બૂક સ્ટોર પર ગોઠવાયેલા ઘણા મેગેઝિનો વચ્ચેથી તમને સફારી તરત મળી આવે છે? જો હા, તો તેના બે કારણો હોઈ શકે. એક તો તમારી આંખો સફારી જ શોધી રહી છે અને બીજું સફારીના કવર આકર્ષક અને અનોખા હોય છે, એટલે શોધવાનું પ્રમાણમાં સરળ રહે છે. પણ કવર એમ જ અનોખુ નથી બનતું.
સફારીના 35 વર્ષ – ભાગ 3 (ભાગ 2 વાંચવા માટે http://rakhdeteraja.com/?p=329)
બદલાતા સમય સાથે સફારીના કવર સતત બદલાતા રહ્યાં છે. જેમ કે શરૃઆતમાં કવર પર એક જ ચિત્ર રહેતું. પહેલા અંકમાં રોબોટ જ હતો ને. એ પછી ચિત્રો-રેખાચિત્રોની ભીડભાડ વધવા માંડી. અંદર સમાવેલા વિષયોના ફોટોગ્રાફ્સ પ્રતિનિધિ તરીકે કવર પર હાજર રહેતા હતાં. જોકે ફોર અ ચેન્જ અંક ૪૯ના કવર પર કાજિયા પક્ષીના ફોટાને બદલે એસ.એમ.ફરીદે બનાવેલું ચિત્ર મૂક્યુ હતું.
મન્નુ શેખચલ્લી તરીકે હાસ્ય કોલમ લખતાં લલિત લાડ ડિઝાઈનર પણ છે. તેનો પરિચય અંક નંબર ૫૦માં મળે છે. સફારીના એ અંકનું કવર તેમણે તૈયાર કર્યુ છે અને તેમની ક્રેડિટ પણ તંત્રી લેખ નીચે અપાઈ છે. બીજા કેટલાક અંકોમાં પણ તેમને ક્રેડિટ અપાઈ છે. પછી તો સંપાદકે ખુદ જ કવરની સજ્જા હાથમાં લીધી એટલે સફારીના મુખપૃષ્ઠની ડિઝાઈનમાં હર્ષલ પુષ્કર્ણાનું નામ આવે છે. જોકે આજે ડિઝાઈન લખાય છે પણ એક સમયે ‘મુખપૃષ્ઠ આયોજન’ એમ લખાઈને આવતું હતું!
સફારીના કવર પર એક મુદ્દા પર ધ્યાન આપ્યું છે? એ મુદ્દો એટલે ખુદ સફારી શબ્દની લખાવટ. જે રીતે સફારી શબ્દ લખાયો છે એ નાવિન્યપૂર્ણ જ છે ને! સંભવત એમાં ક્યારેય ફેરફાર થયો નથી, હા તેનો કલર બદલાતો રહ્યો છે, પણ મરોડ એમ જ રહ્યાં છે. એ મરોડદાર ત્રણ અક્ષરો હકીકતે પી.રમણ નામના કોઈ કળાકાર-ચિત્રકારે તૈયાર કર્યા છે. એક સમયે સફારીમાં ઈનામી કોયડા સ્પર્ધા હેઠળ રંગીન પોસ્ટરો અપાતાં હતાં. એ પોસ્ટરો પણ રમણ તૈયાર કરતાં હોવાની નોંધ ૭૨માં અંકના સંપાદકિયમાં મળે છે. ‘સ્કોપ’ના અંકોમાં તો તેમની ક્રેડિટ પણ વાંચી છે. હવે સફારીનું પહેલું અને છેલ્લુ કવર અત્યંત આકર્ષક હોય છે, એટલે હાથમાં લેવાનો અનોખો રોમાંચ અનુભવી શકાય છે.
બદલાતા સમય સાથે સફારીમા અંદર લખાણમાં વપરાતા ફોન્ટ (ટાઈપ) પણ બદલાતા રહ્યાં છે. કોઈ પણ છપાયેલા લખાણના ફોન્ટ જો આકર્ષક ન હોય તો વાંચવાની એટલી બધી મજા આવતી નથી. બે લીટી વચ્ચે જગ્યા રાખવી, બે શબ્દો વચ્ચે જગ્યા રાખવી, શબ્દ-વાક્યને ઓછી જગ્યામાં સમાવવું કે કોઈ ચોક્કસ ભાગ બોલ્ડ કરવો.. એ બધી ટાઈપોગ્રાફી-પેજ સેટિંગની કામગીરી છે. દરેક અખબાર-સામયિકે તેના પર ધ્યાન આપવું જ પડે છે. કેમ કે હવે જમાનો માત્ર સળંગ લખાણનો નથી રહ્યો. લખાણ પણ આકર્ષક રીતે રજૂ થવું જોઈએ.
