Natural Wonders of the India : જોવા જેવી ભારતની 10 પ્રાકૃતિક અજાયબીઓ!

Wonders of the India

માણસ ભલે અત્યારે ચંદ્ર અને મંગળ પર પહોંચ્યો, પરંતુ કુદરત સામે તો હંમેશા તે વામણો જ રહેશે. પૃથ્વી પર માણસે અત્યાર સુધીમાં અનેક અજબ-ગજબ વસ્તુઓ બનાવી છે. જો કે પ્રકૃતિએ જે અજાયબીઓ બનાવી છે, તેની સામે માણસે બનાવેલી તમામ વસ્તુઓ તુચ્છ લાગે છે. કુદરતની કેટલીક રચના તો એવી છે કે જેને જોઇને આપણને આપણી પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે. ભારતમાં પણ એવી અનેક જગ્યાઓ છે જ્યાં આવી પ્રાકૃતિક અજાયબીઓ આવેલી છે.

1. મેગ્નેટિક હિલ, લદ્દાખ

જમ્મુ કાશ્મીરના લેહમાં એક એવો પહાડી વિસ્તાર છે, જેને મેગ્નેટિક હિલના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા પર જો તમે ગાડીને ન્યુટ્રલમાં ઉભી રાખશો તો તે નીચે નહીં જાય, પરંતુ ઉપર જશે. બંધ ગાડી પોતાની મેળે જ 20 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ જશે. વિજ્ઞાનીઓ જણાવ્યા પ્રમાણે ગુરુદ્વારા પઠાર સાહેબ પાસે આ પર્વતિય વિસ્તારમાં ચુંબકિય તાકાત ઘણી વધારે છે.

આ ચુંબકિય ક્ષેત્ર વડે માત્ર રોડ જ નહીં પરંતુ હવાઇ માર્ગ પણ પ્રભાવિત થાય છે. આ વિસ્તાર પરથી પ્લેન ઉડાવતા પાયલટોએ જણાવ્યું છે કે જ્યારે તેઓ આ વિસ્તાર પરથી પસાર થાય છે ત્યારે તેમને ઝટકો લાગે છે.

આ વિસ્તાર શ્રીનગર-લદ્દાખ રોડ પર લેહથી ૨૭ કિલોમીટરના અંતરે આવેલો છે. કારગીલથી તેનું અંતર ૧૯૦ કિલોમીટર જેટલું છે. જોકે બીજી હકીકત એ પણ છે કે આ વિસ્તારની ભૂગોળ એવી છે કે ઊંચો ઢાળ નીચો લાગે, નીચો ઊંચો લાગે. એક પ્રકારનો દૃષ્ટિભ્રમ પણ કહી શકાય. એટલે ભુગોળ અને વિજ્ઞાન બન્નેના કારણે આ સ્થળે નવતર અનુભવ થાય છે. પરંતુ પ્રવાસીઓને અનુભવ મળે એટલે ઘણુંય. તેની પાછળ શું કારણ છે, એ જાણવાની પળોજણમાં પડવાનું હોતું નથી.

આવા સ્થળો જોકે આખા જગતમાં છે. ભારતમાં પણ અનેક છે. એક આવું મેગ્નેટિક સ્થળ તો તુલસીશ્યામ નજીક જ છે. પરંતુ તેને લદ્દાખ જેટલી પ્રસિદ્ધિ મળી નથી.

2. લોનાર તળાવ, મહારાષ્ટ્ર

લોનાર તળાવ મહારાષ્ટ્રના સૌથી મોટા પ્રાકૃતિક રહસ્યોમાંથી એક છે. લગભગ 52000 વર્ષ પહેલા બનેલી આ કટોરીના આકારના તળાવનું નિર્માણ અંતરીક્ષમાંથી આવેલા ઉલ્કાપિંડના કારણે થયું હતું. આ તળાવના પાણીમાં થતા બદલાવ પર આજે પણ નાસાના વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે. લગભગ 1.8 કિમી પહોળા અને 500 મીટર ઉંડા આ તળાવને ફરતે અનેક પ્રાચીન મંદિરો પણ આવેલા છે. ઘણા પ્રાચીન પુસ્તકોમાં પણ આ તળાવનો ઉલ્લેખ જોવા મળે છે.
મહારાષ્ટ્રના બુલદાણામાં આવેલું લોનાર સરોવર આખા દેશના બધા સરોવરમાં અલગ છે, કેમ કે એ લઘુગ્રહની પછડાટથી સર્જાયું છે. કરોડો વર્ષો પહેલા ધરતી પર ત્રાટકેલો લઘુગ્રહ જમીનમાં ઉતરી ગયો અને એ પછી જે સર્જાયું એ આજનું લોનાર સરોવર. હવે આ સરોવરને રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. રામસર સાઈટ એ આંતરરાષ્ટ્રીય ઓળખ છે,  જે જગતભરના જળાશયોને આપવામાં આવે છે. રામસર સાઈટ જાહેર થયેલા જળાશયોને મહત્ત્વના ગણીને તેની વિશેષ કાળજી લેવામાં આવે છે. લઘુગ્રહથી સર્જાયા હોય એવા ખાડા અને જળાશયો દુનિયામાં ઘણી જગ્યાએ છે, પણ ભારતમાં તો લોનાર એવું એકમાત્ર સરોવર છે.

3. વૃક્ષોમાંથી બનેલા પ્રાકૃતિક પૂલ, મેઘાલય

મેઘાલય પ્રકૃતિએ બનાવેલું અને સજાવેલું એક સુંદર રાજ્ય છે. આ રાજ્યમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના તદાતમ્યનો ઉત્તમ નમૂનો છે લિવિંગ રુટ બ્રિજ એટલે કે વૃક્ષોમાંથી પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા પૂલ. આ પૂલ વડના વૃક્ષની વડવાઇમાંથી બનેલા હોય છે, જેના પર તમે આરામથી ચાલી શકો છે. ચેરાપૂંજીમાં તો તમને ઘણા બધા ડબલ ડેકર બ્રિજ પણ જોવા મળશે. સામાન્ય રીતે આવા પૂલ નાની મોટી નદીઓ પર બનેલા છે. પૂલ જોવામાં ઘણી સુંદર છે અને સાથે મજબૂત પણ છે. એક પુલ તો ૧૮૦ વર્ષ કરતાય જૂનો છે. પહેલાં બનેલો આ પુલ લિવિંગ રૃટ્સ એટલે કે જીવંત મૂળિયાના પુલ તરીકે ઓળખાય છે. એક સાથે પચાસ લોકો પુલ પરથી પસાર થાય તો પણ પુલને કશો ફરક પડતો નથી. પુલ વળી બે માળનો છે!પુલ ગાઢ જંગલમાં ખુબ ઊંડે આવેલો છે, જ્યાં રસ્તા જેવી કોઈ ચીજ નથી. એટલે વાહન હોય કે વાહન પુલ પરથી પસાર થાય એવી તો કલ્પના પણ અશક્ય છે. અહીં અઢળક માત્રામાં વરસાદ પડે છે, એટલે પુલને જકડી રાખતા મૂળિયા ક્યારેય સુકાઈ જાય એવું બનતું નથી. ચોમાસામાં જ્યારે નદી નાળા છલી વળ્યા હોય ત્યારે તેને પાર કરવા અત્યંત કપરાં બને છે. માટે અહીં રહેતા ખાસી જાતિના આદિવાસીઓએ આવા ઘણા પુલો તૈયાર કરી દીધા છે. જગતનું કોઈ એન્જિનિયરિંગ તેઓ જાણતા નથી, પણ તેમને કુદરતનો ટેકો છે એટલે તેમના પુલને કંઈ થતું પણ નથી.

4. સંગેમરમરના ખડકો, મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદીના કિનારે આવેલા માર્બલ રોક્સ એટલેકે સંગેમરમરના  ખડકો પ્રકૃતિની કારીગરીનો અદ્ભુત નમૂનો છે. પોતાના અલગ અલગ આકાર અને રંગો માટે પ્રખ્યાત આ પથ્થરો સૂર્યના પ્રકાશ સાથે રંગ બદલે છે. બપોરના સમયે આ પથ્થરોની ચમક જોવાલાયક હોય છે. સમર્થ ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટે પોતાની નવલકથામાં આ વિસ્તારનું અદભૂત વર્ણન કર્યું છે. એ વાંચીને ગુજરાતનો એક વર્ગ આ સંગેમરમરની દુનિયા જોવા પહોંચી જતો હતો. આજે પણ મધ્ય પ્રદેશના સૌથી વધુ પ્રવાસી આકર્ષતા સ્થળોમાં ભેડાઘાટનો સમાવેશ થાય છે.

5. લોકટક તળાવ, મણિપુર

મણિપુરમાં આવેલું લોકટક તળાવ ઉત્તર પૂર્વનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. આ તળાવ પાણીની સપાટી પર તરતી વનસ્પતિ અને માટીના મકાનો માટે પ્રસિદ્ધ છે. આવા હરિત ઘરોને ફુમદિ પણ કહેવામાં આવે છે. એકથી ચાર ફૂટ જેટલા વિશાળ ઘેરાવમાં વનસ્પિ, માટી અને જૈવિક પદાર્થો વડે આ ઘર બનેલા હોય છે. જેને ફ્લોટિંગ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. લોકટક લેકની તરતા સરોવર તરીકેની ઓળખ આખા જગતમાંથી પ્રકૃત્તિ પ્રેમીઓને ત્યાં ખેંચી લાવે છે. પાણીની વધ-ઘટ થતી રહે એમ સરોવરની સપાટી 250થી 500 ચોરસ કિલોમીટર જેટલું થતું રહે છે. સાંગાઈ હરણ મણિપુરનું રાજ્ય પ્રાણી છે. એ હરણની વસતી આ તળાવ પર આવેલા ઘાસના જંગલમાં જોવા મળે છે.

6. ચાંદીપુર, ઓડિશા

બીચ કે દરિયાકિનારાનું નામ આવતાની સાથે જ આપણા મનમાં માત્ર ગોવાનો વિચાર આવે છે. ત્યારે આજે એક એવા બીચ વિશે વાત કરવી છે કે જે રોચક તો છે જ પરંતુ સાથે એક અજાયબી પણ છે. ઓડિશાનો ચાંદીપુર બીચ દેખાવમાં તો સામાન્ય બીચ જેવો જ લાગે છે, પરંતુ અહીંની ખાસ વાત એ છે કે અચાનક દરિયાનું પાણી પાંચ કિલોમીટર સુધી અંદર જતું રહે છે. એટલે કે પાણી અંદર ગયા બાદ તમે દરિયામાં પાંચ કિમી સુધી જઇ શક છો. આ ખાસિયતના કારણે આ બીચને હાઇડ અનેડ સીક બીચ પણ કહેવામાં આવે છે.

7. અમરનાથ ગુફા, જમ્મુ કાશ્મીર

અમરનાથ ગુફા ભારતના પવિત્ર ધાર્મિક સ્થાનોમાંથી એક છે. આ ગુફામાં બરફ વડે શિવલિંગ બને છે, જેની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જ ગુફામાં ભગવાન શંકરે માતા પાર્વતીને અમર થવાનું રહસ્ય જણાવ્યું હતું. આ ગુફાની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે શિવલંગ જે બરફમાંથી બને છે તે બરફ બનવા માટે પાણીનો સ્ત્રોત શું છે તે આજ સુધી જાણી શકાયું નથી.
સાહસ, ધર્મ અને હિમાલયના સૌંદર્ય એ ત્રણેયનો સંગમ બર્ફાની બાબા તરીકે ઓળખાતા અમરનાથની યાત્રામાં થાય છે. કાશ્મીરમાં શ્રીનગરથી દોઢસો કિલોમીટર દૂર પહાડી ગુફા પર દર વર્ષે બરફનું શિવલિંગ સ્વયંભૂ રીતે સર્જાય છે. એ શિવજીના દર્શન કરવા માટે દેશભરમાંથી ભક્તો આવે છે. સમગ્ર વિસ્તાર સરહદી છે અને 2017માં આતંકી હુમલો થયો હતો એટલે હવે સુરક્ષાના ધારા-ધોરણો વધારે કડક કરી દેવાયા છે. 51 શક્તિપીઠ પૈકીનું એક મંદિર પણ આ ગણાય છે. ગુફા 19 મીટર ઊંડી, 16 મીટર પહોળી અને 11 મીટર ઊંચી છે. ત્યાં દસથી પંદર ફીટ ઊંચુ બરફનું શિવલિંગ સર્જાય છે.

8. ગંડિકોટા, આંધ્ર પ્રદેશ

ગંડિકોટા આંધ્ર પ્રદેશમાં આવેલું છે. ગંડિકોટામાં ઘણા બધા ખંડેરો અને કિલ્લા આવેલા છે. જો કે ગંડિકોટા પોતાના ખંડેરો અને કિલ્લાના લીધે એટલું પ્રસિદ્ધ નથી જેટલું પ્રાકૃતિક સૌંદર્યના કારણે છે. ગંડિકોટાનો કૈન્યાન ભારતની પ્રાકૃતિક અજાયબીમાંથી એક છે. અહીં નદીએ પર્વતમાળાને એવી રીતે કોતરી છે કે બંને તરફ ઉંચા પહાડો અને વચમાં નીચે નદી. આ પહાડીઓ પરથી નીચે વહેતી નદીને જોવી અને નીચે ઉતરવું ઘણું રોમાંચક હોય છે.

9. સંધન વેલી, મહારાષ્ટ્ર

સામાન્ય રીતે ઝરણા અથવા તો નદીઓ પહાડ પરથી નીચે જમીન તરફ વહેતી હોય છે. તેવામાં જો કોઇ ઝરણું પહાડ પરથી નીચે જમીન પર પડવાના બદલે ઉપરની તરફ જવા લાગે તો તેને પ્રાકૃતિક અજાયબી ના કહી શકાય? આવી અજાયબી તમને મહારાષ્ટ્રની સંધન વેલીમાં જોવા મળશે. જ્યાં ચોમાસા દરમિયાન પહાડ પરથી નીચે પડતું ઝરણાનું પાણી જોરદાર પવનના કારણે ઉપરની દિશામાં જવા લાગે છે. એટલે કે જોવામાં એવું લાગે કે પાણી નીચેથી ઉપર જઇ રહ્યું છે, જાણે કે ઉંધો ધોધ.

10. ધ ગ્રેટ બનિયાન ટ્રી, કોલકાતા

દુનિયાનું સૌથી વિશાળ વૃક્ષ ભારતમાં છે. આ વૃક્ષ એકલું જ નાના જંગલ જેવું નજર આવે છે. આ એક વડલો છે, જેને ધ ગ્રેટ બનિયાન ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જે કોલકાતાના હાવડામાં આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડનમાં આવેલું છે. આ વૃક્ષ પ્રકૃતિની કરામતનું ઉત્તમ ઉદાહરણ છે. 1787માં આ ગાર્ડન બન્યો હતો અને તે સમયે આ વૃક્ષની ઉંમર 15થી 20 વર્ષ જેટલી હતી. આજે લગભગ ચાર એકડમાં ફેલાયેલા આ વૃક્ષની વિશાળતાના કારણે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં આવે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *