આઠ દાયકા પહેલા સર જગદીશચંદ્ર બોઝ અવસાન પામ્યા છે, એટલે તેમની સાથે મુલાકાત થઈ ન શકે એ અફર વાત છે. પરંતુ કલકતામાં આવેલું ‘મધર્સ વેક્સ મ્યુઝિયમ’ બીજી રીતે ‘મુલાકાત’ની સગવડ કરી આપે છે.
ગઈ કાલે (16 ડિસેમ્બર) અને એ પહેલાના રવિવારે (9 ડિસેમ્બર) જગદીશચંદ્ર બોઝ વિશે બે ભાગમાં સમયાંતર લખ્યું. એ તો મહાવિજ્ઞાની હતા, એટલે લખીએ એટલું ઓછુ પડે. એ લખતી વખતે 2014ની કલકતાની મુલાકાત ઉપયોગી થઈ હતી.
2014ના નવેમ્બરમાં અમે કલકતામાં આમ-તેમ ફરતાં ફરતાં ‘મધર્સ વેક્સ મ્યુઝિયમ’માંપહોંચ્યા. ત્યારે હજુ એ સાવ નવું જ હતું, કેમ કે થોડા દિવસ પહેલા જ ખૂલ્લુંમુકાયું હતું. લંડનમાં આવેલા મેડમ તૂસ્સોના મ્યુઝિયમ વિશે બહુ લખાય છે અને ત્યાંનવાં નવાં મીણનાં પૂતળા ગોઠવાય છે. લંડન (કે મેડના મ્યુઝિયમ દુનિયાના બીજાશહેરોમાં છે, ત્યાં) જઈને જોવાય ત્યારે ખરું. પણ કલતામાં આવેલું આ મ્યુઝિયમ એવી મીણનાંપૂતળાંનીસફરની તક આપે છે.
આ સંગ્રહાલયમાં વીસેક જેટલા સેલિબ્રિટીના મીણનાં પૂતળાં મુકવામાં આવ્યા છે. ગાંગુલી, મેરેડોના, ટાગોરબાબુ.. એ બધા સાથે જગદીશચંદ્ર બોઝ પણ ઠાઠ પાથરીને બેઠા છે. ઠાઠ પાથરીને એટલા માટે કે બીજા બધાના તો સિંગલ પૂતળાં છે, પણ જગદીશચંદ્ર બોઝને પ્રયોગશાળાના ટેબલ પર બેસાડ્યા છે, પ્રયોગ કરતાં દર્શાવ્યા છે, પાછળ સંજ્ઞા-સૂત્રો રજૂ કરતું બોર્ડ પણ છે. જોકે ગાંગુલી ક્રિકેટ રમે છે, તો વળી મેરેડોના ફૂટબોલને કીક મારે એવી એક્શનમાં પૂતળાં રજૂ કરાયા છે. પણ જગદીશબાબુ જેવડો વિસ્તાર કોઈનો નથી.
બંગાળી મ્યુઝિયમ છે એટલે બંગાળના લોકો વધુ છે, તો પણ આપણને રસ પડે એવા ઘણા મહાનુભાવને ખડાં-બેઠાં કરી દેવાયા છે. જગદીશચંદ્ર બોઝમાં તો મને બહુ પહેલાથી રસ છે, પણ ત્યાં રસ વધારે એવું બીજું એક સરપ્રાઈઝ જોવા મળ્યું. સવાસો-દોઢસો વર્ષ પહેલા પ્રયોગો વખતે જગદીશચંદ્ર બોઝે જે સંસાધનો, ફોટોગ્રાફીક પ્લેટ્સ, વનસ્પતીના અવશેષો, પ્રયોગના સાધનો વગેરે અસલ અહીં રાખવામાં આવ્યા છે. બોઝના યુગમાં લઈ જવા માટે એ રોમાંચક પ્રદર્શન પૂરતું હતું.
એ મુલાકાત વખતે નક્કી કર્યું હતુ કે જ્યારે જગદીશબાબુ વિશે લખવાનું થાય એ વખતે આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવો. એટલે સમયાંતરના બીજા ભાગમાં જગદીશચંદ્રના પૂતળાંનો ફોટો મુક્યો છે. વધુ મજા એ વાતની આવી કે અહીં પૂતળાંની બાજુમાં બેસવા માટે ખુરશી પણ રાખવામાં આવી છે. જગદીશચંદ્ર બોઝની બાજુમાં બેસનારા વિજ્ઞાનીઓ તો એ વખતે કે આજે પણ પેદા થયા ન હતા, પરંતુ અહીં તેમના પૂતળાં પાસે બેસી શકાય એ કંઈ ઓછી મજા છે?
મીણનાં પૂતળાં કેમ બને અને કેમ ટકી રહે એ વિશે લેખ હર્ષ લખી ચૂક્યો છે. એ પણ મુલાકાતમાં સાથે હતો જ. જગદીશબાબુ વિશે અહીં વધુ લખવાનું નથી કેમ કે એ તો લેખમાં લખી નાખ્યું છે.