લોનાવાલા – ખંડાલા : કયાંક પહોંચવાની ઉતાવળ ન હોવાની શરતે..
લોનાવાલા-ખંડાલા નામો આપણા માટે અજાણ્યા નથી. માટે જ ઘણા પ્રવાસીઓ ત્યાં જવાનું મન બનાવતા હોય છે. જેમને લોનાવાલા-ખંડાલા જવાનું બાકી હોય એમના માટે જયેશ વાછાણીએ સોરઠી ભાષાની હળવી છાંટ સાથે લખેલો આ લેખ ઉપયોગી સાબિત થશે…
લેખક – ડૉ. જયેશ વાછાણી
જિંદગીથી દુર જવા નહી પરંતુ જિંદગીથી વધુ નજીક આવવા ફરવા જવું જરુરી છે. અને એટલે જ કયાંક પહોચવાની ઉતાવળ ન હોવાની શરતે ફરવા જઈએ ત્યારે કુદરતના નવાં રૂપ અને કલ્ચરના નવા રંગ માણવાની મજા આવે. ફરવા જવાથી જિંદગીને અલગ રીતે જોવાતા થવાય છે, નવીનતા અને નવાઈ ઝીલાય છે, અનુભવ અને આશ્ચર્ય થાય છે, જિંદગીથી વધુ નજીક અવાય છે. ફરતાં ફરતાં અલગ અલગ જગ્યા, સંસ્કૃતી, રીવાજ, ખાનપાન, રહેણીકહેણી, વ્યવસાય, માન્યતા જોતા જાણતાં ‘આવું ય હોય’ અને ‘આવું તે થોડું હોય’ ની લાગણી થતી રહે છે. એ જ પ્રવાસની સાર્થકતા છે. ત્યાનું કંઈક નવું જીવનમાં લેવું કે ઉતારવું ગમે છે તો ત્યાનું કંઈક નવું આપણાં જીવનમાં નથી એનો આનંદ પણ થાય છે. કંઈક જોઈ-જાણી વસવસો થાય તો કંઈકથી વાહ બોલાઈ જાય.
કુદરતના અમાપ અને અફાટ સોંદર્યને નિરાંતે ઉંડા શ્વાસ લઇ છાતીમાં ભરી લેવા લોનાવાલા – ખંડાલા પહોંચી જવાયું. આવન-જાવનના કુલ બે હજાર કિલોમીટર ગાડી ચલાવી, લગભગ બે હજાર ફૂટની ઉંચાઈએ કુદરતને મળવા પહોચ્યાં. મુંબઈ અને પુનાથી નજીક આવેલું લોનાવાલા હીલ સ્ટેશન આમ તો ખુબ જાણીતું છે. અને હમણાં હમણાં તો ઇમેજિકા થીમ પાર્ક તેની નજીક હોવાથી લોકો માટે એ નાઈટ હોલ્ટ સ્ટેશન બની ગયું છે. અમને તો કુદરતની કુદરતી થ્રીલીંગ અને થીમમાં વધુ રસ હતો એટલે લોનાવાલામાં જ મુંબઈ-મુલુંડના બિલ્ડર મિત્ર મનોજ પટેલની રોયલ રેસીડન્સીના બંગલામાં ચાર પાંચ દિવસનો મુકામ રાખ્યો. ચારેકોર સહયાદ્રી પર્વતમાળા અને વાદળછાયા વાતાવરણથી શેર લોહી એમ ને એમ ચડે.
લોનાવાલા
લોનાવાલા અને ખંડાલા બન્ને અલગ અલગ છે, પરંતુ પાસપાસે (અંતર માત્ર 4 કિલોમીટર) હોવાથી સાથે જ ઓળખાય છે. લોનાવાલા મોટું નગર છે, ખંડાલા સાવ નાનકડું. લોનાવાલાનું નામ જ જેના પરથી પડેલ છે એવી બોદ્ધ સાધુ દ્વારા બંધાયેલી કારલા, ભજા, બેડસા જેવી ગુફાઓ આજુબાજુમાં આવેલી છે. કારલા કેવ્સ ટેકરી પર છે, ત્યાં પહોંચવા ગાડી પોણે સુધી જાય અને પા જેટલું અંતર પગથિયાથી ચડવાનું. આ ગુફાની બાજુમાં જ એકોવરી માતાનું મંદિર છે, જે ઠાકરે પરિવારના કુળદેવી છે. બંને જગ્યા મજાની છે.
