અઘોરી સાધુની દુનિયા અનોખી છે. આપણી આસપાસ જ રહેતાં હોવા છતાં તેમનું વિશ્વ જુદું છે અને કેવું જુદું એ સામાન્ય રીતે આપણે સૌ સંસારી જાણી શકતા નથી. અઘોર પંથથી વાકેફ થવુ હોય તો અઘોર જગતમાં ઉતરવું પડે. અને એમ ન કરવું હોય તો પછી મોહનલાલ અગ્રવાલે લખેલા પુસ્તકો ‘અઘોર નગારા વાગે’ ભાગ 1 અને 2 વાંચવા રહ્યાં. (બીજા ભાગની લિન્ક)
શક્ય છે કે બધી વાતો વિશ્વનિય ન પણ લાગે, કેમ કે વિજ્ઞાન સાથે તેનો મેળ બેસતો નથી. પણ બીજી તરફ પ્રાચીન ભારતમાં આ બધી વિદ્યાઓ હતી, આજે પણ અમુક અંશે હોવા અંગે સાવ રદીયો આપી શકાતો નથી. ધારો કે આપણે આવી કોઈ બાબતમાં વિશ્વાસ નથી રાખતા તો પણ વાંચવાની મજા આવે એટલા માટે આ પુસ્તકો મને ગમતાં રહ્યાં છે. આ બન્ને પુસ્તકોમાં પણ વાંચીને બધુ માની લઈએ એવુ જરૃરી નથી. પરંતુ મોહનલાલ અગ્રવાલે જે રસપ્રદ રીતે વાતો લખી છે, એના તેમને પૂરા માર્ક આપવા રહ્યાં.
આજકાલથી નહીં, 1982માં પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ત્યારથી આ પુસ્તકો વંચાતા રહ્યા છે. ગુજરાતી ભાષામાં અઘોર વિષયને લઈને પાંચ-દસ પુસ્તકો લખાયા છે અને એમાં આ બે ભાગ સર્વોત્તમ લાગે છે. માન્યતા કરતાં આ વાતોને મનોરંજન તરીકે લેવામાં આવે તો વધુ મજા આવશે જેવી રીતે હોલિવૂડની ‘હેરી પોટર’ સિરિઝની ફિલ્મોને લઈએ છીએ..
આજે એમાંથી પહેલા ભાગના કેટલાક રસપ્રદ અંશો..
- ભગવાન મહાકાલ શિવશંકરે જ્યારે અઘોર વિદ્યા પોતાના સ્વમુખેથી પાર્વતીજીને સંભળાવી હતી ત્યારે તેમનો હેતુ સર્વને માટે મંગલદાયી તથા કલ્યાણકારી હતો.
- સંધ્યા અને રાત્રી વચ્ચે જે છેલ્લું અંતર હોય છે તેવું વાતાવારણ હતું.
- ધામણ સર્પમાં એક ખાસ પ્રકારની ધમણ થાય છે, જેનાં હાડકાંના મણકાને તાંત્રિક ક્રિયાથી સિદ્ધ કરી ઈચ્છિત રૃપ ધારણ કરવાનું સાધન પ્રાપ્ત કરવામાં આવે છે.
- અઘોરી મહાત્માએ પોતાની ઝોળીમાંથી માનવખોપરી બહાર કાઢીને તેમાં કાવો લીધો.
- એમણે છેલ્લો મંત્રોચ્ચાર કરીને ધૂણીમાં આહુતી આપી કે ખોપરી પોતાની જગ્યા ઉપરથી એક જ આંચકે લગભગ એક ફૂટ ઉપર હવામાં તોળાઈ રહી.
- આ સ્થળે બહુ મોભો પાડવામાં મજા નથી એમ સમજી ચલમ હાથમાં લઈ ગુરુમહારાજનું સ્મરણ કરી આસ્તેથી ફૂંક ખેંચી. બસ, એ પછી મને યાદ નથી મને શું થયું.
- રાત્રે બાર પછીના ભોજનને પ્રેતભોજન કહેવામાં આવે છે. લગભગ ભજનાનંદી સાધુમહાત્માઓ બાર પછી ભોજન લેતા નથી કારણ કે તે ભજન-તપસ્યામાં બાધારૃપ હોય છે.
- અઘોરી લોકોમાં સ્નાન આદિ ક્રિયાઓ હોતી નથી અગર અલ્પ હોય છે. તેઓ પોતાની સાંપ્રદાયિક વિધિથી જ પ્રાતઃક્રિયા કરતા હોય છે.
