બ્રિટનમાં પાંચેક હજાર વર્ષથી ઉભેલુ સ્ટોનહેન્જ/Stonehenge નામનું અભિમન્યુના કોઠા જેવુ બાંધકામ ખરેખર શેનું છે તેનો કોઈ જવાબ મળતો નથી. હવે એટલી તો ખાતરી થઈ છે કે આજે વિખરાયેલુ અર્ધવર્તુળ એક સમયે ગોળાકાર હતુ. પરંતુ સ્ટોનહેન્જના બીજા અનેક ભેદ-ભરમ અનુત્તર છે..
ઈંગ્લેન્ડ (બ્રિટન)નો દક્ષિણ ભાગ.
આમ તો પથ્થરોનું ખાસ માન-પાન હોતું નથી. વ્હિલ્ટશાયર પરગણામાં આવેલા પથ્થરો જરા વિશિષ્ટ છે. એ પથ્થરો અહીં લગભગ પાંચેક હજાર વર્ષથી ઉભા છે. વળી હાથમાં ઉપાડીને ઘા કરી શકાય એવુ વામન નહીં પરંતુ સંખ્યાબંધ માણસો ભેગા થાય તો પણ હલાવી ન શકે એવા એ વિરાટ છે.
થોડા વેર-વિખેર અને થોડા વ્યવસ્થિત ઉભેલા એ પથ્થરો સ્ટોનહેન્જ તરીકે ઓળખાય છે. સ્ટોનહેન્જ નામ આપ્યા પછી કોઈ વિશેષ ઓળખની જરૃર ન પડે એટલી વ્યાપક અને વૈશ્વિક તેની પ્રસિદ્ધિ છે. ૧૯૮૬માં વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થયેલા આ પાષાણોને જોવા વર્ષે આઠ દસ-લાખ પ્રવાસીઓ આવે છે. અને એટલે જ પથ્થરો માત્ર પથ્થર ન રહેતાં ધરતી પરનાં રત્ત્નો બની રહ્યાં છે.
પણ સ્ટોનહેન્જ છે શું?
એ સવાલનો જવાબ શોધવાનો બાકી છે. અને હજારો વર્ષથી બાકી છે.
* * *
પાંચ હજાર વર્ષ પહેલા શરૃ થયેલુ સ્ટોનહેન્જનું બાંધકામ દોઢેક હજાર વર્ષ ચાલ્યુ હોવાનો પુરાત્ત્વશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોએ અંદાજ લગાવ્યો છે. પરંતુ એ દોઢ હજાર વર્ષમાં કોણે, ક્યારે, શા માટે આ કદાવર પથ્થરો અહીં એકઠા કર્યા તેનો જવાબો મળતાં નથી. માટે જ સ્ટોનહેન્જ જગતના સૌથી રહસ્યમય બાંધકામો પૈકીનું એક ગણાય છે. અભિમન્યુના કોઠા જેવા વર્તુળના પથ્થરો અત્યારે તો બંગડી ખંડિત થઈ હોય એવી હાલતમાં અહીં વિખરાયેલા પડયા છે. પરંતુ ગયા મહિને અહીં અચાનક જ નવી દિશા મળી આવી. બાંધકામ ફરતે ફેલાયેલા ઘાસને લીલું રાખવા પાણી પવાઈ રહ્યુ હતું. પરંતુ કોઈ કારણોસર પાણી અમુક સ્થળથી આગળ જતુ ન હતું.
પાણીનો રસ્તો ક્યાં અટક્યો છે એ તપાસ કરી તો ખબર પડી કે ત્યાં જમીનમાં વિશાળ ખાડાઓ હતાં. ખોદકામ કરી એ ખાડાઓ સાફ કર્યા એટલે ત્યાંથી પથ્થરો નીકળી ગયા પછી પડી રહેલા પોલાણ મળી આવ્યા. સમય જતાં એ ખાડાઓ તો બુરાયા પરંતુ તેમાં પોલાણ રહી જતાં પાણી ત્યાં અટકી ગયુ હતું. વધુ તપાસ કરીને સંશોધકોએ લેટેસ્ટ ચૂકાદો આપ્યો કે સ્ટોનહેન્જ ગોળાકાર સંકુલ જ હતું. ગોળાકાર હતાં એ તો સૌ કોઈએ માની લીધું. પણ સ્ટોનહેન્જ સાથે બીજા અનેક રહસ્યો સંકળાયેલા છે. એ રહસ્યોના કોઈ ગળે ઉતરે એવા ખુલાસા મળતાં નથી.
