બહારના ભાગે બોર્ડમાં લખેલું હતું, ‘એશિયાનું એકમાત્ર નેવલ એવિએશન મ્યુઝિયમ’. મ્યુઝિયમ હોવાની માહિતીથી અમે પ્રભાવિત થઈને ગોવાના છેવાડે આવેલા આ સ્થળ સુધી પહોંચ્યા હતા. એમાં વળી આ માહિતી વાંચી કે એશિયાનું એકમાત્ર છે એટલે અહોભાવનું પ્રમાણ ઊંચકાયુ.
બહુ ઓછા પ્રવાસીઓ મ્યુઝિયમ સુધી જતાં હોય એ પછી ગોવા હોય કે ગંગટોક. ગોવામાં ઘણા મ્યુઝિયમ છે અને એમાં આ નૌકાદળનો ઈતિહાસ રજૂ કરતું હતુ, અમારા રસનો વિષય હતો. મ્યુઝિયમની અંદર પહોંચ્યા. જોકે અંદર પહોંચો એ પહેલા જ બહારથી અંદર ગોઠવાયેલા નૌકાદળના વિમાન-હેલિકોપ્ટર દેખાતા હતા.
ભારતીય લશ્કરની નૌકાશાખા કેવી રીતે કામ કરે એની બધી માહિતી તો આ મ્યુઝિયમમાંથી નથી મળી જવાની પરંતુ ઘણી ખરી જરૃર મળે છે. નૌકાદળના વિવિધ હેલિકોપ્ટર, વિમાન, મિસાઈલ્સ, વિમાન એન્જીન, સબમરિનનું મીનિ મોડેલ, રેડાર વગેરે સામગ્રી બહાર મેદાનમાં ગોઠવાયેલી હતી.
સામાન્ય રીતે લશ્કરી સામગ્રી પાસે આમ જનતા જઈ ન શકે. પરંતુ અહીં દરેક શો-પીસ નજીકથી, સ્પર્શીને જોઈ શકાય છે. કોઈ રોક-ટોક નથી, સરકારી મ્યુઝિયમમાં હોય એવા ફાલતુ પ્રકારના નિયમો પણ નથી. એટલે પ્રવાસીઓ મુક્ત રીતે મ્યુઝિયમ માણી શકે છે. અમારા માટે આનંદની વાત હતી.
અહીં મુકેલા દરેક આયુધ-શસ્ત્ર-સરંજામ નિવૃત્ત થઈ ચૂક્યા છે. પરંતુ દરેક સાથે ક્યારે વપરાતા હતા, શું વિશિષ્ટતા હતી, વગેરે માહિતીના બોર્ડ મારેલા છે. આ વિમાનો ઘણા સમયથી અહીં પડ્યા છે. તેનો સંકેત એક વિમાનના નીચેના ભાગમાં અમે જોવા ઘુસ્યા ત્યારે મળ્યો. એ વિમાનનું ફાલકું હવામાં ખુલી જતું હતુ અને ત્યાંથી બોમ્બ-મિસાઈલ પડતા મુકાતા હતા. હવે નીચે ગોઠવાયેલા વિમાનને જોઈને અમે પણ ફાલકા અંદર પ્રવેશ્યા. ત્યાં એક હોલાએ માળો બનાવેલો હતો. ઈંડા હશે, કેમ કે હોલી અમે નજીક પહોંચ્યા તો પણ સ્થિર થઈને બેઠી રહી.
યુદ્ધકાળમાં આ આયુધોનો જે ઉપયોગ થયો હોય એ પણ અત્યારે તો આવા નવતર ઉપયોગ થતા હતા. મ્યુઝિયમ બે ભાગમાં વહેંચાયેલુ છે, આઉટડોર, ઈનડોર. આઉટડોર જોયા પછી સબમરિનના દરવાજા જેવા એક દ્વારની અંદર અમે પ્રવેશ કર્યો.
પરસાળની બન્ને બાજુ વિવિધ ખંડ હતા. બહાર ન રાખી શકાય એવી સામગ્રી જેમ કે પોશાક, નાના હથિયાર, સાઈન લેંગ્વેજના કોડ વર્ડ, પાઈલટ માટેના લોગ્સ, વિવિધ જહાજોના નામ, તેમના પ્રતીક, ઓળખ, અત્યાર સુધી માત્ર નામ સાંભળ્યા-વાંચ્યા હોય એવી લશ્કરી સામગ્રી અંદર ગોઠવાયેલી હતી.
આગળ જતાં એક મોટો ખંડ આવ્યો, જે નૌકાદળના વિમાનવાહક જહાજ વિક્રમાદિત્યને સમર્પિત હતો. થોડા વર્ષો પહેલા કોચીમાંથી પસાર થતી વખતે જહાજવાડામાં તૈયાર થઈ રહેલું વિમાનવાહક જહાજ જોયું હતુ. પરંતુ દૂરથી. અહીં એવા જ વિમાનવાહકનું નાનું મોડેલ મુકવામાં આવ્યુ છે. નૌકાદળમાં કારકિર્દી બનાવવી હોય, લશ્કરમાં રસ હોય અને ભારતના નાગરિક હોવાનું ગૌરવ હોય એવા સૌ કોઈને આ સંગ્રહાલયમાં ઘણુ જાણવાનું મળે એમ છે.
સંગ્રહાલયની મુલાકાત પતાવીને અમે ગોવા સરકારની એસ.ટી. બસ પકડી પરત ફર્યા. ગોવાની પ્રજા પ્રોફેશનલ વધુ છે, સંવેદનશિલ ઓછી છે. કંઈ પૂછીએ તો જવાબ આપવો હોય તો આપે. વખત માહિતી જ નથી હોતી. એક તરફ લખનૌ જેવુ શહેર છે, જ્યાંની અલગ તહેઝિબ છે. પણ ગોવા અને લખનૌ વચ્ચે અંતર છે, એટલુ જ અંતર અહીંની પ્રજાને તહેજીબ સાથે છે.
એ ગોવામાં અમારી છેલ્લી રાત હતી.