પ્રવાસીઓ માટે યુદ્ધ સામગ્રી ઉપરાંત ડોક્યુમેન્ટરી, એડવેન્ચર ટુરિઝમ, સીમા દર્શન, વગેરે અનેક આકર્ષણો ઉમેરાયા
સરહદ કેવી હોય એ નાગરિકો માટે હંમેશા કૂતુહલનો વિષય બની રહે છે. કેમ કે સરહદ આસાનીથી જોવા મળતી નથી. એટલે ગુજરાતમાં થોડાક વર્ષો પહેલા બોર્ડર ટુરિઝમની શરૃઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનને અડીને આવેલો છે. અહીં નડાબેટ નામના સ્થળેથી ભારત-પાકિસ્તાન સરહદ જોઈ શકાય છે. તેના આધારે ખ્યાલ આવી શકે કે ખરેખર સરહદ કેવી હોય છે. અહીં પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓ વિકસાવાઈ રહી છે.
પ્રવાસીઓ માટે આકર્ષણો
- સીમા પ્રહરી સ્મારક
- ડોક્યુમેન્ટરી
- મિગ-27 સાથે ફોટો
- મ્યુઝિયમ
- સંધ્યા સમયની પરેડ
- ટોય ટ્રેન-પ્લે એરિયા
- ફૂડ કોર્ટ
- બીએસએફ ક્વિઝ
- ઝીપલાઈન-ઝીપ સાયકલિંગ
- રોકેટ ઈજેક્ટર
- રોક ક્લાઈમ્બિંગ
- શૂટિંગ રેન્જ
- રણ સફારી
આવા ઘણા આકર્ષણો ત્યાં ઉભા કરાયા છે, જે ત્યાં આવનારા પ્રવાસીઓને નિરાશ કરતાં નથી.
હવે સૂઈ તાલુકાના નડાબેટ ખાતે યુદ્ધના આયુધો પણ ગોઠવાઈ રહ્યા છે. અહીં નિવૃત્ત થયેલા લશ્કરી શસ્ત્રો, યુદ્ધમાં વપરાયેલા હથિયારો, મીગ-27 જેવા ફાઈટર વિમાનો, સબમરીનમાંથી પ્રહાર થતું શસ્ત્ર ટોરપિડો, સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, આર્ટિલરી ગન, ટેન્ક ટી-૫૫ વગેરે ગોઠવી દેવાયા છે. આગામી દિવસોમાં આ બધી સામગ્રી પ્રવાસીઓ જોઈ શકશે.
પ્રવાસીઓને ભારતીય સૈન્યનું ગૌરવ જાણવા-જોવા મળે એટલા માટે અહીં યુદ્ધ સબંધિત કેટલીક ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવશે. અહીં આવનારા પ્રવાસીઓ એડવેન્ચર માણી શકે તે માટે રોડ ક્લાઇમ્બિગ, રેપ્લિંબગ, ફ્રી વોલ, જીપલાઇન, સ્કાય સાઇકલ, રોકેટ ઇંજેક્ટર, હ્યુમન સ્લિંગશોટ, એટીવી રાઇડ, ગ્લાન્ટ સ્વિંગ, પેઇન્ટ બોલ, કમાંડો કોર્સ, લો રોપ કોર્સ, હાઇ રોપ કોર્સ, એર રાઇફલ શૂટિંગ, ક્રોસબો શૂટિંગ સહિત બાળકો માટેની જંગલ જિમ, સ્લાઇડો, રોક ક્લાઇમ્બિંગ વગેરે પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
જતાં પહેલા જાણી લો
- સવારે 9થી સાંજના 7 સુધી મુલાકાત લઈ શકાય છે. પરંતુ બોર્ડર વિઝિટનો સમય સાંજના 4 સુધીનો જ છે.
- સાંજના સૂર્યાસ્ત સમયે અહીં પરેડ યોજાય છે.
- આ સરહદ ઈન્ટરનેશનલ બોર્ડર છે, એટલે સુરક્ષાની જવાબદારી ફ્રન્ટ લાઈન ડિફેન્સ તરીકે ઓળખાતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ નિભાવે છે. અહીં જોવા મળે એ જવાનો ઈન્ડિયન આર્મીના નથી.
- વધુ માહિતી માટે https://www.visitnadabet.com/ની મુલાકાત લઈ શકાય અથવા ટોલ-ફ્રી નંબર 1800-274-2700, 7624001526 પરથી માહિતી મેળવી શકાય છે.
અહીં 500 લોકો બેસી શકે તેવું ઓડિટોરીય. પાર્કિંગ, ચેન્જીંગ વ્યવસ્થા, રૂમ, સ્ટેજ, શોવિનિયર શોપ, દુકાનો, રેસ્ટોરન્ટ અને પાણીની સુવિધા રાખવામાં આવી છે. અજેય પ્રહરી સ્મારક, બીએસએફ બેરેક, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમની જેમાં 5000 લોકોની બેઠક વ્યવસ્થા, રીટેઇનીંગ વોલ, 30 મીટર ઉંચો ફ્લેગ, ડેકોરેટિવ લાઇટિંગ વર્ક, સોલાર ટ્રી અને સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. એટલે આગામી દિવસોમાં નડાબેટ ખાતે સીમા દર્શન વધારે રોમાંચક સાબિત થશે.
નડાબેટથી અંતર
- સુઈગામ-20 કિલોમીટર
- વાવ-48 કિલોમીટર
- રાધનપુર-69 કિલોમીટર
- પાલનપુર-169 કિલોમીટર
- મહેસાણા- 187 કિલોમીટર
- ગાંધીનગર – 246 કિલોમીટર
- અમદાવાદ – 267 કિલોમીટર