સ્ટોનહેન્જના બાંધકામમાં બે પ્રકારના પથ્થરો વપરાયા છે. બાહ્ય પથ્થરો શિલાખંડ જેવા કદાવર છે અને અંદરના પથ્થરો બ્લુસ્ટોન તરીકે ઓળખાતા ઠરેલા જ્વાળામુખીના પથ્થરો છે. દરેક બ્લુસ્ટોનનું અંદાજિત વજન ૪ ટન છે અને એવા ૮૦ પથ્થરો અહીં વપરાયા છે. આવા પથ્થરો મળી શકે એવુ ઈંગ્લેન્ડમાં એક જ સ્થળ છેઃ પ્રેસ્લી પર્વતમાળા. એ સ્થળ સ્ટોનહેન્જથી પોણા ચારસો કિલોમીટર કરતા વધારે અંતરે આવેલુ છે. તો ચાર-પાંચ હજાર વર્ષ પહેલા જ્યારે વાહનો ન હતાં ત્યારે ચાર-ચાર ટન વજનના પોણોસો પથ્થરો અહીં કઈ રીતે પહોંચ્યા હશે? ૮૦ પૈકીના ૪૩ પથ્થરો જ આજે ત્યાં રહ્યાં છે, તો બાકીના ક્યાં ગયા એ વળી બીજુ રહસ્ય છે!
બ્લુસ્ટોનથી બહાર નીકળીને નજર કરીએ એટલે દેખાય છે, શિલાખંડ જેવા અડદિયા પથ્થરો. બાહ્ય વર્તુળનું એ બાંધકામ નજરે જોઈ શકાય એવુ ભમરાળુ રહસ્ય છે. અડદિયા પથ્થરોનો દેખાવ એવો છે, જાણે નાના એવા પર્વતો અહીં ઉભા કરી દીધા હોય. દરેક પથ્થરનું વજન અંદાજે ૫૦ ટન (૫૦ હજાર કિલોગ્રામ) અને ઊંચાઈ ૨૫-૨૭ ફીટ છે. સૌથી ઊંચો સ્તંભ તો ૩૦ ફીટના તાડ જેવડો છે. જમીનમાં પાયો ખોદીને બરાબર ગોઠવી તેને ઉભા કરાયા છે. પથ્થરો ઉભા કરવા માટે ખોદાયેલી જગ્યા સંભવત હરણના અણીદાર શિંગડા અને લાડકામાંથી બનેલા હથિયારો વડે ખોદાઈ હશે. અડદિયાઓની ઉપલી સપાટીને સમતળ કરી ત્યાં આડા બીજા પથ્થરો ગોઠવાયા છે.
આ પથ્થરો ૩૦-૩૫ કિલોમીટર ઉત્તરે આવેલી માર્લબોરો ડોન ટેકરીમાંથી અહીં લવાયા છે. પરંતુ પચ્ચા હજાર કિલો વજન ધરાવતા એ પથ્થરોને એક ઈંચ ખસકાવવા પણ અસંભવ છે. તો પછી એ કિલોમીટરોની સફર કરીને અહીં કઈ રીતે આવ્યા હશે? પુરાત્ત્વજ્ઞાોએ અંદાજ લગાવ્યો કે અહીંથી એક એક પથ્થર લઈ આવવામાં અંદાજે ૬૦૦ માણસોનો ખપ લાગ્યો હોવો જોઈએ.
પિરામિડના બાંધકામ જેવો જ સવાલ એ છે કે પથ્થરો અહીં સુધી પહોંચ્યા કેવી રીતે હશે?
પ્રાણીઓ સાથે બાંધીને ઢસડી લાવ્યા હશે? માણસોએ ધક્કાગાડી કરી હશે? ગોળાકાર પર દોડવતા આવ્યા હશે? જળપ્રવાહમાં તરતા લઈ આવ્યા હશે? એ માટે વિવિધ કલ્પનાઓ થઈ છે. વૃક્ષોની ડાળીઓ વચ્ચે બાંધીને પથ્થરોને ગોળાકાર કરીને દડદડાવતા અહીં લવાયા હશે. પથ્થરોની ખાણથી લઈને સ્ટોનહેન્જ સુધીના વિસ્તારોમાં નદીઓ વહે છે. એટલે પથ્થરોને ગબડાવતા નદી સુધી લઈ આવી નદીમાં વિશાળ તરાપાઓ પર ગોઠવી બાંધકામ સ્થળે લવાયા હોવા જોઈએ. તો વળી એમ માનવાનું પણ કારણ સામે આવ્યુ હતું કે હિમયુગ વખતે આ પથ્થરો હિમનદીઓ પર સરકીને અહીં સુધી પહોંચ્યા જહશે. એટલે માનવિય બળ વડે તેમને અહીંથી તહીં ખસેડવાનો સવાલ જ રહેતો નથી. ઘડીક આ વાત માની લેવાની મજા પડે. પરંતુ પછી સવાલ થાય કે અહીં બાંધકામ માટે જોઈએ એટલા પથ્થરો ગણીને જ હિમનદી પર સરક્યા હશે? વધુ કે ઓછા નહીં?
