સફારી વિશે લેખમાળા-ભાગ-1

એક વખત એવું બન્યું કે… જ્યારે 5 વર્ષમાં 16 વખત ફેરફાર પામીને ‘સફારી’ ગુજરાતી ભાષાનું ટ્રેન્ડસેટર મેગેઝિન બન્યું!

 

હું સફારીનો વાચક છું, ચાહક છું. એટલે 2016માં સફારીના 35 વર્ષ પુરાં થયા ત્યારે મને સફારી વિશેની એક સિરિઝ લખવાનું મન થયુ હતું. ત્યારે લખાયેલી આ સિરિઝ છે. એ વખતે ક્રમબદ્ધ રીતે લખાયેલા બધા ભાગ અહીં રજૂ કર્યા છે…

સફારીના 35 વર્ષ – ભાગ 1

1981માં આવેલો સફારીનો પ્રથમ અંક

એક વખત એવું બન્યું કે ગુજરાતના ઘણા બુક સ્ટોર પર એક સાથે નવું મેગેઝિન ડિસ્પ્લેમાં મૂકાયુ. ગુજરાતમાં એ વખતે ઘણા મેગેઝિનો હતાં, માટે નવાં મેગેઝિનની કોઈ નવાઈ ન હતી.

છતાં પણ મેગેઝિનની વાંચન સામગ્રી વિશિષ્ટ હતી. કલ્પનાકથાઓને બદલે જ્ઞાન-વિજ્ઞાન પર તેમાં વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. કિંમત તો માત્ર ત્રણ જ રૃપિયા હતી, પણ તોય એ વખતના ગુજરાતી વાચકોને એ કિંમત માફક આવવાની ન હતી. એ મેગેઝિનનું નામ ‘સફારી’.


‘કુમાર’, ‘અખંડ આનંદ’, ‘નવનિત સમર્પણ’, ‘અભિયાન’, ‘ચિત્રલેખા’ જેવા મેગેઝિનો હતાં. તો વળી કલ્પનાકથા કહેતાં ‘ચંપક’, ‘ચાંદામામા’, ‘નિરંજન’ જેવા સામયિકોનો પણ પાર ન હતો. એ બધા વચ્ચે ‘સફારી’ની શી જરૃર પડી? તેનો જવાબ ‘સફારી’ના શતાંકના સંપાદકના પત્રમાંથી મળી રહે છે. –‘હર્ષલ પબ્લિકેશન’નું ‘સ્કોપ’ ત્યારે વંચાતુ હતુ. ખૂબ વંચાતુ હતું. પણ તેમાં વિજ્ઞાનના ભારેખમ વિષયોને વધારે મહત્ત્વ મળતુ હતું. સ્વાભાવિક રીતે જ વિજ્ઞાન ગમે તેવી સરળ ભાષામાં લખાયુ હોય તો પણ બાળકોને સીધો તેમાં રસ પડે નહીં. એ માટે બાળાકર્ષણો ઉભા કરવા પડે. નગેન્દ્ર દાદા એ વાત બરાબર સમજી ગયા અને એટલે જ એમણે જેમાં વિજ્ઞાન પણ હોય અને વિજ્ઞાન સુધી દોરી જતાં બાળકોને આકર્ષક લાગે એવા વિષયો પણ હોય એવુ મેગેઝિન વિચાર્યુ. અને એમાંથી જનમ્યુ આપણું સૌનું લાકડવાયુ ‘સફારી’ જે હવે ૩૫ વર્ષની સફર પૂરી કરી ચૂક્યુ છે.

સફારીના પહેલો અંક આજે અત્યંત દૂર્લભ છે, માટે વર્ષો પછી 2017માં સફારી દ્વારા જ ફરીથી તેના પ્રગટ કરવામાં આવ્યો છે. છતાં પણ 1981નો અસલ અંક આસાનીથી જોવા મળતો નથી. અંક નંબર ૧નો મુખ્ય લેખ (સફારીની ભાષામાં ફ્લેગશિપ) રોબોટ અંગેનો હતો. પાનાં ખાસ્સા ૮૦ હતાં, એટલે કે રિડિંગ મટિરિયલ ખાસ્સુ હતું.

પહેલા અંકના તંત્રીના પત્રમાં જ તંત્રીએ સ્પષ્ટતા કરી હતીઃ ‘

આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૃ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજા-રાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળા નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલા સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાન-વિજ્ઞાનની સફરે લઈ જશે–અને એટલે જ તેનું નામ સફારી છે.

