રખડે એ રાજા વિશે મયૂરે તેની આગવી શૈલીમાં લખ્યું છે, મને મયૂરનું લખાણ કાયમ ગમે છે કેમ કે પુસ્તક વાંચવાની તેની ઝડપ ગજબની છે. રાતોરાત વાંચીને લખી શકે છે. આ તેનું લખાણ યથાવત રીતે અહીં મુક્યુ છે.
મુસાફરી એક નિશાળ છે, અને મુસાફર એક નિશાળિયા મિસાલ છે. પૃથ્વીના પ્રવાસીને પોતાની સફર દરમ્યાન એટલું બધું શીખવાનું મળે છે, એને તે એવું મનોરોજક હોય છે કે પોતાનું દુ:ખ ભૂલી જાય છે, અને પોતાના એ મધુરસ કામમાં વધારે અને વધારે આઘળ વધતો અને નવું નવું શીખવાની હોંશ કરતો રહે છે. જયારે હું મારે પહેલે પ્રવાસે નીકળ્યો ત્યારે હું દુ:ખી હતો. માતાપિતાના વિયોગથી મારું મન ઊચટ હતું, પણ પ્રવાસથી મને દુનિયાના કારોબારનું એટલું જ્ઞાન થયું, અને સાથે દેશપરદેશનાં શહેરો જોવાનું અને દેખાવો અનુભવવાનું એટલું બધું મળ્યું કે મારું દુ:ખ કેટલેક દરજ્જે ભૂલી જ ગયો, અને દુનિયામાં અવતર્યા તો સુખની જોડે દુ:ખ જોડાયેલું હોય છે જ, એવું જ્ઞાન થવાથી મારું મન હળવું થયું અને બીજો પ્રવાસ કરવાનું મને સૂઝ પડ્યું.
આ પુસ્તકના પ્રસ્તાવનાકારે પણ આવું જ લખેલું અને હું પણ આવું જ લખું છું. ઉપરનું લખાણ મારું નથી. એના લેખક છે હાજી સુલેમાન શાહ મહમ્મદ. 1886માં સૌથી પહેલો પ્રવાસ કરેલો. અને આ પ્રસ્તાવના લખેલી ચંદ્રવદન ચી મહેતાએ. રષિક ઝવેરીની અલગારી રખડ્ડપટ્ટી બુકમાં.
આપણે ત્યાં પ્રવાસવર્ણનો ખૂબ ઓછા ખેડાઇ છે કારણ કે પૈસાનું પાણી કરી પુસ્તક છપાવવાનું રહે. એ કોણ કરે ? મોટાભાગનું સાહિત્ય ઘરની ચાર દિવાલો વચ્ચે અકબંધ થઇ સર્જાતું હોય છે, પણ પ્રવાસગ્રંથ જગતની ચાર દિવાલ વચ્ચે સર્જાય છે. અશ્વિની ભટ્ટના કારણે નવલકથાકારો રૂમના બારણા તોડી બહાર નીકળ્યા. પણ અનુભવ વિશ્વ તો સંઘાયનું નોંખું હોય મારા ભાઇ !! ઘણા નથી ગેંડાને હિપ્પોપોટેમસ કહી નાખતા !
અગાઉ બ્રેવહાર્ટ અને જેમ્સ બોન્ડ જેવા બે પુસ્તક લેખક લખી ચૂક્યા છે. જેના પેજ ઓછા હતા, પણ અહીં પ્રસ્તાવના સાથે ગણો તો 198 જેટલા પેજ સાથે લેખક ત્રાટક્યા છે. વિનોદ ભટ્ટની આજ્ઞાનું પાલન કરી પોતાનું નામ ઉપરના સ્થાન પર લખાવ્યું છે કારણ કે લેખક છે તો પુસ્તક છે. હળવાફુલ જેવા સાહિત્યના શબ્દોનો ઉપયોગ કર્યો છે. કોઇ દેશનો કે રાજ્યનો પ્રવાસ પૂર્ણ થાય એટલે આવતી તસવીરો. ત્યાં આવું છે ? આવું બોલાઇ જાય તેવું પ્રવાસવર્ણન. હવે તમારી આંખો વધારે ન ફાડતા પુસ્તકમાં પ્રવેશ કરીએ.
