ન્યૂયોર્ક ટાઈમ્સે 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યુ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દર વર્ષે આવુ લિસ્ટ જાહેર થાય છે. વર્ષના 52 સપ્તાહના હિસાબે 52 સ્થળો પસંદ કરવામાં આવે છે. 52 સ્થળોમાં ભારતમાંથી એકમાત્ર કેરળ રાજ્યને 13મા ક્રમે સ્થાન મળ્યું છે. કેરળે છેલ્લા એક-દોઢ દાયકામાં પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આયુર્વેદ હોય કે પ્રાકૃતિક પ્રવાસન હોય કેરળે સર્વ ક્ષેત્રે પ્રવાસીઓને ઉપયોગી થાય એવી સુવિધાઓ વિકસાવી છે. કેરળમાં જતા પ્રવાસીઓ એટલે જ નિરાશ નથી થતા.
ન્યૂયોર્ક ટાઈમ્સે કેરળના 3 સ્થળોને ખાસ પસંદ કર્યા છે.
કુમારકોમ
કેરળનું કુમારકોમ તેના બેકવોટર્સ માટે પ્રસિદ્ધ છે. એ ઉપરાંત આસપાસ ડાંગરના ખેતરોની હારમાળા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આ સ્થળને રિસ્પોન્સિબલ ટુરિઝમના હબ તરીકે ઓળખાવ્યુ છે. અહીં આવેલું વેમ્બનાડ સરોવર પ્રવાસીઓમાં આકર્ષણનું મોટું કેન્દ્ર છે. વેમ્બનાડ એ કેરળનું સૌથી મોટુ સરોવર છે અને સરોવર છે એટલે અહીં પક્ષી અભયારણ્ય પણ છે. ખાસ તો હાઉસબોટમાં રહેવાની જે પ્રવાસીઓને અપેક્ષા હોય એ કુમારકોમ જવાનું ભુલતા નથી. અહીં વિવિધ પ્રકારની હાઉસબોટનો ઢગલો છે. કેરળમાં જળમાર્ગે પ્રવાસ કરાવતી ફેરી સર્વિસ ચાલુ છે. એવી ઘણી ફેરી સર્વિસની શરૃઆત કુમારકોમથી થાય છે. એટલે કુમારકોમ ફેરી સર્વિસનું બસ સ્ટેશન છે એમ કહી શકાય. પરદેશી પ્રવાસીઓની મોટી સંખ્યાના કારણે અહીં તાજ સહિતની હોટેલ કંપનીઓના એકથી એક ચડિયાતા રિસોર્ટ-હોટેલ્સ આવેલા છે.
મારવાનથુરુથુ
મારવાનથુરુથુ અંદાજે 20 હજારની વસતી ધરાવતુ ગામ છે પણ તેની શેરીઓ બહુ પ્રસિદ્ધ થઈ છે. કેમ કે અહીં ભારતની પ્રથમ વોટર સ્ટ્રીટ ઉભી કરવામાં આવી છે. સ્ટ્રીટ એ હકીકતે તો Sustainable, Tangible, Responsible, Experiential, Ethnic, Tourismનું ટૂંકુ નામ છે. પરંતુ અહીંની શેરીઓમાં વોટર ટુરિઝમ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારવામાં આવી છે. બોટિંગ હોય કે હાઉસબોટ હોય બધી સુવિધાઓ અહીં વિકસી છે. કેરળે પર્યાવરણ, ગ્રામિણ જીવન વગેરે સાથે બહુ છેડછાડ કર્યા વગર પ્રવાસન વિકાસ કર્યો છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ આ ગામ છે.
વાઈકોમ
વાઈકોમ મહાદેવ મંદિરમાં યોજાતો વૈકટઅષ્ટમી મહોત્સવ જોવા ભક્તો દેશ-પરદેશમાંથી આવે છે. દર વર્ષે મંદિરમાં આ ઉત્સવ ઉજવાય છે. મંદિર વિશેષ એ રીતે મહત્વનું છે કે વૈષ્ણવ અને શૈવ બન્ને સંપ્રદાયના ભક્તો માથુ નમાવે છે. એ ઉપરાંત પણ વાઈકોમમાં જોવા જેવા ઘણા સ્થળો છે. 1924-25માં મંદિરમા ચાલતા જ્ઞાતિવાદ સામે અહીં સત્યાગ્રહ યોજાયો હતો. ગાંધીજી અહીં પહોંચ્યા હતા. એટલે સત્યાગ્રહનું અહીં મ્યુઝિયમ બન્યું છે. વાઈકોમ કોટ્ટાયામથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે.