ગુજરાતી હાસ્યસાહિત્યમાં બકોર પટેલ નામનું પાત્ર અમરત્વ ભોગવે છે. પણ બકોર પટેલનું સર્જન કોણે કર્યું? મેં નાનપણમાં બકોર પટેલનાં ઘણાં પરાક્રમો વાંચ્યા હતા, પણ હમણાં સુધી મનેય તેમના સર્જકનું નામ યાદ ન હતું.
હવે તો ગૂગલની મદદ લઈએ એટલે મળી આવે કે હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલ અને તેમની સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તો પછી હરિપ્રસાદદાદા કોણ હતા? ‘સાર્થક જલસો’ના દસમાં અંકમાં ઉર્વીશભાઈએ વિગતવાર હરિપ્રસાદ વ્યાસનો પરિચય આપ્યો છે. બીજે ક્યાંય હરિપ્રસાદ વ્યાસ વિશે ખાસ લખાયું નથી અને લખાયું હોય તો સરળતાથી મળતું નથી. માટે આ પરિચય વિશેષ મહત્વનો બની રહે છે.
વિવિધ તબક્કે તારક મહેતા, રતિલાલ બોરીસાગર વગેરે ધૂરંધર હાસ્યકારો એ વાતનો ઋણ સ્વીકાર કરી ચૂક્યા છે કે તેમના સર્જન પર હરિપ્રસાદનો પ્રભાવ રહ્યો છે. પરિચયમાં એક સરસ કિસ્સો નોંધ્યો છે કે મુંબઈમાં એક ભાઈ બીમાર પડ્યા તો સાજા થવા માટે ડોક્ટરે બકોર પટેલના બધા ભાગો વાંચવાની ભલામણ કરી હતી.
બકોર પટેલ તો યાદ છે, પરંતુ તેમના સર્જક હરિપ્રસાદ ખાસ યાદ રહ્યા નથી. તો શું કરવું? શું કરવું… તેનો જવાબ લેખના અંતે આપ્યો છે.
*******
વિજ્ઞાન પાછળ ખર્ચો કરીને ક્યાં જવું છે?
ગુજરાતીમાં હવે તો વિજ્ઞાન લેખન તરીકે સફારી સામયિક પર્યાય બની ચૂક્યું છે. પણ વર્ષો પહેલા ઘણા લેખકોએ વિજ્ઞાનના વિવિધ વિષયોમાં ખેતી કરી ગુજરાતી ભાષામાં તેનો પાક ઉતારી આપ્યો હતો. વ્યવસાયે ડોક્ટર પણ બહુ સારા વિજ્ઞાન લેખક સુશ્રુત પટેલે જલસો-10માં ભૂલાયેલા ગુજરાતી વિજ્ઞાન લેખકોનો પરિચય આપ્યો છે.
મોઢામાં કાચી પાંત્રીનો માવો અને ખિસ્સામાં ચાઈનિઝ બનાવટનો
ફોન રાખીને ઘણા લોકો સવાલ કરતાં હોય છે કે વિજ્ઞાન પાછળ આટલો ખર્ચ કરીને ક્યાં જવું છે? ચંદ્ર મિશન કે મંગળ મિશન કે કોઈ પણ અવકાશી મિશન પાછળ આટલા બધા બજેટની શું જરૃર છે?
એવા ઘણા સવાલોના જવાબમાં પણ લેખ લખી શકાય, એટલી વિગતો અને દલીલો છે. પણ આ લેખમાં એક રસપ્રદ કિસ્સો ટાંક્યો છે. એ કિસ્સો : – વિશ્વયુદ્ધ ચાલતું હતુ ત્યારે અંગ્રેજ સાહિત્યકાર ગિલ્બર્ટ મરેને કોઈએ સવાલ કર્યો કે અત્યારે જુવાનો સંસ્કૃતિની રક્ષા માટે જીવ આપી રહ્યા છે ત્યારે તમે અહીં બેઠા બેઠા શું કરો છો? મરેએ જવાબ આપ્યો – જવાનો જેની રક્ષા માટે પ્રાણાપર્ણ કરે છે એ સંસ્કૃતિ તે હું જ છું.
મરેને કહેવાનો ભાવાર્થ એટલો કે લેખન-સાહિત્ય-વિજ્ઞાન-કળા એ બધું મળે ત્યારે સંસ્કૃતિ બને છે એને કોઈ પણ દેશે સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો આ બધાનું રક્ષણ કરવું પડે અને તેની પાછળ ખર્ચ પણ કરવો પડે.
લેખમાં જોકે વિજ્ઞાનનું મહિમાગાન નથી પરંતુ દુર્લભ વિજ્ઞાન પુસ્તકોનો પરિચય છે, જેમાં વનસ્પતિવિજ્ઞાન, પ્રાણીશાસ્ત્ર, ખગોળ, અવકાશ, શરીર, ભૂસ્તર, હવામાન વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
*****
જલસો અહીંથી મળશે http://saarthakprakashan.com/