થોડા
વખત પહેલાં પ્રહલાદનગર (અમદાવાદ) વિસ્તારમાં એક મિત્ર સાથે ભોજન લેવાનું થયું.
એમણે પહેલેથી જગ્યા નક્કી કરી રાખી હતી, કૈલાસ પર્વત રેસ્ટોરેન્ટ. મને બહારથી
લાગ્યુ કે આ કોઈ જલારામ પરોઠાની માફક રાતોરાત આધુનિકિકરણ પામેલી પણ વધુ તૈલિય શાક
જમાડતી રેસ્ટોરાં હશે.
અંદર પહોંચ્યા. દેખાવે
ભવ્ય હતી.
દરમિયાન દીવાલ પર જોયુ તો લખ્યા પ્રમાણે પરદેશમા રેસ્ટોરાંની ઘણી શાખાઓ હતી અને રેસ્ટોરાં મૂળ મુંબઈની હતી. અમદાવાદમા હજુ થોડા સમય પહેલા શરૃ થઈ હતી. મને રસ પડ્યો.
જેને ત્યાં મળવાનું હતું એ ફિલમલાઈન સાથે સંકળાયેલા પેલા મિત્રએ જણાવ્યુ કે આ તો મુંબઈમા બહુ જાણીતી રેસ્ટોરાં છે. ખાસ કરીને તેના ચાટ-પાણીપુરી-પાંઉભાજી બહુ વખણાય છે. ઠીક છે, અમારે તો બપોરા કરવાના હતાં.
એકાદ
પનીરનું શાક અને રોટી, છાશ વગેરે ઓર્ડર કર્યું. રોટીમા વળી
સિંધી ચપાટી એવો કોઈક વિકલ્પ હતો. મેં એ મંગાવી. શબ્જી,
રોટી,
સૂપ,
છાશ.. બધી જ ચીજો એકદમ
રસપ્રદ હતી. વધારાના મસાલા નાખ્યા વગર માફકસરનું મસાલેદાર શાક,
મસ્ત ચપટી રોટી.. વગેરે
વગેરે.
એમાંય અત્યારે શિયાળો એટલે
દાબીને ખાવાની વધુ મજા આવે.
ખાવાનો શોખ હોવાથી મેં વધારે તપાસ કરી તો ખબર પડી કે આ રેસ્ટોરાં તો વર્ષોથી પ્રખ્યાત છે, પણ મુંબઈમા અને પરદેશમાં. ગુજરાતમા તો હજુ તેની એન્ટ્રી થઈ છે. રેસ્ટાંરાની વેબસાઈટ પર લખ્યા પ્રમાણે ભાગલા વખતે પાકિસ્તાનમાંથી આવેલા મુલચંદાણી ભાઈઓ પહેલા મુંબઈના રસ્તા પર પાણીપૂરી વેંચતા હતા અને તેમાંથી આ રેસ્ટોરાં સહિતનું સામ્રાજ્ય ઉભું થયુ છે. સિંધી રોટી એવો વિકલ્પ શા માટે છે, એ પણ તેના માલિકોની અટક જોયા પછી સમજાયું. જોકે વેબસાઈટ પર લખ્યું કે અમારો ભાવ રિજનેબલ છે, એ વાત કદાચ સાચી ન પણ લાગે. કેમ કે બે જણાનું પેટ ભરાશે ત્યાં બીલ આઠસો-હજારને આંબી જશે.
કૈલાસ પર્બતની વિશિષ્ટતા તેનું સીંધી ભોજન છે, જે સામાન્ય રીતે બીજી રેસ્ટોરાંમાં મળવુ મુશ્કેલ છે. જેટલી વાર ગયા એટલી વાર સ્વાદ-ગુણવત્તા મુદ્દે સંતોષ થયો છે. પછી તો એવું થયું કે ગોવામાં રખડતાં રખડતાં કૈલાસ પર્બતનું બોર્ડ દેખાયું તો અમારી ચિંતા ટળી ગઈ હતી.
કૈલાસ પર્બતને અમદાવાદ ફળ્યું છે એટલે પછી આલ્ફાવન (વસ્ત્રાપુર) અને પકવાન ચાર રસ્તા પાસે પણ બ્રાન્ચ ખુલી ગઈ છે.