- આવતી કાલે રાત્રે અઘોરી મહાત્મા તેમના અસલ રૃપમાં તેમ જ પૂર્ણ ચેતન અવસ્થામાં હશે.
- અઘોરી મહાત્માએ કહ્યું ડરના નહીં. મેં હકારમાં ડોકુ ધુણાવ્યું પણ એ જ ક્ષણે ડરનું બીજ અંદર રોપાઈ ગયુ હોય એમ લાગ્યું.
- એકસામટા કેટલાય આગિયા એક જગ્યાએ નિશ્ચિત આકૃતિ ધારણ કરતાં હોય તમ એક ખૂબ સુકોમણ, સુંદર સ્વરૃપવાન યુવતી સ્ત્રી પ્રગટ થઈ.
- હજુ માંડ દસેક ડગલાં ચાલ્યાં હતા કે ડાબી તરફની ઝાડીમાંથી એકાએક કોણ જાણે ક્યાંથી એક ભયાનક પહેરવેશવાળો, ક્રૂર ચહેરાવાળો, ઘાતકી આંખો એમ જ પાતળો સશક્ત દેહધારી મહાત્મા બહાર નીકળ્યો.
- ક્રિસ હિન્દી ભાષાને સારી રીતે નહીં સમજવા છતાં શા માટે અઘોરીની આજ્ઞાનું પાલન કરી રહી હતી એ મારા માટે મોટો મૂંઝવણનો પ્રશ્ન થઈ પડ્યો હતો.
- અઘોરીએ ઝૂંપડીમાં આવીને અમારી તરફ નજર કરી. એની નજર જાણે સળગાવી મૂકતી હોય તેમ મને જણાતી હતી.
- જ્યારે તેણે ખપ્પર મોઢાથી દૂર ખસેડ્યું ત્યારે લોહીથી ખરડાયેલી તેની દાઢી-મૂછવાળો ચહેરો હિંસક પશુ જેવો ભયંકર દેખાતો હતો.
- અહીં જંગલમાં આ દેખાવડી યુવાન સ્ત્રી એકલી કઈ રીતે હોઈ શકે? શું આ બીજી કોઈ આપત્તિ છે કે ખરેખર કઠિયારણ બાઈ છે.
- જેમતેમ સમય પસાર કરીને મધ્યરાત્રી થઈ. છતાં મનમાં વ્યાકુળતા ઓછી થઈ ન હતી. છેવટે યક્ષિણીનું આહ્વાન કર્યું.
- રાવતગિરિજી મહારાજનો મુખ્ય વિષય હતો સર્પ-સંશોધન.
- તેમણે મારી સામે જોઈને આસ્તેથી વાત જાહેર કરી કે, મારે ગમે તે ભોગે જરખનું ચામડું જોઈએ છે.
- ઉદાસી મહારાજ પાસે એમનું અઢી ફૂટિયું ત્રિશૂળ હતું, જેનો સ્વબચાવમાં ઉપયોગ કરી શકાશે એવું તેઓ માનતા હતા.
- કપાલભૈરવની સાધનાની પૂર્વતૈયારી માટે એક માનવખોપરી મેળવી લીધી. આ ખોપરી એવા માણસની મેળવવી પડે જેણે કદી મંત્રદિક્ષા લીધી ન હોય.
- આ જગતમાં સંસારી લોકોને જીવન પસાર કરવા માટે ભ્રમની પણ જરૃર છે. જો ભ્રમ ભાંગીજાય તો સંસારીસમાજનું અસ્તિત્વ રહે જ નહીં. સૌ વિરક્ત બની જાય. પછી આ બધી રચના, વૈભવ, વિલાસ, માયા ક્યાં જાય?
- દરેક અખાડાના સાધુઓ પોતાના ડાબા ખભે ઝોળી રાખતા હોય છે. તે ઝોળીનો પ્રકાર સંપ્રદાય સાથે સંકળાયેલો હોય છે. સાધુ સમાજમાં ઝોળીનું ઘણુ મહત્ત્વ છે. દત્ત ઝોળી, નિરંજન ઝોળી, ભૈરવ ઝોળી, દસનામ ઝોળી, અલખ ઝોળી, અખંડ ઝોળી, વૈરાગી ઝોળી, માયા ઝોળી, સિદ્ધ ઝોળી, ભિક્ષા ઝોળી.. આ બધા તેના પ્રકાર થયા.
પુસ્તક માહિતી
પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર
કિંમત – 225 રૃપિયા
પાનાં – 228