રાજસ્થાનમાં આવેલું સારિસ્કા/sariska નેશનલ પાર્ક જયપુરથી થોડુ જ દૂર હોવાથી દેશભરના વાઘ-પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. સતત ભીડ રહેતી હોવાથી ત્યાં જતા પહેલાં જાણવા જેવી વિગતો…
સારિસ્કા/ sariska રાજસ્થાનના અલ્વર જિલ્લામાં આવેલું રજવાડી જંગલ છે. રાજાશાહી યુગમાં શિકાર મનોરંજનનું એક મુખ્ય માધ્યમ હતું. નાના-મોટા રજવાડાંઓ પોતપોતાના શિકારગાહ રાખતા હતા. સારિસ્કા પણ અલ્વરના રાજવીઓ માટે મૃગયા ખેલવા નીકળવાનું વન હતું. એટલે આ જંગલમાં નાના-મોટા મહેલ, કિલ્લ, મંદિર સહિતના આકર્ષણો ફેલાયેલા છે. રાજાશાહી ખતમ થઈ, આઝાદી આવી. વન્યજીવ સંરક્ષણના નવાં નવાં કાયદા બનતાં થયા જે અંતર્ગત શિકાર પર પણ પ્રતિબંધ મુકાયો. અહીંના વન્યજીવ મહત્વને ધ્યાને લઈને ૧૯૫૫માં આ વન-વિસ્તારને કેન્દ્ર સરકારે અભયારણ્ય જાહેર કર્યું. વાઘની વસ્તી નોંધપાત્ર હોવાથી ૧૯૭૮માં તેને ટાઈગર રિઝર્વનો દરજ્જો મળ્યો. ત્યારથી સારિસ્કા મુખ્યત્વે તેના વાઘ માટે જાણીતું છે. અત્યારે ત્યાં વીસેક વાઘની વસતી છે.
હવે તો મધ્યપ્રદેશના અનેક જંગલો ત્યાંની વાઘ વસ્તી માટે જાણીતા છે અને માટે દેશ-દુનિયાના પ્રવાસીઓમાં માનિતા છે. પરંતુ બે દાયકા પહેલા વાઘ જોવાની વાત આવે ત્યારે પ્રવાસીઓના હોકાયંત્રની સોય રાજસ્થાનના સારિસ્કા/Sariska નેશનલ પાર્ક તરફ જ મંડાતી હતી. ૮૮૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પાર્કમાં લગભગ પચ્ચીસેક વાઘનો વસવાટ હતો. એટલે અહીં આવનારા પ્રવાસીઓ નિરાશ થતા ન હતા. એ પછી ૨૦૦૪માં એવો સમય આવ્યો જ્યારે સારિસ્કાના તમામ વાઘનો શિકાર થઈ ગયો. ભારતમાં ત્યારે વાઘના શિકારની પ્રવૃત્તિ પુરબહારમાં ચાલતી હતી, વાઘને સાચવીને બેઠેલા મોટા ભાગના જંગલ બેધ્યાન હતા. સૌથી વધુ બેદરકાર સારિસ્કાના સંચાલકો હતા, એટલે પાર્કની હાલત ભૂતિયા જંગલ જેવી થઈ ગઈ. ચારેક વર્ષ વાઘ વગરના કાઢ્યા. પાર્કની, રાજસ્થાન સરકારની, નેશનલ ટાઈગર ઓથોરિટીની ભરપૂર બદનામી થઈ. એટલે પછી રણથંભોર સહિતના અન્ય જંગલમાંથી લાવીને ત્યાં વાઘનો ફરીથી વસવાટ કરાવાયો. જંગલ વિસ્તારમાં ચાલતી ખાણકામ પ્રવૃત્તિ પણ 1991માં બંધ થઈ. સંરક્ષણ વધારાયુ અને વાઘની વસતી વધી એટલે હવે આજે સારિસ્કા જંગલ ફરીથી પ્રવાસીઓને આકર્ષવા લાગ્યું છે.
ક્યારે જવું?
શિયાળાના મહિનામાં પાર્કની મુલાકાત લેવી વધારે અનુકૂળ રહે છે. ઉનાળામાં વાતાવરણ ઘણું આકરું હોય છે. ઓક્ટોબરથી જૂન દરમિયાન પાર્ક સવારના ૬થી બપોરના ૩.૩૦ સુધી ખુલ્લો રહે છે. એ દરમિયાન સવારે ૬-૩૦ કલાકે અને બપોરે ૨ વાગ્યે સફારી શરૃ થાય છે. મધ્યજંગલ (કોર એરિયા) ચોમાસામાં (જુલાઈ-સપ્ટેમ્બર) બંધ રહે છે, બાકીનું જંગલ ફરી શકાય છે. પાર્કમાં પ્રવેશના મુખ્ય બે દરવાજા છે, ગેટ નંબર-1 , સારિસ્કા અથવા અલવર ગેટ અને ગેટ નંબર-2, થાલા ગેટ. જયપુર-અલવર-દિલ્હી તરફથી આવતા પ્રવાસી માટે ગેટ નંબર-1 વધારે અનુકુળ છે.
કેવી રીતે જવું?
37 કિલોમીટર દૂર આવેલું અલવર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. જયપુર-દિલ્હી જતી ઘણી ટ્રેનો ત્યાં રોકાય છે. નજીકનું એરપોર્ટ જયપુર (૧૨૨ કિલોમીટર) છે. ગુજરાતથી જયપુર સુધીની ટ્રાવેલ્સ બસો મળે છે. જયપુરથી ખાનગી-સરકારી વાહન દ્વારા પહોંચી શકાય છે. જયપુરથી સારિસ્કા જતી વખતે વાહન કાલી ઘાટીમાંથી પસાર થાય ત્યારે લાગે કે ઘેઘૂર વનમાં આવી પહોંચ્યાનો અહેસાસ માણી શકાય.
ક્યાં રોકાવું?
સારિસ્કાની લોકપ્રિયતા પાછળ તેની વન્ય સમૃદ્ધિ ઉપરાંત લોકેશનનું વિશેષ મહત્વ છે. કેમ કે એ જંગલ દિલ્હી-જયપુર-આગ્રાના ત્રિભેટે આવેલું છે. આ ત્રણેય નગરમાં આવતા દેશી-પરદેશી પ્રવાસીઓ એકાદ દિવસ સારિસ્કા માટે સરળતાથી ફાળવી શકે છે. આ ત્રણેય નગરવાસીઓ તો વીકએન્ડ ટ્રીપ માટે પણ સારિસ્કા ઉપડી પડે છે.
સારિસ્કા/Sariska જંગલ અરવલ્લી પર્વતમાળાના ઢોળાવ પર આવેલું છે. એટલે સાવ સપાટ નથી, નાની-મોટી ટેકરીઓ છે, જળાશયો, ઘાસિયા મેદાનો, અનેક પ્રકારના વૃક્ષ-છોડ-વેલા છે. અહીં પ્રવાસીઓ રાષ્ટ્રીય પ્રાણી વાઘ જોવાની અપેક્ષાએ આવે એમાં નવાઈ નથી. વાઘ આકર્ષણનું સૌથી મોટુ કેન્દ્ર છે. પણ અહીં વાઘ સિવાય દીપડાની પણ મોટી વસ્તી છે. અલબત્ત, દીપડા આસાનીથી જોવા મળે એવી શક્યતા સાવ નહિવત છે. પણ ઊડીને આંખે વળગે એવી વસ્તી મોરની છે. આખા દેશમાં મોરની સૌથી વધારે વસ્તી ધરાવતા જંગલોમાં સારિસ્કાનો સમાવેશ થાય છે. એટલે તેની હાજરી ઊડીને આંખે વળગે કે ન વળગે પણ પાર્કમાંથી પસાર થતી વખતે ઊડીને રસ્તો પાર કરતા મોર જરૃર જોવા મળી શકે છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોરનો અનોખો સંગમ અહીં થયો છે.
આ જંગલ ક્ષેત્ર આમ તો સવા બસ્સો જેટલી પ્રજાતિના પક્ષીઓનું આવાસ છે. શિયાળામાં વળી મધ્ય એશિયાથી આવતા પ્રવાસી પંખીડાં પણ જોવા મળી શકે. ભારતભરમાં દુર્લભ ગણાતા જંગલી કૂતરાં (ઢોલ) પણ અહીં જોવા મળી શકા છે. વાઘ, દીપડા ઉપરાંત જંગલી બિલાડી, નીલગાય, સાંભર, હાયના, શિયાળ, જંગલી સુવ્વર, મધિયો, રસેસ મકાક વાંદરા.. સહિત બે ડઝનથી વધારે પ્રાણીઓનો વાસ છે. દેશના દરેક નેશનલ પાર્કની માફક અહીં પણ સફારીની સગવડ છે. સફારી મુખ્યત્વે બે પ્રકારે ઉપલબ્ધ છે.
૧. જિપ્સી-જીપ
જિપ્સીમાં બેસાડીને પ્રવાસીઓને ફેરવવાની આખા ભારતમાં છે એવી સિસ્ટમ અહીં પણ છે. અઢી-ત્રણ કલાકની સફર દરમિયાન જંગલ સારી રીતે માણી-અનુભવી શકાય છે. સફારી સાથે ગાઈડ પણ હોવાથી પાર્ક વિશેની તમામ જાણકારી મળતી રહે છે. સવારમાં ૬ વાગ્યે અને બપોરે ૨ વાગ્યે સફારી શરૃ થાય છે. તેમાં મહત્તમ છ પ્રવાસીઓ બેસી શકે છે. જીપ સફારીની ડિમાન્ડ વધારે હોવાથી તેનું એડવાન્સ બૂકિંગ કરાવવું હિતાવહ છે.
૨. કેન્ટર પ્રવાસ
કેન્ટર તરીકે ઓળખાતી ખુલ્લી બસમાં લગભગ વીસેક પ્રવાસીઓને એક સાથે જંગલ ફેરવવામાં આવે છે. જિપ્સી કરતા કેન્ટર સફારીનું ભાડું ઓછું હોય છે, સમય પણ ઓછો હોય છે. મોટા ગ્રૂપમાં નીકળ્યા હોય એમના માટે કેન્ટર કિફાયતી વિકલ્પ છે. જિપ્સીની જેમ જ સવારે ૬ અને બપોર પછી ૨ વાગ્યે કેન્ટર સફારી રવાના થાય છે. રજાના દિવસોમાં આ સફારીની ડિમાન્ડ પણ ઊંચી હોય છે.
વન્યજીવ સિવાયનું સારિસ્કા
આમ તો રાજસ્થાન રણ અને સુક્કી ભૂમિનું રાજ્ય છે. પણ સારિસ્કા/Sariskaનુ જંગલ એ વ્યાખ્યા સુધારવા મજબૂર કરે છે. આ સમગ્ર વિસ્તાર ગીર જેવો વગડા-જંગલના મિશ્રણ જેવો છે. જંગલ ઉપરાંત અહીં ન ચૂકવા જેવા આકર્ષણો છે.
- પાંડુપોળ
સારિસ્કામાં પ્રવેશતા જ પાંડુપોળનો રસ્તો ડાબી તરફ, જંગલનો રસ્તો જમણી તરફ ફંટાય છે. પાંડુપોળ સારિસ્કા/Sariskaનું મોટુ આકર્ષણ છે. ધાર્મિક માન્યતા મુજબ તો મહાભારતકાળમાં પાંડવોએ વનવાસનું છેલ્લું વર્ષ અહીં પસાર કર્યું હતું. મહાભારતની જાણીતી કથા છે, જ્યારે ભીમનો અહંકાર વધી ગયો હતોએ વખતે તેનો ભેટો હનુમાનજી સાથે થયો અને હનુમાનજીએ ભીમના અહંકારનુ ખંડન કર્યું હતું. એ વિજયના પ્રતીક તરીકે અહીં પાંડુપોલ નામે હનુમાનજીનું મંદિર છે. મંદિર સુધી વાહનો જઈ શકે છે. મંગળવારે અને શનિવારે તો પ્રવાસી પોતાની કાર લઈને પણ જઈ શકે છે, પરંતુ 3 વાગ્યા સુધી જ પ્રવેશ મળી શકે છે.
મંદિરથી આગળ જંગલમાં એકાદ કિલોમીટર ચાલીને પોળ અથવા પોલ એટલે કે દરવાજા સુધી જઈ શકાય છે. ત્યાં પહોંચ્યા પછી વળી દ્વાર જોઈને સરપ્રાઈઝ થયા વગર રહે નહીં. કેમ કે દ્વાર પરંપરાગત દરવાજા જેવું નથી. પહાડમાં જરા ઉંચાઈ પર પડેલું બાકોરું છે. પર્વતમાં ગોખલો બનાવ્યો હોય એવો દરવાજો ભીમની ગદાથી સર્જાયો હતો. એ જોઈને લાગે કે ગમે ત્યારે પથ્થરો માથે પડશે, પણ હજુ સુધી એવો અકસ્માત થયો નથી.