કેવ્સની કોતરણી, શિલ્પકલા, બાંધકામ અને માતાજીના દર્શન માટે અહી સુધી ચડવું વસુલ છે. ત્યાંથી આખા લોનાવાલાનો બર્ડઆઈવ્યુ મળે છે. નીચે ઉતરી પુના તરફ જતા રોડને ક્રોસ કરી સામે જ જે રસ્તો જાય તે ભજા ગુફા થઈને લોહગઢ કિલ્લા સુધી લઇ જાય છે. દશેક કિલોમીટરના કરાર અને વળાંક વાળા ટેકરી પર ચડતા રસ્તા પર ધ્યાન અને કાળજીથી ગાડી ચલાવી એ દરમિયાન ધબકારા વધી જાય. પણ ઉપર પહોંચીને ખીણના દૃશ્યો જોઈએ ત્યાં વળી અનેખી દુનિયામાં આવી પહોંચ્યાની અનુભૂતિ થાય અને બધી આધિ-વ્યાધિ ભૂલાઈ જાય.
ખપોલી
લોનાવાલાથી થોડા કિલોમીટરના અંતરે ખપોલી નામો મોટું નગર આવે. ત્યાં જતી વખતે વચ્ચે વહેલી સવારે ખંડાલાનું સોંદર્ય માણતા જેવું છે. આ રોડ પર જ એક જગ્યાએ ઉપરથી નેશનલ હાઇવે, એક્સપ્રેસ વે અને ટ્રેઈનનો ટ્રેક ત્રણેય એકસાથે દેખાય. ટનલમાંથી પસાર થતા રસ્તાઓ પણ વચ્ચે વચ્ચે આવે ત્યારે આટલી ઉંચાઈએ, આવી જગ્યાએ, આટલા સરસ રસ્તા માટે ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી અને એન્જીન્યરીંગ માટે ગર્વ થાય. ખપોલીમાં ગગનગીરી આશ્રમ જવા જેવી જગ્યા છે. રવિવાર સિવાય દરરોજ ટાટા પાવર પ્લાન્ટ પોતાના ટર્બાઇન ફેરવવા છોડતો પાણીનો પ્રવાહ આ આશ્રમમાંથી પસાર કરાય છે. ત્યાંથી એવી રીતે આ પાણીનો પ્રવાહ જોરદાર વહે કે આશ્રમની અંદર બનાવેલા ઘાટ પાસે ગંગા જેવું વાતાવરણ ઉભું થાય. આ વહેણનો અવાજ આશ્રમની આધ્યાત્મિક અનુભૂતિમાં વધારો કરે.
ખપોલીમાં જ ટાટા પાવર કૉલોનીમાં રહેતા સંબંધી મીરા-શ્યામની જન્માષ્ટમી નિમિતે મહેમાનગતિ માણી તેમજ લોનાવાલાના ટાટા પાવર હસ્તક વાલવાન ડેમ અને ગાર્ડન માટે મંજુરી લેવડાવી. લોનાવાલામાં જ આવેલ આ ડેમનું બાંધકામ 1911થી 1916 વચ્ચે થયું. આ ડેમની માલિકી ટાટા પાવર કંપની પાસે છે. બાજુમાં જ કંપનીએ બહેતરીન બોટોનીક્લ ગાર્ડન વિકસાવેલો છે. ખુબ જ મોટા એરિયામાં તરહ તરહના ફૂલછોડ અને અન્ય ઝાડથી શોભતો આ બગીચો જોવો હોય તો ડેમની માફક કંપની પાસેથી પરમિશન લેવી પડે.
લાયન પોઈન્ટ
લોનાવલાની નજીક આવેલ લાયન પોઈન્ટ લગભગ બધા જ જોવા જતાં હોય છે. આ સ્થળે વહેલી સવારે પહોંચાય તો જલસો પડી જાય. ત્યાં ધુમ્મસ અને વાદળાઓથી ઢંકાયેલ ખીણ એક નવું જમીન સમથળ આકાશ રચે છે. જયારે ઘાટા ઝાંકળમાં ઘટાડો ત્યારે ઊંડી ખીણના વ્યૂ સાથે જ વાહ બોલાઈ જાય! આશ્ચર્ય તો એ છે કે આ પોઈન્ટ પર દર શનિવારની રાત્રે પુના અને મુંબઈથી યુવા સાહસિકો નાઈટ લાઈફની મજા માણવા એકઠા થાય છે. અમને તો અચાનક જ આ સૌની મ્યુઝીક મસ્તીની મજા જોવાનો લ્હાવો મળી ગયો. કોઈ ગીટાર વગાડે છે તો કોઈ ગાય છે તો કોઈ વળી નાચે છે.
શું ખાવું-ક્યાં ખાવું-ક્યાં રહેવું?
ચા કોફી સાથે ત્યાં મળતા કોર્ન પકોડાની લહેજત લીધા વિના ફેરો ફોગટ સમજવો. લોનાવાલા કે ખંડાલાની એકાદ સવારે કાંદા ભજજી તો એકાદ સાંજે પાઉં ઉસળ જરૂર ટેસ્ટ કરવા. ગોલ્ડનના વડાપાઉં અને મનશક્તિના મિસળ વગર પાછું ન અવાય. એકાદ વાર ભરપેટ પંજાબી ખાવું હોય તો સન્ની ધાબા ધ બેસ્ટ. લોનાવાલાની બજારમાં ચીકી અને ચીકન ચારેકોર દેખાશે. ઓરીજીનલ મગનલાલની ચીકી કે ત્યાંની માવાની મીઠાઈ ફજી લેવા શહેરની અંદર આવેલી મગનલાલની મુખ્ય દુકાને જવું. ત્યાંની ફેવરીટ આંબલી પીપર અને જેલી ચોકલેટ જાય ત્યારે જ લઈને આવીએ ત્યાં સુધી ચૂસતાં રહેવાય. ઉતારા માટે નારાયણી ધામ ઉતમ. લોકેશન સરસ અને રહેવાની સાથે જમવાની પણ સગવડ હોવાથી એટલી હડીયાપટ્ટી ઓછી થાય. બાકી તો અસંખ્ય હોટેલ્સ છે જ. લોનાવાલા ઘરની ગાડી લઈને જવાનો અનુભવ ભલામણ કરવા જેવો રહ્યો. થોડું હાંકવામાં ધ્યાન અને નિરાંત રાખવી પડે પણ આજુબાજુ જવા આવવા પોતાની કાર હોય તો સમય અને પૈસા બંને બચે.
ચારેકોર હરિયાળી હિલ્સ અને કુદરતી સૌન્દર્યનો આનંદ મળે તો નજીકના ગામડાઓની બદતર સ્થિતિ જોઈ દુઃખ પણ થાય. રૂટીનમાંથી બહાર નીકળી આવી જગ્યાએ જતા નવા પ્રદેશ, પ્રજા, પ્રણાલીને જોતા ઘણું શીખવા માણવા જાણવા મળે. તનમનને નવું વાતાવરણ તો જીભને નવો ટેસ્ટ મળે. કુદરતની કરામત અને ટેકનોલોજીની કલાકારી જોવા અનુભવવા મળે. અલગ અંદાજથી જીવાતી જિંદગી જોવા મળે અને આથી જ અવનવા અનુભવના આધારે જાતની જીંદગી પ્રત્યે વધારે પ્રેમ થાય. અને પ્રેમ થાય તો જ પ્રવાસ સાર્થક થયો સમજવો…