હવે મળશે શિયાળા દરમિયાન પણ ચારધામના દર્શન કરવાનો અવસર

char dham yatra

હવે શિયાળામાં પણ હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર ધામની સફર કરી શકાશે

ઉત્તરાખંડ, કે જેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. દેવતાઓની ભૂમિ ગણાતા આ રાજ્યનો દરેક ખૂણો ધાર્મિક અને પવિત્ર છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલ ચાર ધાર્મિક સ્થળોનું સવિશેષ મહત્વ છે. જેને ઉત્તરાખંડના ચારધામ અથવા તો છોટા ચારધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં યમનોત્રી, ગંગોત્રી, કેદરનાથ અને બદ્રિનાથનો સમાવેશ થાય છે. છોટા ચારધામ એટલા માટે કે હિંદુ ધર્મના શાસ્ત્રો અનુચાર જે મુખ્ય ચાર ધામ છે તેમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દ્વારકા (ગુજરાત), જગન્નાથપુરી (ઓડિશા) અને રામેશ્વરમ (તામિલનાડૂ)નો સમાવેશ થાય છે. જે બડા ચારધામ તરીકે ઓળખાય છે.

હિંદુ ધર્મના પુરાણો અને ધર્મગ્રંથોમાં ચારધામ યાત્રાને મહત્વપૂર્ણ અને પવિત્ર ગણવામાં આવી છે. ચારધામ યાત્રાને સૌથી શ્રેષ્ઠ એન પવિત્ર તીર્થયાત્રા ગણવામાં આવે છે. બડા ચારધામ અને છોટા ચારધામ એ બંને યાત્રાઓનું સવિશેષ મહત્વ છે. ધર્મગ્રંથોએ તો પ્રત્યેક હિંદુને આ તીર્થયાત્રા કરવી જોઇએ તેવી વાત કરી છે. ત્યારે ઉત્તરાખંડમાં આવેલા ચારધામ વિશે વાત કરીએ તો વર્ષ દરમિયાન માત્ર છ મહિના જ આ ધામ ખુલ્લા રહે છે.

1. યમુનોત્રી : યમુનોત્રી ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લામાં આવેલું છે. જે પવિત્ર એવી યમુના નદીનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. આ જગ્યા પર યમુના માતાનું મંદિર છે.

2. ગંગોત્રી : માં ગંગાનુ ઉદ્ગમ સ્થાન ગણાતું ગંગોત્રી પણ ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લામાં આવેલું છે. જ્યાં ગંગા માતાનું મંદિર છે.

3. કેદારનાથ : મહાદેવનું ધામ કેદારનાથ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે કેદારનાથનું મંદિર પાંડવો દ્વારા બાંધવામાં આવ્યું છે.

4. બદ્રિનાથ : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રિનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જે અલકનંદા નદીના કિનારે આવેલું છે, જે આગળ જતા ગંગામાં ભળે છે.

https://twitter.com/prabhatkumarbjp/status/1471721171322212353

શિયાળામાં હિમાલયના પહાડોમાં આવેલા આ તીર્થ સ્થાનો સુધી જઇ શકાય તેવું વાતાવરણ નથી હોતું. ભયંકર ઠંડી અને બરફવર્ષાના કારણે ત્યાં જવું સલામત નથી હોતું. આ કારણોસર વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શિયાળાની શરુઆત થતા જ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રિનાથના દ્વાર બંધ કરવામાં આવે છે. જે લગભગ છ મહિના સુધી બંધ રહે છે. જ્યારે ઉનાળામાં ફરીથી વાતાવરણ પ્રવાસ યોગ્ય બને ત્યારે મંદિરોના દ્વાર ખુલે છે અને સાથે ચારધામ યાત્રા પણ શરુ થાય છે. એટલે કે વર્ષ દરમિયાન 6 મહિના મંદિર ખુલ્લા રહે છે અને છ મહિના બંધ. તેમાં પણ ચાર ધામ યાત્રા તો ઉનાળા દરમિયાન ચાર મહિના જ થઇ શકે છે. સામાન્ય રીતે મે મહિનાની અંદર આ મંદિરો ખોલવામાં આવે છે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં બંધ કરવામાં આવે છે.

  • શીતકાલિન ચારધામ યાત્રાના સ્થળ
  • યમુનોત્રી : ખરસાલી, ઉત્તરકાશી
  • ગંગોત્રી : મુખબા મંદિર, ઉત્તરકાશી
  • કેદારનાથ : ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ
  • બદ્રિનાથ : નરસિંહ મંદિર, જોશીમઠ

જો કે છેલ્લા થોડા વર્ષોથી એક નવી પરંપરા શરુ થઇ છે. જે લોકો ઉનાળા દરમિયાન ચારધામ યાત્રાનો લાભ નથી લઇ શક્યા, તેઓ શિયાળામાં ચારધામ યાત્રા કરી શકે છે. જેને શીતકાલિન ચારધામ યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ શીતકાલિન ચારધામ યાત્રાની શરુઆત 2014ના વર્ષમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને થશે કે શિયાળઆ દરમિયાન ચારધામ મંદિરો તો બંધ હોય છે અને ત્યાં પહોંચી પણ ના શકાય તો ચારધામની યાત્રા કઇ રીતે થઇ શકે?

જેનો જવાબ એ છે કે જ્યારે શિયાળાની શરુઆતે ચારધામ મંદિરોને બંધ કરવામાં આવે છે, ત્યારે ત્યાંના દેવતાઓને ડોલીમાં બેસાડીને અન્ય સ્થળ પર લઇ જવામાં આવે છે. આ જગ્યા પર આ દેવી-દેવતાઓની પહેલાની માફક જ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આખો શિયાળો આ દેવી-દેવતા પોતાના શીતકાલિન પ્રવાસ સ્થાન પર હોય છે અને ફરી જ્યારે ઉનાળા દરમિયાન મંદિરો ખુલે છે ત્યારે ફરી વખત ડોલીમાં બેસાડીને તેમને મુખ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે.

શીતકાલિન ચારધામ યાત્રામાં મંદિર બંધ થયા બાદ ચારેય ધામના દેવી-દેવતાઓ જ્યાં શીતકાલિન પ્રવાસ પર હોય છે તે સ્થળોની યાત્રા કરવામાં આવે છે. જેને શીતકાલિન ચારધામ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. શિળાયો શરુ થતા જ ગંગોત્રીથી મા ગંગાની ડોલી ઉત્તર કાશીના મુખબા ગામે લઇ જવમાં આવે છે. જ્યારે યમુનોત્રીથી યમુના મૈયાની ડોલી ખરસાલી પહોંચે છે. તો આ તરફ બાબા કેદારનાથને ઉખીમઠ તથા બદ્રિનાથને જોશીમઠ લઇ જવામાં આવે છે. શીતકાલિન ચારધામ યાત્રા કરીને આ ચારેય સ્થાનો પર ચારધામના દેવી –દેવતાઓના દર્શન કરી શકાય છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *