જાપાન પ્રવાસ – 19 : જાપાની ટોઈલેટ ટેકનોલોજી

જીવનનો અનિવાર્ય ભાગ હોવા છતાં લોકોને ટોઈલેટની ચર્ચા કરવામાં બહુ રસ ન પડે. પણ એની ટેકનોલોજી તો ચર્ચાસ્પદ છે જ. એ ટેકનોલોજીના દર્શન અને અનુભવ જાપાનમાં થયો. જાપાને આ ટેકનોલોજી પર ખાસ્સો ખર્ચો કર્યો છે અને આપણી કલ્પનામાં ન આવે એવી પદ્ધતિ વિકસાવી છે.

એક કમોડ સાથે આવી ચાંપોની ભરમાર હોય છે, શું દબાવવુું, વગેરેની સૂચના જાપાની ભાષા ઉપરાંત ચિત્ર સ્વરૃપે આપી છે. એટલે ગરબડ થવાની શક્યતા ઘટી જાય છે.  એવા આધુનિક ટોઈલેટ છે, જેમાં નાની-મોટી 35થી વધુ સ્વિચ આવે છે.

જેમ કે દરેક ટોઈલેટ એટલે કે તેનું બેસિન-કમોડ ખાસ પ્રકારે ફીટ થયેલું હોય. બેસીન સીધું જમીન પર નથી ગોઠવાતું, નીચે જાત-જાતના પાઈપ અને સેન્સર ફીટ થાય. તેના પર ફ્રેમ અને તેના પર કમોડ ગોઠવાય. એટલે દરેક કમોડ સતત જરા-તરા ધ્રૂજતું હોય એવુ લાગે. જાપાન ભૂકંપનો દેશ છે, એટલે એવો ડર પણ લાગ્યો કે ક્યાંક ધરણી તો નથી ધ્રૂજી રહીને. પણ અનુભવે સમજાયુ કે આખા જાપાનમાં ગમે ત્યાં ટોઈલેટમાં જશો તો વાઈબ્રેશન તો અનુભવાશે.

દરેક કમોડ સાથે જાત-જાતના પાઈપનું ફિટિંગ, પાણી માટે અડધો ડઝન ચાંપ. પાણી ગરમ આવે, ઠંડું આવે, મિડિયમ આવે.. અલગ અગલ દિશાએથી આવે તેના માટે અલગ ચાંપ. ટોઈલેટનો અવાજ પસંદ ન હોય તો મ્યુઝિકનું બટન, દબાવો એટલે સંગીત વાગ્યા કરે. આપણે આખા દેશમાં સ્વચ્છતા મિશન આદર્યું છે એ મોટે ભાગે તો સૌચાલય આસપાસ જ કેન્દ્રિત થયેલું છે ને! કેમ કે બધા સમજે છે, કે સૌચલયની સગવડ અનિવાર્ય છે અને જાપાને તેમાં આધુનિકતા ભેળવી દીધી છે.

જાપાનના આ ટોઈલેટ જાપાની કંપની ‘ટોટો (toto)’એ તૈયાર કર્યા છે. આખા જાપાનમાં તેનું જ ચલણ છે. બીજી કંપનીઓ પણ હવે તો બનાવે છે, પણ આવા ટોઈલેટ જાપાન બહાર જોવા મળવા મુશ્કેલ છે. ભલે પશ્ચિમના કેટલાક દેશો જાપાનની આગળ હોય તો પણ જાપાન જેવા ટોઈલેટ ત્યાં વપરાતા નથી. આ જાપાની ટોઈલેટ ટેકનોલોજી વળી દેશદાશની ભાવનામાંથી આવી છે. આપણે તો કદાચ ચીનથી આવેલા સસ્તા સિરામિકના સાધનો-ટાઈલ્સ વાપરવાનો આનંદ લઈએ છીએ અને બંગલામાં ઈટાલિયન માર્બલ ફીટ કર્યા હોય તો એનું ગૌરવ અનુભવીએ છીએ.

1903માં જાપાનના સંશોધક કાઝુચિકા ઓકુરા યુરોપના પ્રવાસે ગયા હતા. એ વખતે જાપાન આજના જેવો આધુનિક ન હતો, તેના ટોઈલેટ પણ સાવ સાદા હતા. ઓકુરાએ યુરોપમાં આધુનિક ટોઈલેટ્સ જોયા. પરત આવીને 1914માં પ્રથમ વેસ્ટર્ન સ્ટાઈલનું ટોઈલેટ બનાવ્યું. તેની જરૃરિયાત જોઈને 1917માં ‘ટોયો ટોકી (ટોટો)’ નામની કંપની સ્થાપી. ધીમે ધીમે પોતાની જરૃર પ્રમાણે ટોઈલેટમાં સુધારા વધારા થયા. એ પછી ટેકનોલોજી વિકસાવાની શરૃઆત થઈ જે આજે ઘરઘરમાં રાજ કરે છે. 1980ના દાયકામાં તો જાપાનમાં એવા મતલબનું સ્લોગન પણ પ્રખ્યાત થયું હતુ કે આપણા પછવાડાની પણ બરાબર સફાઈ જરૃરી છે, જે આ ટેકનોલોજી આપી શકશે.

જાપાનમાં સરેરાશ ટોઈલેટ રૃમ પણ મોટો હોય છે. જો રેલવે કે કોઈ જાહેર જગ્યાનું ટોઈલેટ હોય તો બધી સૂચના જાપાની ઉપરાંત ચિત્ર સ્વરૃપે પણ રજૂ કરી હોય. કોઈને જાપાની ન આવડે તો ચિત્ર જોઈને સમજી શકે. ટ્રેનમાં તો વળી ટોઈલેટ વિસ્તાર ખાસ્સો મોટો અને મહિલા સાથે બાળકો, નાનું બાળ હોય તો તેને સુવડાવવા માટે અલગ સિટ પણ ખરી.
આ બુલેટ ટ્રેનનો ટોઈલેટ રૃમ છે, ખાસ્સો મોટો અને સુવિધાયુક્ત. એને ખોલ-બંધ કરવા માટે લાલ-લીલા કલરના બટન પણ છે.

ટોટોના ટોઈલેટ જ જાપાનમાં ધૂમ વેચાય છે. છેલ્લા 2015ના આંકડા પ્રમાણે 4 કરોડ ડમોડ વેચાયા હતા. 2017માં તો ટોટો કંપનીએ ટોઈલેટ વેચીને 33.8 અબજ યેનની કમાણી કરી હતી. હવે આવા ટોઈલેટ કેટલાક આધુનિક વિમાનોમાં અને લંડન-ન્યુયોર્ક જેવા શહેરોની અમુક આધુનિક હોટેલ્સમાં પણ જોવા મળે છે. ટોઈલેટ ટેકનોલોજી કેમ વિકસી તેનું ટોટોએ બનાવેલું મ્યુઝિયમ પણ જાપાનમાં છે. હવે ભારતમાં ટોટોના આ ટોઈલેટ મળે છે, કિંમત પચાસ હજારથી શરૃ થઈને આગળ જતી રહે છે.

જાપાની પ્રજા સ્વચ્છતાની અનહદ આગ્રહી છે. એટલે આવા ટોઈલેટ લોકપ્રિય પણ થયા છે. જાપાનમાં લોકો મોઢે માસ્ક બાંધીને ફરતાં હોય એવા દૃશ્યની કોઈ નવાઈ નથી. પોતે બિમાર હોય તો પણ માસ્ક બાંધે, પ્રદૂષિત હવા શ્વાસમાં જશે એ ડરે પણ માસ્ક બાંધે. જાપાની વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય એ માટે બહુ મહેનત કરવી પડે છે. પાસ થાય તો જ આગળ સારું શિક્ષણ મેળવી શકે. વળી પરીક્ષા વર્ષમાં એક જ વાર આવે, માટે તક ચૂકે તો બીજું આખુ વરસ ધૂણી ધખાવવી પડે. એટલે બાળકો બિમાર ન પડે એ માટે માસ્ક સતત બાંધી રાખે.

એમ તો જાપાનમાં ભારત જેવા નીચે બેસી શકાય એવા ટોઈલેટ છે, પણ બહુ ઓછા પ્રમાણમાં. હવે આ ટેકનોલોજી લોકોને માફક આવી ગઈ છે. જાપાનમાં સરેરાશ ટોઈલેટ રૃમ પણ મોટો હોય છે. જો રેલવે કે કોઈ જાહેર જગ્યાનું ટોઈલેટ હોય તો બધી સૂચના જાપાની ઉપરાંત ચિત્ર સ્વરૃપે પણ રજૂ કરી હોય. કોઈને જાપાની ન આવડે તો ચિત્ર જોઈને સમજી શકે. ટ્રેનમાં તો વળી ટોઈલેટ વિસ્તાર ખાસ્સો મોટો અને મહિલા સાથે બાળકો, નાનું બાળ હોય તો તેને સુવડાવવા માટે અલગ સિટ પણ ખરી.

ત્યાં સ્વચ્છતા માટે માત્ર આગ્રહ નથી, તેની ટેકનોલોજી પણ દેશના ચરણે ધરી દેવામાં આવી છે. આપણે ત્યાં તો એવો દંભ છે કે લોકો ટોઈલેટની કે તેના પ્રશ્નોની ચર્ચા ન કરે પણ ફિલ્મ-સિરિયલમાં ટોઈલેટ સબંધિત જોક-કોમેડી આવે તો તેની મજા અચૂક લે! પરંતુ જાપાન જવાનું થાય તો તેની ટોઈલેટ ટેકનોલોજીથી પ્રભાવિત થવાની તક ગુમાવવા જેવી નથી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *