ગોટ વિલેજ : ઉતરાખંડના પહાડી શાક અને ગુજરાતની ભાખરીનો સંગમ

મે 2017માં અમે ફરતાં ફરતાં મસૂરી પહોંચ્યા હતાં. મસૂરી ફરી લીધા પછી વિશેષ આકર્ષણ ગોટ વિલેજ નામના એક કૃત્રિમ ગામનું હતું. ઉત્તરાખંડમા આવેલું મસૂરી તો હીલ સ્ટેશન છે, પરંતુ એ પછીનો વિસ્તાર વધારે ઊંચાઈ પર છે. ત્યાં ગોટ વિલેજ નામની એક જગ્યા આવેલી છે. યુવાનો ગામડાં ખાલી કરીને શહેરો તરફ દોટ ન મુકે એ માટે બનાવેલી એક વ્યવસ્થા એટલે ગોટ વિલેજ.

ગોટ વિલેજ સુધી જવાનો પહાડી રસ્તો, છેવટે તો ત્યાં ચાલીને જ જઈ શકાય.

આખા ભારતની જેમ ઉત્તરાખંડમાં પણ યુવાનો પરંપરાગત ગામો છોડીને શહેરો તરફ દોડી રહ્યાં છે. ગામડાની દેશી જિંદગી કરતાં શહેરની ચકચકીત લાઈફ અહીંના યુવાનોને વધુ આકર્ષે છે. માટે સ્થિતિ એવી છે કે દહેરાદૂન જેવા શહેરમાં વેઈટરનું કામ કરવા તૈયાર છે, પણ ગામડામાં જમીન-જાગીર હોવા છતાં ખેતી નથી કરવી. આ સ્થિતિ બદલવા શું કરવું? કેટલાંક યુવાનોએ મળીને ‘ગ્રીન પિપલ’ નામની સંસ્થા રચી અને સંસ્થાએ ‘ગોટ વિલેજ’ નામે એલગ અલગ પહાડી વિસ્તારો પર ત્રણ ગામ તૈયાર કર્યા. ગામ તો નામના, કેમ કે આઠ-દસ મકાન અને એક રસોડું. આસપાસની ખાલી જમીન પર ખેતી થાય એ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. એ ખેત-પેદાશ વેચવાની અને તેમાંથી મળતી આવક સંકળાયેલા યુવાનોને વહેંચવાની. જેથી યુવાનો શહેર તરફ સ્થાનાંતરીત થતા અટકે.

કોટી બનાલ સ્ટાઈલનું બાંધકામ

ખેત-પેદાશની ઉપજ આવે ત્યાં સુધી ગોટ વિલેજની ઘટમાળ ચાલતી રહે એટલા માટે પ્રવાસીઓને અહીં આવકારાવામાં આવે છે. હોટેલ કે રિસોર્ટ જેવી સુવિધા નથી, સ્વયં સંતાલિત ગામ છે. એટલે અહીં જતા પ્રવાસીઓએ માટે એક શરત એ છે કે જરૃરી અમુક ચીજો સાથે લઈ જવી પડે. બીજી શરત એ કે અહીં આવીને જે થઈ શકે એ કામ કરવાનું, સ્થાનિક સ્ટાફની મદદ કરવાની. અહીંથી આગળ નાગટિબ્બા નામે દસેક હજાર ફીટ ઊંચુ શિખર છે. ત્યાં ટ્રેક પર જનારા સાહસિકો પણ ગોટ વિલેજમાં નાના-મોટો વિશ્રામ કરવા રોકાતા હોય છે.

પ્રવાસીઓ અહીં બેસીને ગપાટા મારી શકે. દિવસ અને રાતની તસવીર. રાતે ઉપરના કાચમાં મિણબતીનું રિફ્લેક્શન દેખાય છે.

ગોટ વિલેજ સુધી વાહન જઈ શકે એમ નથી. પહાડમાં અઢી-ત્રણ કિલોમીટર ચાલતાં જવું પડે. એ મામુલી અંતર પણ અમને તો અઘરું લાગ્યું કેમ કે અમે ઓલરેડી 6 હજાર ફીટની ઊંચાઈએ હતા, ત્યાંથી પોણા આઠ હજાર ફીટ ઊંચે પહોંચવાનું હતું. અમારા મેદાની શરીર એના માટે ટેવાયેલા ન હતા. તો પણ ધીમે ધીમે કરતાં ત્યાં પહોંચ્યા. એ ચઢાણ પછી જોકે જે દૃશ્ય જોવા મળે અને શાંતિ અનુભવાય એ અવર્ણનિય હોય છે.

અહીં લાકડાની કંઈ કમી નથી. લાકડા અને પથ્થરના મિશ્રણથી બનતું ઉત્તરાખંડનું પરંપરાગત સ્થાપત્ય ‘કોટી બનાલ’ નામે ઓળખાય છે. અહીંના જે છ-સાત મકાનો હતા એ કોટી બનાલ સ્ટાઈલથી જ બનેલા હતા, એટલે કોઈ નાનકડા રાજ મહેલ જેવા આકર્ષક લાગતા હતા. અમને અમારો ગાર-માટીનું લિંપણ કરેલો કદાવર ઓરડો ફાળવી દેવાયો. એકાદ મકાન, વચ્ચે ખાલી જગ્યામાં કોઈ પ્રકારનું વાવેતર, વળી મકાન.. એ રીતે રચના હતી. બધા મકાન એકબીજાથી ઊંચા હતા. વચ્ચે એક ગ્રીનહાઉસ જેવું ઉપર કાચની છત ધરાવતું મકાન હતું. એ ડ્રોઈંગ રૃમ કહો કે પછી મિટિંગ પોઈન્ટ જે કહો એ હતું. પ્રવાસીઓ આવીને ત્યાં બેસે, ગોટ વિલેજના સ્ટાફરો-સંચાલકો સાથે વાતો કરે, પોતાને પસંદ પડે એ કામ કરવામાં જોડાઈ જાય.

તૈયાર થયેલું ભોજન

અમે પહોંચ્યા એ દિવસે તો ખાસ્સો થાક લાગ્યો હતો એટલે આરામ કરવા સિવાય કશું થઈ શકે એમ ન હતું. બપોરે સુતા હતા ત્યાં અચાનક તડતડાટી શરૃ થઈ. વરસાદ છે કે શું? વરસાદ જ હતો. મે મહિનામાં વરસાદ અમારા માટે તો નવાઈપ્રેરક હતો, પરંતુ અમે હિમાલયમાં હતા. લોઅર હિમાલયન રેન્જે વરસાદ-કરા દ્વારા અમારું સ્વાગત કર્યું.

આરામ કરી લીધા પછી ફરી અહીંના મેનેજર રૃચીને મળ્યાં. રૃચી બહેન મુંબઈનાં યુવતી હતાં અને ઓર્ગેનિક ખેતીના જાણકારા હતાં. અહીં તેઓ બે મહિના માટે મેનેજર તરીકે આવ્યા હતા. અહીં એવી સગવડ છે કે કોઈને કોઈ ખાસ કામ આવડતું હોય તો ગોટ વિલેજના સંચાલકોની પરવાનગી પછી પંદર દિવસથી માંડીને બે-ત્રણ મહિના રોકાઈ શકે. રહેવા-ખાવાનું અને ખાસ તો દુનિયાભરની શાંતિ મળે. રૃચીદેવીએ નાના-નાના ખેતર બતાવી ક્યાં શું રોપણ કર્યું છે એ સમજાવ્યું.

ઈન્ટિરિયર. કાચની નીચે સ્થાનિક અનાજની વેરાઈટી છે.

ગોટ વિલેજની બીજી વિશિષ્ટતા અહીંની રસોઈ હતી. અહીં માત્ર સ્થાનિક કક્ષાએ ઉત્પન્ન થતું અનાજ-શાકભાજી વાપરવામાં આવે છે. અહીં પેદા થતી વધારાની સામગ્રી મસૂરી સહિતના સ્થળોની મોટી હોટેલમાં ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે છે. એ માટે ‘બકરીછાપ’ નામે બ્રાન્ડ બનાવી છે. અમે ત્યાંથી લાલ પહાડી રાજમા ખરીદ્યા અને ઘણા મહિનાઓ સુધી ખાધા. તેની ગુણવત્તા પ્રભાવશાળી લાગી, કેમ કે આપણે ત્યાં આસાનીથી એ મળે નહીં.

આસપાસ કુદરતી રીતે ઉગી નીકળેલા કેમોમાઈલના ફૂલ, જેની ચા ઉત્તમ બને.

અમારી સાથે નાની ચાર વર્ષની અમારી ધ્યાની પણ હતી. તેને અહીંની ખાદ્ય સામગ્રી સ્વાભાવિક રીતે ભાવતી ન હતી, એટલે એ કચકચ કરતી હતી. એ જોઈને રૃચીદેવીએ કહ્યું કે તમે રસોડામાં જઈને જે બનાવવું હોય એ બનાવી શકો છો. હું રસોડામાં ગઈ, ત્યાં બે સ્થાનિક યુવતીઓ કામ કરતી હતી. તેની સાથે તુરંત મૈત્રી થઈ ગઈ. પહાડી ધાન્યની રોટલી, શાક વગેરે બનતાં હતાં. એમણે પૂછ્યું કે તમારે ત્યાં શું બને? મેં પણ વિવિધ ચીજો ગણાવી. એમણે કહ્યું કે તમે અત્યારે કંઈ બનાવી શકો?   

રસોડામાં ઉપલબ્ધ સામગ્રી જોઈને મેં કહ્યું કે ભાખરી બની શકે. એ લોકો માટે ભાખરી નામ સાવ નવું હતું. મેં એમને સમજાવ્યું કે ઘઉંની એક પ્રકારની જાડી રોટલી છે. એમને રસ પડ્યો એટલે ભાખરી બનાવાનું કામ મારા શીરે ઉપાડી લીધું. ગોટ વિલેજમાં વીજળીનું કનેક્શન નથી. અહીં શાંતિ લાગવાનું એક મોટું કારણ એ પણ છે. પરંતુ રસોડામાં અજવાળું જોઈએ ને! એ માટે સોલાર લાઈટની સગવડ કરેલી છે. સોલારના અજવાળે ભાખરી બનાવાની શરૃઆત કરી. એ બન્ને યુવતીઓને ખાસ તો જાણવાની ઉત્સુકતા હતી કે ભાખરી હોય છે શું?

ભોજન બની ગયા પછી ભોજનસ્થળની તૈયારી

થોડી વારે તૈયાર થઈ.. એમણે અને રૃચીએ ચાખી જોઈએ. એમને થયું કે આ તો એકલી ખાઈ શકાય એવી વાનગી છે. મેં પણ સમજાવ્યું કે એકલી ખાઈ શકાય, માત્ર ચા હોય તો તેની સાથે ખાઈ શકાય, શાક સાથે ખાઈ શકાય, જામ-ચટણી જેવી ચીજો સાથે ખાઈ શકાય.. ભાખરીના આટલા વેરાઈટીપૂર્ણ ઉપયોગો જોઈને એ અચંબિત થયા. મેં કહ્યું કે ભાખરીપૂરાણ હજુ પૂરું નથી થયુ. બીજી વિશિષ્ટતા એ છે કે ભાખરી કડક બનાવી રાખી હોય તો આખો દિવસ ચાલી શકે, રોટલીની જેમ ઢીલી ન પડી જાય. ટૂંકમાં ભાખરી એક ગુણવત્તાસભર અને ટકાઉ નાસ્તો-ભોજન છે એ એમને જાણવા મળ્યું. એ રાતે આમ તો એમણે નક્કી કરેલી સ્થાનિક અનાજની રોટલી બનાવાની હતી. પરંતુ પ્રાથમિક ધોરણે ભાખરી ટેસ્ટ કર્યા પછી એમને વધુ રસ પડ્યો. એટલે રોટલીનું સર્જનકાર્ય ભાખરી તરફ ડાઈવર્ટ થઈ ગયું.

વરસાદી વાદળો જામ્યા પહેલાની અને પછીની કુદરતની રંગોળી

રસોઈ પછી અમે ઉપર આભ અને નીચે પહાડી ધરા વચ્ચે આગ પ્રગટાવી ફરતે જમવા બેઠાં. ઠંડી ઘણી વધી ગઈ હતી. લાઈટ વગરના ગોટ વિલેજથી દૂર સુધી પહાડોની હારમાળાના ઓળા દેખાતા હતા અને આકાશમાં સંખ્યાબંધ તારલાઓની સવારી ઉમટી પડી હતી. એ વચ્ચે આછા અજવાળામાં ભાખરીના ભોજનનો એ આનંદ અનોખો હતો. ત્યાં ખરા અર્થમાં ભારતની એકતા જોવા મળતી હતી કેમ કે એક તરફ ઉતરાખંડની પહાડી પર 6-7 હજાર ફીટની ઊંચાઈએ ઉગતા શાકભાજી હતા, બીજી તરફ આપણી ગુજરાતની ભાખરી હતી.  પછી તો ત્યાં બે દિવસ રોકાયા, દરેક ટાણે એકાદ-બે ભાખરી બનાવાની થતી હતી.

ગોટ વિલેજ પહોંચ્યા ત્યારે અમે શું કામે લાગી શકીશું, એ શંકા-કુશંકાઓ હતી. પરંતુ અમારી ભાખરી એ લોકોને માફક આવી ગઈ એટલે ત્યાં સુધીનો ધક્કો વસૂલ થયાનો આનંદ થયો.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “ગોટ વિલેજ : ઉતરાખંડના પહાડી શાક અને ગુજરાતની ભાખરીનો સંગમ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *