સફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં
સફારીના 35 વર્ષ – ભાગ 16 (15માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=525)
મારા જેવા વાચકોને ભલે અંગ્રેજી બરાબર વાંચતા ન આવડતું હોય, પણ અંગ્રેજી વગર તો ચાલે એમ નથી. વળી અંગ્રેજી વાચકોને પણ સફારી જેવા જ્ઞાન-પ્રવાહની જરૃર તો છે જ. માટે જ અંગ્રેજી સફારી શરૃ થયુ હતું. માર્ચ ૨૦૦૮થી અંગ્રેજી આવૃત્તિની શરૃઆત કરી હતી. તેની જાહેરાત ૧૬૬મા અંક (માર્ચ ૨૦૦૮)માં હતી. તેમાં ગુજરાતી સફારી જ ફ્લેગશિપ છે, એવી હૈયાધારણા પણ હતી. અલબત્ત, બન્નેના વાચકો અલગ છે, એટલે
અંગ્રેજીવાળાઓને ગુજરાતી સાથે અને ગુજરાતી વાચકોને અંગ્રેજી સાથે ખાસ લેવા-દેવા ન હતી. એટલે જ બન્ને માટે પોતપોતાના સફારી ફ્લેગશિપ હોવાના. પણ બીજી હકીકત એ પણ ખરી કે અંગ્રેજી જેવા પાનાં અને કલર ફોટા ગુજરાતી સફારીને મળતાં ન હતાં (ફ્લેગશિપ હોવા છતાં!). વચ્ચેના બે પાનાં ભરીને અંગ્રેજી સફારીમાં ફોટોગ્રાફ આવતો હતો. એ વિભાગનું નામ ‘મેગા પિક્સેલ’ હતું. અને ગુજરાતી સફારીના પત્રોમાં પણ મેગા પિક્સેલ વિભાગના વખાણ છપાતા હતાં (અંક ૨૧૨).
ઓગસ્ટ ૧૯૮૫માં પ્રગટ થયેલા સફારીના પહેલા અંકમાં મુખ્ય લેખ રોબોટ અંગેનો હતો. ૨૩ વર્ષ પછી શરૃ થયેલા અંગ્રેજી સફારીના બીજા અંકનો મુખ્ય લેખ રોબોટ અંગેનો હતો. કવર પર હેડિંગ હતું: ‘ઓલ અબાઉટ રોબોટ્સઃ ફ્રોમ ટેક્ટફૂલ ટોય્ઝ ટુ હાઈ-ટેક હ્યુમોનોઈડ્સ’. અંગ્રેજીના પહેલા અંકનો મુખ્યલેખ સ્પેસ શટલ અંગેનો હતો. અંગ્રેજી સફારીમાં પણ ગુજરાતી સફારી જેવા જ વિવિધ વિભાગો હતા, અંગ્રેજી પેઢીને રસ પડે એવી વાંચન સામગ્રી હતી અને ખાસ તો ગૂગલિંગ કરવાથી ન મળે એવો વૈચારિક ખોરાક હતો. સફારીનું એ પગલું હરણફાળ ભરવા જેવુ હતું. પણ અંગ્રેજી વાચકોએ સફારીને જોઈએ એટલો આવકાર આપ્યો નહીં હોય એટલે (અથવા બીજા કોઈ કારણસર) હવે સફારી બંધ કરી દેવાયુ છે.
અને જોવાની વાત એ છે કે અંગ્રેજી સફારી બીજી વખત બંધ થયું છે. ૧૯૯૫માં અંગ્રેજી સફારી નીકળ્યુ હતું અને તેનો એક અંક આવ્યો હતો. અલબત્ત, ગુજરાતી સફારી ચાર વખત બંધ થયા પછી પાંચમી વખત બેઠું થઈ શકતું હોય તો અંગ્રેજી માટે પણ આશાના કિરણો બંધ નથી થતાં..