આ પુસ્તકની શરૂઆત થાય છે વીઝાથી. કોઇ દેશની બહાર જવું હોય એટલે વિઝાની મથામણ કરવી પડે. લેખક પણ અહીં એ માથા ફોડ કરતા વંચાશે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટ્રીપ કરવા માટે તેઓ એકધારા ફોર્મ ઉપર ફોર્મ ભરતા હોય છે. ત્યાંથી શરૂ થયેલી આ યાત્રા પૂર્ણ જ ન થાય તેવું થયા કરે છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં લેખકની હાજરી ગમી જાય છે. મૂળ તો પ્રવાસવર્ણન એટલે વાંચવા પસંદ હોય કે ત્યાં ‘હું’ ‘અમે’ ‘મને’ જેવા ત્રણ શબ્દોથી વિવેચકો સહિતના વાચકોને આભડછેટ નથી હોતી. ત્યાં તમે ખુલ્લા દિલે મનફાવે તેમ મુકી શકો છો, જેથી લેખક ગાઇડ બની પુસ્તકનો રસાસ્વાદ કરતો દેખાઇ આવે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી અંદર પ્રવેશો એટલે લેખક કોઇ સાહિત્યકાર નહીં પણ પત્રકાર હોય તેવું સ્પષ્ટ જણાઇ આવશે. કારણ કે તેમણે ઝીણું કાતીને એક એક ગલી, મહોલ્લાનું વર્ણન કર્યું છે. ત્યાંની ખાણી પીણીથી લઇને પંદર દિવસે આદિવાસી સ્ત્રીઓ અંબોડો ઓળે તેનું પણ.
લલિત ખંભાયતા દર ત્રણ ફકરાની વચ્ચે હાસ્યની ફુલઝડી વરસાવશે. આમ તો આ તેમનો વિષય નથી પણ કોઇ કોઇ જગ્યાએ જેમ ડુંગળીમાં લીબું છાંટવું પડે તેમ લેખક પણ હાસ્યનું લીબું છાંટતા રહે છે. એક જગ્યાએ તો ફોટા પાડવા ગયેલા એક ભાઇનો આઇફોન પડી જાય ત્યારે શું થાય તેની રમૂજ સરસ છે. તો વાક્ય પૂર્ણ થાય અને લેખક કાઉસમાં કટાક્ષ કરે તે અત્યાર સુધીના પ્રવાસ પુસ્તકોમાં નથી જોવા મળ્યું.
દરેક શહેરમાં લેખકે પોતાના વતનની યાદોને જીવતી રાખી છે. એ કેપટાઉનને દિવ-જૂનાગઢ ભેગા કરી સરખાવે છે. એટલે તમને પુસ્તક વાંચતી વખતે કલ્પના કરવામાં હેરાનગતિ ન પડે. એક રીતનું અનુસંધાન અને ઋણાનુબંધ જેવું થાય. તો લેખકના ગામના લોકોનું દુબઇ પ્રત્યે આકર્ષણ. અને મારા ગામ બિલખાનો પણ ઉલ્લેખ કરાયો છે.
વધુ એક ઉદાહરણ જોઇએ તો કેપટાઉનની ઓલ્ડ બિસ્કીટ મીલને લેખકે અમદાવાદના માણેક ચોક સાથે સરખાવી છે. જોકે લેખક પોતે રખડવા કરતા ખાવાના વધારે શોખીન છે એટલે જગ્યાઓમાં પોતાની કલ્પનાનું અનુભવવિશ્વ રમાડી લે છે.
આ છે તો એક જ લેખકનું પુસ્તક, પણ તેમાં વારેઘડીએ કેટલાક ગમતાં લેખકોનો ઉલ્લેખ આવે એટલે મઝા આવી જાય. 13 અને 73માં પાને ધૈવત ત્રિવેદીનો કેમિયો રોલ છે, જેમાં તેમની વિસ્મય કૉલમ અને 64-સમરહિલ નવલકથાની વાત આવશે. વિદેશપ્રવાસમાં કાનજી ભુટ્ટા બારોટ અને દિવાળી બેન ભીલને પણ લેખકે વીઝા અપાવ્યા છે, તારક મહેતાનું પુસ્તક જાન જોડી આફ્રિકામાં અને ત્યાંના પ્રાણીઓ કેવા દેખાઇ છે તેનું નક્શીકામ કર્યું છે, અંગ્રેજી લેખકોમાં જ્યોર્જ ઓરવેલ અને રસ્કિન બોન્ડને પણ નથી છોડ્યા. અહીં રસ્કિન બોન્ડને ક્યારે મળી શકાય તેનો સમય પણ લખેલો છે. એટલે દહેરાદૂનની પહાડીઓના પ્રવાસે જાઓ તો પુસ્તકમાં જે સમય લખેલો છે તેને વાંચીને જજો, તો રસ્કિન બોન્ડનો ઓટોગ્રાફ અને તેમની સાથે સેલ્ફી ક્લિક કરવાનો પણ લ્હાવો મળી જાશે. આફ્રિકાના પ્રવાસ વિશે ચંદ્રકાંત બક્ષી અને મહાત્મા ગાંધી તો હોય જ. બક્ષીબાબુએ પણ આફ્રિકાના પ્રવાસ વિશે એક પુસ્તક લખ્યું છે, જેનું ચોપડીમાં પણ સ્થાન છે.
લેખકની શબ્દને યોગ્ય જગ્યાએ ગોઠવવાની કળાને બિરદાવવી પડે. એક જગ્યાએ તેમણે ઘોડો પલાંગીને બેસવાની વાત કરી છે. મોટાભાગે સૌરાષ્ટ્રમાં જે સ્ત્રીઓ એ સાડી પહેરી હોય, તે આવી રીતે બેસે તેવું મેં જોયું છે. પણ અહીં તે અલગ સેન્સમાં વપરાયું છે. આખી ટોળી લઇ તમે રખડવા જાઓ અને આવડા મોટા દેશની આવડી મોટી જગ્યા જોવા બાઘાની જેમ બધા ભાગવા માંડો તો તમે ક્યા શબ્દનો ઉપયોગ કરો ? લેખકે અહીં તગારામાં વીંછી હોય તેમ આંટા મારવાનું વાક્ય બેસાડ્યું છે.
એક પ્રકરણમાં જે સ્થળનું વર્ણન કર્યું છે તે પ્રવાસન કરતા નવલકથામાં વધારે ખપી જાય છે. પેટા પ્રકરણનું નામ છે ‘ઘર ભેગા વાયા કાઉબોય.’ આ પ્રકરણ વાંચતી વખતે યુવા સાહિત્યકારોએ સ્થળ પર જઇ કેમ નવલકથા લખવી તેનો આ પ્રવાસનગ્રંથમાંથી નમૂનો મળી જશે.
કોઇ કોઇ જગ્યાએ ફિલ્મોનો પણ ઉલ્લેખ આવે છે. મનોજ બાજપાઇના ઘરે રોકાણ કરવાનો લ્હાવો કોને મળે ? પણ બિહાર પ્રવાસમાં લેખકની વધારે હાજરી વર્તાતી નથી. આફ્રિકાના પ્રવાસમાં જે મઝા આવે ત્યાં બિહારમાં લેખક ત્યાંની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે ત્યાંની સમાજવ્યવસ્થાનું વધારે વર્ણન કરે છે. જોકે તે માહિતી પણ મેળવ્યા જેવી છે.
આ બિહાર પ્રવાસ પરથી જ યાદ આવી ગયું કે લેખકનું નામ લલિત છે. છતા તેમને શિલ્પ અને ચિત્રની કળામાં બિલ્કુલ રસ નથી. અહીં લેખકે ખુદને ખુલ્લા મુકી દીધા છે. જેમાંથી અનુકરણ કરવા જેવી વસ્તુ એ છે કે કોઇ વસ્તુ નથી આવડતી, ખબર નથી પડતી, તો ના પાડી દેવાની. લેખક પણ સ્વીકારે છે કે આ વિષયમાં મારો અભ્યાસ નથી. એટલે ખોટી ડંફાસ નથી મારતા. જે અંગત રીતે ગમ્યું છે.
રાજસ્થાનના પ્રવાસને હું વધારે સાંકળી શક્યો. કારણ કે તે પ્રવાસ મને કોલેજની સંસ્થા દ્રારા પરાણે કરાવેલો. એક રીતે તો કોલેજ પણ નહોતી ઇચ્છતી કે કોઇ અસામાજીક તત્વને સાથે લઇ જઇએ. પણ ફરજીયાત હોવાથી પ્રવાસ કર્યો અને આ પુસ્તકમાં પણ તે જ જગ્યાનું વર્ણન છે એટલે જૂની યાદો તાજી થઇ ગઇ. તમે પણ આ પુસ્તકમાં લખેલા શહેરો અને વિદેશનો પ્રવાસ કર્યો હશે તો તેને સાંકળી શકશો.
લલિત ખંભાયતા હોય એટલે કેટલાક રહસ્યો પણ હોવાના. પુસ્તકમાં લેખક બે રહસ્યોને ઉજાગર કરતા નજરે પડશે. એક લેખકના રૂમની બહાર દરવાજા પર આવતો ઠક ઠક અવાજ અને બીજુ ટ્રેનમાં પાણી કેમ નથી આવતું ? જોકે આ સિવાય જેમ્સ બોન્ડ જેવું પુસ્તક લખી ચૂકેલા આ લેખકની દક્ષિણ આફ્રિકામાં શોધખોળ વૃતિ અને અમેરિકામાં જેમ્સ બોન્ડ પ્રત્યેનો તેમનો પ્રેમ વધુ એક પ્રવાસમાં જોવા મળે છે.
લેખક કવિ નથી પણ કવિતાઓની પેરોડી સારી કરી જાણે છે, “જેસલમેર, રણની રેતીને ખાળતું નગર મળે….” (કંઇ યાદ આવ્યું ?)
તાળા તોડવામાં કોણે નિપુણતા મેળવી છે અને ગાંધીજીની ગાડીમાં રમૂજની રેલમછેલમ જેવા પ્રકરણોમાં લેખકે કથાની સરસ ગૂંથણી કરી છે.
ઓલઓવર કેટલીક જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેકને બાકાત કરીએ, અને બે-ચાર બોરિંગ લાગતા વર્ણનને ડિલીટ કરીએ
તો કેટલાક પ્રકરણમાં હજુ તો મઝા આવતી હતી અને પ્રકરણ પૂર્ણ પણ થઇ ગયું એવું લાગશે. જેને અવગણવામાં આવે તો આ વર્ષનું આ એકમાત્ર સારું પ્રવાસનું પુસ્તક ગણી શકાય.
પુસ્તકમાં એવી રીતે પ્રકરણ પાડેલા છે કે, ઇસ્કોનની થાળીમાં બધી વાનગી આવી જાય પછી શું ખાવું શું ન ખાવું ? અને પહેલા આફ્રિકા વાંચવું કે અમેરિકા, બિહાર જવું કે દહેરાદૂન એ તમારે નક્કી કરવાનું રહેશે.
-મયૂર ખાવડુ
શિર્ષક પંક્તિ : કવિ જવાહર બક્ષી (જૂનાગઢ)
એ પુસ્તક આ લિન્ક પરથી ઓનલાઈન ખરીદી શકાશે.
*મુસાફરી એક નિશાળ છે*
Right n superb.
બધા લેખ વાંચવા ની મજા આવે છે, જાપાન ન ઓલ.
ધન્યવાદ. વાંચો અને બીજા રસધાવરાતાને પણ વંચાવો.