
Mount abu હિલ સ્ટેશન છે, સાથે સાથે સાથે વનસ્ટેશન પણ છે. કેમ કે ચો-તરફ જંગલથી ઘેરાયેલું છે. અહીં જંગલની સફર કરવી અઘરી નથી.
નિતુલ જે. મોડાસિયા

હિલ સ્ટેશનો માણસો માટે હંમેશાથી આરામ ફરમાવા માટે અને ફરવા માટે પસંદગીની જગ્યા રહી છે. આપણે ત્યાં હિલ સ્ટેશનને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવાની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. અંગ્રેજોએ થોડાક સમયમાં ભારતમાં ખૂબ બધા હિલ સ્ટેશન ઓની સ્થાપના કરી. જેમ આપણે ત્યાં ગુજરાતમાં સાપુતારા એક જ હિલ સ્ટેશન છે તેમ રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન ને માઉન્ટ આબુ નામ મળતા પહેલા તેનું નામ અર્બુદાન્ચલ હતું. આ શહેર વિષે મહાભારતમાં પણ વાંચવા મળે છે.

માઉન્ટ આબુ ચાર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. તે પોતાના પ્રાકૃતિક સૌંદર્યને લીધે આખા ભારતમાં પર્યટન સ્થળ રૂપે પ્રસિદ્ધ છે. આખા ભારતમાથી લોકો ત્યાં ફરવા આવે છે. માઉન્ટ આબુ ફરવા માટે ભર ચોમાસાના એકાદ-બે મહિના મૂકીને આખું વર્ષ ઉત્તમ સ્થળ છે. ત્યાં ઉનાળામાં ગરમીથી છુટકારો પામવા, શિયાળામાં પ્રકૃતિનો ખોળો માણવા અને ચોમાસામાં ઊગી નીકળતી હરિયાળી જોવા લાયક છે. પ્રકૃતિ સિવાય માઉન્ટ આબુમાં જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે. તેમાં મુખ્ય આકર્ષણ ગામની વચ્ચે આવેલું નક્કી (કે નખી) તળાવ છે. આ તળાવમાં બોટિંગ કરવાનો લ્હાવો અચૂક પણે લેવા જેવો છે. બોટિંગ સિવાય પણ આ તળાવમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય છે. સાંજના સમયે આ તળાવના કિનારે બેસી સૂર્યાસ્ત માણવાલાયક હોય છે.

માઉન્ટ આબુની શિખર માળાઓમાં સૌથી ઊંચે ગુરુશિખર આવેલું છે. જ્યાં દતાત્રેય મંદિર અને આર્મીનું હવાઈ મથક આવેલું છે. આ મંદિરે જવાનો રસ્તો માઉન્ટ આબુની શિખર માળાઓ અને ઘનઘોર જંગલમાંથી પસાર થાય છે. માઉન્ટ આબુથી મળતા ટુ વ્હીલર ભાડે કરી ગુરુશિખર જવું સૌથી સરળ અને રોમાંચક અનુભવ છે.

ગુરુશિખર જતા રસ્તામાં ટ્રેવર્સ ટેન્ક નામની જગ્યા આવેલી છે ક્યાં જવાનો રસ્તો ખૂબ જ અઘરો છે કારણકે આ જગ્યા એક સેન્ચ્યુરી એટલે કે વનવિસ્તારમાં આવેલી છે. આ સેન્ચ્યુરીના પ્રવેશદ્વાર પર જંગલમાં જવા પહેલા કરાતી તમામ કાયદાકીય પ્રવૃત્તિ થાય છે. પ્રવેશદ્વારથી આઠ કિલોમીટર જંગલમાં આવેલું ટ્રેવર્સ ટેન્ક ખૂબ સુંદર જગ્યા છે. ટ્રેવર્સ ટેન્ક હકીકતે જંગલમાં આવેલું એક નાનકડું તળાવ જ છે પણ આ તળાવ ગીચ જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી ત્યાં રીંછ, નીલગાય, હરણ, દિપડા અને વાંદરા જેવા સજીવો જોવા મળે છે.

આ સિવાય ત્યાં આવેલા વ્યુ પોઇન્ટથી ગુરુશિખર અને માઉન્ટ આબુ શહેરનો નજારો માણવા લાયક છે. સવારમાં માઉન્ટ આબુથી નીકળ્યા બાદ ફરીને સાંજે પાછા ફરવા માટે ગુરુશિખર અને ટ્રેવર્સ ટેન્ક ઉત્તમ વિકલ્પ છે.

વન વગડાથી થાક્યા બાદ બ્રહ્માકુમારી આશ્રમની મુલાકાત લઈ શકાય. જેનું બાંધકામ અને બોટાનિકલ ગાર્ડન જોવાલાયક છે. આના સિવાય માઉન્ટ આબુમાં ત્યાંનું એક સ્થાનિક મ્યુઝિયમ આવેલું છે જે આપણને માઉન્ટ આબુના ઇતિહાસની વર્ણન કરે છે. આ બધા સિવાય માઉન્ટ આબુ પાસે દેલવાડાના દેરાસર આવેલા છે જે જૈન સમુદાય માટે ખૂબ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આધ્યાત્મિકતા અને ભક્તિ સિવાય પણ આ દેરાસરોમાં ઘણું બધું જોવાલાયક છે તેમની બનાવટ અને કલાકૃતિ આપણને જૈન ધર્મની કલાકારીનો અદભુત દાખલો આપે છે.

આમ તો માઉન્ટ આબુ બારેમાસ માણવાલાયક હોય છે પણ જો પ્રકૃતિ ને ખૂબ સરસ રીતે જાણવી હોય તો ચોમાસાના અંતમાં માઉન્ટ આબુ જવું ખૂબ અનિવાર્ય સમય છે. ચોમાસાના અંત અને શિયાળાની શરૂઆતના સમયમાં માઉન્ટ આબુની રોનક અનેરી હોય છે.
🙂👍👍