દુનિયામાં એટલી બધી અજાયબીઓ છે કે તેમના વિશે જાણીએ તો ચકિત્ થઈ જઈએ. એક જમાનામાં એ બધુ જાણવા માટે હ્યુએન ત્સાંગ, માર્કો પોલો, રોબર્ટ પિઅરી, કોલમ્બસ વગેરે જિજ્ઞાસુ સાહસિકો નીકળી પડયા હતાં. કોઈ પગપાળા

2017માં ફરીથી પ્રગટ થયેલો પ્રથમ અંક નવા સ્વરૃપે.

નીકળ્યા, તો કોઈ વહાણોના સઢ પલાણીને મધદરિયે હંકાર્યા.

 

આજે માનવીએ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે સાહસો ખેડવાની જરૃર નથી અને ‘સફારી’ના વાચકોએ તો આરામ ખુરશીમાંથી પણ ઊભા થવાની જરૃર નથી, કારણ કે મહિનામાં બે વખત સફારી તેમને આરામ ખુરશીમાં બેઠા બેઠા જ જ્ઞાન-વિજ્ઞાનની સફર કરાવશે અને અવનવી માહિતીઓનો ખજાનો તેમની સામે હાજર કરી દેશે. કોઈ માહિતી ભૂગોળ વિશે, તો કોઈ ઇતિહાસ વિશે, કોઈ સમુદ્ર વિશે, તો કોઈ અવકાશ વિશે, કોઈ પ્રાણી વિશે, તો કોઈ વનસ્પતિ વિશે.’

એ વખતે વાંચીને વાચકોને એટલુ જરૃર સમજાયુ હશે કે આ સામયિક જરા નોખી ભાતનું છે. અને એટલે જ આગળ જતાં ટ્રેન્ડ સેટર સાબિત થવાનુ હતું. આજની જેમ વળી ત્યારે એ સામયિક માસિક ન હતું. એટલે જો વાચકોએ ત્યારે જ સ્વીકારી લીધું હોત તો સફારીના વાચકોને એક મહિનો સુધી રાહ જોવી પડે છે એ સ્થિતિ નિવારી શકાઈ હોત!

સફારી નામની આજે તો નવાઈ નથી, પણ ત્યારે હતી. પી.રમણ નામના ચિત્રકારે દોરેલું એ એ નામ પસંદ કરવા પાછળનો ખુલાસો વર્ષો પછી નગેન્દ્રદાદાએ કોઈ એક તંત્રીના પત્રમાં કર્યો હતો. એ પ્રમાણે સફરે લઈ જાય એવુ સામયિક એટલે સફારી. સફારી પ્રકારનો પોષાક પણ સફારી શબ્દ સાથે સબંધ ધરાવે છે, એ વાત નગેન્દ્રદાદાનો ઉર્વીશ કોઠારીએ લીધેલો (અને ‘સાર્થક જલસો’માં છપાયેલો) ઈન્ટર્વ્યૂ વાંચ્યો હશે એ સૌ કોઈ સમજી શકશે.


તો પહેલો અંક માર્કેટમાં આવ્યો.. પછીના પખવાડિયે બીજો આવ્યો, ત્રીજો અને ચોથો પણ આવ્યો. વધુ પાનાં, વધુ વાંચન અને સમૃદ્ધ વાંચન ધરાવતુ સફારી ગુજરાતી વાચકોને ખાસ માફક આવ્યુ નહીં. હા થોડાક વાચકોએ સફારીની ખૂબ સરાહના કરી. પણ એ થોડાક વાચકો એટલા ઓછા હતાં કે સફારીનું અર્થતંત્ર ‘બ્રેકઈવન પોઈન્ટ’ની રેખા આંબે એ પહેલાં અટવાઈ પડતુ હતું.

તંત્રીએ એ સંજોગોમાં ‘સ્કોપ’ના પ્રકાશન પર પણ વિપરિત અસર ન થાય એ હેતુથી સફારીનું પ્રકાશ એ વખતે અટકાવી દીધું, વેકેશન આવશે ત્યારે પ્રકાશિત કરીશું, એવો વિચાર પણ રિઝર્વ રાખ્યો. પણ સફારી દ્વારા કક્ષાત્મક વાંચન ગુજરાતી વાચકોને આપવાની ગાંઠ સફારીના તંત્રીએ મનમાં વાળી લીધી હતી. એટલે ફરી સફારીનો અંક નંબર ૫ પ્રગટ થયો. એ પછી નંબર ૬ પણ આવ્યો. પણ તેની સામગ્રી કે કવર કશુંય આપણી પાસે નથી. એ અંકો જોકે થોડા-ઘણા ચાલ્યા. ખાસ તો વાચકોમાં તેનો ઈન્તઝાર વધ્યો અને સફારીને પણ સફર ચાલુ રાખવાનું પ્રોત્સાહન મળ્યું. પરંતુ અર્થતંત્ર ફરીથી અવળી કાઠીએ બેસતુ હતું. અંક નંબર ૬ પછી સફારીનું પ્રોડક્શન સ્ટોપ પ્રેસ થયું.