આ પથ્થરમાં કોતરાયેલું દ્વાર ભારે કપરી જગ્યામાં આવેલું છે, જ્યાં સુધી પહોંચવાની સફર સારિસ્કા/Sariskaનો અનિવાર્ય અનુભવ છે. ત્યાં સુધી પહોંચવા જંગલના ઉબડ-ખાબડ મારગ પર ચઢાણ કરવુ પડે છે. રસ્તો હકીકતે ઉપરવાસથી પાણી નીચે લાવતો રસ્તો છે. એટલે ચોમાસામાં પાંડુપોળ જવાનો રસ્તો બંધ હોય એવુ બની શકે. વળી અહીં પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામવાના ડઝનેક કિસ્સા નોંધાયા છે. પરંતુ પાંડુપોળની સફર સારિસ્કાને માણવા માટે અનિવાર્ય છે.
2. નીલકંઠ મહાદેવ
જંગલ બહાર આવેલું આ મંદિર છઠ્ઠી સદીનું છે અને સારિસ્કા/Sariskaના સાવ અનોખા સ્વરૃપના દર્શન કરાવે છે. જંગલ-ટેકરી, ધૂળિયા રસ્તા વગેરે તો છે જ પણ મંદિર નાની નાની ટેકરીઓથી ઘેરાયેલું છે. એટલે જરા નીચાણવાળા ભાગમાં આવ્યાનો અહેસાસ થાય. બડગુજર વંશના મહારાજાધિરાજ મંથનદેવે આ મંદિર બંધાવ્યું હતું.
ટેહલા ગામ નજીક આવેલા આ મંદિર વિશે એવુ કહેવાય છે કે ઓરગંઝેબે તેની આદત પ્રમાણે મંદિર ધ્વસ્ત કરવાનું આયોજન કર્યું હતું. પણ અહીં મોટી સંખ્યામાં વસતી મધમાખીઓના આક્રમણથી ઓરગંઝેબની મોગલ સેનાએ પીછેહટ કરવી પડી હતી. એ પછી આજે દોઢ શહસ્ત્રાબ્દી પછી પણ અડિખમ ઉભું છે. જોકે આસપાસના અનેક મંદિરો તો ઔરંગઝેબે ખંડિત કર્યા જ.
ખજુરહોની માફક આ મંદિરમાં પણ કેટલાક શૃગાંગિરક શિલ્પો કોતરાયેલા છે. મહાદેવ મંદિર ઉપરાંત નજીકમાં મહાવીર મંદિર છે, જે ખંડિત અવસ્થામાં છે. એટલે કે છત સહિતનો ભાગ ધ્વસ્ત થયો છે, પણ 27 ફીટ ઊંચી મહાવીર ભગવાનની મૂર્તિ સચવાઈરહી છે. સમગ્ર વિસ્તારમાં કુલ 200 જેટલા મંદિરોના અવશેષો ફેલાયેલા છે, જેમાંથી ઘણાખરા સુધી તો પહોંચી શકાય એમ નથી.
આ મંદિર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના તાબામાં છે, એટલે ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી ન કરવાના તેમના જડ નિયમો અહીં પણ લાગુ પડે છે. મંદિરનું બાંધકામ આકર્ષક છે પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કઠીન છે. અલવરથી દૂર સારિસ્કાના દક્ષિણ-પશ્ચિમ દિશાએ એ આવેલું છે. મંદિરની મુલાકાત લીધા પછી કંકવાડી કિલ્લા તરફ જઈ શકાય છે.
જતાં પહેલા જાણી લો
– ઓનલાઈન બૂકિંગ કરાવ્યું હોય તો સફારીના એક કલાક પહેલા ગેટ પર ઓફિસમાં તે દર્શાવવું પડે, એ પછી વાહન ફાળવી આપવામાં આવે છે.
– વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી માટે પાર્ક આખુ વર્ષ ખુલ્લું રહે છે, પણ તેની પરવાનગી રાજસ્થાન વનવિભાગ પાસેથી લેવાની રહે છે.
– સારિસ્કા/Sariska જતી વખતે યાદ રાખવુ જોઈએ કે વાઘ જોવા મળે એવી શક્યતા નહિવત છે. પરંતુ એ સિવાય જંગલમાં ઘણું જોવા જેવું છે. વાંદરાઓની સંખ્યા મોટી છે, જેનાથી સાવધાન રહેવું જરૃરી છે.
3. કંકાવડી ફોર્ટ
પાર્કના મુખ્ય પ્રવેશદ્વારથી કિલ્લો વીસેક કિલોમીટર અંદર જંગલમાં આવેલો છે. મહારાજા જયસિંહ બીજાએ આ કિલ્લો 17મી સદીમાં બંધાવયો હતો. મુઘલ શાહ ઔરંગઝેબે સત્તાની આંટીઘૂંટી માટે આ કિલ્લામાં પોતાના ભાઈ દારા શિકોહને કેદ રાખ્યો હતો એવી વાતો પણ સાંભળવા મળે છે. ઊંચી ટેકરી પર આવેલા કિલ્લા પરથી જંગલનો અદભૂત નજારો જોવા મળે છે. સવારે ૮થી ૧૨ અને બપોરે ૩થી ૬ કિલ્લો ખુલ્લો રહે છે. ત્યાં જતી વખતે ખાવા-પીવાની સામગ્રી સાથે રાખવી હિતાવહ છે. કિલ્લો જોવા માટે 2-3 કલાકનો સમય ફાળવવો રહ્યો. ટાઈગર સફારી જંગલ વચ્ચે લઈ જાય છે, પાંડુપોળ જંગલની અંદર ઊંડે લઈ જાય છે, નીલકંઠ મહાદેવ જરા હેઠવાસમાં સફર કરાવે છે તો કંકાવરી જંગલના દીદાર ઊંચાઈ પરથી કરાવે છે.
- સિલિસેર સરોવર
આ સરોવર સારિસ્કા/Sariska જંગલ બહાર, અલ્વરથી નજીક આવેલું છે. એટલે જંગલ બહાર નીકળ્યા પછી અથવા તો જંગલમાં જતા પહેલા અડધો દિવસ તેને ફાળવી શકાય. થોડી ઊંચાઈ પર આવેલું આ સરોવર મહારાજા વિનયસિંહે બંધાવ્યું હતું. સરોવર તેની સિનસિનેરી માટે પ્રખ્યાત છે. ત્યાં બોટિંગ વગેરે સહેલાણી સુવિધા પણ ઉપલબ્ધ છે. પક્ષી પ્રેમીઓને અને વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ જોવા મળી શકે છે. પક્ષી કદાચ ન ઓળખાય તો પણ શહેરી ભીડભાડથી દૂર અહીં અનેરી શાંતિ પ્રાપ્ત થાય છે.
સરોવરના કાંઠે સિરિસેર લેક પેલેસ નામનો નાનકડો મહેલ આવેલો છે. રજવાડી યુગમાં મહેલ રાજા-મહારાજાનો વીકએન્ડ પેલેસ અને શિકાર લોજ તરીકે વપરાતો હતો. ત્યાં જઈને સરોવર સારી રીતે જોઈ શકાય છે, પરંતુ એ માટે વ્યક્તિદીઠ 100 રૃપિયા પ્રવેશ ફી ચૂકવવી પડે છે. એ ફીમાં પ્રવેશ ઉપરાંત પાર્કિંગ ઉપરાંત ચા અથવા કોફી અથવા કોલ્ડ ડ્રિંક્સનો વિકલ્પ આપવામાં આવે છે. પ્રવાસીઓ ઈચ્છે તો ત્યાં રાતવાસો કરીશ છે. એ હોટેલ રાજસ્થાન ટુરિઝમ દ્વારા સંચાલિત છે. લેક પેલેસમાં અંદર પ્રવેશ્યા વગર બહારથી પણ સરોવરનો કેટલોક ભાગ તો જોઈ જ શકાય છે.
આ બધુ જોતા સ્પષ્ટ થાય છે સારિસ્કા/Sariskaના ખરા આકર્ષણો તો જંગલની બહાર ફેલાયેલા છે. અલબત્ત, જંગલમાં જઈને વાઘ જ જોવો છે, એવી અપેક્ષા પહેલેથી બાંધી રાખી ન હોય તો સારીસ્કાની મજા માણી શકાય.