એક શિયાળા(નો દિવસ) નલિયામાં…

નલિયા કચ્છનું નાનકડું તાલુકા મથક છે. દર વર્ષે શિયાળામાં તેનું તાપમાન નીચે જતું જાય એમ નલિયા નગરની પ્રસિદ્ધિ વધતી જાય. એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતુ કચ્છના આથમણા ભાગમાં આવેલુ છે. નલિયા વિશે મને બહુ પહેલેથી જિજ્ઞાસા થતી હતી. એટલે થોડા વર્ષ પહેલા એક શિયાળામાં ઓછામાં ઓછા 24 કલાક શિયાળામાં પસાર કરવાનું નક્કી કરી ત્યાં પહોંચી ગયો. એ પછીના 24 કલાકની વાત અહીં રજૂ કરી છે.

તાપણુ નલિયાની સંસ્કૃતિમાં વણાયેલું છે. 

વહેલી પરોઢના ૬

સૂરજ ઊગવાને તો હજુ ઘણી વાર છે. પણ કેટલાક ધંધાર્થીઓને કારણે બજારમાં હળવી હળવી ચહલ પહલ શરૃ થઈ છે. કોઈક દુકાનોના શટર-જોડિયા કમાડ ખુલી રહ્યાં છે. દુકાનદારો દુકાન ખોલીને ભગવાનને તો યાદ કરે જ છે, પણ એ પહેલા બહાર તાપણુ કરવાનું નથી ભુલતા. નાનાં-મોટા તાપણા નલિયાની બજારોને પ્રજ્વલિત કરવાનું શરૃ કરે છે. વહેલી સવારે ઉપડતી બસના એન્જીનો ગરમ થાય એટલા માટે ઉપડવાના સમય કરતાં અડધો કલાક વહેલી ચાલુ કરી દેવામાં આવે છે. પ્રાઈમસ પર ઉકળતી ચાની મહેક વાતાવરણમાં ગરમાટો ફેલાવી રહી છે. નલિયાની સવારની એ રીતે શરૃઆત થાય છે. વખત પસાર થતો જાય છે, અજવાળું વધતુ જાય છે, બંધ દુકાનો ખુલતી જાય છે, નિરવ અને નિર્જન હતી એવી શેરીઓમાં સળવળાટ શરૃ થાય છે. અત્યાર સુધી ખુણે ખાંચરે છુપાઈને બેસેલા ગાય-કુતરાં જેવા પ્રાણીઓ પણ હવે હર-ફર કરી રહ્યાં છે.

નલિયા નગર

સવારના ૯

દિવસ ઉગી ગયો હોવાથી હવે તાપણાના વિકલ્પ તરીકે સુર્યપ્રકાશમળી રહ્યો છે. અલબત્ત, તો પણતાપણાઓ તો ચાલુ જ છે, પણસવારમાં હતા એટલા નથી. કેટલાક તાપણાઓએ આગ ઓકવાનુ બંધ કરીને માત્ર ‘દેવતાઈ’ ગરમીઆપવાનું ચાલુ રાખ્યુ છે. તાપણા આસપાસ ટોળાં ઓછા થયા છે, પણ આવતા જતાં લોકો જરૃર પડયે તાપણાનો લાભ લેતા જાય છે. જેદુકાનો આજનો દિવસ બંધ રહેવાની છે અથવા તો કાયમી ધોરણે બંધ છે એ સિવાયની બધી ખુલીગઈ છે. બસ સ્ટેશનમાં એકલ-દોકલને બદલે પાંચ-સાત બસોની હાજરી દેખાય છે. વહેલી સવારેખંડેર જેવા લાગતા બસ સ્ટેશનમાં હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એમ એમાં થોડો જીવ આવ્યોછે. ખાલી શેરીઓના કાંઠે લારીઓ ગોઠવાઈ ગઈ છે. ઠંડી સવાર કરતાં થોડી ઓછી હોવાથી હવેહાથ ખીસ્સાની બહાર રાખી શકાય એટલી ઠંડીદેવીની કૃપા ગણવી રહી.

નલિયાનું તળાવ ભલે બહુ પ્રખ્યાત ન હોય, પણ ત્યાં પક્ષીઓનું વૈવિધ્ય જોવા મળે છે.

બપોરના ૧૨

જો કોઈ બીજુ ગામ કે શહેર હોય તો આ સમયે કદાચ થોડી-ઘણી ગરમીનો અહેસાસ થઈ શકે છે. પણ આ તો નલિયા છે. અહીં ગરમીને કોઈ સ્થાન જ નથી. તાપમાન ભલે પ્રગતિ કરી રહ્યું હોય, પણ આ શહેર ગુજરાતનું ઠંડી સ્પેશિયાલિસ્ટ શહેર હોય એવો અહેસાસ તો બપોરના બાર વાગ્યે પણ થયા વગર રહેતો નથી. રાહત એટલી ખરી કે હવે સૂરજદેવ ફૂલ ફોર્મમાં હોવાથી આખા ગામ પર ઠંડી સામે રક્ષણ આપતા કિરણો વરસાવતા રહે છે. મોટા ભાગનું નગર પોતપોતાના કામે લાગી ગયુ છે. ચાની લારીઓ પર ભીડ હતી એ વિખરાઈ ગઈ છે. હવે ડાઈનિંગ હોલ અને નાની-મોટી રેસ્ટોરાંઓ છે, ત્યાં તેજી આવે છે.

નલિયા જેવા શહેરમાં,  ચોખંડી બજાર, 
વચમાં આવી માંડવી, સામે છે દરબાર!

એવી પંક્તિ કોઈ કવિએ નલિયા માટે લખી છે. એ ચોખંડી બજાર અને અન્ય સ્થળો કેવાં છે એ ખબર પડવા માંડે છે. ઠંડી ઉપરાંત ગામની બીજી એક ઓળખ હવે ખબર પડે છેઃ માવાના પેંડા! મંગારા (ચુલા) પર મોટા તાવડાઓ માંડી પેંડાને ઘાટ આપતા કંદોઈને પૂછતાં ખબર પડે કે આ ગામથી તો પેંડા પરદેશમાં પણ મોકલાય છે, વાહ વાહ! દરમિયાન સમય પસાર થાય એટલે સ્કૂલે ગયેલા બાળકો ઘર તરફ આવતા દેખાય છે. એ સિવાયની બજારો શ્વાસ ખાવા બેઠી હોય એમ શાંત છે.

નલિયાનો ટ્રાફીક અને નલિયા આસપાસની સફર

બપોરના ૩

ચાની લારીઓ-દુકાનો ફરી ડિમાન્ડમાં આવે છે. બપોર સુધી ચડાવેલા સ્વેટર-કોટ-ટોપી-મફલર કાઢી નાખ્યા પછી આપણા જ સાથીદારો આપણને જરા અલગ દેખાવના લાગે છે. બજારો તાપમાનના પારાની જેમ ઠંડી પડી ગઈ છે. અલબત્ત, એ સ્થિતિ લાંબો સમય ચાલી શકતી નથી. સાંજ થવાને જાજી વાર નહીં લાગે. જેમ જેમ ભગવાન ભાણ આથમણી દિશામાં પ્રયાણ કરશે એમ ઠંડી અને માર્કેટ બન્નેમાં તેજી આવશે. નલિયા અબડાસા તાલુકાનું મુખ્ય મથક હોવાથી આસપાસના અનેક ગામોનું હટાણુ (ખરીદી) અહીં થાય છે. ગામવાસીઓ માટે નલિયા શહેર છે. શહેરીઓ માટે ગામ છે. પણ વ્યાખ્યા પ્રમાણે એ નગર છે. એ રીતે નલિયા ગામ-નગર-શહેર એમ ત્રણેય રોલ કરી જાણે છે.

નલિયામાં પ્રવેશતા જ અબડા અભડંગ નામના યોદ્ધાનું બાવલું દેખાય છે. એના નામે જ આ તાલુકો અબડાસા તરીકે ઓળખાય છે. જોકે અબડાસા નામ માત્ર તાલુકાનું છે, એ નામનું શહેર કે કોઈ ગામ નથી. આવો વિક્રમ ધરાવતો અબડાસા ગુજરાતનો એકમાત્ર તાલુકો છે! જમીન ઉપરાંત ગામના આકાશમાં સતત ધમધમાટી બોલતી રહે છે. એ ધમધમાટી છે એરફોર્સના વિમાનોની. નલિયા પાસે જ એરફોર્સનું મથક છે. ત્યાંથી મિગ સહિતના વિમાનો સતત ઊડતાં રહે છે. તેનો ઘરરર ઘરરર અવાજ આખા ગામને સતત સંભળાતો રહે છે.

નલિયાથી જખૌ જતા રસ્તામાં પવનચક્કીનું આખુ વન આવે છે.

સંધ્યા સમયે ૬  

‘અભી હમ જીંદા હૈ.. ‘ એવો ડાઈલોગ બોલતી હોય એમ ટાઢ ફરીથી સમગ્ર વસાહત પર સવાર થઈ જાય છે. ભુજથી સોએક કિલોમીટર પશ્ચિમે આવેલા નલિયામાં વહેલી સાજં પડી ચુકી છે, એવુ પણ લાગે. ખરીદીને કારણે ભીડ-ભાડવાળી બજારમાં આખા કચ્છમાં બોલાતી કચ્છી ભાષાનો કોલાહલ થતો રહે છે. આખો દિવસ ફર્યા પછી ગામના જુનવાણી બાંધકામના મકાનો ધ્યાને ચડયા વગર રહેતા નથી. મકાન નવું બને તો પણ પરંપરાગત રીતે અહીંના લોકો જોડીયા કમાડ (બે નાના દરવાજા મળીને એક દરવાજો બને એ) પર વધારે પસંદગી ઉતારે છે. તળાવમાં પક્ષીનું અભયારણ્ય ધરાવતુ નલિયા કેટલાક વિદેશી પક્ષીઓને પણ પોતાના મહેમાન બનાવે છે. સાંજ પડયે ફરવા જવા માટે સરોવરનો કાંઠો ઉત્તમ સ્થળ છે.

નલિયાનું હવામાન કેન્દ્ર જ્યાં તાપમાનની નોંધ રહે છે. નલિયાના ઈતિહાસમાં નોંધાયેલુ સૌથી ઓછુ તાપમાન 0.6 ડીગ્રી છે.

રાતના ૯

દિવસે શરીર પરથી થોડા-ઘણા ગરમ વસ્ત્રો ઓછા કર્યા હોય એ હવે ફરી ધારણ કરી લેવા પડે છે. ગામવાસીઓ ઠંડીથી ટેવાયેલા છે, એટલે એમને ખાસ વાંધો આવતો નથી. પણ કોઈ મારા જેવો કોઈ પ્રવાસી નલિયામાં આવે તો આ દિવસોમાં તેણે શરીર પર ઊનના બે-ત્રણ થર લગાવવા અનિવાર્ય છે. સવારે ઠરેલા તાપણાઓ ફરીથી પ્રજ્વલિત થાય છે, તાપણાઓ ફરતે કૂંડાળાઓ મંડાય છે, દુકાનો વધાવી લેવાય છે, અનિવાર્ય હોય એ સિવાયની બધી જ ચાલ-ચલગત હવે બંધ થાય છે. અમદાવાદ-રાજકોટ-સુરત જેવા શહેરોની નાઈટ લાઈફ શરૃ થતી હોય એવા ટાણે આ ગામ સુષુપ્તાવસ્થમાં સરવાનું શરૃ કરે છે.

આવો, જરા ગરમી લેતા જાઓ..

 મધરાતે ૧૨ વાગ્યે

ગાય-કુતરાં ફરીથી પોતપોતાના આશ્રયસ્થાનોમાં ભરાઈ ગયા છે. કામ ન હોય એવા કોઈ લોકો ઘરની બહાર નીકળતા નથી. ઘર બહાર નીકળે તો હાથ ખીસ્સામાંથી કાઢતા નથી. ખાવા-પીવાનું હવે કશું મળી શકે એમ નથી. સરકારી દવાખાના જેવા થોડા ઘણા સ્થળોએ થોડીક, સાવ થોડીક હલચલ થાય છે. ચાલુ હાલતમાં હોય એ સ્ટ્રીલ લાઈટો સિવાય આખુ ગામ જાણે બંધ છે.