કુલ મળીને સોએક પથ્થરો છે. બધા જ આકાશ સામે જોઈને ટટ્ટાર ઉભા હોય એ રીતે ગોઠવાયા હશે. કેટલાક જોકે હવે આડાઅવળા ગબડી પડયા છે. પરંતુ બે-પાંચ માણસોથી તેને ખસેડી શકાય એમ નથી. સીધી કરાડ જેવા તેના બાંધકામને કારણે જ અંગ્રેજી ભાષામાં ભેખડ માટે વપરાતો શબ્દ હેન્જ અહીં વપરાયો છે અને બાંધકામને સ્ટોનહેન્જ નામ અપાયુ છે. ચાર-પાંચ હજાર વર્ષ પુરાણા એ બાંધકામ પાછળ જે-તે સમયે મહેનત, પૈસા, ધિરજ અને આવડત એમ વિવિધ તત્ત્વોની જરૃર પડી હશે.
* * *
બાંધકામ કઈ રીતે થયુ એ જવાબ નથી મળતો ત્યાં બીજી મૂંઝવણ આવીને ઉભી છે કે બાંધકામ શા માટે થયુ હશે? ક્યા હેતુની પૂર્તિ માટે પથ્થરો અહીં શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓની માફક ગોળાકાર ઉભા છે? કાળક્રમે થયેલા વિવિધ સંશોધનો પરથી તેના અનેક જવાબો મળ્યા છે..
પહેલો ખુસાલો એવો છે કે ધાર્મિક વિધિ કરવા માટે આ પથ્થરીયું સ્ટેજ બંધાયુ હશે. સાથે સાથે અહીં માનવ બલી ચડાવવા, જાદુ-ટોણા, મેલી વિદ્યા વગેરે કળાઓની અજમાયશ પણ થતી હશે. પરંતુ તેના કોઈ ઠોસ પુરાવા નથી. દરેક રહસ્યની માફક અહીં પણ પરગ્રહવાસીઓ સંકળાયેલા છે. આ કુંડાળુ એ પરગ્રહવાસીઓનો કુંડાળામાં પડેલો પગ હોવાનું માનનારા પણ ઘણા છે. પરંતુ તેનાય કોઈ સબૂત મળતાં નથી. સ્ટોનહેન્જ જે-તે સમયની વિશાળ સુર્ય-ઘડિયાળ હતી એવુ ૧૯૬૦ના દાયકામાં ખગોળશાસ્ત્રી જિરાલ્ડ હોકિન્સે કહ્યુ હતું. તેમના કહેવા પ્રમાણે બાંધકામનો અભ્યાસ કરીએ તો જણાઈ આવે છે કે એ સુર્ય-ચંદ્રગ્રહણ, આયનકાળ, સંક્રાત, વગેરે ખગોળીય ઘટનાક્રમો સાથે લેવા-દેવા ધરાવે છે. અહીં સંભવતઃ યોગાભ્યાસ જેવી પ્રવૃત્તિઓ થતી હોવી જોઈએ. કેમ કે બ્લુ કલરના પથ્થરો રોગ હરનારા હોવાનું માનવામાં આવે છે. ચમત્કારીક એટલે કે રોગનિવારક બાંધકામ હોવા અંગે છેક ૧૩મી સદીના કવિ લીમોને કવિતા પણ લખી હતી.. The stones are great. And magic power they have.
એ બધી કલ્પનાઓ વચ્ચે સૌથી વધુ તર્કબદ્ધ વાત એ છે કે આ સ્થળ કબ્રસ્તાન હતું. કેમ કે અહીંથી વખતોવખત અનેક હાડપિંજરો મળતાં રહ્યા છે. પણ આવુ ભવ્ય કબ્રસ્તાન બાંધવાની જરૃર કોના માટે પડી? સામાન્ય પ્રજાને દફનાવવા માટે આવી મહેનત કરનાર પ્રજા ખુદ કેવી હશે? કે પછી અહીં કબ્રસ્તાન હતું તેના પર જ આ બાંધકામ કરી દેવાયુ હશેે?
