ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર હોટેલ બની. ભારતમાં આ પહેલો પ્રસંગ છે. પરંતુ આ પ્રથા મૂળ જાપાનની છે. ત્યાં લગભગ દરેક મોટા શહેરના મુખ્ય સ્ટેશનો રેલવે સ્ટેશનને બદલે ગગનચૂંબી મકાનો જેવા જ હોય છે. એટલે દરેક સ્ટેશન ઉપર હોટેલ, શોપિંગ મોલ, થિએટર, સહિતના અનેક આકર્ષણો જોવા મળે છે.
જગતના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવરનો રેકોર્ડ જાપાનના નાગોયા શહેરના નામે છે. નાગોયાનું મુખ્ય રેલવે સ્ટેશન દૂરથી જોતા કોઈ રીતે રેલવે સ્ટેશન જેવુ ન લાગે. કેમ કે તેની માથે બે ગોળાકાર ટાવર ઉભા છે. વળી ટાવર પાંચ-સાત માળના નહીં 55 અને 59 માળના છે. એટલે તેની અંદાજિત ઊંચાઈ 650 ફીટ જેવી છે. નાગોયા શહેરના એ બીજા નંબરના સૌથી ઊંચા મકાનો છે. નાગોયા સ્ટેશન ફ્લોર એરિયાની દૃષ્ટિએ પણ જગતના સૌથી મોટા સ્ટેશનોમાં સ્થાન પામે છે. તેનો વિસ્તાર 4,10,000 ચોરસ મીટર જેટલો છે.
જાપાનમાં દરેક મોટા રેલવે સ્ટેશનો જમીન પર દેખાય એટલા નીચે પણ હોય છે. કેમ કે એક જ સ્ટેશનમાં બુલેટ (શિન્કાનસેન), મેટ્રો, લોકલ, એક્સપ્રેસ એમ વિવિધ પાંચ-સાત પ્રકાર-પેટા પ્રકારની ટ્રેનો દોડતી રહે છે. દરેક ટ્રેન મુજબ ભૂગર્ભમાં બેઝમેન્ટ-1, બેઝમેન્ટ-2 એમ પ્લેટફોર્મ હોય છે. નાગોયા સ્ટેશન પર કદાવર ટાવર હોવાનું એક કારણ એ કે જાપાનની મહત્વની રેલવે કંપની સેન્ટ્રલ જાપાન રેલવે કંપની (JR Central)નું ત્યાં હેડક્વાર્ટર છે. એક ટાવર જાપાન રેલવેને સમર્પિત છે, તો બીજો ટાવર મેરિયોટ હોટેલના કબજામાં છે. એ ઉપરાંત શોપિંગ મોલ, થિએટર, રેસ્ટોરાં અને અન્ય બાંધકામો અહીં ફેલાયેલા છે.
આ સ્ટેશન પર કુલ 17 પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મને વિવિધ પ્રકારની ટ્રેનો વચ્ચે વહેંચી દેવાયા છે. જેમ કે 9 નંબરનું પ્લેટફોર્મ માત્ર માલગાડી માટે છે અને એ અહીં ઉભી રાખવાની હોતી નથી. માટે ત્યાં મુસાફરો જઈ ન શકે એવી વ્યવસ્થા કરાઈ છે. એ સિવાય 1થી 13 નંબરના પ્લેટફોર્મ જાપાન રેલવે માટેના છે. જ્યારે 14થી 17 શિન્કાનસેન એટલે કે બુલેટ માટેના છે.
જાપાનના દરેક રેલવે સ્ટેશનની માફક અહીં પણ ટિકિટ ચેકિંગ માટે અધિકારીઓની જરૃર નથી. દરવાજા જ એ રીતે બનાવ્યા છે કે તેમાં ટિકિટ નાખ્યા પછી બહાર નીકળી શકાય કે અંદર આવી શકાય. તો વળી જાપાનમાં દરેક રેલવે સ્ટેશનમાં નાના-મોટા-મધ્યમ એમ વિવિધ કદના લોકર હોય છે. કેમ કે મોટી વસતી રેલવે પર આધારિત છે. રોજ જરૃરી સામાન સાથે ફેરવવો ન હોય તો સ્ટેશના લોકરમાં રાખી શકાય.