જુલાઈ ૧૯૮૬માં ફરીથી (પ્રથમ અંકના ૬ વર્ષે) સફારીએ ગુજરાતભરના બૂક સ્ટોરમાં હાજરી નોંધાવી. એ અંકમાં જ તંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે મેગેઝિન અઠવાડિયે કે પખવાડિયે નહીં, દર મહિને પ્રગટ થશે. સફારીના લાંબા આયુષ્ય માટે એ નિર્ણય આવશ્યક હતો. વર્ષો પહેલા માર્કેટિંક ભણી ચૂકેલા તંત્રી પાસે વાચકો આકર્ષાય એ માટે એકથી એક ચડિયાતી સ્કીમો હતી.

સાતમા અંકમાં વાચકોને વિમાન જાતે બનાવી શકાય એ માટે આખુ પુસ્તક આપવામાં આવ્યુ હતું (પુસ્તક બે ભાગમાં હતું, બીજો ભાગ અંક નંબર ૮ સાથે હતો). યાદ રહે કે નાની ઊંમરથી જ ટકોરાબંધ વાંચન તરફ બાળકો વળે એ સફારીનો ઉદ્દેશ હતો, બાકી મોટી ઊંમરના વાચકો માટે તો ‘સ્કોપ’ હતું જ ને! અને નાની ઊંમરના વાચકો એટલે બાળકો તો જ સફારી તરફ આકર્ષાયેલા રહે જો તેમને દર અંકે જ્ઞાન સાથે કશુક મનોરંજન મળતુ રહે. એટલા માટે આવી સ્કીમો આપવી જરૃરી હતી. અલબત્ત, એક વખત સફારી વાંચી લીધા પછી વાચકો માટે બીજુ બધુ ગૌણ બની જતું હતું, એ અલગ વાત છે. પણ એક વખત બાળકોના હાથમાં સફારી પહોંચાડવુ રહ્યું.

સાતમા અંકના કવર પર પણ મુખ્ય આકર્ષણ તરીકે મોડેલ વિમાન જ છાપવામાં આવ્યુ હતું. અંકમાં અનુક્રમ હતો અને અંદર તો નદી પર બંધ બાંધતુ બીવર, સૌથી મોટુ ઈંડુ વગેરે જેવા અનેક લેખો હતા. અંકની કિંમત જોકે માત્ર પાંચ જ રૃપિયા હતી. સફારીના પહેલા જ અંકથી શરૃ થયેલા ગેલ-ગમ્મત-ગપસપ વિભાગમાં વાચકો ટૂચકા લખી મોકલી શકતા હતાં. અને જે અંકની કિંમત પાંચ રૃપિયા હતી તેની તંત્રી નોંધમાં તંત્રીએ લખ્યુ હતું કે ટૂચકા લખી મોકલનાર વાચકને છપાયેલા દરેક ટૂચકાદીઠ સફારી દસ રૃપિયાનો પુરસ્કાર આપશે. એટલે કે કોઈ વાચક એક સારો ટૂચકો પણ મોકલી શકે તો તેને સફારીના બે અંકો જેટલી આવક થઈ જાય. પાછળથી સફારીએ ટૂચકા માટે વળતર વધારીને ૨૫ રૃપિયા કર્યુ હતું અને ત્યારે સફારીની કિંમત ક્યાંય ઓછી હતી. વાચકોને સતત સમૃદ્ધ વાંચન આપતા રહેવાની સફારીની પ્રતિબદ્ધતા આ વાત પરથી સમજી શકાય એમ છે.

મહિના પછી ઓગસ્ટ, ૧૯૮૬માં સફારીનો આઠમો અંક પ્રગટ થયો. એ અંકમાં ચિત્રવાર્તા આપવાની શરૃઆત થઈ હતી. ‘ટીમ ટાઈલર’ના પરાક્રમોએ ધૂમ મચાવી એટલે સફારીનું વેચાણ ઊંચકાયુ. સાતમા તથા આઠમા અંકના ઠીકઠીક વેચાણને કારણે નવમો અને દસમો અંક પણ નીકળ્યો. ત્યાં વળી કાગળના ભાવમાં વધારો થયો અને સફારીનું અર્થતંત્ર ફરી બ્રેકઈવન રેખાએ આવતા આવતા ઊંડી ડૂબકી મારી દૂર નીકળી ગયું. કાગળના ભાવમાં જરા સરખો વધારો કોઈ પણ પ્રકાશનના અર્થતંત્રના ચક્રો રાતોરાત અવળા ફેરવવા સક્ષમ હોય છે. કેમ કે સામયિક કે અખબાર છાપવા માટે ટનબંધ કાગળ જોઈએ, એમાં જરા સરખો ભાવ વધારો આવે ત્યાં ટનના હિસાબે વપરાતા કાગળના બીલમાં હજારો લાખોનો ફરક પડવા માંડે.

ગુજારાતી ભાષામાં વિજ્ઞાન લેખનના ભીષ્મપિતામહ… નગેન્દ્રદાદા.

સફારીએ ફરી પ્રોડક્શન બંધ કર્યુ, પણ તંત્રીના મનમાં ગણતરી સ્પષ્ટ હતીઃ ‘આજે ભલે બંધ થયું, કાલે તો ફરી શરૃ થઈ શકશે ને?’ વાચકો સફારી જેવા વાંચનથી વિમુખ થાય એવી તંત્રીની જરા પણ ઈચ્છા ન હતી, પણ સંજોગો સામે બાંયો ચડાવાનો કોઈ મતલબ ન હતો.

૧૯૯૨ના મે મહિનામાં સફારીનું ફરી પ્રાગટય થયું. અંક નંબર અગિયાર, કિંમત રૃપિયા છે. વિવિધ લેખો સાથે તેમાં એક બોર્ડ ગેમ પણ હતી. સફારીનો એ અંક સારો વેચાયો અને એટલે જ બારમા અંકનો ગર્ભ બંધાયો. સાથે સાથે સફારીના કાર્યાલયમાં નવા સભ્યનો ઉમેરો થયો. એ સભ્ય હર્ષલ પુષ્કર્ણા આજે સફારીના સંપાદક છે, નગેન્દ્ર વિજયના પુત્ર છે, વિજયગુપ્ત મૌર્યનના પૌત્ર છે અને ખાસ તો સફારીના જ્ઞાન વારસાની પરંપરાનો એ નવો સુર્યોદય હતો.

સફારીનું તંત્ર વ્યવસ્થિત ગોઠવાયું અને આખરે પહેલો અંક નીકળ્યાના બાર વર્ષ પછી સફારીને લવાજમ મળ્યું. વડોદરાના કોઈ પ્રવીણ બી. પટેલ સફારીના પહેલા લવાજમ ભરનાર બન્યાં. એ વખતે લવાજમ ૧૦૦ રૃપિયા હતું. પણ સફારીને એ એ ૧૦૦ રૃપિયા મેળવવા માટે બાર બાર ચોમાસા સુધી રાહ જોવી પડી હતી.

માહિતી લેખ લખવા માટે જો સત્તાવાર માહિતી મેળવવી હોય, સંશોધનમાં ઊંડા ઉતરવું હોય, વાચકોને સમજાય એવું લખવાનો આગ્રહ રાખવો હોય તો એ માટે મહેનત તો બહુ કરવી જ પડે, પણ ખર્ચોય કરવો પડે. સફારીએ હંમેશા એ કર્યુ છે. સાર્થક પ્રકાશની સ્થાપના વખતે સ્ટેજ પરથી બોલતી વખતે સફારીના તંત્રી નગેન્દ્ર દાદાએ વાત બહુ ચોટદાર શબ્દોમાં કહી હતી.

હાથમાં એક કાગળ રાખીને નગેન્દ્ર વિજય બોલ્યા હતાં.. ‘અમે પુસ્તકો મંગાવીએ એના ખર્ચા બહુ મોંઘા હોય છે. જેમ કે મારા હાથમાં જે બીલ છે, એ એક પુસ્તકનું છે અને તેની કિંમત ૬૫ હજાર કરતાં વધારે (એક પુસ્તકની જ) છે. એ અમારી (સફારીની) મજબૂરી છે અને એ જ અમારી મજબૂતી છે (બાય ધ વે એ પુસ્તક યુદ્ધજહાજોના જ્ઞાનકોષનો એક ભાગ હતો)’!

