સફારીની શરૃઆત પહેલા ‘તંત્રીના પત્ર’થી થતી હતી, હવે ‘સંપાદકના પત્ર’થી થાય છે. એ પત્ર પાછળની કથા..
સફારીના 35 વર્ષ – ભાગ 2
(પહેલો ભાગ વાંચવા માટે http://rakhdeteraja.com/?p=320)
સફારીના વાચકો કવરથી માંડીને છેલ્લા કવર પર લખેલો સફારીનો આરએનઆઈ નંબર શુદ્ધાં વાંચી નાખે છે. એટલે તંત્રીનો પત્ર બાકાત રહે એવું તો શક્ય જ નથી. અંક નંબર ૭૬ સુધી ‘તંત્રીનો પત્ર’ આવતો હતો અને એ પછીથી ‘સંપાદકનો પત્ર’ આવે છે. એ પત્રમાં ઘણું કરીને કોઈ મુદ્દાની વૈચારીક છણાવટ થતી હોય છે. પણ શરૃઆતના અંકોમાં એવુ ન હતું. શરૃઆતના અંકોમાં તંત્રીનો પત્ર જાણકારી આપવાનું કામ કરતો હતો અને તંત્રીના પત્રનું કદ ખાસ્સુ નાનું રહેતું. પત્રની બાજુમાં કે ઉપર સફારીના આગલા અંકનું કવર પેજ છાપવામાં આવતુ હતું (હવે એ પત્ર વિભાગમાં આવે છે).
તંત્રીના પત્રમાં સફારીની કોયડા સ્પર્ધાના ઈનામો, સફારીના વાચકોની વિવિધ જીજ્ઞાસાઓના ખુલાસા, સફારીની વિવિધ સ્કીમોની જાણકારી આપવામાં આવતી. સફારીના વાચકોની કાયમી ફરિયાદ રહેતી-રહે છે કે સફારીનો નવો અંક મેળવવા એક મહિનો રાહ જોવાતી નથી. તેના જવાબો પણ વારંવાર તંત્રીના પત્રમાં આપવામાં આવ્યા છે. શરૃઆતમાં તંત્રીના પત્રમાં એવા પણ ખુલાસા કરવા પડયાં હતાં કે સફારીમાં અપાતી માહિતી તદ્દન સાચી છે (અંક ૨૩) માટે અચરજ અનુભવો, અવિશ્વાસ નહીં!
અંક નંબર ૬૫નો પત્ર વિશિષ્ટ હતો. કેમ કે તેમાં તંત્રીએ લખ્યુ હતું કે ખુદ સફારી પાસે શરૃઆતના ૧થી ૯ નંબરના અંકો નથી. તો કોઈ વાચકો પાસે હોય તો આપવા મહેરબાની કરે.
પછી કોઈ વાચકોએ આપ્યા પણ હશે. સફારી માટે એ સમસ્યા જોકે નવી ન હતી. સાર્થક જલસોમાં છપાયેલા ઈન્ટર્વ્યૂમાં નગેન્દ્ર દાદાએ કહ્યું છેઃ ‘સ્કોપના પહેલા દસ અંકોની કિંમત રૃપિયા ૪૦ આસપાસ થાય, પણ અમારે એ બ્લેકમાંથી રૃપિયા ૫૫૦ ચૂકવીને ખરીદવા પડયાં હતાં!’
સંપાદકનો પત્ર શરૃ થયા પછી સંપાદકે સફારીના તંત્રી અંગે પ્રસંગોપાત લખાણ રજૂ કરીને વાચકોને થોડો-ઘણો પરિચય કરાવ્યો છે. જેમ કે સવાસોના અંકના સંપાદકના પત્રમાં લખ્યુ છે, ‘વાચકો અને તંત્રી બે પાયા પર સફારીનું સામ્રાજ્ય ઉભું છે.’
નગેન્દ્ર વિજય નાગરિક સન્માન કાર્યક્રમની નોંધ કરતાં લખ્યુ છેઃ ‘આજીવન શિષ્યભાવ ધરાવતા નગેન્દ્ર વિજય ગુરુ તરીકે મળ્યાં એ મારુ સદ્નસીબ છે. વાચકોને મારે એટલું જ કહેવાનું કે તમારામાં રહેલા શિષ્યભાવને ઓળખો અને તેને બહાર લાવો. એક વખત તે બહાર આવે પછી કોઈ વિષય અઘરો કે અસ્પૃશ્ય રહેશે નહિં.’ (અંક નંબર ૧૩૧)
સંપાદકનો પત્ર અંક નંબર ૧૪૬માં એક પાનાંથી આગળ વધીને બીજા પાના સુધી પહોંચ્યો હતો. પત્રમાં નર્મદા પરના સરદાર સરોવર બંધ અને તે અંગેના ફાલતુ વિવાદની વાત હતી. પછીના અંકનો સંપાદકનો પત્ર પણ એ રીતે લાંબો જ હતો. ૧૭૪મા અંકનો સંપાદકનો પત્ર તો પુરા પોણા બે પાનાંનો હતો. તેમાં સંપાદકે ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ સિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ’ના પુસ્તકોમાં છપાયેલા ભારતના ઈતિહાસના જુઠ્ઠાણાઓ વિશે વિગતવાર વાત કરી હતી.
નગેન્દ્ર વિજય પત્રકારત્વમાં ૧૯૫૮ના ડિસેમ્બરમાં સક્રિય થયા હતાં. એ હિસાબે અત્યારે તેઓ પત્રકારત્વનું 60મું વર્ષ ખેડી રહ્યાં છે. ૫૦ વર્ષ પુરા થયા ત્યારે અભિનંદન સાથેની નોંધ (અંક ૧૭૬-જાન્યુઆરી ૨૦૦૯) સંપાદકના પત્રની નીચે હતી. ૧૭૮મા (માર્ચ ૨૦૦૯) અંકનો સંપાદકનો પત્ર તો ઓર વિશિષ્ટ છે. કેમ કે તેમાં વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દીની નોંધ છે.
૧૯૦૯માં જન્મેલા વિજયગુપ્ત મૌર્યનો ટૂંકો પરિચય તેમાં રજૂ કરાયો છે. છેલ્લા પેરેગ્રાફમાં સંપાદકે ખુલાસો કર્યો હતો કે વિજયગુપ્ત મૌર્ય સંપાદકના દાદા થાય. પિતા-પુત્ર-દાદા-પૌત્રનો એ સબંધ સ્વાભાવિક રીતે સફારીના ઘણાખરા વાચકો માટે અજાણ્યો હતો. એટલે પછીના અંકમાં વાચકોએ પત્રમાં વિજયગુપ્ત મૌર્ય જન્મ શતાબ્દી અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો.
અપૂર્વ ભટ્ટ નામના એક વાચકે તો બહુ સરસ રીતે લખ્યુ હતું, ‘સંપાદકે પોતાની સાચી ઓળખ આપવામાં ૧૭૮ અંકો જેટલી વાર લગાડી.’ પછીના
અંકમાં (૧૮૦) શેરખાનની જાહેરાત હતી. જેમાં એક લાઈન મહત્ત્વની હતી કે વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ નિમિત્તે નગેન્દ્ર વિજયના હસ્તાક્ષરવાળી શેરખાનની પ્રત મેળવવા સંપર્ક કરો! પછી તો મુંબઈમાં વિજયગુપ્ત દાદાને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ પણ યોજાયો હતો.
શતાંકમાં સૌથી લાંબો સંપાદકનો પત્ર હતો. ત્રણેક પાનામાં ફેલાયેલો. સફારી શા મટે શરૃ થયુ તેનો જવાબ પણ તેમાં હતો. તંત્રીના પત્ર બંધ થયા પછી તંત્રીને જે કહેવું હોય એ આમ તો એમના લેખમાં કહેવાઈ જાય છે. પણ જરૃર પડયે અલગથી નોંધ પણ મૂકી છે. જેમ કે ૨૫૦માં અંકમાં રૃવાડાં ઉભા કરતી સેલ્યુલર જેલની કથાના અંતે નગેન્દ્ર દાદાએ લખ્યુ છે, ‘મને અનેક ફિલ્મો જેયા પછી સૌથી વધારે ગમેલી ફિલ્મ છે, સજા-એ-કાલાપાણી.’ સ્વાભાવિક રીતે સફારીના અનેક વાચકોએ અંક પછી એ ફિલ્મ શોધીને જોઈ હતી અને જોઈ હોય એમણે ફરી જોઈ હતી.