* * *
કેમ બંધાયુ હશે અને શું ઉપયોગ હશે એ તો જાણી નથી શકાયુ. એટલે હવે સવાલ બાકી રહે છે કે રચનાકારો કોણ હશે?
એનો જવાબ શહસ્ત્રાબ્દી પછીએ શોધવાનો બાકી છે. જુલિયસ સિઝર અને બીજા રોમન વિદ્વાનોએ પોતાના લખાણોમાં આ અણનમ પથ્થરોની નોંધ કરી છે. પરંતુ પથ્થરો તો એ પહેલાના બે હજાર વર્ષથી ઉભા હતાં. માટે બાંધકામ કોણે કરાવ્યુ તેનો ઉલ્લેખ સિઝરકાળના રોમન લખાણોમાં પણ મળતો નથી.
કોઈ કહે છે કે પાંચ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા નિઓલિથીક લોકોએ આ બાંધકામ શરૃ કર્યુ હશે અને એ પછીની પેઢીઓએ પુર્ણ કર્યુ હશે. કોઈ વળી એમ કહે છે કે સ્ટોનહેન્જ બાંધનારા લોકો બ્રિટન બહારથી આવેલા હોવા જોઈએ. એટલુ નક્કી છે કે કોઈ એક માનવ સભ્યતાએ આ પથ્થરો અહીં ગોઠવ્યા નથી. વિવિધ ત્રણેક તબક્કે તેનું બાંધકામ થયેલુ જણાય છે. સૌથી જુનુ બાંધકામ ઇજિપ્તના વિખ્યાત પિરામિડો કરતાં પણ ૩૦૦ વર્ષ પહેલાનું છે.
૧૭મી સદીમાં પુરાત્ત્વશાસ્ત્રી જોન આર્બરીએ દાવો કર્યો હતો કે સ્ટોનહેન્જ એ કેથલિક ડ્રુઈડ્સ નામે ઓળખાતા પાદરીઓએ બાંધ્યુ હતું. આધુનિક ડ્રુઈડ પાદરીઓ પણ એ બાંધકામ પોતાનું જ હોવાનું માને છે. પણ વિજ્ઞાાન એ વાતને સમર્થન આપતું નથી. કાળગણના કરવાની વૈજ્ઞાાનિક પદ્ધતિ ‘રેડિયો કાર્બન ડેટિંગ’ના આધારે ખબર પડે છે કે ડ્રુઈડ આ પંથકમાં આવ્યા તેના એકાદ હજાર વર્ષ પહેલાંથી સ્ટોનહેન્જ અહીં ઉભુ હતું.
૧૨મી સદીના જ્યોફ્રી ઓફ મોનમ્નથ નામના લેખકે આ સ્થળ હત્યાકાંડ થયો હોવાનું કહ્યુ હતું. એ પછી મૃતકોને અહીં સામૂહિક રીતે દફનાવાયા હતાં. જ્યોફ્રીના લખાણો ૧૬-૧૭મી સદી સુધી ગંભીરતાથી લેવાતા હતાં. પરંતુ પાછળથી ખબર પડી કે એમના લખાણો તૂત છે. એટલે એમની વાત માની શકાય એમ નથી.
* * *
૧૯૭૮ પહેલા અહીં આવતા પ્રવાસીઓ માટે કોઈ નીતિ નિયમો ન હતાં. માટે મુસાફરો પથ્થરો સાથે દિલ પર પથ્થર રાખીને વર્તન કરતાં હતાં. એનાથી કેટલાક ખડકોને નુકસાન થયું છે. અહીં રસ્તાનું સમારકામ કરવા માટે પણ પથ્થરો ખસેડાયા હતાં. અલબત્ત, સમયસર સરકારે મહત્ત્વ પારખીને બાંધકામ સુુરક્ષીત કરી દીધુ હતું. એટલે હવે સલામત છે. બ્રિટનમાં સ્ટોનહેન્જ જેવા પથ્થરના ૯૦૦થી વધારે સર્કલો છે. પરંતુ સ્ટોનહેન્જ જેટલી લોકપ્રિય બીજી એક પણ સાઈટ નથી. કેમ કે અહીં ઉભેલા પથ્થરો માત્ર પાષાણ નથી, પાંચ હજાર વર્ષથી ઉભેલું રહસ્ય છે! ઠરી ગયુ હોવા છતાં એ સ્મશાનમાં વિસ્મય સળગે છે!