મધરાતના ૩

અહીં જ દિવસે નલિયા વસતુ હતું? એવો સવાલ અડધી રાતે નલિયામાં નીકળ્યા પછી થઈ શકે. દિવસે ધમધમતુ નગર અત્યારે ખરા અર્થમાં શીતનિંદ્રામાં પોઢી રહ્યુ છે. દૂર સીમમાં લાળી કરતા શિયાળીયાઓનો ક્યારેક અવાજ આવે છે. ગામને અડીને નીકળતા હાઈવે પર નીકળતા ટ્રકનો થોડો-ઘણો અવાજ પણ ક્યારેક સંભળાઈ જાય છે. એ સિવાય તો બ્રહ્માંડમાં બે તારાઓ વચ્ચે હોય એવો ખાલીપો અહીં છે. સમયઃ સવારના ૬ દિવસ નવો શરૃ થાય છે, પણ નલિયા તો હતુ એવુ જ ઠંડું છે.

શિયાળામાં બોર તો સર્વત્ર થાય એ માટે કાંટાની તૈયારી રાખવી પડે.

* * *

નલિયાનું તાપમાન અસાધારણ હદે નીચુ જવા માટે ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનો જવાબદાર છે. અફઘાનિસ્તાનના હિમાચ્છાદિત શિખરો પર થઈને આવતા ઠંડાગાર પવનો ગુજરાતમાં વાયા કચ્છ થઈને પ્રવેશ મેળવે છે. જમીનથી પાંચથી સાત કિલોમીટર ઊપર થઈને પસાર થતાં એ પવનો જમીની ભાગને ઠંડો કર્યા વગર રહેતા નથી. એ પવનના રસ્તામાં આવતાં મહત્ત્વના સ્થળોમાં એક નલિયા છે અને વળી નલિયામાં હવામાન કચેરી છે. પરિણામે અહીંના હવામાન પર સતત નજર રહે છે. એટલે જ ઠંડી મર્યાદા ચૂકે એ સાથે જ નલિયા સમાચારોમા ચમકતુ થાય છે. એ જ પવનોના રસ્તામાં લખપત, દયાપર, કોટેશ્વર સહિત કેટલાક સ્થળો આવે છે. પણ તેમાંથી કેટલાંક સ્થળો દરિયાથી નજીક છે, એટલે તાપમાન બહુ નીચુ જતું નથી. તો બીજા નાના સેન્ટરોમાં તાપમાન માપવાની કોઈ સુવિધા નથી એટલે ત્યાંનું તાપમાન કેટલુ એ જાણી શકાતું નથી.

૨૦૧૨માં નલિયામાં સૌથી ઓછુ તાપમાન ૧ જાન્યુઆરીએ ૩.૨ ડિગ્રી નોંધાયુ હતું. એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ આસપાસનું હતું! ૧૯૬૪ની ૧૧મી ડિસેમ્બરે નલિયામાં નોંધાયેલું ૦.૬ ડિગ્રીનું તાપમાન નલિયાના ઈતિહાસમાં નોંધાયેલું સૌથી ઓછુ તાપમાન છે. એ પછી જાન્યુઆરી-૨૦૧૧માં ૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ તાપમાન જ્યાં થર્મોમિટર રખાયુ હોય એ સ્થળનું જ હોય છે. મતલબ કે તેનાથી એક ફીટ દૂર બીજું થર્મોમીટર ગોઠવાય તો તેના તાપમાનનો આંકડો અલગ આવી શકે. વેધશાળાના તાપમાનના આધારે આજુ-બાજુના ગામ-વિસ્તારનું તાપમાન નક્કી થતું હોય છે. તેને જ હવામાન સંસ્થા માન્ય ગણે છે, માટે એ તાપમાન જ નલિયાનું કે જે ગામ-શહેર હોય તેનું તાપમાન ગણવુ રહ્યું.

નલિયા વર્ષોથી ગુજરાતના ઠંડા ગામ તરીકે જાણીતું છે પણ અહિંના લોકોને ઠંડીથી ખાસ ફરક પડતો નથી. અહીં પ્રવાસીઓ કંઈ આવતા નથી, કેમ કે પ્રવાસન જેવુ કંઈ છે નહીં. એ તો મારા જેવા કોઈકને ઠંડીનો અનુભવ લેવાનો શોખ થાય તો અહીં ધક્કો ખાય.

(ધૂરંધર વિજ્ઞાનકથા લેખક જૂલ્સ વર્નની એક વાર્તાનો અનુવાદ મૂળશંકર ભટ્ટે ‘એક શિયાળો બરફમાં’ નામે કર્યો છે. આ હેડિંગ તેનાથી પ્રેરિત છે)

waeaknzw

Gujarati Travel writer.

One thought on “એક શિયાળા(નો દિવસ) નલિયામાં…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *