જાપાની કંપની સોફ્ટબેન્કે એક પેપર નામનો રોબોટ બનાવ્યો છે. સાડા-ત્રણ ફીટ ઊંચો રોબોટ નાના-મોટા ઘણા કામમાં આવે છે. આ રોબોટ સેમી-હ્યુમોનોઈડ એટલે કે અર્ધમાનવ જેવો છે. દરેક વ્યક્તિ સાથે એ વાત કરે અને તેના સવાલોના જવાબ આપે.
મેં પણ તેની સાથે વાત-ચીત કરી. જોકે તેને અંગ્રેજી સમજવામાં જરા મુશ્કેલી પડતી હતી. તો પણ કમર પર બન્ને હાથ રાખી વિચાર કરી આવડે એવો જવાબ આપતો હતો. ખાસ તો એ બધાને તેમની ઊંમર કેટલી છે એ કહેતો હતો. એટલે જ સૌ કોઈને રસ પડતો હતો. મારી સાથે વાત કરી, મારા હાથ તેના હાથમાં લીધા, આંખોમાં જોયું અને પછી કહ્યું કે તમે 15 વર્ષના છો!
મને સમજાયું કે શા માટે આ રોબોટ લોકપ્રિય છે, એ બધાની ઉંમર હેવી ડિસ્કાઉન્ટ કાપીને જણાવતો હતો. રોબોટિક્સ ભવિષ્ય છે અને મને અંગત રીતે પણ તેમાં રસ છે. એટલે આ અનુભવમાં બહુ મજા પડી. સોફ્ટબેન્કનો આ રોબોટ ખાસ્સો લોકપ્રિય બન્યો છે. યુરોપના ઘણા દેશોના દિલ આ રોબોટે જીતી લીધા છે. હમણાં તો બ્રિટનની પાર્લામેન્ટમાં પણ તેને ચર્ચા-સભા માટે બોલાવાયો હતો. ત્યાં કેટલાક સવાલ-જવાબ પણ રોબોટ સાથે થયા હતા.
અમેરિકાના જગવિખ્યાત (અને જગતના સૌથી મોટા) ‘સ્મિથસોનિયન સંગ્રહાલય’માં તો આ રોબોટ મુલાકાતીઓને વિનામૂલ્યે સેવા આપે છે. હવે આ રોબોટ માણસો જેવું વર્તન કરે તો પછી કેટલીક મુશ્કેલી પણ સર્જાય છે. જેમ કે જવાબ આપવામાં વાર લગાડે તો વળી કોઈકને એમ થાય કે આ રોબોટ તો મારી અવગણના કરે છે. એટલે પછી માથાકૂટ સર્જાય કે નહીં.
સર્જાયો છે. જાપાનમાં જ એક ભાઈ સોફ્ટબેન્કના સ્ટોરમા ગયા, ત્યારે ક્લાર્કની જવાબદારી ભજવતા રોબોટનું વર્તન એ ભાઈને પસંદ ન પડ્યું. માટે તેણે જાપાની સંસ્કાર પડતાં મુકીને એક પાટું રોબોટને મારી દીધું. પછી તો પોલીસ આવી અને તપાસ કરી તો ખબર પડી કે ભાઈ પીધેલાં હતા.
સોફ્ટબેન્કના કે બીજા કોઈપણના રોબોટનો ઉપયોગ વધશે એટલે આવા સંઘર્ષ પણ વધશે જ ને. એ બધુ ભવિષ્ય અનેક વિજ્ઞાનકથાઓમાં એટલે જ તો ભાખવામાં આવ્યું છે. ‘રોબોટ’ શબ્દ પહેલી વખત ચેકોસ્લોવેકિયાના નાટ્યકાર કારેલ ચેપેકે 1921માં પોતાના નાટકમાં વાપર્યો હતો. એ નાટકનું નામ ‘રોસમ્સ યુનિવર્સલ રોબોટ’ એવુ હતું. આજે રોબોટિક્સથી જે ભય ઉભો થયો છે, એ સદી પહેલા લખાયેલા નાટકમાં રજૂ કરી દેવાયો હતો. કેમ કે નાટકની કથા એવી હતી કે એક કારખાનેદાર પોતાને ત્યાં રોબોટને કામે રાખે અને છેલ્લે એ જ રોબોટ કારખાના પર રાજ કરતાં થઈ જાય! વિજ્ઞાનીઓ હવે તો રોબોટ ટેકનોલોજીમાં એટલા આગળ નીકળ્યા છે કે રોબોટ અડધો મનુષ્ય હોય એ રીતે જ કામ કરતાં થયા છે. સાથે આધુનિક તો છે જ!
રોબોટિક્સનો વધતો પ્રભાવ એ દુનિયા માટે મોટી ચિંતા છે. દુનિયાની ચિંતા છે એટલે અમે એ દુનિયાના ભરોસે જ છોડીને રોબોટની રજા લઈને અમે આગળ વધ્યાં.
અમે ચાલ્યા જતાં હતાં, બન્ને તરફ વિવિધ પ્રકારની શોપ આવતી જતી હતી. રસ પડે એ દુકાનમાં થોડો સમય રોકાઈને વળી આગળ ચાલતાં હતા. એક દુકાન બહાર એક યુવાન ગોઠણભેર બેઠો હતો, માથે કફન બાંધ્યુ હોય એવું કપડું વીંટ્યુ હતુ, દુકાન બહાર તેની નાની દુકાન હોય એમ સામાન ગોઠવાયેલો હતો અને ફરતે લોખંડની સાંકળથી સરહદ બાંધેલી હતી. કેમ કે એ ભાઈ સમુરાઈ તલવાર રિપેરિંગ કરતો હતો, સજાવતો હતો. ભૂલે-ચૂકે કોઈ તલવારને અડે કે પછી સળી કરે તો ગરબડ થાય.
એટલા માટે એ ભાઈના વિસ્તારને લક્ષ્મણ રેખાથી અંકિત કરી દેવાયો હતો. વર્ષો પહેલા ‘સફારી’માં પહેલી વાર સમુરાઈ તલવાર વિશે વાંચ્યુ હતુ, ત્યારથી તેના વિશે જાણકારી મળી હતી અને ખાસ તો એ તલવારનો બહુ પ્રભાવ પડ્યો હતો. હવે કંઈ તલવારથી યુદ્ધ લડાતા નથી, તો પણ તેનું મહત્ત્વ ઓછું નથી થયું. એ દુકાન સમુરાઈ તલવાર અને એવા બીજા જાપાની હથિયારો વેચતી હતી. આપણે ત્યાં પણ ચોટીલા કે સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ આવા હથિયારો વેચતી દુકાનો જોવા મળે જ છે ને!
સમુરાઈ યુગમાંથી બહાર નીકળી અમે આગળ વધ્યા. એક સ્થળે એક બે-ત્રણ યુવતીઓ ગ્રાહકોને કંઈક સમજાવી રહી હતી. બધાને રસ યુવતી કરતાં તેની બાજુમાં ખભા સુધીના ઊંચા ટેબલ પર બેઠેલા સાથીદારમાં હતો. કેમ કે એ સાથીદાર હકીકતે એક ઘૂવડ હતું. અકીકોએ સમજાવ્યું કે આ પ્રાઈવેટ ઘૂવડ ઝૂ જેવી નાનકડી દુકાન છે. દુકાન ઉપર છે, જ્યાં ઘૂવડ અને બીજા થોડા પક્ષી-પ્રાણી રાખ્યા છે. અહીં બહાર તો આ યુવતી ડેમોસ્ટ્રેશન માટે ઉભી છે. ગ્રાહકોને રસ પડે તો પછી યુવતીની પાછળ રહેલી સાંકડી અને અંઘકારભરી સીડી ચડીને ઉપર જવાનું, જ્યાં જંગલ તમારી રાહ જોતું હોય છે. અલબત્ત, એ પહેલા ટિકિટ લઈ લેવાની.
જાપાનમાં આ રીતે પશુ-પક્ષીનું પ્રદર્શન કરવાની છૂટ છે. મને એ જોવામાં ખાસ રસ ન હતો. પરંતુ મારી સાથે રહેલા પત્રકાર બહેન મુંબઈથી હતા. એમને ગ્રામ્ય જીવન સાથે કશો નાતો હતો નહીં. માટે નિશાચર પક્ષીની દુનિયામાં રસ પડે એ સ્વાભાવિક હતું. એટલે પછી બધા અંદર ગયા. ઘૂવડ સહિતના ઘણા પક્ષી તો ખુલ્લાં વિવિધ ડાળી-ડાળખા-સ્ટેન્ડ પર બેઠા હતા. ઉંદરના ઓસ્ટ્રેલિયાઈ ભાઈ ઓપસમ સહિતના બીજા પ્રાણી પણ હતા અને પાંજરામાં બંધ કરી રખાયા હતા. ભીડભાડ વાળી જગ્યામાં બધાએ ઘૂવડ સાથે ફોટા પડાવ્યા અને પછી બહાર નીકળ્યા.
જાપાનમાં આવા ઘણા આઉલ કાફે છે, જયાં કોફી મળે અને ઘૂવડ તમારી બાજુમાં બેઠું હોય. ખાસ પ્રકારના નાના સુંદર દેખાતા ઉંદર પણ રમતા હોય, બાજુમાં બેસીને યુવક-યુવતી પ્રેમ-ગેમ રમતાં હોય એવા પણ ઘણા કાફે જોવા મળ્યા. એ જાપાની પ્રજાનો જરા અલગ પ્રકારનો શોખ છે.