કાલ્પનિક વિજ્ઞાનકથાના ભીષ્મપિતામહ જુલ્સ વર્ને તો શું શું નથી લખ્યું..? એમની એક વાર્તા છે Off on a Comet. તેનું ફ્રેન્ચ નામ તો જોકે ‘હેક્ટર સર્વાડેક’ છે કેમ કે વાર્તાનો હીરો હેક્ટર છે. નામ પ્રમાણે જ આપણને એ વાર્તા ધૂમકેતુ તરફ લઈ જાય છે. હજુ તો કાળામાથાના માનવીઓ ધૂમકેતુનો પ્રવાસ વિચારી રહ્યાં છે.. પણ વર્નદાદાએ તો છેક 1877માં એ વાત લખી નાખેલી. એમનો ગુજરાતી અનુવાદ ‘અવકાશની સફરે’ નામે મૂળશંકર ભટ્ટે (મૂળશંકર મો. ભટ્ટ નહીં) કર્યો છે.
એમાંથી મને ગમેલા કેટલાક અંશ, વાક્ય..
– કેપ્ટન ઘણી વાર કહેતો, થોડી ફિસસૂફી અને સાચી ભૂખ હોય તો ગમે ત્યાં, ગમે તે સંજોગોમાં ગાડું ગબડે… ફ્રાન્સના ગેસ્કની પ્રદેશમાં જન્મેલાને ફિલસૂફીની તાણ કદી ન પડતી. કેપ્ટન ગેસ્કન હતો.
– બેનઝૂફને લાગ્યું કે ઊંઘી જવાનો હુકમ હજુ મોડો મળશે. આથી ઉધરસ, છીંક વગેરેનો આશરો લઈ કેપ્ટનનું ધ્યાન દોરવા તેણે પ્રયત્ન કર્યો.
– વાત ખરેખર સાચી હતી. લગરીકેય શંકા ન હતી. પાણીમાં કિરણો પરાવર્તિત કરતો સૂર્ય સાચે જ પશ્ચિમ ક્ષિતિજથી ઊંચે ચઢી રહ્યો હતો.
– વિદ્યાર્થીકાળ દરમિયાન ખગોળશાસ્ત્ર કાળજીપૂર્વક ન શીખવા બદલ તેને અફસોસ થયો.
– માણસ જેવી કોઈ ચીજ મુસાફરી દરમિયાન જોવા મળી નહીં.
-દિવસ-રાતને છ કલાકના બનાવી સૂર્ય નિયમિતપણે નવી દિશામાં ઊગતો-આથમતો હતો.
– અકસ્માત પહેલા દિવસની જે લંબાઈ હતી તે અકસ્માત પછી અડધી થઈ છે તો સૈનિકો જાણવા માગે છે કે પગારમાં પણ એ પ્રમાણે ફેરફાર થશે?
– બીજી રજૂઆતમાં એમ વાત છે, મેજર! કે હવે દિવસો ટૂંકા થયા તો અમારે ચાર વખત ખાવાને બદલે બે જ વખત ખાવાનું રહેશે?
– પૂરેપૂરી વિધિથી મહારાણી વિક્ટોરિયાની વર્ષગાંઠ આ તેર વ્યક્તિના બનેલા લશ્કરે ઉજવી.
– પહેલી વાત એ કે બાકીનો 330 અંશનો પૃથ્વીનો પ્રદેશ સંપૂર્ણ રીતે અને ન સમજાય તે રીતે ગૂમ થયેલ છે.
– યહુદીઓમાં પણ તે અધમ હતો. વ્યોજખોર, અતિવિવેકી, કઠણ હૃદયનો, બોલકો, સોનાનો એરુ, મખ્ખીચૂસ, પૈસાનો લાલચી હતો. કુતરાંની જેમ તેને પૈસાની ગંધ આવતી. તેને આ દૂર્ગુણોથી મૂક્ત કરાવાની કોઈની તાકાત ન હતી.
-બેનઝૂફ અને નેગ્રેટે એટલા ઉત્સાહથી ચાકરી કરવા માંડી કે કોઈક વેેળા કાઉન્ટે બેનઝૂફને કહેવું પડતું, ભાઈ! ધ્યાન રાખો. તમે માણસના શરીરને માલિશ કરો છો. જમીન સાફ નથી કરતાં!
– તમે જાણતા નથી કે આ વિજ્ઞાનીઓ કેવા વિચિત્ર હોય છે! તેમં ય મારા પ્રોફેસર તો બધાથી ચઢે તેવા છે!
– ખગોળશાસ્ત્રીને પોતાનો ધૂમકેતુ ચોરાઈ જશે એવો ભય હતો?
– અરે લોભીદાસ! શી ગરબડ કરવા અહીં આવ્યો છે?
– થોડી મિનિટોની ઊંઘ ખેંચી પ્રોફેસરે માથુ ઊંચું કર્યું. ચારે તરફ નજર ફેરવી. શ્રોતાઓની સંખ્યા ઘટી ગઈ છે તે તરફ છેક હવે તેનું ધ્યાન ગયું. ભવાં ચડાવી કરડાકી ભર્યા અવાજે તેણે પ્રશ્ન કર્યો – બાકીના બધા ક્યાં ગયા?
– બાળક પ્રત્યે ઘૂરકવાની તક જિંદગીમાં પહેલી વખત તેણે જતી કરી.
– આવો ટીનકૂડો ધૂમકેતુ! આવો ધૂમકેતુ શોધી કાઢતાં હું લાજી મરું! આને ધૂમકેતુ કહેવાય? હું તો તેને લખોટી, વટાણો કે ટાંકણીનું માથું કહીશ!
– બાપની કબરમાં આંખ બંધ રહે તે માટે મૂકેલા સિક્કાનું પણ વ્યાજ માગે એવો છે!
– જુઓને હમણાં બપોર છે પણ મોંસૂઝણું માંડ થયું છે!
– અંતે તે એવા નિષ્કર્ષ પર આવ્યો કે માલ વેચવો ખરો પણ 200 ટકા જેટલા નફાથી સંતોષ માનવો.
-પ્રોફેસર થોડો ચક્રમ જેવો ખરો પણ તેનો બીજો કોઈ ત્રાસ ન હતો.
– પ્રોફેસરને આંકડાની જાળ, આકૃતિઓ અને ગણતરીનું શૂરાતન ચડતું. જમતાં જમતાં પણ તેના મનમાં આંકડા ઉભરાતા.
– બેનને બહુ મજા પડી. આ દૃશ્યની મજા માણવા એ એક વરસનો પગાર જતા કરવા તૈયાર હતો. બેચાર લાફા પ્રોફેસરને લાગે તો યે તેને વાંધો ન હતો. બન્ને (બાધવાની) સગવડ કરી આપવા બધું ફર્નિચર તેણે એકબાજુ ખસેડ્યું! તાળીઓ પાડતો અને બૂમો પાડતો તે તમાશો જોવા લાગ્યો.
– કાઉન્ટનો સ્વભાવ ઉમદા અને ખાનદાન હોવા છતાં એક સ્ત્રી બાબતમાં તે પોતાનો હરીફ છે એ વાત કેપ્ટન ભૂલી શક્યો નહોતો.
– હૃદય જેવી ચીજ પ્રોફેસરને છે કે કેમ તેવો અંદેશો અાજ સુધી કેપ્ટને સેવ્યો તેનું થોડું દુઃખ પણ મનમાં થયું. પણ થોડી વારમાં તેનો ભ્રમ ભાંગી ગયો. પ્રોફેસરને હૃદય અવશ્ય હતું, પણ માણસોના સુખદુઃખને કારણે તે ધબકતું નહોતું.
– આકાશમાં ક્યાંય નેરિના દેખાતો નહોતો! ગેલિયાના આ અપ્રાણિક ઉપગ્રહને કોઈક તારાએ સપડાવ્યો હતો!
– ખૂબી એ થઈ કે બધામાંથી ઓછુ ભણેલાઓએ બુદ્ધિના ચમકારા બતાવ્યાં.
– પ્રોફેસરની હાલત અત્યારે બહુ ખતરનાક છે. કોઈકને ઝાપટવા તેના હાથ થનગને છે!
***
આ કથા વિજ્ઞાન ઉપરાંત સસ્પેન્સ પણ છે. પરંતુ તેનું રહસ્ય ખુલે નહીં એ વાતનું અહીં ધ્યાન રાખ્યું છે.
આ પુસ્તક પ્રવિણ પ્રકાશને (રાજકોટ) પ્રકાશિત કર્યું છે. ત્યાં મળતું હોય કે ન હોય પણ આ વેબસાઈટ http://www.booksforyou.co.in/Books/Avkashni-Safare પર ઉપલબ્ધ બતાવે છે.
એક ખુબ સરસ પુસ્તક છે. આ પુસ્તકની પ્રસ્તાવના પણ ખુબ માહિતી સભર અને જુલે વર્ન વિશે રોચક માહિતી આપે છે. સમગ્ર પુસ્તક વાંચતા સાહસિકોની સૃષ્ટિની સતત ઝાંખી થયા કરે છે.
લલિતભાઇ બસ આવી સરસ માહિતી મુકતા રહો… જુના અદભૂત પુસ્તકો પુનઃ જાગૃત કરો.
– ઝાકળ
એક ખુબ સરસ પુસ્તક છે. આ પુસ્તકની પ્રસ્તાવના પણ ખુબ માહિતી સભર અને જુલે વર્ન વિશે રોચક માહિતી આપે છે. સમગ્ર પુસ્તક વાંચતા સાહસિકોની સૃષ્ટિની સતત ઝાંખી થયા કરે છે.
લલિતભાઇ બસ આવી સરસ માહિતી મુકતા રહો… જુના અદભૂત પુસ્તકો પુનઃ જાગૃત કરો.