હવે તો સફારીનું કવર ફેરવીએ ત્યાં જ સંપાદકના પત્રની ઉપર મહિનો-વર્ષ લખેલું જોવા મળે છે. પણ એવોય સમય હતો જ્યારે સફારીના આખેઆખા અંકમાં ક્યાંય મહિનો કે વર્ષનો ઉલ્લેખ હોય જ નહીં. એટલે હવે એવો અંક હાથમાં આવે તો એ અંક ક્યા સમયગાળાનો છે એ નક્કી કરી શકાતું નથી. એવા અંકો યુનિવર્સલ કહી શકાય કેમ કે કોઈ પણ સમયે હાથમાં લઈએ, ક્યારનો અંક છે, એ જાણી શકાશે નહીં. પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવીને સફારીના પાનાં ફેરવે અને પોતાનો વિશેનો એકાદ લેખ જુએ તો પણ એ સમજી નહીં શકે કે આ ક્યારે લખાયું છે! જોકે અંક નંબર આઠમાં નોંધ છે કે અંક ઓગસ્ટ ૧૯૮૬માં (એટલે કે પહેલો અંક પ્રગટ થયાના છ વર્ષ પછી) પ્રગટ થયો હતો.
‘આ પત્ર સફારીને મળે..’ એમ લખી લખીને મેં સફારીને ઘણા પોસ્ટકાર્ડ લખ્યા છે (હવે મેઈલ કરુ છું). અને એટલે જ એક સમયે સરનામું મોઢે થઈ ગયુ હતું. જૂનાગઢથી અમદાવાદ આવ્યો અને પહેલી વખત સફારીની ઓફિસે પહોંચ્યો ત્યારે સરનામાં લખેલા દરેક દિશા નિર્દેશકો (કોર બાયોટેક…, આનંદ મંગલ..) વગેરે વાંચીને શરીરમાં ઝણઝણાટી થતી હતી. ઘણા વર્ષો સુધી યથાવત રહ્યા પછી હવે સફારીનું સરનામું બદલાયું છે. વચ્ચેના સમયગાળામાં કેટલાક અંકોમાં બીજા સરનામા છે, જેમ કે એક સરનામું ભદ્રનું હતું, તો વળી પાલડીનું બીજું સરનામુ પણ હતુ. સફારીનો ફોન નંબર પણ જૂન ૨૦૦૭ના ૧૫૮મા અંકથી બદલાયો હોવાની નોંધ જોવા મળે છે.
વાંચીને દરેક વખતે વાત ન પણ સમજાય. તો? તો પછી ડાયાગ્રામ-ગ્રાફિક-નકશાથી એ વાત સમજવી રહી. ગુજરાતી મિડિયામાં સફારી જેટલો ડાયાગ્રામ-નકશાનો ઉપયોગ બીજા કોઈ પ્રકાશનમાં જોવા મળ્યો નથી. ડાયાગ્રામ શબ્દ પણ મેં પહેલી વખત સફારીમાં જ વાંચ્યો હતો. ફોટોગ્રાફ્સ અને તેની ક્વોલિટી પર પણ સફારી પુરતો ભાર આપે છે.
શરૃઆતી અંકોમાં ‘નેશનલ જ્યોગ્રાફિક’ની જેમ જ આખુ પાનું ભરીને ફોટા છપાતાં હતાં. જેમ કે કોઈ એક શરૃઆતી અંકમાં ક્રિકેટર વિવિયન રિચાર્ડનો આખા પાનાંનો ફોટો છે. પછીના અંકોમાં એક પાનાનાં ફોટા બંધ થઈ ગયા હતાં. પણ કેટલાક અંકોમાં બે પાનાં ફેલાય એવડા અડધા પાનાંની સાઈઝના ફોટા છાપ્યા છે. જેમ કે અંક નંબર ૧૭૮માં હાથીના ટોળાનો ફોટો. એવો જ બે પાનામાં અડધી કાઠી સુધી ફેલાયોલો ફોટો ચિત્તાનો હતો, અંક ૧૮૩માં.