ભારત ગામડાનો દેશ છે એ વાત જાણીએ છીએ. ભારતના ૩ ગામોને એટલે જ સંયુક્ત રાષ્ટ્રસંઘના ટ્રાવેલ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા Best Tourism Villagesનો એવોર્ડ આપ્યો છે.
કોંગથોંગ (મેઘાલય)
કોંગથોંગ વાસીઓ પોતાના સંતાનોને નામને બદલે ગીત ગાઈને બોલાવે છે. એ માટે ખાસ ગીતો તૈયાર કરી કમ્પોઝ પણ કરે છે. માટે એ ભારતના વિસલિંગ વિલેજ તરીકે જાણીતું બન્યુંછે. મેઘાલયના પાટનગર શિલોંગથી આ ગામ 60 કિલોમીટર દૂર આવેલું છે. મધ સહિતની ઘણી જંગલ પેદાશોનું ઉત્પાદન કરીને આ ગામ આત્મનિર્ભર બન્યું છે. એ પ્રોડક્ટ દેશના ઘણા ભાગોમાં અને પરદેશમાં મોકલાય છે.
પોચમપલ્લી (તેલંગાણા)
પોચમપલ્લી તેના સિલ્ક માટે જાણીતું ગામ છે. અહીંનું ફેબ્રિક તેની ડિઝાઈન, કલર અને વણાટ માટે દેશ-પરદેશમાં જાણીતું છે. ગામમાં હજારો લૂમ છે, જેના પર દિવસરાત ઉત્પાદન થતું રહે છે. ઈન્ટરનેટ પર તેની પ્રોડક્ટ પણ અવિરત વેચાતી રહે છે.
પ્રવાસીઓ નિયમિત શોપિંગ માટે આવે છે એટલે તેલંગાણા ટુરિઝમે અહીં ઉતારાની પણ વ્યવસ્થા કરી છે. વિનોબા ભાવેએ ભુદાન ચળવળ શરૃ કરી એમાં આ ગામનો ફાળો મહત્વનો હતો. અહીંથી ૧૦૦ એકર જમીન મળી હતી. એ જમીન પર આજે ટુરિઝમ વિભાગનું સુવિધા કેન્દ્ર છે. અહીં હૈદરાબાદથી બસ કે ટેક્સી દ્વારા જઈ શકાય છે. શોપિંગ ઉપરાંત ૧૦૧ દરવાજા ધરાવતું ઘર અને વિનોબા મંદિર પણ જોવા જેવા છે. ઉનાળા શિવાયની સિઝનાં મુલાકાત લઈ શકાય.
લાડપુરા ખાસ (મધ્યપ્રદેશ)
લાડપુરા ખાસ ગામ મધ્યપ્રદેશના ઉત્તર છેડે ઝાંસી-ઓરછા પાસે આવેલું છે. આ ગામને મધ્ય પ્રદેશ સરકારે ગ્રામીણ ટુરિઝમ માટે વિકસાવ્યું છે. આવા ઘણા ગામો વિકસાવવાનું સરકારનું આયોજન છે. મધ્ય પ્રદેશ તેના પ્રવાસન વિકાસ માટે જાણીતું રાજ્ય છે. પરંતુ જંગલોના વિકાસ માટે કેટલાક ગામો વિસ્થાપિત થયા છે. મધ્ય પ્રદેશ સરકાર ગામડાઓનું ધ્યાન નથી રાખતી એવી છાપ પડે એ પહેલા સ્થિતિ સુધારીને ગામ વિકસાવી લેવાયા છે. લાડપુરા ખાસ એવુ પહેલું ગામ છે અને આ રીતે ૧૦૦ ગામ વિકસાવવાનો ઈરાદો છે.
અહીં આવનારા પ્રવાસીઓને ગ્રામીણ પ્રવાસન, ગ્રામીણ રહેઠાણ, સ્થાનિક વાનગીઓ, આર્ટ એન્ડ ક્રાફ્ટ વગેરેનો અનુભવ મળે છે.