
મિત્ર Chirag Thakkarના સહયોગથી ઘણા સમયથી શોધતો હતો એ પુસ્તક વાંચવા મળી ગયુ. ‘ધ ગ્રેટ ટ્રેન રોબરી’, લેખકઃ સુશિલ ભાટીયા. સુશિલ ભાટીયા એટલે નગેન્દ્ર વિજય.
1963માં ઈંગ્લેન્ડમાં એક ટ્રેન લૂંટાઈ, જે હવે ‘ધ ગ્રેટ ટ્રેન રોબરી’ તરીકે ઓળખાય છે. એ પછી તો અનેક લૂંટ જગતમાં થઈ થતી રહે છે, પણ એ વખતે આ લૂંટે આખા જગતમાં સનસનાટી મચાવી હતી. ટ્રેનમાંથી 26 લાખ પાઉન્ડ જેવી રકમ ગુમ થઈ હતી અને ‘સ્કોટલેન્ડ યાર્ડે’ આકાશ પાતાળ એક કર્યા પછીય હજુય (2018માં પણ) તેનું પગેરું મળી શક્યું નથી.
પહેલી નજરે સામાન્ય દેખાતી એ લૂંટ ઘણી રીતે અસામાન્ય હતી. પોકેટમાર લુંટારાથી માંડીને લશ્કરી ડ્રેસ પર મેડલોની હારમાળા ખડકીને ફરતાં નાઝી અફસરો સહિતની ગેંગ તેમાં શામેલ હતી. ઈંગ્લેન્ડના રેલવેપુલ નીચેથી શરૃ થયેલી લૂંટના પ્રકરણોની ભૂગોળ બ્રિગેડોબ્રિજથી શરૃ થઈને ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ સુધી પહોંચી હતી. હમણાં સુધી લૂંટનારાઓ પણ જીવતા હતા. ગોર્ડન ગૂડી નામક મહત્વપૂર્ણ લુંટમાર સ્પેશિયાલિસ્ટનું મોત તો હજુ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ થયુ. એકાદ બે હજુય જીવતા હોય તો ખબર નથી કેમ કે ટ્રેન રોકી લુંટનારા 15 પૈકી કેટલાકના મોતની તારીખો મળતી નથી.
એ લૂંટ પર જ ધ ગ્રેટ ટ્રેન રોબરી નામનું આ પુસ્તક પોણા છસ્સો પાનાંમાં ફેલાયેલું છે. અનુવાદ નથી, કાયદેસરની સત્યકથા જ છે. મને એ વાંચવાની બહુ મજા પડી. એટલે, ‘લેખક અહીં આ કહેવા માગે છે’, ‘લેખક પાત્ર ઉપસાવવામાં સફળ રહ્યા છે કે નિષ્ફળ રહ્યાં છે’, ‘અહીં ફલાણો રસ નિષ્પન્ન નથી થતો..’ એવી સાહિત્યિક ભાષાઓમાં પુસ્તકની વાત કર્યા વગર પુસ્તકમાંથી જ સીધા કેટલાક અવતરણો/વાક્યો/વાક્યસમુહ અહીં મુક્યા છે. એ વાંચવાથી જ ખબર પડશે કે પુસ્તકમાં આપણને રસ પડવાનો છે કે નહીં..
– અંધારા આકાશમાં પથરાયે જતાં રૃના ગાભા પરથી એમ લાગતુ હતું કે ટ્રેનને સ્ટીમ એન્જિન જોડેલું હશે.
– કર્બનની સેંકડો કણીઓ નસકોરાં સોંસરવી ફેફસાંમાં ઊતરી ગઈ હોય એવું તેને લાગ્યું.
– એકાદ મિનિટ પછી ફરી વાર હોર્ન વાગ્યું. તેની ગર્જનાથી ભડકી ગયેલા દશથરિયાં અને ચામાચીડિયાં હેડલાઈટના શેરડામાં ઊડતાં દેખાયા -અને સોપો પડી ગયો.
– વિલ્સને હાથમાં પકડલા લોખંડી સળિયાની તેમને બીક ન લાગી એટલી નકાબમાં ડોકાતી બે ઝનૂની આંખોની લાગી. વીજળીના ખુલ્લા તાર પર જાણે પગ મૂકી દીધો હોય એમ તેમના પગ ત્યાં જ ચોંટી ગયા.
– પણ ડાલીની બીક ખોટી નહોતી. થોડા જ માઈલ દૂર રહેતા બર્કિંગહામશાયરના સી.આઈ.ડી. ઈન્સ્પેક્ટર માલ્કમ ફ્યુટેરલનો ટેલિફોન એ વખતે રણકવાની તૈયારીમાં હતો.
– એ બુલંદ શબ્દોએ રોજરને પૂતળું બનાવી દીધો. હૃદયને બેએક ધબકારા માટે ઊભું રાખી દીધું. શ્વાસોશ્વાસ થંભાવી દીધો. મગજમાં નાચ-કૂદ કરતા વિચારોને લગવો લગાડી દીધો.
– ઊંઘવાનો ડોળ કરતાં પડી રહેલા ગોર્ડને દરવાજો અંદરથી ભીડાવાનો અવાજ સાંભળ્યો એ જ ક્ષણે તેણે અનુભવ્યું કે જાણે રોયલ ટ્રેનનું ડીઝલ એન્જિન આવીને તેની છાતીમાં હૃદયની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. દરેક ધબકારે તેનું આખું શરીર હચમચવા લાગ્યું. ચામડીમાંથી ઝરતા પરસેવાનું પ્રમાણ વધી ગયું. સજાગ બની વાસ્તવિકતાનો સામનો તો શું, સ્વીકાર કરવા જેટલી હિંમત પણ હવે તેનામાં બાકી રહી નહોતી. લૂંટ દરમિયાન તેણે એકઠી કરેલી બધી હિંમત અત્યારે રેતીના ઢગલાની જેમ સરી પડી હતી અને તેમાં માથું ખોસીને તે પણ શાહમૃગની માફક પડી રહ્યો.
– ચકનાચૂર થયેલી હિંમત પાછી સંકેલતા તેણે કહ્યું.
– એ રાતે પહેલી જ વાર નિરાશાનો અંધકાર કેદખાનામાં પ્રવેશ્યો નહિ.
– બ્રેકના આંચકા સાથે પોલીસ વાન ઊભી રહી ત્યારે ચાર્લી વિલ્સનના માથા પર સવાર થયેલા વિચારો ગબડી પડ્યા.
– આ દીવાલ હવે તેની આઝાદી અને ગુલામી વચ્ચેની છેલ્લી ભેદરેખા હતી. પરંતુ ટોચ પર ઊભા પછીય તે પામી શક્યો નહોતો કે કઈ તરફ બંધન છે અને કઈ તરફ મુક્તિ છે?
– ગુનેગાર આલમમાં ક્યા ફરાર કેદીનું કાયમી સરનામું હતું કે રોનાલ્ડ બિગ્સનું હોય.
– ચાર્લી વિલ્સન માટે જાન્યુઆરી 25, 1968નો દિવસ બીજા કોઈ પણ સામાન્ય દિવસ જેવો ઊગ્યો, પરંતુ એ સૂર્યોદય તેની આઝાદીનો સંધ્યાકાળ પણ હતો.
– અને વાઘ જ્યારે જંગલમાં ફરતો હોય ત્યારે હરણ માટે સૌથી સલામત સ્થળ જંગલ નહિ, પણ વાઘની બોડ હોય છે.
– હૃદય છાતીમાંથી નીચે ઊતરીને પેઢુ સુધી પહોંચતુ લાગ્યુ.
– ત્રીસમાંથી એકેય જણ એ મેગેઝિન ન જૂએ, જોયા પછી તેને ઓળખી ન કાઢે અને ઓળખ્યા પછી પોલીસને જાણ ન કરે, એવી સંખ્યાબંધ આશાઓ રાખવી નકામી હતી.
– પરંતુ બિગ્સને ખબર નહોતી કે મોલી તેને જીવનભર યાદ રાખવાની હતી.
– એટલું તો માંડ બોલી શકી, પણ તેના અમુક શબ્દો બસની ઘરેરાટીમાં ઓગળી ગયા અને બાકીના પવનની લહેરોમાં તણાઈ ગયા.
– વિદેશી પ્રવાસીઓને સાઈટ-સીઇંગ કરાવતી બસો પણ હવે અમારા મકાન પાસે ઊભી રહી છે અને પ્રવાસીઓ રોયલ ટ્રેનના લૂંટારાનું ઘર કુતૂહલતાથી જોઈ રહે છે.
****
સામાન્ય રીતે સામાન્ય માણસ ટ્રાફિકના નિયમોના ભંગ કરવા જેવા ગુનાઓથી આગળ વધતો નથી, એટલે પછી મોટા પાયે આકાર પામેલી ક્રાઈમકથાઓ કાયમ લોકોને આકર્ષતી રહે છે. મને પણ સત્યકથાએ બહુ મજા કરાવી છે. અહીં આપેલા કેટલાક સિલેક્ટેડ વાક્યો, વાક્યસમુહો પરથી વાર્તા કેવી છે, અનુવાદ કેવો છે, ભાષાની રમજટ કેવી છે, વર્ણન કેવું છે.. વગેરેનો થોડો-ઘણો ખ્યાલ મળી રહે છે. અને વાર્તા વાંચવી કે નહીં એ નક્કી કરવા માટે એટલી વિગતો પુરતી છે..
પુસ્તક ક્યાં મળે સાહેબ?
કોઈ જૂના પુસ્તકો રાખનાર પાસેથી મળે તો થાય. હું પણ તપાસ કરી જોઉં. હવે સરળતાથી મળતી નથી.