કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથા ગુજરાતના નાથની વાત અગાઉ કરી (આ રહી લિન્ક) હવે છેલ્લા ભાગ રાજાધિરાજની કથા કરીએ..
– આમ્રભટની આંખો અજાયબીમાં ફાટી ગઈ. આ સ્ત્રી નહોતી, પણ દેવાંગના હતી. તે લાગતી હતી ત્રીશેક વર્ષની, પણ નાગની ફણા સમા કેશની ભવ્યતાથી તે અંગુઠાઓમાંથી નીકળતી કમલની દાંડી સમી પગની આંગળીઓ સુધી તે બિચારા આમ્રભટને તો અપૂર્વ ને અદ્ભૂત લાગી. દરેક અંગમાં લાલિત્ય હતું, દરેક રેખામાં આકર્ષણ હતું. તેની આંખોમાં મેનકાનો મદ હતો ને ઋષિવરોનાં મન લોભાવવાની મોહકતા હતી.
– વેદધ્વનીને બદલે ઘોડાના હણહણાટ સંભળાયા ને વાગોળતી ગાયોને બદલે ચપચપ ચાલતા રાજપુરુષો નજરે ચડ્યા.
– પહેલાં તેનું જીવન ભાંગ ને બ્રહ્મભોજન એ બે વચ્ચે સરખે ભાગે વહેંચાઈ રહેતું.
– આ વંટોળિયા જેવા તોફાની ને કાળા ભમ્મર જેવા મામાના ડરથી દૂર જતાં છોકરીએ કહ્યું.
– તો સમજવું કે પાટણમાંથી મુત્સદ્દીપણું પરવાર્યું છે.
– એક શ્રાવકશ્રેષ્ઠના દીકરાને છાજે એવો તિરસ્કાર જ તેને બ્રાહ્મણો તરફ હતો.
– આ છોકરી ઘરડી ડોસીની ઉસ્તાદીથી બોલતી હતી.
– બાપુ! બધી જુવાન સ્ત્રીઓ રૃપાળી લાગે, ને બધી રૃપાળી સ્ત્રીઓ જુવાન દેખાય.
– તેજપાલ ડોસાની બાડી આંખ હેમચંદ્રથી આંબડ ન આંબડથી હેમચંદ્ર તરફ ફર્યા કરી.
– પણ જ્યારે પોતે કાકને પકડી શકવાને ભાગ્યશાળી થયો એમ માની વાગ્ભટ મલકાતો હતો ત્યારે કાક મારતે ઘોડે જૂનાગઢ તરફ જતો હતો.
– તેને તરત જ જયદેવ મહારાજે વશ કરેલા બાબરા ભૂતની દંતકથાનું સ્મરણ થયું. તેણે એ ભૂતની વાત ખોટી જ માની હતી. પણ અત્યારે તો જાણે તે સાચી જ છે તેવો પુરાવો મળતો હોય એમ તેને લાગ્યું.
– ‘હા’, કાકે નજર ચૂકવી નીચે જોયું. ‘મને મારી રીતે મરવું ગમે છે. હવે આપની શી આજ્ઞા છે?’
– ‘પરમાર!’ રાણીએ જરા પણ ઉકળ્યા વગર ડામ દીધો, ‘તમે મહારાણીઓની ઝડતી લેવાની ચાકરી કરો છો?’
– જયદેવના મગજમાં ઘણોય પવન હતો, પણ મુંજાલ મહેતા આગળ તે બાળક જ બની રહેતો. વિચક્ષણ મંત્રી રાજાને નાનમ ન લાગે તેથી બધુ ધ્યાનમાં રાખતા છતાં વાનપ્રસ્થ બની રહેતા, અને જયદેવ આ ઉદારતા સમજતો.
– ‘તમારો દીકરો લાટ ગયો છે તેમ જરા ત્યાં જઈ તમે પણ થોડુંઘણું શીખી આવો.’ જયસિંહદેવે કટાક્ષમાં કહ્યું.
– જગદેવના અંતરમાં બળવાનો જુસ્સો કૂદી રહ્યો હતો. લીલાદેવી, કાક ને મુંજાલ એમ ત્રણ જણે એને આજે પગની રજ જેવો ગણ્યો હતો.
– ‘પરમાર!’ જે અવાજે પાટણનાં અરિદળ ધ્રૂજતાં તે અવાજે ગાજ્યો – તેમાં પ્રભાવ હતો, ગર્વ હતો ને ન ઝિલાય એવી શાંત સત્તા હતી.
– તેને મન બહારની દુનિયાનો હિસાબ નહોતો. તેના અંતરની દુનિયામાં પહેલા તે પોતે હતી, પછી પોતાના મોજશોખ હતા, પછી વસ્ત્રાભૂષણ હતાં, ને પછી તેનો ‘મહેતો’ એટલે કે શોભ મંત્રી હતો. પોતાની જાતના મધ્યબિંદુથી તેના મહેતા સુધીની ત્રિજ્યા ખેંચી જે વર્તૂલ તે બનાવતી તેમાં સ્વર્ગ, મૃત્યુ ને પાતાલ – આ ભવ ને પેલો ભવ – સમાઈ જતા.
– પરશુરામની કાળી ઘોડી આખા સોરઠમાં વિખ્યાત હતી અને તે જાનવરને પ્રતાપે દંડનાયક દુર્જય હતો એમ સૈનિકોમાં વહેમ હતો.
– કર્ણદેવ સોલંકીના પુત્રને કલેડાં જેવા રોટલા જોઈ કમકમાં આવ્યા. પણ તેને ખેમાની સલાહ વાજબી લાગી. એટલે છાનામાના એક કકડો લઈ તેણે મહામહેનતે ગળે ઉતાર્યો.
– કોણ જાણે કેમ પણ તેને મંજરી ન સમજાય એવી લાગી. તેણે ઘરરખું ગૃહિણીઓ જોઈ હતી, દળણું દળી પતિને પોષનારી સતીઓ જોઈ હતી, મજૂરી કરી છોકરાં ઉછેરનારી માતાઓ જોઈ હતી, તેણે પતિવિરહથી પીડાતી વધૂઓ જોઈ હતી અને શાસ્ત્રની અભ્યાસી સાધ્વીઓ પણ જોઈ હતી. પણ તેણે આવી સ્ત્રી જોઈ નહોતી.
– રાણકદેવી સોરઠીઓને મન રાણી નહોતી, તેમ સ્ત્રીયે નહોતી. તેને તે સદી અને માતા માનતા.
– મામાને ત્યાં પંદર વર્ષ રહી તેને પૈસે મોજમજા કરી આવો બદલો આપનારા પણ માણસો દુનિયામાં વસે છે ખરાં!
– કઈ સ્ત્રી જિદ્દી નથી હોતી? જયસિંહદેવે પોતાનું જ્ઞાન દર્શાવ્યું.
– લાટમાં પરમેશ્વરની માફક પૂજાતા હતા તે ત્રિભુવનપાલ દંડનાયક અહીંયા હિસાબમાં નહોતા.
– ‘મારુ નામ ભાવ.’ છોકરાએ આત્મશ્રદ્ધાથી કહ્યું. રાજાએ બહુ ધ્યાન આપ્યું નહીં. તેને એ નામ ભવિષ્યમાં કેટલે વર્ષે ને કેવી રીતે અથડાશે તેની ખબર નહોતી.
– પ્રણયની વાટ જોવી તેનાથી વધારે હૃદયભેદક અનુભવ એક પણ નથી.
– કાયરને જીવન ને મૃત્યુ હોય, વીરને તો એક કીર્તિ જ હોય.
– જૂનાગઢમાં મરી ગયેલો મનાતો ભૃગુકચ્છનો દુર્ગપાલ અગ્નિ વર્ષતી આંખોથી બધાને ડારતો ઊતરી આવતો હતો.
– તે દિવસે રાજાવલિવિરાજિત બર્બરકજિષ્ણુ, પરમભટ્ટારક, મહારાજાધિરાજ જયસિંહદેવ વર્મા નિરધારેલા મહોત્સવ માટે ભૃગુકચ્છ પધાર્યા હતા.
પ્રકાશક
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
(079)22144663, 22149660