
મુંબઈ આવતા ઘણા બધા પ્રવાસીઓ માટે હંમેશા ક્યાં ફરવા જવું અને શું જોવું તે સવાલ પેદા થતો હોય છે. મુંબઈના જોવા જાણવા અને સમજવા માટેની અમુક જગ્યાઓ વિશેની જાણકારી અહીં આપવામાં આવી છે.
નિતુલ જે. મોડાસિયા
૧. ગેટવે ઓફ ઇન્ડિયા/Gateway of India
મુંબઈની ઓળખ સમાન આ ગેટવે ઓફ ઇન્ડિયા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલો. છત્રપતિ શિવાજી મહારાજ ના અંત પર આવેલો આ ગેટ મુંબઈ આવતા પ્રવાસીઓ માટે પ્રમુખ આકર્ષણ છે. મુંબઈના એપોલો વોટરફન્ટ પર બનેલા ગેટ બ્રિટિશ શૈલીની કલાકૃતિ થી રૂબરૂ કરાવે છે. આ ગેટ ની બરોબર સામે મુંબઈની પ્રસિદ્ધ તાજ હોટલ આવેલી હોવાથી અને આ ગેટ થી ભવ્ય અરબસાગર નો અદભુત નજારો દેખાતો હોવાથી બોમ્બે જનાર કોઈપણ વ્યક્તિ ત્યાં જવા ચૂકતી નથી.

૨. બાંદ્રા ફોર્ટ/Bandra Fort
અંગ્રેજોએ બ્રિટિશરાજ દરમિયાન મુંબઈની મહિમ બે પર આવતા જતા જહાજો પર નજર રાખવા આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આજે આ કિલ્લો પોતાની ભવ્યતા અને આ કિલ્લા પરથી દેખાતા અરબસાગર અને મુંબઈ શહેર ના અદભૂત નજારા માટે પ્રવાસીઓનું આકર્ષણ છે.

૩. જુહુ ચોપાટી
મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી જુહુ ચોપાટી પ્રવાસીઓને ઘણી રીતે આકર્ષે છે. ભવ્ય બીચ અને વિવિધ પ્રકારના ખાણીપીણી નો લાભ લેનારા લોકો માટે આ જગ્યા ઉત્તમ છે. મુંબઈ આવતા પ્રવાસીઓ ના લિસ્ટમાં જુહુ બીચ અથવા જુહુ ચોપાટી નું નામ અચૂક પણે સામેલ હોય છે.

૪. સિદ્ધિવિનાયક મંદિર
મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું ભગવાન ગણેશનું આ મંદિર મુંબઈમાં વસતા લોકો માટે આસ્થાનું બહુ મહત્વનું પ્રતીક છે. આ મંદિર ૧૮૦૧માં લક્ષ્મણ વીઠુ અને દેવુભાઈ પાટીલ દ્વારા બનાવડામાં આવેલું છે. આ મંદિર મુંબઈમાં વસતા દરેક દરજજાના લોકો માટે આસ્થા અને ભક્તિનું ખૂબ મહત્વનું સ્થાન છે.

૫. છત્રપતિ શિવાજી ટર્મિનસ
બોમ્બે સેન્ટ્રલ અથવા છત્રપતિ શિવાજી ટર્મિનસ એટલે કે સિએસટી ટર્મિનલ મુંબઈની જીવાદોરી સમાન છે. મુંબઈના 60% લોકો ટ્રેનમાં પ્રવાસ ખેડી પોતાના કામ-ધંધે પહોંચે છે . મુંબઇમાં આવેલું આ રેલ્વે સ્ટેશન તેના બાંધકામ માટે અને તેના ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. બ્રિટિશ રાજ દરમિયાન વિક્ટોરિયા ટર્મિનસ નામથી જાણીતા આ સ્ટેશન આઝાદી બાદ છત્રપતિ શિવાજી ટર્મિનસ ના નામથી ઓળખાવા લાગ્યું.

આજે ભારતના તમામે તમામ મોટા શહેરો આ સ્ટેશન એટલે કે મુંબઈ થી જોડાયેલા છે માટે આ સ્ટેશન ભારતનો સૌથી વધુ યાત્રીઓની અવર જવર માટે પ્રસિદ્ધ છે.
૬. એસલ વર્લ્ડ
એક સમયમાં એશિયાનો સૌથી મોટા થીમ પાર્ક નું બિરૂદ ધરાવતો આ પાર્ક આજે પણ વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. એસલ વર્લ્ડ એક સમયની મુંબઈ ની ઓળખાણ છે. જ્યારે થીમ પાર્ક્સ અને વોટરપાર્ક આપણા દેશમાં એટલા પ્રસિદ્ધ હતા ત્યારે આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઈ આવતા પ્રવાસીઓના લિસ્ટમાં આ પાર્ક નું નામ અચૂક પણે સામેલ કરવામાં આવ્યું છે.

૭. એલીફન્ટા કેવ્સ
મુંબઈથી થોડા કિલોમીટરના અંતરે સમુદ્રમાં એક ટાપુ પર આવેલી આ ગુફાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષો પહેલા માછીમારોએ આ ગુફાઓ શોધી કાઢેલી. ત્યાર બાદ અંગ્રેજોએ આ ટાપુ પર જેલ પણ બનાવડાવી હતી. આ ટાપુ પર એક ગુફામાં હાથી નું ભવ્ય શિલ્પા હોવાથી આ ગુફાને એલીફન્ટા કેવ્સ નામ આપવામાં આવેલું. મુંબઈથી ફેરી લઈને આ ટાપુ સુધી પહોંચી શકાય છે.

૮. સંજય ગાંધી નેશનલ પાર્ક
મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલો આ પાર્ક વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પાર્કમાં પ્રોટેક્ટ બસમાં બેસીને સફારી નો આનંદ લઇ શકાય છે. તે સિવાય આ પાર્કમાં ફરવા આવેલા પ્રવાસીઓ સાયકલ પર બેસીને પણ વિહારવાનો આનંદ લઈ શકે છે.

૯. કેનરી કેવ્સ
સંજય ગાંધી નેશનલ પાર્ક માં જ આવેલી આ ગુફાઓ બારમી સદી થી વધુ જૂની માનવામાં આવે છે. સુંદરતા અને ભવ્ય ઇતિહાસ નો ખજાનો ગણાતી આ ગુફાઓ ની મુલાકાત અચૂક પણે લેવા જેવી છે.

૧૦. હાજીઅલીની દરગાહ
મુંબઈ શહેર દરેક ધર્મ માટે કંઈક મહત્વ ધરાવે છે. મુસ્લિમ ધર્મ ના લોકો માટે મુંબઈ સ્થિત હાજીઅલીની દરગાહ ખૂબ પાવન અને મહત્વનું સ્થાન છે. આ દરગાહ દરેક પ્રવાસીઓ અને મુંબઈ શહેરના રહેવાસીઓ માટે પવિત્રતા અને આકર્ષણ નું કેન્દ્ર છે. વર્ષો પહેલા ભારતથી હજ કરવા જતા લોકો માટે હાજીઅલી બંદરગાહ નો ઉપયોગ કરવામાં આવતો.

૧૧. ફિલ્મ સિટી
મુંબઈ શહેર ની સૌથી વધુ ખ્યાતિ ત્યાં વસેલો ફિલ્મ ઉદ્યોગે અપાવી છે. ભારતના સૌથી મોર્ડન શહેર હોવાથી ભારતની સંપૂર્ણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ શહેરમાં વસેલી છે. મુંબઇના ગોરેગામ વિસ્તારમાં આવેલી ફિલ્મ સિટી આ ઇન્ડસ્ટ્રી હેડક્વાર્ટર છે. આ વિસ્તારની મુલાકાત લેવા જેવી છે. વર્ષો થી મુંબઈ શહેર ફિલ્મ કલાકારો અને ફિલ્મ બનાવનારાઓ માટે પસંદગીનું રહ્યું છે. માટે જ આ શહેરની મરીન ડ્રાઈવ, હાજીઅલી, આર્થર રોડ અને જુહુ ચોપાટી જેવી જગ્યાઓ ને હજારો ફિલ્મોમાં સ્થાન મળ્યું છે.

૧૨. મરીન ડ્રાઈવ
મુંબઈના નરીમાન પોઇન્ટ વિસ્તારમાં આવેલા સુભાષ ચંદ્ર રોડ ના કિનારે ચાર કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો આવેલો છે. આ કિનારે મુંબઈ સરકારે ભવ્ય રસ્તો બનાવેલો છે જેની પર ચાલીને અથવા બેસીને મુંબઈ શહેરના અને અરબસાગર નજારા નો લાભ લઈ શકાય છે. આ મરીન ડ્રાઈવ ફિલ્મી સિતારાઓ માટે જોગિંગ અથવા ટ્રેકિંગ કરવાનું પસંદગીનું સ્થળ છે. આ મરીન ડ્રાઈવ નો ઉપયોગ ઘણા બધા ફિલ્મોમાં પણ કરવામાં આવેલો છે માટે ત્યાં જવું સ્વપ્ન જેવું લાગે છે.

૧૩. ધારાવી ઝુપડપટ્ટી
સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ નંબર પર આવતો આ વિસ્તાર આપણને મુંબઈના એક અલગ જ ચહેરા ના દર્શન કરાવે છે. જ્યાં એક બાજુ મુંબઈમાં ગગનચુંબી ઇમારતો અને ભવ્યતા કી છલકાતી હોટલો આવેલી છે ત્યાં બીજી બાજુ ગરીબી,લાચારી અને ખરાબ હાલત સામે ઝઝૂમતી ઝુપડપટ્ટી પણ આવેલી છે. અકલ્પનીય જીવન અને હાલત નો નજારો લેવા માટે આ ઝુપડપટ્ટીમાં વર્ષે હજારો ભારતીય અથવા વિદેશી પ્રવાસીઓ આવે છે.

૧૪. ગણેશ ઉત્સવ
મુંબઈ શહેર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અંડરવર્લ્ડ પછી કોઈ વસ્તુ માટે જાણીતું હોય તો તે છે તેના તહેવારો માટે. ગણેશ ઉત્સવ નું મહત્વ સમગ્ર મહારાષ્ટ્રમાં ખૂબ મોટું છે પણ મુંબઈ શહેર જેવું અને મુંબઈ શહેર જેટલું ક્યાંય નથી. ગણેશોત્સવના દસ દિવસ મુંબઈ શહેરનો નજારો જોવાલાયક હોય છે. આ દસ દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ દૂરથી મુંબઇના પ્રસિદ્ધ ગણેશ પંડાલ ના દર્શન કરવા આવે છે.

આ ઉત્સવના છેલ્લા દિવસ એટલે કે વિસર્જનના દિવસે સમગ્ર મુંબઈ શહેર જાણે કે કોઈ મેળો ભરાયો હોય તેમ ઉભરાય છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી પર લાખો લોકોની જનમેદની વિસર્જન માટે જમા થાય છે. આ નજારાને કચકડે કેદ કરવા હજારો ફોટોગ્રાફર્સ વર્ષ આખું રાહ જોયા કરે છે.
૧૫. નાઇટ લાઇફ
મુંબઈ શહેર નાઇટ લાઇફ માટે વર્ષોથી જાણીતું છે. મુંબઈમાં વસતા લોકો કહે છે કે મુંબઈ કોઈ દિવસ સુતું નથી. આખા દિવસની ભીડ માં બહાર નીકળવાનું ટાળવું હોય તો રાતના સમયે પણ મુંબઈમાં ઘણું બધું જોવાલાયક મળી રહે છે. એક સમય પર મુંબઈમાં હજારો ડાન્સબાર હતા જેનો આનંદ લેવા લાખો લોકો રાતે ભટકતા. હવે ડાન્સબાર તો રહ્ય નથી પણ તેની જગ્યા હાઈપ્રોફાઈલ ડિસ્કો અને બે લઈ લીધી છે.
મુંબઈ શહેર વર્ષોથી ટુરીસ્ટ આકર્ષણ રહ્યું છે. ભારતના બીજા શહેરો જેવું જીવન આ શહેરનું નથી. મુંબઈ શહેર એક જ સિક્કાની બે બાજુ જવું છે. જ્યાં મુંબઈમાં જાહોજહાલી સમાધિ નથી ત્યાં જ બીજી બાજુ ઓલ્ડ મુંબઈમાં વસતા અને ચાલીઓમાં રહેતાં લોકો નું જીવન પણ પ્રેરણાદાયી છે. એક સમયે પર સમગ્ર ભારત દેશમાંથી લોકો મુંબઈ આવતા માટે આજે મુંબઈમાં કામ ની કમી નથી પણ જગ્યા ની કમી છે. ઉપર બતાવેલી જગ્યાઓ સિવાય પણ મુંબઈમાં ઘણું બધું જોવા જેવું છે જેમકે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, લાડ મ્યુઝિયમ, ચર્ચગેટ ટર્મિનસ, બાંદ્રા સી લીંક અને મુંબાદેવી મંદિર. ખાવાના શોખીન માટે મુંબઈ શહેરમાં હજારો વિકલ્પ ઉપલબ્ધ છે. ૫ રૂપિયાથી માંડી અને ૧૦,૦૦૦ રૂપિયા પ્લેટ સુધી ની વસ્તુ મુંબઈ શહેરમાં ઉપલબ્ધ છે. મુંબઈ શહેર ને પૂરી રીતે ફરવા માટે સાતથી દસ દિવસ નો સમય આવશ્યક છે. ચોમાસા દરમિયાન મુંબઈનો વરસાદ ખૂબ ભયંકર હોય છે માટે કામ વગર ચોમાસામાં મુંબઈ જવું ટાળવું.