સરદાર પટેલનું કદાવર પૂતળું તૈયાર થઈ ગયું, શિવાજી મહારાજનું થશે, બીજા પણ અનેક પૂતળાં (સ્કલ્પચર) દેશમાં બની રહ્યાં છે. સ્મારક તરીકે જે-તે વ્યક્તિનું પૂતળું બનાવીને મુકી દેવાની પ્રથા આમ તો સરળ છે, પરંતુ દાંડી ખાતે જે પૂતળાં બન્યાં એ કદાચ ભારતનો સૌથી અઘરો સ્કલ્પચર પ્રોજેક્ટ ગણવો જોઈએ. કેમ?
માર્ચ 2014ના એ દિવસે અમે પવઈમાં આવેલા ‘આઈઆઈટી મુંબઈ’ના દરવાજે પહોંચ્યા. ત્યાં અમારું સ્વાગત કરવા કોઈ હાજર ન હતું, ઉલટાના દરવાજા બંધ હતા. કારણ એટલું જ કે એ દિવસ રજાનો દિવસ હતો. એટલે દરવાજો સંભાળીને બેઠેલા સિક્યુરિટી અધિકારીઓને પણ થયું કે આ બન્ને જુવાન ભૂલા પડ્યા છે.. પણ પછી અમે એમને સમજાવ્યું કે આજે રજા હોવા છતાં અમારું કામ ચાલુ છે અને જેમને મળવા જવાનું છે, એ પ્રોફેસર ત્રિવેદીનું કામ પણ અંદર ચાલુ છે.. જવા દો. વળી આઈઆઈટીમાં પગ મુકવા મળે એવી મારી શૈક્ષણિક લાયકાત પણ ક્યાં હતી!
દરવાજેથી ચાલતા ચાલતા આઈઆઈટીના ‘ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન’ વિભાગમાં પહોંચ્યા ત્યારે ફરી અહેસાસ થયો કે ખરેખર રજા છે. બધુ બંધ હતું, પણ એક દરવાજો ખુલ્લો હતો. ત્યાંથી પ્રવેશી સીડી ચડીને અગાસી પર પહોંચ્યા. કોઈ પ્રોફેસર અગાસી પર મળવા બોલાવે?
અગાસી પર પહોંચ્યા પછી જોકે તેનો જવાબ મળી ગયો.. કેમ કે અગાસી હકીકતે વર્કશોપ હતી. ઠેર ઠેર રતુમડાં કલરનાં પૂતળા ઉભા હતા, મોટા માટીના વાસણો હતા, પાઈપના ટૂકડા, ધૂળ-માટી, શિલ્પકામની વિવિધ સામગ્રી.. એ વચ્ચે પ્રોફેસર ત્રિવેદી મળ્યા.
***
30 જાન્યુઆરી, 2019ના દિવસે વડા પ્રધાન દાંડી ખાતેના સ્મારકનું લોકાર્પણ કરશે. વરસોથી એ સ્મારક બનતું હતું. મૂળ આયોજન તો 2015ના ‘દાંડી દિવસે (12 માર્ચ)’ જ સ્મારક ખુલ્લું મુકી દેવાનું હતું. પણ સરકારી પ્રોજેક્ટ મોડા પડે એની ભારતમાં કોઈ નવાઈ નથી. પરંતુ આ પ્રોજેક્ટ સરકારની ઢીલ ઉપરાંત તેના ખાસ પ્રકારના પડકારને કારણે પણ મોડો પડ્યો છે.
વાત એમ છે કે જે લોકોના પૂતળાં બનાવાના હતા, તેના ચહેરા જ ખબર ન હતી! આજે માનવા જેવી ન લાગે એવી સમસ્યા જ્યારે આ પ્રોજેક્ટ આઈઆઈટી મુંબઈને સોંપવામાં આવ્યો ત્યારે સામે આવી હતી. કારણ એટલું જ કે દાંડીયાત્રા 1930માં થઈ, ત્યારે તેના મર્યાદિત ફોટોગ્રાફ્સ પડ્યા હતા. વળી ફોટા હતા એમાં ગાંધીજી, પ્યારેલાલ વગેરે મુખ્ય નેતાઓને વધારે મહત્ત્વ મળ્યું હતુ. બીજી તરફ દાંડીના સૈનિકો કુલ 81 હતા. એ 81ના ચહેરા તો ઠીક, નામ પણ યાદ ન હોય. તો પછી તેમના પૂતળાં કઈ રીતે બનાવવા?
સરકારે નક્કી કર્યું હતુ કે દાંડી મેમોરિયલ પ્રોજેક્ટ હેઠળ યાત્રામાં ભાગ લેનારા (લાઠી ખાનારા) બધા સૈનિકોને સન્માન આપવું અને બધાના ચાલતાં હોય એવા પૂતળાં બનાવવા. હવે એ બની ગયા છે, પરંતુ એ માટે પ્રોજેક્ટ સંચાલકોએ ભારે મશક્કત કરવી પડી છે. એ બધી વિગત ત્યારે ‘સમયાંતર’માં લખી હતી. ઈન ફેક્ટ સમયાંતર લખવા માટે જ આઈઆઈટી મુંબઈ સુધી ધક્કો ખાધો હતો. માટે પ્રોજેક્ટની મુશ્કેલી સમજવી હોય તો અહીં રાખેલો સમયાંતરનો એ લેખ પણ જરા વાંચી લેવો.
કોઈપણ વ્યક્તિનું પૂતળું આડા-અવળું બની જાય તો અંજલિ આપવાની મૂળ ભાવના ન જળવાય, ઉલટાનું અપમાન કરતાં હોય એવુ લાગે. માટે મોટી ટીમમાં વહેંચાઈ જઈ, દાંડી સૈનિકોના વારસદારાનો જે રીતે મળે એ રીતે સંપર્ક શોધીને છેવટે તેમના પૂતળાં તૈયાર કરવામાં આવ્યા છે. હવે ફાઈનલ થયેલાં પૂતળાં કેવાં લાગે છે એ મેં જોયા નથી, પરંતુ પ્રોજેક્ટની વેબસાઈટ પર તેનો આછો-પાતળો ખ્યાલ મળી રહે છે.
સ્મારકમાં યાદગીરી માટે સાથે મીઠું લઈ જઈ શકાય એવી સગવડ, સોલાર લાઈટ, મીઠાનો કણ, દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ રાતવાસો કર્યો હોય તેના મ્યુરલ્સ (ભીંત-શિલ્પ) વગેરે ગોઠવવાનું આયોજન ત્યારે હતું અને અત્યારે વેબસાઈટ જોતાં એ બધુ બન્યું જ છે. આમેય પૂતળાં સર્જવા સિવાયની કામગીરી ખાસ અઘરી ન હતી. હવે એ પૂરી થઈ છે.
અમે પહોંચ્યા ત્યારે આઈઆઈટીના વર્કશોપમાં એ બધી કામગીરી ચાલતી હતી. સ્મારકના પૂતળા તાંબાના છે, કેમ કે એ લાંબો સમય ટકી શકે. પરંતુ ત્યાં વિવિધ પ્રકારની માટીના પૂતળાં તૈયાર થતાં હતા, જેથી તેમાં જરૃર પ્રમાણે ફેરફાર કરી શકાય. પૂતળું બને એ પછી જ ખબર પડે કે આંખ ઊંચા-નીચી રહી છે, હાથ લાંબા-ટૂંકો થયો છે કે અસલ સૈનિકની ઉંમર કરતાં પૂતળાની ઉંમર વધતી-ઓછી કરી દેવાઈ છે.. એ બધી કામગીરી ત્યારે એ વર્કશોપમાં ચાલતી હતી.
દાંડીમાં આ બધી સામગ્રી ગોઠવાઈ ચૂકી છે અને હવે તેની મુલાકાત લેવાનો વિચાર છે. પરંતુ પ્રવાસીઓએ, ગાંધી પ્રેમીઓએ, દાંડીની મુલાકાત વખતે એ યાદ કરી લેવું જોઈએ કે એકેએક પૂતળું બનાવવામાં આકાશ-પાતાળ એક કરવાં પડ્યાં છે. માટે ભારતમાં કદાચ સ્મારક સર્જનનો દાંડી સ્મારકથી અઘરો પ્રોજેક્ટ જોવા મળવો મુશ્કેલ છે.
દાંડી સ્મામારક જોવા સાથે માણવા પણ બનશે…, આ વાંચીને તેવું લાગ્યું…, સુંદર રજુઆત…, રખડુ રાજા
its interesting