નોંધવા જેવી વાત એ કે સફારીને મળતું દરેક લવાજમ ખરેખર તો વાચકનું રોકાણ છે. કેમ કે સફારી પાસે જેવી મૂડી એકઠી થાય કે તુરંત સફારી તેનો ઉપયોગ વાચકોના હીતમાં કરે. જેમ કે અંક નંબર ૩૧-૩૨થી વેચાણ વધ્યુ અને આવક થઈ તો તેનો ઉપયોગ કરી સફારીના કવર ગ્લોસી પેપર પર છાપવાનું નક્કી કર્યું. તેનાથી આકર્ષકતા સાથે સફારીનું ટકાઉપણુ પણ વધી જતું હતું. અને સફારીના વાચકો માટે સફારીમાં પિરસાતા જ્ઞાન સાથે સફારીનું ટકાઉપણુ પણ એટલું જ મહત્ત્વનું પાસું છે.

જ્ઞાનની વાતો.. નગેન્દ્ર દાદા સાથે

પછી તો સફારીમાં નવાં નવાં વિભાગો આવ્યા, વિવિધ લેખમાળાઓ આવી, એકથી એક ચડિયાતા લેખો આવ્યા અને વાચકોને દર અંકે ચિત્ત કરી દેવાની પરંપરા શરૃ રહી. દરમિયાન કાળક્રમે સમય સાથે સાવધાની વર્તીને સફારીએ પોતાના કલેવરમાં ૧૬ વખત ફેરફાર કર્યો છે અને એટલે જ ૩૫ વર્ષ વટાવી 37 સુધી પહોંચી શકાયુ છે. હવે સફારી ગુજરાતી ભાષાનું ‘ટ્રેન્ડ સેટર’ મેગેઝિન બની ગયું છે, તેની કોઈ ના નહીં કહી શકે. એટલે જ ૨૦૦મા અંકમાં ફરી વખત તંત્રી અને સંપાદકે સફારીને ટકાવી રાખનારા ગુજરાતી વાચકોનો આભાર માન્યો હતો.

એ બધી વાતો અહીં વિગતવાર એક પછી એક હપ્તામાં કરવાની જ છે.  કેમ કે સફારીના ૩૫ વર્ષ થાય એ ગુજરાતી ભાષાની એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને શકવર્તી ઘટના છે.

waeaknzw

Gujarati Travel writer.

7 thoughts on “સફારી વિશે લેખમાળા-ભાગ-1

  1. TODAY I START READ YOUR SAFARI MAGAZINE SERIES.

    ARE YOU PUBLISH THIS SERIES IN BOOK?

    IF YES THEN PLEASE GIVE ME BOOK NAME, I WANT TO PURCHASE IT.

    THANK YOU VERY MUCH FOR YOUR ARTICLE.

    MAULIK, KAVITA AND DHRUV PATEL
    JAMNAGAR
    JAMNAGAR

    1. ના, તેનું કોઈ પુસ્તક નથી કર્યું. એ સિરિઝ માત્ર વેબ-બ્લોગ માટે જ લખી હતી. ત્યાં જ વાંચી શકો છો. બીજાને વંચાવવી હોય તો બ્લોગની લિંક મોકલી શકો છો. ધન્યવાદ.

      1. RESPECTED SIR,
        RECEIVE YOUR REPLAY.
        THANK YOU VERY MUCH.
        I START READ SAFARI MAGAZINE SERIES FROM YOUR WEBSITE.
        THANK YOU VERY MUCH FOR YOUR SERIES BUT SORRY 🙏 TO SAY I DON’T LIKE READ ON ONLINE. I AM HABIT TO READ PRINTED BOOKS AND MAGAZINE.

        IF POSSIBLE PLEASE SEND ME PDF FORMET OF THIS SAFARI SERIES. IF POSSIBLE.. IF NOT POSSIBLE THEN O. K. I READ ONLINE.
        OTHERWISE GIVE ME SUGGESTION HOW I PRINT ALL ARTICLES FROM YOUR
        WEBSITE.
        SORRY FOR DISTURB YOU.
        THANK YOU VERY MUCH
        MAULIK M PATEL
        JAMNAGAR

          1. સફારી મેગેઝીન pdf નીચે આપેલા મેઈલ એડ્રેસ પર મોકલવા મહેરબાની કરશોજી

    1. પ્રકાશક પાસે કદાચ હોય તો હોય. એના પ્રકાશક કોણ છે એ જોઈને જણાવીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *