2014ના કલકતા પ્રવાસ વખતે હું અને સાથી પત્રકાર હર્ષ મેસવાણિયા તથા બીજા કેટલાક મિત્રોએ નેતાજી સુભાષબાબુના રહેણાંક કમ મ્યુઝિઅમની મુલાકાત લીધી હતી. આજે નેતાજીના 122મા જન્મદિવસ નિમિતે એ મકાનની મુલાકાતની વાત..
દીવાલને પીળો કલર, પિલ્લરને લાલ અને બારીને ઘાટો લીલો કલર કરેલા 3 માળના મકાનને જોઈને પહેલી નજરે આકર્ષક લાગ્યું, પણ તેનું મહત્વ તો દરવાજા પર લગાવેલા બોર્ડ વાંચ્યા પછી જ સમજી શકાય. એ મકાનનું નામ છે, ‘નેતાજી ભવન!’
દેશમાં નેતાઓનો પાર નથી, પરંતુ નેતાજી કહી શકાય એવો એક જ વીર હતો, સુભાષચંદ્ર બોઝ. કલકતાના એલજિન રોડ ઉપર આવેલું ‘નેતાજી રિસર્ચ બ્યુરો’ નામનું મકાન નેતાજી ભવન તરીકે વધુ જાણીતું છે અને સુભાષબાબુના પિતા જાનકીનાથ બોઝે 1909માં બંધાવ્યુ હતુ. બહારથી સામાન્ય લાગતું આ મકાન ભારતના ઈતિહાસના અત્યંત મહત્વપૂર્ણ વળાંકનું સાક્ષી રહ્યું છે.
ઈતિહાસ તો ઘણો લાંબો છે, પણ ટૂંકમાં વાત કરીએ તો, આઝાદીની લડત વખતે બ્રિટિશરોને બોઝબાબુ સામે વાંધો પડ્યો પછી તેમને 1941માં આ ઘરમાં નજરકેદ કર્યા હતા. ઉપરના માળે રોડ પર પડતી બારી ધરાવતા રૃમમાં નેતાજી રહે, બહાર બ્રિટિશ રાજના સૈનિકો પહેરો ભરે. કલકતાથી કાશ્મીર સુધી એ ફિરંગીઓનું રાજ હતું. એ વચ્ચેય એક રાતે નેતાજી કિલ્લેબંધીમાંથી ગુમ થયા. ભારતની ધરતી પર સુભાષબાબુના એ સત્તાવાર નોંધાયેલા છેલ્લા પગલાં હતા. એ પછી સુભાષબાબુ ક્યારેય ભારત પરત ફર્યા નથી (અથવા તો ફર્યા છે, તો જાહેરમાં આવ્યા નથી).
આ મકાનની ઓસરીમાં નેતાજી અહીંથી બહાર નીકળ્યા હશે એમ માનીને પરસાળ પર પગલાં દોરવામાં આવ્યા છે. એ પછી તેઓ જર્મની પહોંચ્યા, જાપાન પહોંચ્યા અને છેવટે કાયમી ધોરણે રહસ્યમાં વિલિન થયા. વિલિન થતાં પહેલાનો ભારતમાં છેલ્લો આશરો આ મકાન છે, માટે ભારત જ નહીં, દુનિયાના ઈતિહાસ માટે પણ આ ભવન મહત્ત્વનું છે.
રૃમમાં વિશાળ રજવાડી પલંગ, એ વખતનું ફર્નિચર, અરિસો, પુસ્તકો, બધું એમ જ રાખવામાં આવ્યુ છે. 3 માળનું ભવ્ય મકાન છે અને તેને સુંદર રીતે સંગ્રહાલયમાં ફેરવી દેવાયું છે. પહેલા માળે નેતાજી સાથે સંકળાયેલા ફોટોગ્રાફ્સ, દસ્તાવેજો, પાસપોર્ટ, લખાણ વગેરે ચીજો વર્ષના ક્રમ પ્રમાણે ગોઠવી રખાઈ છે. જેથી સંશોધકો કે રસ ધરાવતા લોકો બહુ સરળતાથી પોતાને જોઈતી માહિતી શોધી શકે છે.
નેતાજીના દબદબામાં તેમના વિશિષ્ટ પોશાકનો પણ ફાળો હતો. એ ટોપી, કોટ, બૂટ, બેટન, નેતાજીના હાથની છાપ… અને એવી તો સેંકડો ચીજો અહીં સચવાયેલી છે. નેતાજીનો યુરોપ પ્રવાસ, ઈસ્ટ એશિયા, સરત બોઝનો ઓરડો, નેતાજીનો અભ્યાસ ખંડ.. વગેરે વિભાગો પાડી દેવાયા છે, જે પ્રદર્શનને વધારે જ્ઞાનવર્ધક બનાવે છે. કલકતા જવાનું થાય ત્યારે ખરું પણ નેતાજી ભવનની વેબસાઈટ પરથી કેટલીક રસપ્રદ માહિતી મળી શકે એમ છે.
એ બધુ જોતાં જોતાં મને રસ પડ્યો 1938 લખેલી એક તકતી પર. નેતાજીના ભાષણના ઓડિયો અને શક્ય એટલા વીડિયો અહીં રખાયા છે. એક વીડિયો 1938માં સુરત પાસેના હરિપુરામાં ભરાયેલો કોંગ્રેસ સંમેલનનો છે. જેમાં નેતાજી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એ પછી તેમણે કરેલું ભાષણ વીડિયોમાં છે. અહીં સુવેનિયર શોપ છે, જ્યાંથી પુસ્તકો, ફોટોગ્રાફ્સ.. વગેરે ચીજો મળી રહે છે. ગાંધીજી અને જવાહરલાલ એના જમાનામાં તો જાપાનના વર્તમાન વડાપ્રધાન શિન્ઝો આબે, ડો.અબ્દુલ કલામ વગેરે મહાનુભાવો અત્યારના સમયમાં આ સ્મારકની મુલાકાત લઈ ચૂક્યા છે.
મકાનની બાંધણી કલાત્મક છે અને તેનાથી પણ વધુ કલાત્મક રીતે રંગેલું છે. અસલ બંગાળી મકાનો કેવા હોય તેનો આછો-પાતળો ખ્યાલ પણ આ મકાન પરથી મળી રહે છે. મકાન જોઈ લીધા પછી ફળિયામાં વળી કાચબંધ દીવાલ પાછળ પડેલી એક કાર પર નજર પડી. નેતાજી અંગ્રેજોને ગાફેલ રાખીને ભાગ્યા હતા એ ‘ઔડી વેન્ડરેર ડબલ્યુ-24’ ગાડી ત્યાં સાચવી રખાઈ છે. વર્ષો સુધી આ ગાડી એમ જ પડી રહ્યા પછી હવે ફરીથી તેને ચાલુ કરાઈ છે. એ માટે જર્મનીથી ખાસ ઔડીના ઈજનેરો અહીં આવ્યા હતા. વાર-તહેવારે એ ગાડીને ચાલુ કરીને ફેરવવામાં આવે છે. મ્યુઝિયમ હોવાથી ભવન સવારના 11થી સાંજના સાડા ચાર સુધી ખુલ્લું રહે છે.
અમારી સાથે એ સફરમાં કલકતાના જાણકાર અને અમદાવાદમાં ટ્રાવેલ ડિઝાઈનર ફોર યુ નામની ટ્રાવેલ એજન્સી ચલાવતા બિમલ મહેતા અને બીજા મિત્રો પણ હતા. એમને કારણે પ્રવાસ વધુ મજેદાર બની રહ્યો હતો. કલકતા જવાનું થાય અને નેતાજીમાં રસ હોય તો થોડા સમય ફાળવીને આંટો મારવા જેવી આ જગ્યા છે.