક ધોરણે એવો ચુકાદો આપ્યો કે જ્યાં સુધી મામલો પતે નહીં ત્યાં સુધી મહેરાન એરપોર્ટ પર રહી શકશે. જોકે તેને એરપોર્ટ બહાર નીકળી ફ્રાંસમાં ઘુમવાની છૂટ ન હતી.
એરપોર્ટને ઘર બનાવી ચુકેલા મહેરાને લેખન-વાંચન પાછળ જ પોતાનો ઘણોખરો સમય ફાળવ્યો હતો. એરપોર્ટના અધિકારીઓ તેને ખાવા-પીવાનું અને છાપાઓ આપી જતા હતાં. દરમિયાન મહેરાનના ચાહકો વધતા જતાં હતાં. કોઈએ તેના કિસ્સા પરથી વાર્તા લખી તો કોઈએ ડોક્યુમેન્ટરી બનાવી. સ્પીલબર્ગે તો આખી ફિલ્મ જ બનાવી નાખી. દરમિયાન એક બ્રિટિશ લેખક સાથે મળીને મહેરાને પણ ‘ધ ટર્મિનલ મેન’ નામે પોતાની આત્મકથા પણ લખી નાખી. એરપોર્ટ પર રહેતાં રહેતાં જ જુલાઈ ૨૦૦૬માં મહેરાન બીમાર પડતાં તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યો. તેમની સારવાર થયા પછી હવે તેમને પેરીસના એક સરકારી આશ્રમ જેવા સ્થળે રહેવાની છૂટ મળી છે.
ફેંગ ઝેંગહુ – ૯૨ દિવસ
ચીની અર્થશાસ્ત્રી ફેંગ ઝેંગહુ માનવાધિકારના નામે સરકાર સામે ચળવળ ચલાવતો હતો. ચીની સરકારને કોઈ ચળવળ કે માનવતાવાદ કે પછી સત્તા સિવાયના કોઈ વાદમાં રસ પડતો નથી. એટલે ફેંગને અટકાવવાના થોડા-ઘણા પ્રયાસો કર્યા પછી ૨૦૦૧માં તમે ગેરકાયદેસર આર્થિક પ્રવૃત્તિઓ કરો છો, એમ કહી તેમને ૩ વરસ માટે જેલભેગો કરી દેવાયો. ફેંગ જેલની સજા પછી પણ અટક્યો નહીં એટલે સરકારની તેના પર નારાજગી વધી ગઈ. એવામાં એપ્રિલ ૨૦૦૯માં ફેંગભાઈ તબીબી સારવાર માટે જાપાન ગયા. ટોકિયોસ્થિત નારિતા એરપોર્ટ પર ૪થી નવેમ્બરે ચાઈનિઝ એરલાઈન્સની ફ્લાઈટમાં બેસી ચીન પરત આવવા તેઓ લાઈનમાં ઉભા હતાં. તેમની પાસે પ્રવાસ માટે પુરતાં દસ્તાવેજો હોવા છતાં ત્યારે તેમને ના પાડી દેવામાં આવીઃ ‘ચીનમાં તમારા માટે કોઈ સ્થાન નથી!
તો ક્યાં જાવુ?
ફેંગના મનમાં પહેલો જ એ સવાલ આવ્યો.
સમસ્યાનું કોઈ નિરાકરણ આવે ત્યાં સુધી એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગમાં રહી શકાય. માટે તેમણે એરપોર્ટ પર જ રોકાણ કર્યું. ચીની સરકારનો ઈરાદો ફેંગને કાયમી ધોરણે દેશવટો આપવાનો હતો. પણ જાપાનના એરપોર્ટ પર પડાવ નાખીને બેઠેલા ફેંગ પર દેશ-પરદેશના સમાચાર માધ્યમોનું ધ્યાન પડયુ.
ફેંગ અહીં કેમ અટવાયા?
ચીન તેને વતન શાંઘાઈ કેમ નથી જવા દેતું?
ફેંગની ચળવળથી ચીની સરકાર શા માટે ડરે છે?
વગેરે સમાચારો દેશ પરદેશમાં ઉછળ્યા. બીજી બાજુ ફેંગે એરપોર્ટ પર બેઠા બેઠા જ પોતાને જે કહેવાનું હતું એ બ્લોગ અને ટ્વીટર મારફતે કહેવાનું શરૃ કર્યું. એરપોર્ટ પર તો ઘર જેવી સુવિધા મળે નહીં! ૯૨ દિવસ માટે એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં આવેલી બેન્ચ ફેંગની પથારી હતી. પ્રવાસીઓ પાસેથી દાનમાં મળતા ખોરાકથી તેનું પેટ ભરાતુ હતું. એરપોર્ટના ફૂડ સ્ટોર સુધી તેમને જવા દેવામાં આવતા નહોતા કેમ કે ત્યાં સુધીમાં જવા ઈમિગ્રેશન પોઈન્ટ પસાર કરવો પડે એમ હતો. એક નાનુ એવુ બાથરૃમ હતું ત્યાં સાફ-સફાઈ કરી લેવાની.
તેની પાસે કાયદા મુજબના જાપાની વિઝા હતા એટલે એરપોર્ટ પરના અધિકારીઓ તેને બીજી કોઈ રીતે હેરાન કરતાં ન હતાં. ઈન્ટરનેટ અને સેલફોન ચાલુ રહી શકતો હોવાથી ફેંગે પોતાની અવદશાથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અખબારો વગેરેને વાકેફ કર્યા હતાં. એ લોકો તરફથી તેમને મદદ મળતી રહેતી હતી. પરિણામે ચીની સરકારની નાલેશી થવા માંડી. ચીને પોતાની વધારે ટીકા થતી અટકાવવા ફેંગને ૨૦૧૦ની ૧૨મી ફેબુ્રઆરીએ ચીનમાં આવવાની રજામંદી આપી. ત્યાં સુધીમાં ફેંગ ‘નારિતા ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પર ૯૨ દિવસ (૩ મહિના)પસાર કરી ચુક્યા હતાં.
વચ્ચે ફેંગે આઠ વખત ચીનમાં ઘુસવા પ્રયાસ કર્યો હતો, પણ દર વખતે તેમને ચીનના કડક કાયદાની લક્ષ્ણરેખા નડી જતી હતી. અલબત્ત, ચીન તો આખરે ચીન છે. તેના શાસકોના હૈયામાં ક્યારેય રામ વસતા નથી. પરિણામે ફેંગને ચીનમાં આવવા દેવાયા, શાંઘાઈસ્થિત તેમના રહેણાંક સુધી પહોંચાડાયા અને હવે ત્યાં જ નજરકેદ કરી દેવાયા છે! ૨૦૧૧માં ચીન પરત આવેલા ફેંગ હજુ પણ નજરકેદ જ છે.
ઝાહરા કમલફાર-૩૦૦ દિવસ
ઈરાનમાં ઝાહરા કમલફાર તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. ઇરાનિયન સરકારના કોઈ રાજકીય કાર્યક્રમનો વિરોધ કરવા બદલ ઝાહરા અને તેના પતિ બન્નેને જેલભેગા કરી દેવાયા હતાં. પતિને તો જેલમાં જ ફાંસીએ લટકાવી દેવાયો, જ્યારે ઝાહરા કોઈક રીતે ભાગી છૂટવામાં સફળ થઈ. બહાર નીકળી તેણે પોતાના બન્ને સંતાનોને લઈ ઈરાન છોડી દીધું.
ઝાહરાનો ભાઈ કેનેડામાં રહેતો હતો એટલે ત્યાં જઈ સેટલ થવાનો તેનો ઈરાદો હતો. ઈરાનમાં તો તેના માટે કોઈ સ્થાન ન હતું. ઈરાન છોડીને ઝાહરા વાયા મોસ્કો એરપોર્ટ થઈ જર્મનીના ફ્રેંકફર્ટ એરપોર્ટ પર પહોંચી. જર્મનોએ ઝાહરાને સંઘરવાને બદલે ફરી રશિયા મોકલી આપી. રશિયનો એ પણ એક તબક્કે ઝાહરા ફેમિલીને ઇરાનભેગુ કરી દેવાનું વિચાર્યું, પણ પછી એવુ કર્યુ નહીં. ઝાહરાએ એરપોર્ટ પરથી જ કેનેડા સરકારને આશ્રય આપવા માટે વિનંતી કરી. એ વિનંતીનો નિર્ણય આવે ત્યાં સુધી એરપોર્ટ જ તેનો ધરતીનો છેડો હતો. એરપોર્ટ પર વોશરૃમમાં જ તેમને સ્નાન પતાવવુ પડતું હતું, જ્યારે ખાવાનું જે મળે તેનાથી પેટ ભરવાનું થતુ હતું.
એરપોર્ટ ટર્મિનલના ચળકતા ફ્લોર પર જ તેમને સુઈ રહેવુ પડતુ હતું. તેની દીકરી એન્ના અને દીકરો દાઉદે પણ એરપોર્ટની જીંદગી સ્વિકારી લીધી હતી. અહીં ક્યાં સુધી રહેવું પડે એ ખબર ન હતી. કેનેડા સરકારની નીતિ સાફ હોવાથી વહેલા-મોડો કેનેડામાં પ્રવેશ મળશે એવા વિશ્વાસે જ તેઓ અહીં એરપોર્ટ પર પડયા રહ્યાં હતાં. આખરે દસેક મહિનાની રાહ પછી કેનેડા સરકારે તેમને દેશમાં પ્રવેશની મંજૂરી આપી. માર્ચ ૨૦૦૭માં કેનેડામાં પ્રવેશ મળ્યો ત્યાં સુધીમાં તો દાઉદને રશિયન ભાષા પણ આવડી ચુકી હતી.
સંજય શાહ-૪૦૦ દિવસ
મુળ ગુજરાતી અને વર્ષોથી કેન્યામાં રહેતા સંજય શાહને એક તબક્કે અચાનક બ્રિટન જઈ વસવાનો વિચાર થઈ આવ્યો. સંજયે કાગળિયા શરૃ કર્યા અને જરૃરી દસ્તાવેજો મેળવ્યા. એ બધુ લઈ સંજય મે ૨૦૦૪માં કેન્યાને કાયમ માટે વિદાય કરી બ્રિટન જવા રવાના થઈ ગયો. દેશ છોડતો હોવાને કારણે સંજયે કેન્યાનો પાસપોર્ટ પણ જમા કરાવી દીધો. ફ્લાઈટ પકડી લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોંચ્યા પછી સંજયને બ્રહ્મજ્ઞાાન થયું કેમ કે બ્રિટિશરોએ તેને નાગરિકત્વ આપવાની ના પાડી દીધી.
ભુલ સંજયની હતી. ઉતાવળે સંજયે એમ માની લીધુ હતું કે આપણને કાયમી ધોરણે બ્રિટનમાં રહેવાનો પરવાનો મળી ગયો છે. હકીકતે તેને બ્રિટનની મુલાકાત લેવાની છૂટ મળી હતી, ત્યાં રહેવાની નહી. વળતી ફ્લાઈટમાં સંજયને કેન્યાના પાટનગર નૈરોબી ધકેલી દેવાયો. કેન્યાનો પાસપોર્ટ તો સંજયે પહેલા જ સરકારને હવાલે કરી દીધો હતો માટે એ હવે કેન્યાનો નાગરિક પણ ન હતો. એટલે ફરજિયાત સમસ્યાનો નિવેડો ન આવે ત્યાં સુધી તેણે નૈરોબીના ‘જોમો કેન્યાતા એરપોર્ટ’ પર રહેવુ પડયુ. એ સમયગાળો ૪૦૦ દિવસ સુધી ચાલ્યો. અગાઉના કિસ્સામાં ઉલ્લેખ કર્યો એવી જ જિંદગી સંજયે પણ એરપોર્ટ પર જીવવાની થઈ હતી. એ પછી બ્રિટિશ સરકારે તેને બ્રિટિશ નાગરિકત્વ આપતાં આખરે તેને બ્રિટનમાં પ્રવેશ મળ્યો.